(કાવ્યાએ શશાંક સાથે મળીને વ્હાઈટ ડવ હોસ્પિટલમાં થતી આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયત્નો શરૂ કર્યા છે. જે અંગ્રેજ પાસેથી હોસ્પિટલની જમીન ખરીદીદેલી એ અંગ્રેજની એના પરિવાર સહિતની એક તસવીર હોસ્પિટલમાં હતી જે સિસ્ટર માર્થા એના ઘરે લઈ ગઈ છે, આ ઉપરાંત સિસ્ટર માર્થા સીધી રીતે હોસપિટલમાં થતી આત્મહત્યા સાથે જોડાયેલી છે એવું કાવ્યા સપનામાં જુએ છે. કાવ્યા સિસ્ટર માર્થાના ઘરે જવા તૈયાર થાય છે…..)

વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં વિલ્સન હિલની તળેટીમાં થોડે અંદરની બાજુએ વ્હાઈટ ડવ હોસ્પિટલ આવેલી હતી. વિલ્સન હીલ પર માર્થાનું ઘર આવેલું હતું. કાવ્યાની સાથે સિસ્ટર માર્થા શશાંકની ખુલ્લી જીપમાં બેસીને વિલ્સન હીલ પર ચઢાણ કરી રહ્યાં

હતા. ચારે બાજુ વિશાળ વૃક્ષો અને લીલી વનરાજી આંખોને ઠંડક આપતી હતી. હાલ બપોર હતી છતાં વાતાવરણમાં થોડું થોડું ધુમ્મસ દેખાતું હતું. ઘીચ ઝાડીઓ વચ્ચે ધોળા દિવસેય અંધકાર છવાયેલો હતો.

“આગળના વણાંક ઉપર વાળી લેજો ડૉક્ટર” માર્થાએ કહ્યું, “બસ, અહીંથી આગળ આપણે થોડું ચાલવું પડશે.”

“સરસ. મને ગમશે.”  કાવ્યા ભૂસકો મારીને જીપમાંથી નીચે ઉતરતા બોલી, એના ઘાટા લાલ રંગના ઘેરદાર સ્કર્ટ અને સફેદ નેટની જાળીદાર ટીશર્ટમાં એ ખૂબ સુંદર લાગતી હતી. ભૂસકો મારતાજ એનું સ્કર્ટ થોડું ઉડ્યું, એણે બંને હાથે ઢીચણ પાસે એને પકડી રાખાતા કહ્યું, “વાહ! કેટલી સુંદર જગા છે, સિસ્ટર! ચોમાસામાં તો અહીં ચારે બાજુ નાના નાના ઝરણાં ફૂટી નીકળતા હશે, હૈં!”

“હા સાથે સાથે જીવાત અને સાપ પણ ફૂટી નીકળે!”  સિસ્ટર માર્થા જાણે કાવ્યાને ડરાવતી હોય એમ બોલી.

એક સાંકડી પગદંડી પર ચાલીને બધા ઉપર ગયા. ત્યાં એક થોડી પહોળી ચટ્ટાન પર એક નાનકડું ઘર ઉભુ હતું. વાંસની ડાળીઓનો મહત્તમ ઉપયોગ કરીને બનાવેલું એ ઘર ખૂબ સુંદર દેખાતું હતું. એ જ માર્થાનું ઘર હતું. દરવાજે ફક્ત હડો મારેલો હતો. માર્થાએ ખોલ્યું અને ત્રણેય અંદર પ્રવેશ્યા.

“વાહ! ખૂબ સુંદર નજારો છે!”  કાવ્યાએ બારી માંથી નજર બહાર ફેંકી કહ્યું. “પણ, સિસ્ટર આટલે દૂર, એકલા આવી જગાએ રહેતા તમને ભય નથી લાગતો?”

“ભય! શેનો ભય?” માર્થા સહેજ હસીને બોલી

“કોઈ ગુંડા, જંગલી પ્રાણી?” કાવ્યાએ માર્થાના ચહેરા પર નજર રાખીને પૂછ્યું હતું.

માર્થા એક ખુરશી ખેંચીને ત્યાં પડેલી બીજી બે ખુરશી પાસે લઈ આવી. “બેસ. આપણે શાંતિથી વાતો કરીએ!”  એક ખુરશી પર એ પોતે બેસી અને બીજી ઉપર કાવ્યાને બેસવાનો ઈશારો કર્યો.

