એક હાથે છત્રી પકડીને એને ક્રિષ્ના તરફ ઢળતી રાખીને ચાલી રહેલા મુરલીનું અડધું શરીર છત્રીની બહાર હતુ. એ આખો પલળી રહ્યો હતો. પોતાનું ફ્રોક બે હાથે પકડીને, એને ઉડીને ઉપર ઉઠતું રોકતી, રોડ પર થાંભલાના આછા અજવાળે ચાલી રહેલ ક્રિષ્નાની નજર ઘડી ઘડી મુરલી તરફ ખેંચાઇ જતી હતી.

મુરલી ખુબ ખુશ હતો અને દૂખી પણ ! જેને એ દિલોજાનથી ચાહતો હતો એ અત્યારે એની સાથે હતી.વરસોથી જોયેલું એનુ સપનું આજ પૂરું થયુ હતું. છતા, હજી ક્રિષ્નાથી એને એક દૂરી રાખ​વી પડતી હતી એ એની, એના પ્રેમની સૌથી મોટી મજબૂરી હતી…. એ એના પ્રેમને હજી સમજી જ ન હતી !

ક્રિષ્ના વિચારી રહી કે, મુરલી કંઇ ખરાબ છોકરો તો નથી જ. આટલી રાતે, આવા માદક વાતાવરણમાં એક અજાણી છોકરીની આવી મદદ ભલા કેટલા કરે ? એને વારે વારે મુરલીનું પ્રગાઢ ચુંબન યાદ આવી જતું હતું. એના હોઠ પર હાલ મુરલીના હોઠ ન હતા પણ, એનો કંઈક અંશે હુંફાળો, માદક સ્પર્શ એ હજી અનુભ​વી રહી હતી. એ યાદ આવતાજ એના હોઠ હજી સહેજ ધ્રુજી જતા હતા. એ વારે મુરલી તરફ જોતી હતી . મુરલી ક્રિષ્ના કરતા ઊંચો હતો. એનો સપ્રમાણ, કસાયેલો બાંધો આછા આસમાની રંગના એના નાઇટ ડ્રેસમાં સુંદર લાગી રહ્યો હતો. જાડા પણ મુલાયમ એવા મુરલીના કપડામાંથી વરસાદનું પાણી નીતરી રહ્યું હતું.

“ અરે ! તું તો આખો પલળી ગયો ! થોડો અંદર આવી જા.” ક્રિષ્નાએ મુરલી સામે જોઇને કહ્યું.

મુરલીએ ક્રિષ્નાની આંખોમાં જોયું. એ લાંબી પાંપણોવાળી, ગહેરી કાળી આંખોમાં મુરલીને પોતાની આખી દુનિયા સમાઇ જતી લાગી. એ બસ, બે સુંદર આંખોમાં જોઇ રહ્યો હતો, એની આંખો વાટે જ જાણે ક્રિષ્નાને કહી રહ્યો હતો, “ તને મારી આંખોમાં તારા માટેનો અવિરત પ્રેમ નથી દેખાતો ?” આ તરફ ક્રિષ્નાને મુરલીની લાંબી, મોટી આંખોમાં કંઈક અજીબ લાગણી મહેસુસ થ​ઈ રહી હતી. એ શું છે તે ક્રિષ્નાની સમજમાં ના આવ્યું. પણ, એ એની નજર ત્યાંથી હટાવી ના શકી ! મુરલીની આંખોમાં એ જાણે બંધાઇ ગ​ઈ હતી ! શું હતુ એ ? મોહપાશ ? વશીકરણ ?

“ શું થયુ ? ” મુરલીએ પૂછ્યું. ક્રિષ્ના એકા​એક ઊભી રહી ગ​ઈ હતી.

હાશ ! એ મોહપાશમાંથી ક્રિષ્ના અચાનક જબકીને જાગી. “ શું થયુ ? કેમ ઊભો રહી ગયો ? ” ક્રિષ્નાએ સામે સ​વાલ કર્યો.

મુરલીથી સહેજ હસી પડાયું. મુરલી ક્રિષ્નાની હાલત બરોબર સમજતો હતો. જે ક્ષણોમાંથી એ અત્યારે પસાર થ​ઈ રહી હતી એજ ક્ષણોમાંથી એ પોતે પણ પસાર થ​ઈ ચૂકેલો…. જ્યારે એણે પહેલીવાર ક્રિષ્નાને ઊંટીના જંગલમાં જોઇ હતી !

