કોકિલા, સાવ નિશ્ચિન્ત હતી. કિટીપાર્ટી માં મોટાભાગની લેડીઝ કામવાળી અંગે બળાપો કાઢતી હતી. સારી કામવાળી મળતી નથી. માંડ કોઈ મળે તો એ વારે વારે રજા પાડે છે !! વાર તહેવારે બક્ષિસ માગે છે અને કોઈ એક ને એક કામવાળી લાંબો સમય ટકતી નથી !! ગરમ ચા નાસ્તો દેવો પડે છે !!… આમ તેમ…   ઘણી ફરિયાદો હતી.
પણ કોકિલાને આમાંની કોઈ જ તકલીફ નહોતી. કેમ કે એને લક્ષ્મી જો મળી હતી. આ લક્ષ્મી એની કામવાળી નહિ પણ, એના ઘરની એક વ્યક્તિ બની ગઈ હોય તેવું લાગતું હતું. આ લક્ષ્મીને અહીં કોકિલાને ત્યાં પાંચેક વર્ષ થવા આવ્યા હતાં.
લક્ષ્મી, કામ કરવા રેગ્યુલર આવતી. રજા નહોતી પાડતી એવું નહોતું પણ, એ ક્યારેય પણ ન આવવાની હોય તો એ અંગેની જાણ એ અગાઉ જ આપી દેતી. બને તો બીજી કોઈ બાઈ પણ મોકલી દેતી. લક્ષ્મીને વારતહેવારે કોકિલા જે આપે તેમાં રાજી રહેતી. કામ થી કામ કોઈ ખટપટ નહિ !!
જ્યાં સુધી કોકિલાને લક્ષ્મી નહોતી મળી ત્યાં સુધી તો એ પણ, કીટી પાર્ટીમાં કામવાળી માટે બળાપો કાઢતી સ્ત્રીઓમાંની જ એક હતી. જે ઘરના કામકાજ માટે સારી બાઈઓ મળતી નથી ના રોદણાં રોતી. પણ, લક્ષ્મી ના આવ્યા પછી , કોકિલા?? હા, સાવ નિશ્ચિન્ત હતી.
કોકિલા, ઘરમાં એક માત્ર સ્ત્રી હતી, બાકી ઘરમાં એના પતિ મુકુંદ અને બે દીકરા,વિકી અને રોની. ત્રણેય પોતપોતાની બધી વસ્તુઓ જ્યાં ત્યાં મૂકી દેતાં. લક્ષ્મી ઘણીવાર કામ કરતાં કરતાં કોકિલાને વિકીની ઘડિયાળ તો રોનીનું વોલેટ, મુકુંદ તો બેડરૂમ માં તૈયાર થઈને નીકળી જાય અને લક્ષ્મી આવીને કામ કરતાં કરતા, કોકિલાને જાણ કરે કે સાહેબ એમનો કબાટ ખુલ્લો મૂકીને જતાં રહ્યાં છે. કોકિલા, આમ તો શરૂઆતમાં લક્ષ્મી પર નજર રાખતી પણ, જ્યારથી લક્ષ્મી, આમ સામે ચાલીને બધી વસ્તુઓ દેવા આવતી અને એકવાર તો કોકિલાની સોનાની ચેઇન, એણે કાઢીને TV પાસે મૂકી, ફોનમાં વાત કરતી કરતી ત્યાંથી ચાલી ગઈ અને એ ચેઇન ત્યાં ને ત્યાં પડી રહી ! જે બીજે દિવસે લક્ષ્મી કામ કરવા આવી ત્યારે છેક એની નજર પડતાં એણે કોકિલાને બોલાવીને એના હાથમાં થમાવી.
પાંચસો કે હજાર રૂપિયા, કમાવા માટે એકેક ઘરે ફરતી બાઈએ, આ એકાદ લાખ જેવડી કિંમતનો સોનાના ચેઇનને  હાથ પણ ન લગાડ્યો ! કોકિલાને થયું કે લક્ષ્મીની પ્રમાણિક્તાની પરીક્ષા થઈ ગઈ. આ પછી તો કોકિલા એ એને સત્તાવાર પ્રમાણિક જાહેર કરી. જેની એ ખરી હકદાર જ હતી. પછી તો, મુકુંદ, વિકી અને રોનીની સાથે એ પણ, સાવ નિઃષફિકર બની હતી અને  ચારેય એમની વસ્તુઓ જ્યાં ને ત્યાં મૂકી દેવા લાગ્યા. કેમ કે કોકિલા હવે નિશ્ચિન્ત જો હતી !! જોકે હવે એ બેફિકર કે બેદરકાર પણ કહી શકાય.
એક દિવસ, કામ કરતાં કરતાં લક્ષ્મીના હાથમાં મુકુંદનું સોનાનું બ્રેસલેટ આવ્યું. એ લઈ ને કોકિલા પાસે આવી અને એ તો વરસી પડી !!