“એક્ષક્યુસ મી લેડીઝ! મારે વોશ રૂમ જવું પડશે. તમે લોકો બેસો હું શોધી લઈશ.”  આટલું કહીને શશાંક બાથરૂમ શોધવાને બહાને આખા ઘરમાં ફરી વળ્યો. એક બેડરૂમ, હોલ, કિચન અને નાનકડી ગેલેરી વાળું એ એક નાનું પણ સુંદર મકાન હતું.

કાવ્યાએ ખુરશી પર બેઠક લીધી પણ એની આંખો દીવાલ પર ફરી રહી. ક્યાંય કોઈ તસવીર ન દેખાઈ.

“શું શોધે છે કાવ્યા? જે હોય એ સીધું કહી દે આ ચૂહા બિલ્લીની રમત મને પસંદ નથી.”  માર્થાએ ગંભીરતાથી કહ્યું.

“મને પણ!”  કાવ્યા હસી, “મારે જે અંગ્રેજ પાસેથી હોસ્પિટલ માટેની જગ્યા ખરીદેલી એ અંગ્રેજનો ફોટો જોવો છે. ”

“કેમ? આઈ મીન તારે એની શી જરૂર પડી?”

“સપના! મારા સપનામાં મેં એને જોયો છે. મારી બેન દિવ્યાની મોત વખતે એની બાજુમાં એક અંગ્રેજ ઊભો હતો! મારે જાણવું છે એ કોણ હતો. વ્હાઈટ ડવની જગાએ પહેલા કોઈ અંગ્રેજની કોઠી હતી. એના વિશે થોડીક જાણકારી છે મને જો તમે થોડું વધારે જણાવી શકો તો…”

કાવ્યાએ વાક્ય અધૂરું છોડી માર્થાની આંખોમાં આંખો પરોવી.

“ઓલ રાઇટ!”  માર્થા એની જગાએથી ઊભી થઈ અને ટેબલના એક ખાનામાંથી એક ફ્રેમમાં જડેલો ફોટો લઈ આવી. એ ન્યૂઝપેપરમાં લપેટેલો હતો. માર્થાએ હળવેથી એના ઉપરના આવરણ દૂર કર્યા અને તસવીર કાવ્યા સમક્ષ મૂકી.

કાવ્યાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ. તસવીરમાં દેખાતો માણસ એ પેલો સપનામાં જોયેલો અંગ્રેજ જ હતો. એ એની પત્ની સાથે ઊભો હતો. એમની આગળ એમની બે દીકરીઓ ઊભી હતી. એની બાજુમાં એક સ્ત્રી એના નાના દીકરા સાથે ઊભી હતી. બધાના ચહેરા સ્મિતથી ભરેલા હતા. એ સ્ત્રી તરફ કાવ્યા જોઈ રહી…

“ક્યાંક જોઈ હોય એવું લાગે છેને?” કાવ્યાના મનોભાવ પામી જઈને માર્થાએ કહ્યું, કાવ્યાએ ફોટા પરથી નજર હટાવી સિસ્ટર માર્થા સામે નજર માંડી.

“એ મારી ગ્રેની, મારી દાદી છે! મારા જેવી જ દેખાય છે! એના નામ ઉપરથી જ મારું નામ પાડ્યું હતું, મારા ડેડીએ.”  ફોટામાં રહેલા નાના છોકરા ઉપર આંગળી મૂકી માર્થા બોલી.

“બીજું કાંઈ પૂછવાનું છે? માર્થા સાવ નિર્દોષ હોય કઈંજ જાણતી ન હોય એમ બોલતી હતી. જો કાવ્યાએ એને સપનામાં ના જોઈ હોત તો એ ક્યારેય એના ઉપર શંકા ન કરત.

“દિવ્યાના મોત વિશે તમે શું જાણો છો સિસ્ટર?” કાવ્યાએ સીધો ધડાકો કર્યો. માર્થાના કરચલીવાળા, ઘરડાં ચહેરા પર સહેજ ગુસ્સાની લકીર ફરકીને ગાયબ થઈ ગઈ. એજ વખતે શશાંક આવીને ખુરશી ખેંચીને ત્યાં બેઠો હતો. આ બે ત્રણ પળના સમયમાં માર્થા પાછી એક ઠરેલ નર્સના સ્વાંગમાં આવી ગઈ હતી.

