ક્રિષ્ના માંડ એના ગુસ્સા પર કંટ્રોલ કરી રહી હતી. અહિં એક પછી એક મુસીબત જ સામે આવે જતી હતી ત્યાં, આ મુરલી નામની આવી પડેલી બીનજરુરી ઉપાધી પર એનો બધો રોષ ઢળી રહ્યો…
ઘણા લોકોના ચહેરા ખુલી કિતાબ જેવા હોય છે, જે કંઇ પણ ગડમથલ એમના મનમાં ચાલતી હોય એ તરત જ એમના ચહેરા પર છપાઇ જાય! આવા લોકો એમના મનના ભાવ જલદી છુપાવી નથી શકતા. ક્રિષ્ના પણ એવા લોકોની જ જમાતની હતી. એના મનમાં એ જે જે વિચારતી હતી એ, એના ચહેરાની રેખાઓના હલનચલનમાં સાફ સાફ દેખાઇ રહ્યું હતું.
મુરલી ક્રિષ્નાને જોતા જ ઓળખી ગયેલો. એના મનમાં તરત જ ઊંટીમાં જોયેલો અને એના કેમેરામાં કેદ કરેલો ચહેરો યાદ આવી ગયો. જેવો દરવાજેથી એ અંદર પ્રવેશેલો ત્યારથી જ એ ક્રિષ્નાને જોઇ રહેલો… ક્રિષ્નાના માથા ઉપર અને એની બે આઇબ્રોની વચ્ચે ગુસ્સાની રેખાઓ ઉપસી આવેલી…એના હોઠ એક બાજુના ખુણે થોડી થોડી વારે ખેંચાઇ જતા હતા. એની મોટી, કાળી આંખોને એ જીણી કરીને બેઠેલી. એનું મુરલી તરફ જરીક પણ ધ્યાન જ ન હતુ અને મુરલીનું બધું ધ્યાન ફક્ત ક્રિષ્નાના ચહેરા પર હતુ….
આ બધું થોડીક સેકંડોમા જ ઘટી ગયેલું. અચાનક ક્રિષ્નાની નજર ઉપર ઉઠેલી અને એ મુરલીની લાંબી, કાળી આંખોમાં બે પળ અટવાયેલી.
ક્રિષ્નાની નજર સાથે પોતાની નજર ટકરાતા જ મુરલીને જાણે કરંટ લાગયો હોય એમ સફાળો ભાનમાં આવી ગયેલો.
“કમ્પ્યુટર…” મુરલીના મોઢામાંથી બે શબ્દો જ નીકળી શક્યા. એ ક્રિષ્નાની વધારે નજીક જુક્યો ને કી-બોર્ડ પર એની આંગળીઓ ફરવા લાગી. એનું માથુ મોનીટર તરફ હતુ. એની આંખો ઘડીક મોનીટર તો ઘડીક ક્રિષ્ના સામે ફરી રહી….
ક્રિષ્નાને થયુ કે, એણે ઉભા થઈને આ યુવાનને બેસવાની જગા કરી આપી હોત તો સારું પણ, હવે એ શક્ય ન હતું. ટેબલ-ખુરસીની વચ્ચે ભરાયેલી ક્રિષ્નાની એકબાજુ દીવાલ હતી ને બીજી બાજુ મુરલી….એ હલી શકે એટલી પણ જગ્યા ન હતી. એના શ્વાસ મુરલીના ગાલ પર અથડાતા હતા. મુરલીના શરીરમાંથી કંઈક અજીબ સુવાસ આવી રહી હતી. એ શેની વાસ હતી એ ક્રિષ્ના નક્કી ના કરી શકી. મુરલીના માથે ચંદનનું નાનું ટપકું કરેલું હતું. એના ક્લીન સેવ ચહેરા પરથી આછી આછી સેવીંગ ક્રીમની સ્મેલ આવતી હતી. એણે કદાચ કોઇ માઇલ્ડ પેર્ફ્યુમ પણ લગાડેલું. એ જે હોય તે પણ એ બધી કુત્રીમ સુવાસ મુરલીના શરીર સાથે મળીને કંઇક એવી સુવાસ પ્રસરાવતી હતી જે ક્રિષ્નાને મદહોશ કરી રહી હતી! પ્રાણી માત્ર સુંદર ગંધથી આકર્ષિત થતાં હોય છે! એ ઈશ્વરનું કર્યું ધર્યું છે બધું એમાં બિચારી ક્રિષ્ના કેમની બાકાત રહી શકે!