પ્રેમ નામનો રોગ ભલભલા મહારથીનેય જ્યારે ભાંગીને, ભીની માટીના ઢેફા જેવા કરી મેલતો હોય તો, ક્રિષ્ના તો એક નાજુક ઔરત હતી. એ બિચારી આ પ્રેમ નામના રાક્ષસ સામે લડી, લડીને કેટલું લડી શક​વાની ? જ્યાં સુંધી તમે હાર માની એની સામે ઘુંટણીયે નહી પડો, એ રાક્ષસ તમારો પીંછો નહિં છોડે….. એમાંથી બહાર આવ​વાનો બસ એક જ રસ્તો છે, પ્રેમનો સ્વિકાર કરી લેવો ! મુરલીએ સ્વિકારી લીધેલું કે, એ ક્રિષ્ના માટે જ આ દુનિયામાં આવ્યો છે, એટલે એનું દિલ કોઇ અલૌકિક આનંદમાં રત હતું. જ્યારે ક્રિષ્ના હજી અઢ​વઢમાં હતી, વિચારી રહી હતી, અને એટલેજ પરેશાન થ​ઈ રહી હતી….

“ મને એ કહે કે, તું આટલી રાત્રે એકલી, અહીં કેવી રીતે ? ” મુરલીએ વાત ચાલુ કરી.

“ હું એકલી ન હતી. મારી સાથે બીજી ચાર છોકરીઓ હતી. અમે બધા અહીં એક પાર્ટીમાં આવેલા. ” ક્રિષ્નાએ ચાલતા ચાલતા વાત શરું કરી. “ એ બધા નશામાં હતા, એ લોકો એંજોય કરતા હતા અને મને કંટાળો આવતો હતો એટલે હું એકલી નીકળી ગ​ઈ. મને રસ્તો ખબર હતો. છેક આ સામે રોડ દેખાય છેને ત્યાં સુંધી હું આવી ત્યારે જ કોણ જાણે ક્યાંથી એક કુતરું મારી પાછળ પડ્યું. એનાથી બચીને હું ભાગી, ભાગતા ભાગતા મેં તારો ગેટ જોયો, એ ખુલ્લો હતો એટલે હું અંદર ઘુસી ગ​ઈ. ”

“ એક કુતરાથી આટલું ડર​વાનું? ” મુરલીએ હસીને પૂછ્યું.

“ હા, તો ? મને બીક લાગે છે !” ક્રિષ્નાએ એની મોટી આંખોને વધારે મોટી કરતા કહ્યુ.

ઘડીભર મુરલી ક્રિષ્નાની નિર્દોષ આંખોમાં જોઇ રહ્યો. જાણે આંખોથી જ કહી રહ્યો, “ કશો વાંધો નહીં, હું છું તારી સાથે !” અજાણતા જ મુરલીનો હાથ ક્રિષ્નાને ખભે મુકાઇ ગયો, “ ઇટ્સ ઓકે ! ખોટી હોંશિયારી માર​વી એના કરતા ડર લાગે છે એમ કહી દેવુ સારું ! ” મુરલીએ છત્રી બીજા હાથે પકડી હતી અને એનો એક હાથ ક્રિષ્નાના ખભે હતો.

ક્રિષ્નાને મુરલીનો એ સ્પર્શ ગમ્યો હતો. એક સાચા દોસ્તની જેમ એણે ખભે હાથ મુક્યો હતો. એમાં હું તારી સાથે છું એ સિવાય બીજો કોઇ ભાવ ન હતો.

સ્ત્રીઓમાં એ સેન્સ બહું ખતરનાક હોય છે, સામા માણસે એને કેવા ઇરાદે હાથ લગાડ્યો એ તરત જ એ પામી જાય ! હાથ તો દૂરની વાત છે ઘણી સ્ત્રીઓ તો નજર ઉપરથીજ પારખી લે કે આની સાથે કેટલું સાચ​વ​વા જેવું છે….!!!

ક્રિષ્ના જ્યાં રહેતી હતી એ ઇમારત આવી ગ​ઈ.

“ હ​વે રસ્તો યાદ આવી ગયો ? ”
મુરલીએ પુછ્યું.

“ હ્મ્મ્મ્… ” ક્રિષ્નાએ ડોકું ઘુણાવી હા પાડી.

“ વીચ ફ્લોર ? ”

“ થર્ડ ”

“ રૂમ નમ્બર ? ”

“ ૩૦૫ ”

“ ઓકે. તું જા ઉપર જ​ઈને કપડા બદલીલે હું આવું છું !” મુરલીએ ક્રિષ્નાને ખભે આંગળીઓ રમાડતા કહ્યું.

મુરલીના શરીરમાંથી આવતી આછી આછી સુગંધ ક્રિષ્નાને એનાથી દૂર જતા રોકતી હતી. એની આંગળીઓનો હળ​વો સ્પર્શ ક્રિષ્નાના રોમ રોમમાં કંઇક ના સમજાય એવુ સંવેદન જગાડી રહ્યો હતો. મુરલીએ એનો હાથ હટાવતાજ એ ચાવી દીધેલી પૂતળીની માફક ચાલી ગ​ઈ.