“દિવ્યાનું મોત એક અકસ્માત હતો. એ એની મમ્મીને બહું મિસ કરતી હતી. તને પણ. એમાજ એ બિમાર પડી ગયેલી. તાવતો ઉતરી જતો દવાથી પણ એ ડિપ્રેશનમાં હોય એવું ડૉક્ટર રોયને લાગતું હતું. એમનો તો આખો દિવસ હોસ્પિટલમાં પસાર થઈ જતો. દિવ્યાની સંભાળ રાખવા અને એને થોડો સમય આપી શકાય એટલે જ એમણે એને હોસ્પિટલમાં એડમીટ કરેલી. એક દિવસ મેં એના માટે ફ્રૂટસ કટ કરીને મૂકેલા. ડીશમાંથી ચપ્પુ લેવાનું હું ભૂલી ગયેલી અને એણે એ જ ચપ્પુથી એના હાથની નસ કાપી નાખેલી. મને મારી એ ભૂલનો જિંદગીભર અફસોસ રહ્યો છે! ડૉક્ટર રોયે ભલે મને માફ કરી દીધી પણ, હું મારી જાતને દોશી માનું છુ!” માર્થાએ આંખના ખૂણે આવી ગયેલા આંસુ લૂછતાં કહ્યું. કાવ્યાને થયું કે આને બેસ્ટ એક્ટ્રેસનું ઇનામ મળવું જોઈએ. કેટલી સિફતથી જૂઠ બોલે છે!

“ડૉક્ટર રોય ક્યાં છે?” કાવ્યાએ એનો સવાલ બદલ્યો.

“મને એમના વિશે સાચેજ કંઈ ખબર નથી. જાણતી હોત તો જરૂર કહી દેત. ”

“કેટલું જુઠ્ઠું બોલીશ?” કાવ્યાએ એનો હાથ જોરથી ખુરશીના હાથા પર પછાડ્યો. એનું લાખનું બનેલું બ્રેસ્લેટ તૂટીને નીચે પડી ગયું.

“કામ ડાઉન કાવ્યા!”  શશાંકે કાવ્યાનો હાથ પકડી એને શાંતિથી કામ લેવા ઈશારો કર્યો. “આ જુઠ્ઠું બોલે છે, શશાંક!”  કાવ્યાનો અવાજ ગુસ્સાથી તરડાઈ ગયો. એ આખી કાંપી રહી હતી.

માર્થા જાણે કંઇજ ના બન્યું હોય એમ નીચે બેસીને તૂટેલા બ્રેસ્લેટના ટુકડાં એક એક વીણી રહી. બધા ટુકડા ભેગા કરીને એણે ત્યાં ખૂણામાં પડેલી નાની ડોલમાં નાખ્યા. અને હળવેથી એક નર્સરી કવિતા ગાવા લાગી,

“રિંગા, રિંગા રોઝીઝ, પોકેટ ફૂલ ઓફ પોઝિઝ

હિસ્સા, હુસ્સા વી અોલ ફોલ ડાઉન…”

“આ કવિતા દિવ્યાને બહું ગમતી. એ મરી રહી હતી ત્યારે પણ એ આજ કવિતા ગાઈ રહી હતી. મારા સર એના આત્માની શાંતિ માટે પ્રેયર કરી રહ્યા હતા… ડૉક્ટર રોય છેલ્લી ઘડીએ હિંમત હારી ગયા અને રડી પડ્યા હતા.” એક લુચ્ચા સ્મિત સાથે માર્થા નગ્ન સત્ય કહી રહી હતી. કાવ્યાએ આવુ જ એના સપનામાં જોયેલું. પેલી કવિતા પણ સાંભળેલી, કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા.

“તું ઈચ્છત તો એને બચાવી શકત. પણ, તે એને મરવા દીધી.”  કાવ્યાએ માર્થા પાસે જઈને એના હાથ પકડી કહ્યું, “શા માટે?”