“ઇટ્સ ડન! (થઈ ગયુ)” મુરલી સીધો ઉભો રહ્યો.
જાણે કોઇ સપનામાંથી જાગી હોય એમ ક્રિષ્ના મુરલી સામે જોઇ રહી,
સફેદ જગ લુંગી અને તેવાજ કુર્તામાં સજ્જ મુરલી ટિપીકલ સાઉથ ઇન્ડીયન લાગી રહ્યો હતો. એના શ્યામવર્ણા ચહેરા પર એક સ્મિત રમી રહ્યું હતુ. એના ડાબે ગાલે એકબાજુ પડતું ખંજન એના સ્મિતને અને એના સમગ્ર ચહેરાને માસુમિયતથી ભરી દેતા હતા. એના વાંકળીયા વાળ સરસ રીતે હોળાયેલા હતા. એની આંખો…..એની આંખોમાં વશિકરણ હતું. સામાન્ય રીતે હોય એના કરતા વધારે લાંબી, બદામ આકારની, લાંબી પાંપણોવાળી એની આંખોમાં ક્રિષ્નાને લાગયુ જાણે એ ઊંડી ને ઊંડી ઉતરી રહી હતી….
પરાણે ક્રિષ્નાએ એની લાંબી કાળી પાંપણોને ઝુકાવી લીધી. જાણે કોઇ મોહપાસમાંથી એ છુટી….
“સરખું થઈ ગયું?” ક્રિષ્ના ગુજરાતીમાં જ પુછી બેઠી.
“હા થઈ ગયું.” શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણ સાથે મુરલીએ જવાબ આપ્યો, “એફ ટેન દબાઇ ગયેલી, કી-બોર્ડમાં!”
“ઓહ! હું સવારની મથતી હતી એ ઓપરેટ જ નહતું થતું.” ક્રિષ્ના સહેજ સંકોચ સહ બોલી.
“હવે એ બરોબર છે જોઇએ તો ચેક કરીલો. તમારો સોફ્ટવેર ઓપરેટ કરી જુઓ.”
“હ્મ્મ્મ” ક્રિષ્નાએ બે ચાર બટન દબાવી જોયા. એના મોં ઉપર અનાયસ જ સ્મિત ફરકી ગયું અને એના જમણા ગાલે પડતા ખંજનમાં મુરલી પડી ગયો…
“સરસ! થેંન્ક્યું!” ક્રિષ્નાએ મુરલી સામે જોઇને કહ્યું, “તમારો ચાર્જ?”
“નથિંગ! (કંઇ નહી) એવડું મોટું કંઇ કરવાનું ન હતું.”
“હે…ય! તું…તમે ગુજરાતીમાં બોલો છો! તમને ગુજરાતી આવડે છે?” ક્રિષ્ના એની બે મોટી, કાળી આંખોને વધારે મોટી કરીને પુછી રહી.
“હા. હું મુંબઈમાં ઉછર્યો છું એટલે થોડું ગુજરાતી બોલી લઉં છું.” મુરલીએ એના સુંદર સ્મિતને વધારે પહોળું કરીને કહ્યું. એના સ્વચ્છ, સફેદ, એકસમાન દાંત ચમકી રહ્યા….
“હે…બડી! વોટ અ પ્લેજન્ટ સરપ્રાઇજ!” શિવાની એના બે લાંબા હાથોને ફેલાવીને, દોડતી મુરલી તરફ આવી. બધાને લાગયું કે એ મુરલીને એના બાહુપાસમાં જકડી લેશે…પણ, છેક છેલ્લી ઘડીએ મુરલી સહેજ બાજુમાં ખસી ગયો અને શિવાની તરફ એણે પોતાનો એક હાથ લંબાવ્યો. શિવાનીએ બન્ને હાથે મુરલીની હથેળી પકડી લીધી. એ કંઇક કહી રહી હતી સામે મુરલી કંઇક જવાબ આપી રહ્યો હતો. બધો વાર્તાલાપ કન્નડમાં ચાલતો હતો.
ક્રિષ્નાએ એનું ધ્યાન એના કામમાં પરોવ્યું. શિવાની સાથે વાતો કરી રહેલા મુરલીની એક નજર વારે વારે ક્રિષ્ના તરફ જતી હતી એ શિવાનીની નજરો એ નોધ્યું.