ક્રિષ્નાનું મન હિલોળે ચઢ્યું હતું. મુરલીએ કહેલું, તું જા હું આવુ છું ! એ શેને માટે આવ​વાનો હશે ? કંઇક અઘટીત માંગણી કરશે તો ? એનુ મન પુછી રહ્યું. ના ના એ એવો તો નથી જ ! દિલે જ​વાબ આપ્યો. તો? પાછું મન પુછી બેઠું ! એ સાવ સીધોય નથી ! શી ખબર,એ એક કીસ કર​વાનું કહે તો ? ક્રિષ્નાના ગાલ લાલ થ​ઈ ગયા. એનુ દિલ જોર જોરથી ધબકી રહ્યું. એના સીનામાં, એની નસે નસમાં જાણે લોહી એની પૂરી ઝડપથી ફરી રહ્યું હતું . આજ સુંધી એણે આવુ બધુ ફક્ત ચોપડીઓમાં વાંચ્યુ હતું. ફિલ્મમાં જોયુ હતુ . પુરૂષનો પહેલો સ્પર્શ આ શબ્દ ફક્ત સાંભળ્યો હતો પણ, આજે એ અનુભ​વી રહી હતી. થોડીવાર પહેલાનું અડધી મિનિટનું ચુંબનનુ દ્રશ્ય ઘડી ઘડી એના મનમાં રચાઇ રહ્યું હતું.

એના બારણે હળ​વા ટકોર થયા. એનુ દિલ ઘડીભર ધબક​વાનું ભુલી ગયું અને પછી બમણા વેગે ધબક​વા લાગયુ. ફરીથી બારણું ખખડ્યું. એ ધીરેથી ઊભી થઈ અને બારણું ખોલ્યું. સામે મુરલી ઊભો હતો. એના એક ગાલ પરના ખંજનવાળા સુંદર સ્મિત સાથે.

“ ચાય ! ગરમાગરમ અદરકવાળી ! ” એના હાથમાં રહેલો ચાનો નાનકડો કપ એણે ક્રિષ્ના સામે ધર્યો. ક્રિષ્નાએ એ લીધો.

“ ગરમ ગરમ પી જા શરદી ના થાય. ખાસ તારા માટે પેલાને ઊંઘમાથી ઉઠાડીને બનાવડાવી. ચાલ ગૂડ નાઇટ ! ” આટલું કહીને એ સડસડાટ કરતો ચાલ્યો ગયો.

ક્રિષ્નાને પોતાના ઘડી પહેલાના વિચારો પર હસ​વું આવી ગયુ. મુરલી માટે એને માનની લાગણી થ​ઈ. મન થોડું શાંત થતાજ એને પોતાની જાત ઉપર જ ગુસ્સો આવ્યો. એ કેવુ વિચારી રહી હતી. છી…! આટલા છીછરા વિચારો એના મનમાં આવ્યા ક્યાંથી ? ચાનો કપ બેજ ઘુંટડામાં ખાલી કરી એણે ફટોફટ કપડા બદલ્યા અને પથારીમાં આડી પડી. ઘણીવાર રહીને એને ઊંઘ આવી. ઊંઘમાંય મુરલી સાથે એના સુંદર બાગમાં એ ફરતી હતી. પારીજાતના ઝાડ નીચે, નારીયેળીના થડને ટેકે, લાંબા વાંસની ઘટા વચ્ચે, કમળતલાવડીમાં, નાયલોનની જાળીવાળા હિંચકાપર……બધેજ મુરલી અને એ હાથોમાં હાથ લ​ઈ ફરતા હતા !એકબીજાને ભેંટતા હતા !પ્રેમ કરતા હતા !

ક્રિષ્ના સ​વારે સમયસર ઓફિસ પહોંચી ગયેલી. લગભગ અડધો કલાક થયો હશે અને શિવુએ આવીને કહેલું,

“ એકપછી એક બધી લેડીસ શ્રીનિવાસન સરની કેબિનમાં જશે. સરે બોલાવી છે. પહેલા શિવાની, પછી આસ્થા, ત્યારબાદ સરિતા, માધુરી અને છેલ્લે ક્રિષ્ના. ” શિવુએ ક્રિષ્નાની સામે મોં મલકાવ્યું.

શિવાનીને પાછી આવતા પંદરેક મિનિટ લાગી. એ પાછી આવી ત્યારે એના ચહેરા પર એક ગરુર ભર્યુ સ્મિત હતું.

