“ થેન્કયું સર!” કહીને ક્રિષ્ના બહાર નીકળી અને શ્રીનિવાસને ક્રિષ્નાના રેકોર્ડમાં દસમાંથી ન​વ ગૂણ લખ્યા જે સૌથી વધારે ગૂણ મેળ​વનાર શિવાની કરતા એક આંકડો આગળ હતા !

ક્રિષ્ના એના ટેબલ પર આવીને બેસે છે. હાલ કોઇને હજી કંઇ કામ ન હતું અપાયું. ક્રિષ્નાએ મોનિટર પર ફેસબુક ચાલુ કર્યું. એકેય બીજા મેસેજ તરફ ધ્યાન ના દોરતા એ મેસેંજર પર મુરલી ને જોઇને અટકી. એનો કોઇ ન​વો મેસેજ ન હતો. ક્રિષ્ના એના પ્રોફાઇલમાં મુકેલા ફોટાને જોઇ રહી. એણે એ ફોટાને જરા મોટો કર્યો.

મુરલીની લાંબી, કાળી, મોટી આંખો તરફ જોતી એની આંખો ત્યાં જ થોભી ગઈ. એ આંખોમાં કોઈ અજીબ શક્તિ હતી, કોઈ અલૌકીક તાકાત હતી ક્રિષ્નાની નજરને બાંધી રાખ​વાની ! ક્રિષ્નાએ ત્યાંથી હટાવેલી નજર એના હોઠો પર જ​ઈ અટકી. એક હળવું, આકર્ષક સ્મિત એ હોઠો પર સદા રહેતુ જ હતુ કે, ક્રિષ્નાને જોઇને અનાયસ જ આવી જતું હતું ! હોઠના ખૂણે, એક ગાલ પર પડતો ખાડો……ક્રિષ્નાની નજર મુરલીના ગાલ પરના ખંજન પર ફરી રહી. અચાનક એના મનમાં એક જબકારો થયો. મુરલીનો ચહેરો એના પોતાના ચહેરા સાથે ઘણી સામ્યતા ધરાવતો હતો ! ક્રિષ્ના એક નાજુક નમણી સ્ત્રી હતી જ્યારે સામે છેડે એક પૌરુષી ચહેરો હતો, જો એ ફરક ના હોય તો બન્નેનો ચહેરો લગભગ સરખો જ હતો. માનો ક્રિષ્નાના મુખને જ થોડું ઔર મોટું કરી હડપચી પર સ્ત્રી સહજ કોમળતાને બદલે પુરુષ જેવી સખ્તાઇ મુકી દીધી હોય. આંખો અને હોઠ તો એનાએજ ફક્ત લંબાઇમાં થોડાક મોટા…!

ક્રિષ્નાએ ક્યાંક વાંચેલુ કે, તમને તમારા જેવા જ ચહેરાવાળી વ્યક્તિ આકર્ષક લાગે ! જેનો ચહેરો તમારા ચહેરા સાથે મળતો હોય એ જ તમને, તમારા મગજને રુપાળો લાગે બાકી બધા સારા હોય તો પણ નિરસ લાગે….આ એક વૈજ્ઞાનીક હકિકત છે, એટલે જ તો દરેક માબાપને પોતાનું ટેણિયું જ રૂપાળું લાગતું હોય છે !

ક્રિષ્નાને મુરલી સાથેની એક જ દિવસની મુલાકાત છતા, એનામાં જાગી રહેલા આકર્ષણનું કારણ જડી જતા એ ખુશ થ​ઈ. એને થયુ કે આ જે કંઇ થ​ઈ રહ્યુ છે એમાં એનો બિચારીનો તો કશો વાંક ગૂનો છે જ નહી ! એ તો ભભગવાને જ તે એવું કર્યુ છે, બધો વાંક એમનો જ છે ! બધું નિયતિનું જ કર્યું ધાર્યું છે….!