દસેક મિનિટ વાત કરીને શિવાની પાછી એની જગાએ ગઈ. મુરલીએ પણ હવે જવા માટે પગ ઉપાડ્યો જ હતો કે ત્યારેજ શ્રીવિજ્યાકુમારે આવીને કહ્યું,
“સ્ટોપ વરકિંગ! (કામ બંધ કરો) વાઇરસ એન્ટર થઈ રહ્યો છે સિસ્ટમમાં. ઇન્ટરનેંટ આજે ચાલું ના કરતા.”
“પણ, સર અમારો ટાર્ગેટ હજી પુરો નથી થયો!” શિવાની એ કહ્યું.
“એ કાલે પુરો કરી લેજો.” એ જે ઝડપથી એમની કેબિનની બહાર આવેલા એ જ ઝડપે પાછા જતા રહ્યા.
ક્રિષ્નાએ એનુ કમ્પ્યુટર શટડાઉન કર્યુ અને ઉભી થઈને એ પર્સ ખભે ભરાવતી હતી ત્યારે મુરલીએ પાછળથી, સહેજ નીચે જુકીને ક્રિષ્નાના કાનમાં ધીરેથી કહ્યું, “ચાલ મંદીર જઈ આવીએ.”
“તને કઈ રીતે ખબર કે મારે મંદીર,”
“અન્નાએ કહેલું. ચાલ.” મુરલી આગળ ચાલવા લાગયો.
ક્રિષ્ના પાસે હા-ના કરવાનો મોકો જ ન હતો. આમ કોઈ અજાણ્યા સાથે જવું કે ના જવું એમ એ વિચારતી જ હતી કે એને શિવુનો અવાજ સંભળાયો, “અચ્છા લડકા!”
ક્રિષ્નાને હસવું આવી ગયું. મનોમન શામળીયાને યાદ કરી એ મુરલીની પાછળ દોરવાઇ….
એમની ઇમારતની બહાર નીકળતાજ રોડ આવી જતો હતો, ત્યાં હર સમય ટ્રાફીક વધારે રહેતો.
“આપણે રોડ ક્રોસ કરીને સામે જવુ પડશે.” રોડ પાસે આવીને પાછળ આવતી ક્રિષ્ના માટે ઉભા રહેલા મુરલીએ કહ્યું.
“હમ્…” ક્રિષ્નાએ ડોકુ ઘુણાવ્યું.
વાહનોની વચ્ચે થોડી જગા થતા જ મુરલીએ ક્રિષ્નાનો હાથ પકડી ચાલવા માંડ્યુ. ક્રિષ્નાને થોડું અજીબ લાગ્યું, રસ્તા વચ્ચે એક અજાણ્યો પુરુષ એનો હાથ પોતાના હાથમાં લઈને ચાલી રહ્યો હતો..! એ ચુપ રહી હતી. મુરલીએ હળવેથી પણ હાથમાંથી હાથ છૂટી ના જાય એટલી મજબુતીથી ક્રિષ્નાનો હાથ પકડેલો. ક્રિષ્નાની એકદમ નજીકથી એક બાઇક પસાર થઈ ગયું. મુરલીએ ક્રિષ્નાને સમયસર ખેંચીને થોડી પાછળ ખસેડી દીધેલી,
“જરા સંભાળીને ક્રિષ્ના!” મુરલી બોલેલો.
ક્રિષ્નાને થયું જાણે આજ વસ્તું એની સાથે પહેલા પણ બનેલી છે. આજ શબ્દો પહેલા ક્યાં સાંભળ્યા છે……હા પપ્પા બોલેલા…એમનો હાથ પકડીને એ જ્યારે જ્યારે રસ્તા ઉપરથી ચાલતી હોય ત્યારે! મુરલીના હાથમાં હાથ નાખીને ચાલતી ક્રિષ્નાના મનમાં ને મનમાં એક સરખામણી ચાલી રહી. એના પપ્પા અને મુરલી વચ્ચે. કોઈ અજાણ્યો યુવાન આમ અચાનક એનો હાથ પકડી લે તો…આજ સુધી કોઈ એવું કર્યું નહતું…! આ જેણે હાથ પકડ્યો છે એના હાથમાં હાથ આપવાથી સુરક્ષા મહેસૂસ થઈ રહી હતી…
ડાબી-જમણી બન્ને તરફ જતા વાહનો વચ્ચેથી રસ્તો કરતા તેઓ સામી બાજુએ પહોંચ્યા. મુરલીએ ક્રિષ્નાનો હાથ છોડી દીધો. એ આગળ અને ક્રિષ્ના એક કદમ પાછળ એમ ચાલતા ચાલતા એ લોકો એક રિક્ષા પાસે પહોંચ્યા. એ રિક્ષાવાળો મુરલીને ઓળખતો હતો. પહેલા ક્રિષ્ના અને પછી મુરલી રિક્ષામાં બેઠો.