“મૅમસા’બ !, તમે લોકો સાવ, બેદરકાર થતાં જાવ છો, પછી કોઈ વસ્તુ ખોવાઈ કે ચોરાઈ જશે તો મારું જ નામ આવશે !! તમારે મોટા માણસોને તો શું ચિંતા હોય ?? અમે કેટલુંક ધ્યાન રાખીએ ? અમારે શું રોજેબરોજ કેટલું કષ્ટ વેઠવું ??? અને તમે કોઈ વસ્તુ ખોઈ નાખશો ને ક્યારેક નહિ મળે તો પણ અમારી પર શંકા થશે !! અમારે અભાગીયાઓ ને તો ક્યાંય જંપ નહિ !!!
કોકિલાને અચરજ થયું, લક્ષ્મીના અવાજમાં દુઃખ સાથે આંખમાં ઝળઝળિયાં હતાં. કોકિલાએ પૂછ્યું, ” થયું છે શું ?  લક્ષ્મી, શુ વાત છે ??”
ત્યારે લક્ષ્મીએ પોતાની મનઃસ્થિતીનું વર્ણન કર્યું. “મૅમસા’બ ! અમે બૌ ગરીબ માણસો છીએ. મારો પતિ દારૂડિયો છે. કામ કરતો નથી.ઘરમાં વૃદ્ધ સાસુ સસરા અને મારા ત્રણ છોકરાવ છે. આવી કારમી મોંઘવારીમાં ઘરનું પૂરું કરતાં આંખે લોહી આવી જાય છે. હું ઈમાનદારીથી કામ કરૂં છું અને મહેનત કરીને ખાવ છું.
પણ, હાલતાં ને ચાલતાં ઘરમાં પૈસાની ખેંચ રહે છે. નાની મોટી બીમારી કે જીવનની આવશ્યક જરૂરિયાતો નો અભાવ, તેથી પૈસા માટે  ઘરમાં હમેંશા ઝગડો ને કંકાસ ચાલ્યા કરે ! રૂપિયાની અછત કાયમી ને કાયમી !! હવે, ક્યારેક તો એવી હાલત હોય કે આ વખતે જો હિસાબ નહિ ચૂકવાય તો, દુકાન વાળો ઉધારમાં કાઈ કરીયાણું નહિ આપે ! દૂધવાળો દૂધ ન આપે ! દવા માં તો ઘટતાં જ હોય ! ઘરમાં હાલ્લા કુસ્તી કરતાં હોય એવી હાલત હોય અને અહીં ??
જ્યાંને ત્યાં, પાકીટ, ચેઇન, બીજી વસ્તુઓ આમતેમ મૂકી ને ભૂલી જતાં તમે મોટા લોકો, એકાદ બે વાર, ચાર છ વાર, કે વારંવાર ??અમારા જેવા મન મક્કમ કરીને ઇમાન જાળવતાં હોય!! આ અમારી પરીક્ષા છે પણ,એ પરીક્ષા  કેટલી વાર ?? મન ને સમજાવવું અઘરું પડતું હોય છે !! લક્ષ્મી હવે રીતસર રડી પડી. આ અગાઉ, જ્યારે જ્યારે મને કોઈ ને કોઈ વસ્તુ મારા નજરે પડે કે હાથમાં આવે કે તરત હું તમને આપી દઉં છું.  આપ લોકો નચિંત બની ને રહો છો ને આમતેમ કિંમતી વસ્તુઓ ભૂલી જાવ છો. પણ, એ અમારી કસોટી છે. મારુ ઇમાન અડગ છે પણ, એ દર વખતે કેટલું કઠિન છે, એ તમને કેમ સમજાય ?
માટે મહેરબાની કરીને, હાલતાં ને ચાલતા, કોઈપણ ચીજ જ્યાં ત્યાં મૂકવાને બદલે યોગ્ય જગ્યાએ મુકો તો એકજોતાં અમારા પર ઉપર રહેમ થશે ! તમે તો નિશ્ચિન્ત બની જાવ છો પણ, અમારું શું ? મન બગડી ન જાય એ માટે કેટલું ઝઝૂમવું પડે જાત સાથે !! તમે નિશ્ચિન્ત બનો અને કપરી હાલત અમ જેવા કમભાગીની !!”  લક્ષ્મીએ એના આંસુ લૂછયા.
કોકિલાને, આ સરળ લાગતી વાતમાં, લક્ષ્મીમાં, એક મામૂલી બાઈ ની અંદર, તપસ્વીની નું તપ દેખાયું જે આટલી વિષમ પરિસ્થિતિમાં પણ તપોભંગ ન થતા અવિચળ રહ્યું ! આજે એની નિશ્ચિન્તતા એને બેદરકારી લાગી જે લક્ષ્મી માટે દરવખતે એક પરીક્ષા બની રહેતી હતી. કોકિલાએ હવે લક્ષ્મીના ઘરે બને એટલું, આર્થિક રીતે મદદરૂપ થવાનું નક્કી કર્યું અને..
હવે,  કોકિલા સભાન બની કેમ કે પરીક્ષા તો, કોઈને પણ, ક્યારેક જ આપવી ગમે, રોજેરોજ નહિ !!
દક્ષા રમેશ “લાગણી”