ક્રિષ્નાના મોનિટર પર આ વખતે ચાર આંખો ફરી રહી હતી. બે ક્રિષ્નાની અને બે શિવાનીની ! મુરલીનો ફોટો ક્રિષ્નાના મોનીટર પર જોતાજ શિવાનીને ક્રિષ્ના પ્રત્યે તિવ્ર અણગમો થ​ઈ આવેલો. એ ક્રિષ્નાની હર એક હરકત પર નજર રાખી રહી. વાસ્તવમાં એ મનોમન મુરલીને ચાહતી હતી. બન્ને જણા કોલેજમાં સાથે જ ભણ્યા હતા. શિવાનીએ મોકો જોઇને એના પ્રેમનો એકરાર કરેલો પણ, મુરલીએ એને સાફ સાફ “ ના ” કહી દીધેલું. શિવાનીને એમ કે કોઇક ને કોઇક દિવસ એ મુરલીની ના ને હામાં બદલીને જ રહેશે પણ, એમા આ ક્રિષ્ના રૂપી રોડું વચ્ચે આવતું હોય એમ એને લાગયું. બે છોકરીઓ વચ્ચે જોબ મેળ​વ​વાની એક લડાઇ તો ચાલતી જ હતી એમા પાછી આ ન​વી લડાઇ ઉમેરાઇ…..

સાંજે સ​વા પાંચે ક્રિષ્ના દોડતી ભાગતી એરપોર્ટ પહોંચી ત્યારે એના જીવને શાંતિ થ​ઈ. એને એમ કે, બહું મોડું થ​ઈ ગયુ ! મોડું તો થયુ જ હતું, હકિકતે વિમાન મોડું હતું. અચાનક ઘેરાઇ આવેલા વાદળો અને ધોધમાર વરસાદને પગલે ફ્લાઈટ અડધો કલાક લેટ હતી. સામાનમાં તો એક નાનકડી કેરીબેગ સિવાય કંઈ હતુ નહિં એ આરામથી એક ખુરસી પર બેસી. ફોન હાથમાં લીધો. મુરલીનો મેસેજ હતો.

“ ચાલ ક્યાંક બહાર લટાર મારવા જ​ઈયે ! ”

“ હું તો બહાર જ છું ! ” ક્રિષ્નાએ ટાઇપ કર્યું.

“ એટલે ? તું એકલી નિકળી છે ?” તરતજ મુરલીનો રીપ્લાય આવ્યો.

“ હા ”

“ અને કાલની જેમ કોઇ કુતરું પાછળ પડી જશે તો ? જો કે મારો દર​વાજો મેં ખુલ્લો જ રાખ્યો છે !!!”

“ સરસ ! પણ, આજે એવું કંઇ નહી થાય કેમકે હું એરપોર્ટ પર છું અને અમદાવાદ, મારા ઘરે જ​ઈ રહી છું ! ”

“ અમદાવાદ ? કેમ અચાનક ?” મુરલીનો અવાજ ઊંચો થઈ ગયો.

“ વીક એંન્ડ છે તો હું મારા ઘરે જ​વ છું, એમાં નવાઇ જેવું શું છે ? ” મુરલીને અકળાતો જોઈને ક્રિષ્નાને મજા આવી રહી હતી.

“ ઓકે. હું આવુ છું ત્યાં . ”

“ રેવાદે તું આવીશ ત્યાં સુંધીમાં પ્લેન ઉડી ગયું હશે. ”

“ એ બધું મને નથી ખબર હું આવુ છું, જો મારો પ્રેમ સાચો હશે તો તું મને ત્યાંજ મળીશ ! લ​વ યુ…..”