ક્રિષ્નાને આમ અજાણ્યા માણસ સાથે રિક્ષામાં બેસતા થોડો સંકોચ થયો. એણે આંખો એક પળ બંધ કરીને એના શ્રીક્રુષ્ણને યાદ કરી લીધો. એને પાછો પેલા પટાવાળાનો ચહેરો દેખાયો. એ કહી રહ્યો હતો,
“વો અચ્છા લડકા!”
મંદિર આવી ગયું. એ થોડુંક ઊંચાઇ પર આવેલુ હતું. ત્યાં સુંધી પહોંચવા પગથિયા બનાવેલા હતા. લગભગ પચાસેક પગથિયા હશે. નીચે નાની નાની ફૂલ અને પ્રસાદની દુકાનો હતી. મુરલીએ એક નાની છાબડી લીધી જેમા ફૂલ, અગરબત્તી, કુમકુમ, સાકરનું એક પેકેટ અને એક નારીયેળ હતું.
“ચલે ઉપર.” મુરલીએ એક સ્મિત સાથે ક્રિષ્નાને પુછ્યું.
“જરુર! મારે પણ એક આવી છાબડી લેવી છે, એ કેટલામાં આવી?” ક્રિષ્નાએ છાબડી તરફ આંગળી ચીંધીને કહ્યું.
“તું અમદાવાદી છે ને?”
“હા. તે કેમ જાણ્યું?”
“ભગવાનની પ્રસાદીમાંય ભાવતાલ અમદાવાદી જ કરે!” મુરલીએ હસીને કહ્યું.
“તે એમાં ખોટું શું છે? પોતાની મહેનતના રુપિયા બચાવવા એ કોઇ ગુનો છે?” ક્રિષ્ના એ મોઢું ચઢાવીને કહ્યું.
“આ સામાન મેં તારા માટે જ લીધો છે અને એના માટે તારે મને રુપિયા આપવાની જરુર નથી.” મુરલીએ સીડી ચઢવાની શરુઆત કરી.
“કેમ? અમે લોકો એમ કોઇનું મફતમાં નથી લેતા!” ક્રિષ્નાએ પણ મુરલીની સથે પગથીયા ચઢતા કહ્યું.
“કોઇનું ના લેવાય પણ, દોસ્તનું લેવાય!” મુરલી જરાક હસ્યો હતો.
“દોસ્ત? આપણે હજી દોસ્ત નથી બન્યા.” ક્રિષ્ના એના ખભા ઊંચા કરીને બોલેલી.
“લે ક્રિષ્નાની ફક્ત પૂજા જ કરે છે કે, એમનું કહેલું કંઇ જીવનમાં આચરે પણ છે?”
“મતલબ?”
“મતલબ કે, શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, સાત કદમ જેની સાથે કદમ મિલાવીને ચાલો એ તમારો મિત્ર કહેવાય.”
“ઓહો…એટલે આપણે મિત્રો બની ગયા, એમ?” ક્રિષ્નાથી હસી પડાયું.
“ભગવાને આપણને મેળવ્યા, આપણે એનો આભાર માનવો જોઇએ!” મુરલીએ કંઇક ગંભીર થઈને કહ્યું.
બન્ને ઉપર આવી ચુક્યા હતા. એકબાજુએ પગરખા અહિં ઉતારોનું પાટિયું હતું ત્યાં પહેલા મુરલીએ અને પછી ક્રિષ્નાએ ચપ્પલ ઉતાર્યા. મુરલીએ એના હાથમાંની થાળી ક્રિષ્નાને આપી. બન્ને મંદિરમાં પ્રવેશ્યા. પૂજારીએ ક્રિષ્ના પાસેથી છાબડી લઈ ભગવાન આગળ ધરી. બન્નેને માથે કુમકુમનું તિલક કર્યુ. છાબડી પાછી સોંપતી વખતે એણે કંઈક કહ્યું હતું. મુરલીએ ક્રિષ્નાનો હાથ પકડ્યો અને હસતો હસતો એને બહાર દોરી ગયો.