“મેં એને નથી મરવા દીધી. ડૉક્ટર રોયે એને મારી છે. એમની દીકરીનું એમણે બલિદાન આપ્યું હતું અને ફક્ત દિવ્યા જ નહિ એ દરેક સ્ત્રી જેણે વ્હાઈટ ડવમાં આત્મહત્યા કરી છે એ બધીની મોત પાછળ ડૉક્ટર રોય જ જવાબદાર છે. એમણે આવું કેમ કર્યું એતો એજ જાણે. એમના સંશોધન માટે એમને મગજની જરૂર હતી. માણસના મગજની! એ ક્યાંથી મળે? સમજાય છે કંઈ! કદાચ પકડાઈ જવાના ભયથી જ એ ક્યાંક ચાલ્યા ગયા છે.”  કાવ્યા સ્તબ્ધ થઈ ઊભી રહી ગઈ.

માર્થાએ કાવ્યાના માથા પર હાથ ફેરવ્યો. “જે થવાનું હતું એ થઈ ગયું, માય ચાઈલ્ડ! એ બધું ભૂલી જા. જૂની વાતો ઉખેળવાથી સિવાય બદનામી કંઈ નહિ મળે!”

“બલિદાન! શેના માટે બલિદાન!” કાવ્યાને ઢીલી પડેલી જોતા શશાંકે પૂછ્યું.

“માનવ જગતનું કલ્યાણ કરવા માટેનું બલિદાન. એમને કદાચ કોઈ બાળકીના મગજની જરૂર હશે!”  માર્થાના ચહેરા પર પાછું લુચ્ચું સ્મિત છવાઈ ગયું હતું. એની આંખોની ચમક કહેતી હતી કે એ જૂઠું બોલે છે.

“સિસ્ટર તમે કહ્યું કે દિવ્યા જ્યારે મરી રહી હતી ત્યારે તારા સર એના માટે પ્રેયર કરી રહ્યા હતા! કોણ છે એ સર? એ વખતે એ ત્યાં શું

કરતાં હતાં?” શશાંકે ફરી સવાલ કર્યો.

“મારા સર પ્રેયર કરી રહ્યા હતા! ખરેખર હું આમ બોલી હતી?” માર્થાએ એના ચહેરા પર આશ્ચર્યના ભાવ  લાવીને કહ્યું, “ઉંમર થઈ હવે. ઘણું ખરું હું શું બોલી એ મને જ યાદ નથી રહેતું.”

“તમારા સર એટલે ક્યાંક જ્યોર્જ વિલ્સનતો નહીં?” શશાંકે નામ ઉપર ભાર આપીને કહ્યું.

“વૉટ નોનસેન્સ! એ ત્યાં ક્યાંથી હોય શકે! કેટલા વરસ પહેલા એ આ દુનિયામાં હયાત હતા એનો તો વિચાર કરો ડૉક્ટર!”

“વિચાર કરીને જ કહું છું સિસ્ટર. ઉંમરના બંધન શરીરને નડે આત્માને નહિ! ”

માર્થા જાણે કોઈ મોટી જોક સાંભળી હોય એમ હો..હો…કરતી હસી પડી…,” તમારી આ વાર્તાઓ કાવ્યા બેબીને સંભળાવજો. મારે હોસ્પિટલ જવાનો સમય થઈ ગયો.”

કાવ્યા અને શશાંક બંને ચૂપચાપ ઊભા થઈ બહાર નીકળી ગયા. એમના ધાર્યા કરતાં માર્થા ઘણી વધારે હોંશિયાર હતી…

માર્થાને હોસ્પિટલે ઉતારી કાવ્યા સાથે શશાંક એકલો પડ્યો ત્યારે એણે ફરીથી પૂજારીને મળવાની વાત કહી. શશાંકને પણ આ વાત યોગ્ય લાગી. આમેય મંદિર હોસ્પિટલની નજીકમાં જ હતું. બંને થોડીજ વારમાં પૂજારી પાસે પહોંચી ગયા. પૂજારીને અત્યાર સુધીની તમામ વાત જણાવી પછી પુજારીએ કહ્યું,