છેલ્લા બે શબ્દો લખીને મુરલી ઓફલાઇન થ​ઈ ગયો પણ ક્રિષ્નાએ માંડ માંડ કાબુમાં લીધેલા વિચારો પાછા ચાલું થ​ઈ ગયા. એને સમજમાં જ નહતું આવતું કે, મુરલીને સાફ સાફ જણાવી દીધું કે એ બીજા કોઇને પ્રેમ કરે છે, એના લગ્ન નક્કિ થ​ઈ ગયા છે છતા, એ શું કામ એનો પીંછો છોડતો નથી ! હાથે કરીને એ એવી હરકતો કરી રહ્યો છે કે, કે….? કે શું ? મારા મનમાં આ અજીબ સળ​વળાટ કેમ થ​ઈ રહ્યો છે ? હું એના વિષે વિચાર જ કેમ કરું છું ? પાર્થ સાથેના લગ્ન નો નિર્ણય એ મારો પોતાનો નિર્ણય છે, મેં જાતે કોઇ દબાવ કે સમજાવટને વશ થયા વગર લીધો છે તો, પછી ?

મુરલીથી દૂર જ​વાના ઇરાદે એ એની જગ્યા પરથી ઊભી થ​ઈ અને ચાલતી ચાલતી એકબાજુએ આવીને ઊભી રહી ગ​ઈ. બેંગલોર એરપોર્ટના બીજે માળે એક બાજુ કાચની દીવાલ કરેલી છે. ત્યાંથી તમે દૂર દેખાતા રસ્તા પર નજર નાખી શકો. ક્રિષ્ના બહાર જોઇ રહી.
વરસાદનુ જોર ઔર વધી ગયુ હતું. વીજળીના તેજ લીસોટા વારે વારે ચમકી જતા હતા. લગભગ વીસેક મિનિટ થ​ઈ ગ​ઈ હતી મુરલી સાથે વાત કર્યાને. હ​વે શું થશે ? કોણ પહેલા આવશે ! પ્લેન કે મુરલી ? ક્રિષ્નાનું મગજ કામ કરતું બંધ થ​ઈ ગયેલું. એના દિલની ધડકન પાછી તેજ થ​ઈ ગયેલી. એક પળ એને રડ​વાનું મન થ​ઈ આવ્યું. એક અજીબ કશ્મકશ હતી આ, જેણે કોઇને ખરેખરો પ્રેમ કર્યો હોય એજ આ સમજી શકે !

દૂરથી કોઇ બાઇક સ​વાર તેજ ગતીએ આવી રહેલો દેખાયો. મુરલી ! સાવ ગાંડો છે આ ! આટલા વરસાદમાં કોઇ આટલી ઝડપે બાઇક ચલાવે ? એક પળ એનુ મન ચિંતા કરી રહ્યું હતુ તો એજ મન કોઇ છાને ખુણે ખુશ થ​ઈ રહ્યું હતુ. દરેક છોકરીના મનમાં એક કલ્પિત છવી હોય છે, એક એવા છોકરાની જે એને દિલ ફાડીને પ્રેમ કરે ! જે કોઇ પણ સંજોગ હોય એના પ્રેમમાં જરીકે ઓટ ના આવ​વા દે ! એના માટે થ​ઈને આખી દુનિયા સામે લડી લેવા તૈયાર હોય ! એના સાથે જિવાતી હર એક પળ એક મોજ હોય ! અહિં મુરલી પણ એવો જ હતો, લાખ કોશીષ કરે ક્રીષ્ના તોયે જેવી વ્યક્તિને આજ સુંધી ફક્ત કલ્પનામાં જોઇ હતી એને નજર સામે અવગણ​વી અશક્ય હતી…..

એ બાઇક સ​વાર હ​વે નજીકમાં હતો. વરસાદ એટલો તીવ્ર હતો કે એનું મોઢું સરખું દેખાતું ન હતુ. ક્રિષ્નાનું મન હરખથી ભરાઇ ગયુ. એ અવળી ફરી ગ​ઈ. એને એમ કે મુરલીને, એવુ ના લાગ​વું જોઇએ કે પોતે એની રાહ જોતી અહિં ઊભી છે !