“શું થયુ? કેમ આટલું હસે છે?”
“એ પૂજારીએ શું કહ્યું કંઇ સમજમાં આવ્યું?”
“ના….” મંદિરના બહારના ભાગે મુકેલી એક બેંચ પર ક્રિષ્ના બેઠી.
“એમણે કહ્યું કે, તમારી જોડી ખુબ સુંદર લાગે છે. એકબીજા સાથે વરસો આપણે ખુશીથી ગુજારીયે એવા એમણે આશીર્વાદ આપ્યા અને મને કહ્યું કે મારે રોજ તારા માથામાં સીંદૂર લગાવવું એનાથી પરસ્પરનો પ્રેમ વધે !”
“ઓહ માય ગોડ! તારે એમને રોકવા જોઇતાતા.”
“ઉહું… મને તો એમની વાત સાચી લાગી.”
“એટલે ?”
“આપણી જોડી ખરેખર સુંદર છે!” મુરલીએ ગંભીર થઈને કહ્યું.
ક્રિષ્નાને મુરલીની ગંભીરતા કઠી. એ એની જગાએથી ઉભી થઈ.
“છોડ એ બધું. આ જગા કેટલી સુંદર છે! ચારે બાજુ આ ઉંચા ઝાડ અને પે…લો ગુલમહોર છે ને, કેટલો મોટો, કેટલો ફેલાયેલો, અદભુત! એની નીચે ચળાઇને આવતો તડકોય કેસરીયો થઈ ગયો છે, જો એ ઝાડ નીચેનો છાંયડો, કેસરી છે ને?” ક્રિષ્ના કુદરતના સૌદર્યથી મોહિત થઈને બોલી રહી હતી.
આ બાજું મુરલી ક્રિષ્નાના સૌદર્ય થી અભિભુત થઈ રહ્યો હતો. પાંચ ફુટ ત્રણ ઇંચની ક્રિષ્નાનો ચહેરો નાનકડી બાળકી જેવો માસુમ હતો. એ માસૂમ ચહેરા પરનું સ્મિત મુરલીને દુનિયામાં સૌથી સુંદર લાગી રહ્યું. આછા પોપટી રંગની કુર્તી અને મરુન કલરનું પીળા રંગની ભાત વાળું, ઘેરદાર પ્લાઝો એના શરીરને ઢાંકતુયે હતું અને એના કમનીય વળાંકોને નજર સામે તરતા પણ મુકતું! એના કમર સુંધીના લહેરાતા છુટા, ઘાટા કથ્થઈ વાળ તડકામાં ચમકતા હતા. સપ્રમાણ બાંધો ધરાવતી ક્રિષ્નાને આમ કુદરતના ખોળે રમતી જોવી એ મુરલી માટે એના જીવનની સૌથી સુંદર પળો હતી.
“હે ય.. મુરલી! હાવ આર યુ?” દૂરથી કોઇએ બૂમ પાડી. મુરલીએ એને જવાબ આપ્યો.
ક્રિષ્નાના કાન ચમક્યા. પાછળની વાતો એને ના સમજાઇ. એ લોકો બીજી ભાષામાં બોલતા હતા. એ ભાઈના જતા જ ક્રિષ્નાએ પૂછ્યું,
“પેલા ભાઇએ શું કહ્યુ?”
“કંઇ નહી. છાપામાં આવતા મારા આર્ટિકલ એ વાંચે છે, એના વિષે કહેતો હતો.”
“ હું તમારું નામ જાણી શકું?” ક્રિષ્નાએ એના કપાળ પરની બધી રેખાઓને એકસાથે ભેગી કરી, આંખો ઝીણી કરીને પૂછ્યું હતું.
“ લો… હજી તને મારું નામ નથી કહ્યું. મુરલી મારું નામ! કે.એસ. મુરલી, ક્રિષ્નાસ મુરલી!” મુરલીએ સ્મિત ફરકાવ્યું.
—————————— પ્રકરણ ૫ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-