“એ દિવસે તમે ગયા પછી મેં ફરીથી કેટલાક માણસો સાથે પૂછતાછ કરેલી. એ મુજબ જ્યોર્જ ખૂબ જ દુઃખી થઈને એના કુટુંબના હત્યારાઓને શોધી રહ્યો હતો. ગામવાળાએ સહકાર આપ્યો થોડો ઘણો પણ એ વખતે માહોલ જ એવો હતો કે લોકો અંગ્રેજની મદદ કરવા જાતભાઈને ખતરામાં ન  મૂકે. જે ગુનેગાર હતા એ આહવા બાજુ ક્યાંક એમના સગાને ત્યાં ભાગી ગયેલા એવી બાતમી મળતાં જ જ્યોર્જ ત્યાં ઉપડી ગયેલો. એની સાથે એ વખતે એમની આયાના નાના છોકરા સિવાય કોઈ ન હતું. એ છોકરો જ એ ગુનેગારોને ઓળખતો હતો. આહવાના કોઈ નાના ગામમાં પેલા લોકોને ખબર પડી ગયેલી કે અંગ્રેજ એમને શોધતો છેક આહવા સુંધી આવી ગયો છે, ત્યારે એ લોકોએ અંગ્રેજને માર મારી આહવાની આસપાસના જંગલોમાં ફેંકી દીધેલો. એ પછી એ અંગ્રેજ ક્યારેય જોવા નથી મળ્યો. એ ઘટનાના થોડાં સમય બાદ પેલા બંને યુવાનોના મોત થઈ ગયેલાં. એકનું ત્યાં આહવામાં અને બીજાનું અહીં આ જ ગામમાં. લોકો કહે છે કે એનું આખું શરીર રાતોરાત સડી ગયેલું! એમાં જીવાત પડી ગયેલી. એની આંખોના ડોળામાં લાંબી ઇયળો ફરતી સૌને દેખાતી. એનું એક એક અંગ સડીને ખરી પડેલું. એક અઠવાડિયા સુધી તડપ્યા બાદ એ મરેલો. ”

“એક જણાના કહેવા મુજબ મરતી વખતે એ વારે વારે કોઈની માફી માંગતો હતો. કરગરતો હતો.”  પુજારીજી એકસાથે આટલું બોલીને થોડીવાર અટક્યા હતાં.

“આટલું જાણ્યા બાદ પાછા હતા ત્યાં ને ત્યાં આવી ગયાં. જો એ અંગ્રેજે એનો બદલો લઈ લીધો હોય તો એની મુક્તિ થઈ જવી જોઈએ. હવે એ બીજા નિર્દોષ માણસોને શું કરવા પરેશાન કરે છે!”  કાવ્યા હતાશ થઇ બોલી ગઈ.

એજ સમયે હવાનું એક જોરદાર ઝાપટું આવ્યું. એ ઝાપટાએ એક નિર્દોષનો ભોગ લીધો. મંદિરના પરિસરમાં એક નાનકડું પંખી ઘાયલ થઈ આવી પડ્યું હતું. આકાશમાં અચાનક વાદળાં ઘેરાઈ આવેલા અને જોરજોરથી વીજળી ચમકવા લાગી. આખું વાતાવરણ અનાયાસ જ એક ડર પેદા કરે એવું થઈ ગયું…

“કોઈ પણ બુરી આત્માનું નામ લેવાથી એની શક્તિ વધે છે. કોઈ હવે એ વિશે વાત નહી કરે.”  શશાંકે ઘાયલ પંખીને ઉઠાવીને કહ્યું,

“પુજારીજી તમે તમારી વાત પેપરમાં લખીને રાખજો સવારે આવીને હું એ લઈ જઈશ. આત્માઓ પેપરમાં લખેલું વાંચી નથી શકતી.”

“વાહ! આ બધું તમે કેમ કરતાં જાણ્યું!” પુજારીએ પંખીને પોતાના હાથમાં લેતાં કહ્યું.

“મેં એ વિષયમાં ખૂબ રીસર્ચ કર્યું છે.”

“આ પંખીને હું સંભાળી લઈશ. માતાજી સૌની રક્ષા કરે! હવે આપ જલદી હવેલી ભેગા થઈ જાઓ. “

“જી.”

કાવ્યા અને શશાંક બંને આવીને ગાડીમાં બેઠા. પહેલાજ સેલમાં ચાલું થઈ જનારી ગાડી આજે ત્રણવાર ચાવી ઘુમાવી છતાં સ્ટાર્ટ ના થઈ. શશાંકે સહેજ હસીને ફરીથી ચાવી ઘુમાવી…

વરસાદનું એક જોરદાર ઝાપટું આવી ગયું. વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી. અંધારામાં ગાડીની હેડલાઈટ સિવાય બીજું કોઈ અજવાળું ન હતું. સાંકડા રસ્તે શશાંક સંભાળીને ગાડી ચલાવી રહ્યો હતો. કાવ્યા મનમાં માતાજીના નામનો જાપ કરતી ચૂપચાપ બેઠી હતી.