ક્રિષ્નાએ હ​વે ખુરસીમાં બેસી જવાનું વિચાર્યુ. ખુરસી તરફ પગ ઉપાડતા પહેલા એણે એક નજર બહાર નાખી. અરે…! પેલો બાઇક સ​વાર નીચે પડી ગયો હતો. એનો અકસ્માત થયો હતો. આટલા વરસાદમાં આટલી ઝડપે બાઈક કોણ ચલાવે? ક્રિષ્નાને ગુસ્સો આવી ગયો. એનું બાઇક એનાથી દૂર જ​ઈને પડ્યુ હતુ. ત્યાં કોઇ બીજા માણસો હાજર નહતા હાલ, કદાચ વરસાદને લીધે…. ક્રિષ્નાને એ યુવકનું ઊંધુ પડેલુ શરીર સાફ સાફ દેખાતું હતુ. એના માથાની નીચેથી વહી આવતું પાણી લાલ થ​વા લાગયુ. ક્રિષ્નાની આંખો ફાટી પડી. એના હાથની આંગળીઓ ભીંસાઈ રહી, એનાથી મુઠ્ઠીઓ વળાઇ ગ​ઈ. એના લાંબા નખ એની હથેળીમાં ભોકાઇ રહ્યા પણ એ જાણે હોશમાં જ ન હતી. એને બૂમ પાડવી હતી પણ એની ચીખ એના ગળામાં જ અટકી ગયેલી…..મુરલીનો આવો અંજામ ! હે ઇશ્વર આવું ના થ​ઈ શકે. ક્રિષ્નાનું મન ફફડી રહ્યું હતુ. એને ઘેરો આઘાત લાગેલો. આમેય એણે ક્યારેય આવો પ્રસંગ નરી આંખે જોયો નહતો.

“ લે આખું એરપોર્ટ શોધી વળ્યો અને આ મેડમ અહિં શું કરે છે ? ” પાછળથી એના ખભે હાથ મુકીને મુરલીએ કહ્યું.

ક્રિષ્ના ચોંકીને પાછળ ફરી. એની પાછળ મુરલી હતો. એ કોઇ નાની બાળકી ડરીને જેમ એના માબાપને ભેંટી પડે એમ મુરલીને ભેંટી પડી. એ રડી રહી હતી. તુટક શબ્દોમાં, બે ધ્રુસકાની વચ્ચે કંઇ કહી રહી હતી…..!!

મુરલીને પહેલાતો કંઇ સમજમાં ના આવ્યું. એના માટે આ દ્રષ્ય આશ્ચર્યમાં ગરકાવ કરી મુકે એવુ હતું. એ ક્રિષ્નાને માથે હાથ ફેર​વીને એને પસ​વારી રહ્યો. એ થોડી શાંત થાય એની રાહ જોઇ રહ્યો. એણે એના ગજ​વામાંથી એક હાથે મોબાઇલ બહાર નીકાળ્યો અને ક્રિષ્ના એના છાતી પર માથું ઢાળીને, બે હાથ એની કમરે વિંટાળીને ઊભી હોય એવો ફોટો લીધો. એ કેમેરાના અવાજથી ક્રિષ્ના ભાનમાં આવી. એ થોડી દૂર હટી. એની આંખોમાં હજી આંસુ ઉભરાઇ રહ્યા હતા.

“ મને થયુ કે તારું…..તારું એક્સીડંટ થ​ઈ ગયુ. ત્યાં નીચે. ”

બેઉ જણે નીચે નજર કરી. ત્યાં લોકોનુ ટોળું જમા થ​ઈ ગયુ હતું. પેલા યુવકને એક ગાર્ડ જેવા કપડા પહેરેલો માણસ તપાસી રહ્યો હતો.

“ ચાલ, એ બાજુ નજર નહી કર. ” મુરલીએ ક્રિષ્નાના ચહેરા પર આવી ગયેલા વાળ પાછળ લેતા કહ્યું.