“ શું પુછ્યું સરે ? ” માધુરીએ તરત જ એની જગાએથી ઊભા થ​ઈને શિવાની પાસે જ​ઈને કંઇક વિહ્વળતાથી પૂછ્યું.

“ તારો નમ્બર આવસે એટલે તનેય પૂછી લેશે…!!” શિવાનીએ શક્ય એટલું મોઢું પહોળું કરીને સ્મિત સાથે કહ્યું.

ક્રિષ્નાના કાન ત્યાંજ હતા. પડશે એવા દેવાશે એમ વિચારી એણે કામમાં મન પરોવ્યું.

લગભગ અડઘા કલાક પછી ક્રિષ્ના શ્રીનિવાસનની કેબિનમાં હતી.

“ શું મિસ, તમને તમારા ઉપરી અધિકારી સાથે વાત કર​વાની મેનર્સ નથી ? કાલે તમે વિજ્યાસ્વામીનું બધાની વચ્ચે અપમાન કરેલું એવુ એક છોકરીએ કહ્યું. ” શ્રીનિવાસને કડક અવાજે પુછેલું.

ઘડીભર ક્રિષ્ના મુંજાઇ પછી તરત જ ચહેરા પર એક આત્મ​વિશ્વાસ ભર્યુ સ્મિત પહેરી કહ્યું, “ ના, ના, સર કોઇ ગેરસમજ થતી લાગે છે. સરે મને એમની સાથે ડાન્સ કર​વા ઇન્વાઇટ કરેલી અને મેં એમને ના કહેલી, મને આલ્કોહોલની સ્મેલથી વોમિટ થ​ઈ જાય છે એટલે ! બસ એટલીજ વાત હતી. ”

“ એટલે તમે એમ કહેવા માંગો છોકે વિજ્યાસ્વામી એ છોકરીઓને પાર્ટીમાં બોલાવી ડ્રીન્ક ના કર​વુ જોઇએ. ”

“ નો સર ! હું પોતે ડ્રિન્ક નથી કરતી પછી બીજાની જે મરજી હોય તે કરી શકે. હું કોઇને કે મારા બોસને ક​ઈ રીતે ના કહી શકું. ”

“ તમારા ગુજરાતમાં દારુબંધી છે એટલે તમે લોકો એને એકદમ હીન કક્ષાનું ઘણતા હશો પણ, બીજે દરેક જગાએ એનો કોઇ છોછ નથી. તમને નથી લાગતું તમારા લોકોની આ વિચારસરણી આજના જમાનાને અનુરુપ નથી ? આમાને આમા તમે લોકો પાછળ રહી જાઓ છો ? ” શ્રીનિવાસને મોઢું બગાડીને ક્રિષ્ના સામે જોયુ.

“ સોરી સર ! હું તમારી વાત સાથે સહમત નથી. જો દારુ ના પીવાથી ગુજરાતી જમાનાથી પાછળ રહી જતા હોતે તો આ દેશ અને આખી દુનિયાને મોહનદાસ કરમચંદ ગાંધી ના મળ્યા હોત જેને આપણે બધા, બાપુ કહીને સમ્માનીયે છિયે ! ચાલો આપણે એ બહુ જૂની વાત જવા દ​ઈયે અને હાલની વાત કરુ તો, હાલ સમગ્ર દેશ પર શાસન કરનાર પણ એક નીર્વ્યસની ગુજરાતી જ છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ! ” ક્રિષ્નાએ સુંદર સ્મિત ફરકાવ્યું.

“ હા… અને એમના વિરુધ્ધ જો હું એક અક્ષરેય બોલુ તો હું દેશદ્રોહી, હે ?” સરે એમની બન્ને ભ્રમણો ઉપર લ​ઈ જ​ઈ કહ્યું. ગોળમટોળ મોઢાવાળા શ્રીનિવાસનનું અડધાથી વધારે માથુ ટકલું હતુ. એટલે તેમનુ કપાળ પ્રમાણમાં વધારે મોટું લાગતું હતું.

“ એ પણ એમની પ્રતિભાનો જ એક ભાગ છેને સર. આઇ હોપ કે હું પણ મારી સાથે સંકળાયેલા લોકોના મનમાં આટલું માન જમાવી શકું !”

“ ઓકે. મિસ ક્રિષ્ના યુ મે ગો !” શ્રીનિવાસને હસીને કહ્યું.

“ થેન્કયું સર!” કહીને ક્રિષ્ના બહાર નીકળી અને શ્રીનિવાસને ક્રિષ્નાના રેકોર્ડમાં દસમાંથી ન​વ ગૂણ લખ્યા જે સૌથી વધારે ગૂણ મેળ​વનાર શિવાની કરતા એક આંકડો આગળ હતા !

——————————  પ્રકરણ ૧૧ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-

લેખિકા: નિયતી કાપડિયા.