“કાવ્યાબેન..”  પાછળથી કોઇની બૂમ આવી. પહેલાં બંનેને એ વહેમ લાગ્યો. ફરીથી એજ બૂમ આવી. કોઈ સ્ત્રીનો અવાજ હતો. શશાંકે બ્રેક પર પગ દબાવ્યો. ગાડી ઊભી રહી કે તરત જ પાછળથી પ્રભુની પત્ની આવી રહેલી દેખાઈ.

“બેન હવેલીએ જાઉં છું. વરસાદ ચાલું થઈ ગયો છે. હું ગાડીમાં બેસી જાઉં.”

ના કહેવાનું કોઈ કારણ ન હતું. આ પ્રભુની પત્ની હતી. જે એમના ઘરે વાસણ ધોવા અને કચરા પોતા કરવા રોજ આવતી હતી. કાવ્યાએ એને પાછળની સીટ પર બેસાડી. ગાડી આગળ ચાલી. થોડીવાર થઈ કે કાવ્યાએ પૂછ્યુ,

“આટલી રાત્રે તું અહીં શું કરતી હતી!”  કાવ્યાએ જવાબ ના મળતા પાછળ નજર કરી…

પાછળ નજર કરતાજ કાવ્યા ભયથી છળી મરી! ત્યાં ગાડીની સીટ પર પ્રભુની પત્નીની જગાએ કોઈ ડરામણી ચુંડેલ કાવ્યા સામે જોઈ હસી રહી હતી. એ ખુબ ભયાનક હતી.એનો આખો ચહેરો કાળો અને કરચલીઓવાળો હતો. એની પીળા રંગની આંખો ઉપસીને બહાર આવી ગયેલી, એની પીળી આંખોમાં લોહી ઉતરી આવ્યું હોય એવી લાલાશ દેખાતી હતી. કાળી કીકી વગરની એ આંખો જોઇને જ ખયાલ આવી જાય કે એ કોઈ માણસની આંખો ન હતી! કથ્થઈ અને કાળા રંગના એના સડેલા દાંત વધારે પડતા મોટા અને મોંમાથી બહાર આવી ગયેલા હતા. સૂકા, કાળાવાળ પવનમાં લહેરાઈ રહેલા. એણે એનો એક હાથ ત્યાં પાછલી સીટમાં બેઠા બેઠા જ લાંબો કર્યો અને એ હાથે આગળ વધીને કાવ્યાનું ગળું પકડી લીધું. કાવ્યા ડરની મારી ચીખી પણ ના શકી…

શશાંકે એક જાટકા સાથે ગજવામાંથી ચપ્પુ નીકાળી એની ચાંપ દાબી અને એ ચુડેલના હાથ પર વાર કર્યો હતો. એનું કાંડું કપાઈ અલગ થઈ ગયું અને એમાંથી લીલા રંગના પ્રવાહીની પિચકારી વછૂટી. શશાંકનું આખું મોં એ ગંધાતા લીલા પ્રવાહીથી ખરડાઈ ગયું. શશાંકે  કપાયેલા પંજાને પકડી એની કાવ્યાની ગળા પરની પકડ છોડાવવા પ્રયત્ન કર્યો. આ બધા સમય દરમિયાન પેલી ચુડેલ પાછલી સીટ પર બેઠી બેઠી જોરજોરથી હસી રહી હતી. કોઈ કાચું પોચું માણસતો એના આ હસવાના અવાજથી જ મરી જાય! ઘણી કોશિશ બાદ શશાંકે એ પંજાની પકડ કાવ્યાના ગળા પરથી છોડાવી અને એ પંજાને દૂર ઝાડીઓમાં ફેંકી દીધો. એ ચુડેલ પણ જાણે પેલો પંજો લેવા જતી હોય એમ જીપમાંથી ઊડીને હસતી હસતી ઝાડીઓ તરફ ગઈ હતી…

આજ તકનો લાભ લઈ શશાંકે ઝડપથી ગાડી ભગાવી મૂકી. કાવ્યા રડી પડી હતી. એ લોકો હવેલીએ પહોંચ્યા ત્યારે નિરાંતનો શ્વાસ લીધો.