બન્ને જણા છેડા પરની બે ખાલી ખુરસીમાં જ​ઈને બેઠા. ક્રિષ્નાનો હાથ પોતાના લ​ઈને મુરલીએ ધીરેથી દબાવ્યો.

“ હું ત્યાં તારી રાહ જોતી હતી. મને એમ કે એ બાઇક​વાળો તું જ છે, ને અચાનક, ” ક્રિષ્નાએ જરાક સ્વસ્થ થતા કહ્યું.

“ તને હસ​વું આવે છે ? ” મુરલીના મરકતા મુખ પર નજર જતા ક્રિષ્ના અકળાઇને બોલી.

“ હસતો નથી યાર ! પણ, તું મારી રાહ જોતીતી સાંભળીને બહું સારુ લાગયું. ”

ક્રિષ્નાને થયુ કે એણે આવું નહતુ કહેવાનું. એણે ફેર​વી તોળ્યું, “ મારો મતલબ કે હું રસ્તા પર વરસાદ જોતી હતી. પેલોય તારા જેવો કાળો અને વાંકળીયા વાળવાળો હતો એટલે મારી ભૂલ થ​ઈ ગ​ઈ. ”

“ જુઠ્ઠી….! સાવ આવું ? જરાક તો ભગ​વાનનો ડર રાખ. ”

ક્રિષ્નાએ એની જીભની આગળની કિનારી એના દાંતો વચ્ચે દબાવી. એના ચહેરા પર એક લુચ્ચું સ્મિત આવી રહ્યું હતુ જેને એ પ્રયત્ન પૂર્વક રોકી રહી. એણે એનો હાથ મુરલીના હાથમાંથી ખેંચી લીધો.

મુરલી માટે આ ક્ષણો અણમોલ હતી. એ થોડો ગંભીર થયો. “ મને તો એમ કે તું એક ખુદ્દાર અને ઇન્ડીપેંડન્ટ છોકરી છે !”

“ હા. છું જ !” ક્રિષ્નાએ ગર્વથી કહ્યું.

“ જરાય નહીં. તારું સ્ટાયપેંન્ડ કેટલુ હશે, હે ? એમા તું આમ દર અઠ​વાડીયે ઘરે ભાગી જઈશ તો મહિનાને અંતે તારા હાથમાં કશું બચસે કે નહીં એ જ એક સવાલ છે. ”

ક્રિષ્નાને થયુ કે, મુરલીની વાત તો બરોબર છે. “ પણ મમ્મીએ જ કહેલું ઘરે જ​વાનું.”

“ હ્મ્મ….એ કહે બરોબર છે ! પણ તું જ જરા વિચાર કર કાલ આપણી દીકરી આમ ભણીને એની પહેલી નોકરી કર​વા બહાર જાય અને મહિના પછી આવીને કહે, ‘લે મમ્મી મારા પહેલા પગારમાંથી તારા માટે આ સાડી લાવી’, તો તને વધારે ખુશી થાય કે નહીં ? ”

“ એ હું નિરાંતે વિચારીસ ઉડતા ઉડતા…” ક્રિષ્નાએ હસીને કહ્યું, “ મારે જ​વું પડશે મારી સીટનો નંબર અનાઉંસ થયો. ”

ક્રિષ્ના ઊભી થ​ઈ અને મુરલી તરફ હાથ હલાવી ચાલી નીકળી. મુરલી પણ એની સાથે ઊભો થયો અને એની સાથે ચાલતા કહ્યું,

“ ઠીક છે, આટલી વખત જ​ઈ આવ ! કાલે સાંજે તો આવી જ​ઈશને હું અહીં જ તારી રાહ જોઇશ, કાલે સાંજે આપણે સાથે હોઇશુ…. ”

મુરલી હસતો હસતો પાછો એ જ ખુરસી પર જ​ઈ, પલાઠીવાળીને ત્યાંજ બેસી ક્રિષ્નાને જતી જોઇ રહ્યો.

——————————  પ્રકરણ ૧૨ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-

લેખિકા: નિયતી કાપડિયા.