આ દુનિયામાં કેટલાય એવા પ્રસંગ બની જાય છે જેનો જવાબ આજે પણ મેડિકલ સાયન્સ પાસે નથી. ક્રિષ્ના ને ગર્ભ રહ્યો હતો. એ ખૂબ ખુશ હતી. એ પણ મા બનશે, એક નાનકડું બાળક એના ખોળામાં હસતું હશે એ વિચાર જ એને રોમાંચિત કરી જતો હતો. એને ખબર હતી કે માતૃત્વનું સુખ એના નસીબમાં વધારે નથી રહેવાનું છતાં એ પોતાની એક નિશાની મુરલી પાસે છોડી જશે એ વાતે એ ખુશ હતી. એ બાળક જ આગળ જતાં મુરલી માટે જીવવાનું કારણ બની રહેશે એમ વિચારીને એણે આ પગલું ભરેલું, ગર્ભ ધારણ કરવાનું!
મુરલીની સમજમાં જ નહતું આવ્યું એનાથી ક્યાં ભૂલ થઈ ગઈ? ક્રિષ્ના પિલ્સ નહતી ગળતી એ હવે જ એના ધ્યાનમાં આવ્યું. એ ખૂબ ગુસ્સે થયેલો પણ ક્રિષ્નાની આંખોમાં ધસી આવેલા આંસુ જોઈને એ એનો બધો ગુસ્સો પી ગયો ! એવું. નહતું કે એ ક્રિષ્નાની લાગણી સમજતો નહતો, એ આ બધું પોતાને માટે જ કરી રહી છે એ વાત એ સારી રીતે જાણતો હતો પણ એ ક્રિષ્નાની તબિયત પર અસર થાય એવું કોઈ પગલું ભરવા નહતો ઈચ્છતો. નવ નવ મહિના બાળકને પોતાના ગર્ભમાં રાખવું અને એ વખતે જ કરે નારાયણ અને એને ફરી ક્યાંય ગાંઠ નીકળી આવે તો? એણે ક્રિષ્નાને ગર્ભપાત કરાવવાનું નક્કી કર્યું. ક્રિષ્ના એ માટે હરગિજ તૈયાર ન હતી. પોતાની જિંદગી માટે એ પોતાના બાળકનો જીવ લેવા તૈયાર ન હતી. મુરલીએ ઘણું સમજાવ્યું પણ ક્રિષ્ના ના માની ! પોતાના જીવને ભોગેય એને બાળક જોઈતુ હતું. મુરલી અને એના મમ્મી પપ્પા ક્રિષ્નાને સમજાવીને થાક્યા પણ ક્રિષ્ના એકની બે ના થઈ. એક બાળક સિવાય એને હવે કંઈ જ નહતું ખપતું.
નિયતિએ એને વચન આપ્યું હતું. એક બાળકની એ મા બનવાની જ હતી તો પછી એની ગોઠવણ પણ નિયતિએ કરી જ હોય ને? છેલ્લે બધા ક્રિષ્નાના નિર્ણયથી નારાજ હતા ત્યારે એના પતિ સાથે સુખેથી રહેતી રોઝી ક્રિષ્નાની મદદે આવી, એ ક્રિષ્ના અને મુરલીના બાળકને પોતાના ગર્ભમાં ઉછેરવા તૈયાર થઈ હતી.
રોઝીએ ક્રિષ્નાનો બે માસનો ગર્ભ પોતાના પેટમાં મુકાવ્યો. આજ સુધી મુરલીએ રોઝી પર અનેક અહેસાન કરેલા અને અત્યારે જ સમય હતો એ કરેલા દરેક અહેસાનનો બદલો ચૂકવવાનો! એને એક મોકો મળ્યો હતો અને એને એ જવા દેવા નહતી માંગતી. આગળ એની જ વજહથી આ બંને જણાને છ મહિના દૂર રહેવું પડેલું એ ભૂલની સજા રૂપે પણ એ ક્રિષ્નાના બાળકને જનમ આપવા રીઝી તૈયાર થઈ ગઈ…! એ તંદુરસ્ત હતી અને બાળકને જન્મ આપવામાં એને કોઈ મુશ્કેલી નડે એવું ન હતું. રોઝીના પેટમાં પોતાનું બાળક મૂકીને ક્રિષ્નાની ખુશીનો કોઈ પાર નહતો. એની ઈચ્છા હવે જરૂર પૂરી થશે!
આખો દિવસ હવે ક્રિષ્ના એના આવનાર બાળકના સપના જુએ છે. રોઝીનું બધાને ધ્યાન રાખવા કહે છે. એણે ઘણા બધા વિડિયો રેકોર્ડ કરી રાખ્યા છે, ઘણા મેસેજ છોડ્યા છે જે ચોક્કસ સમયે મુરલીને મળતા રહેશે ભલે એ આ દુનિયામાં હોય કે ના હોય ! બધા લોકો એને સાચવ્યા કરે છે અને આ પ્રેમ જ એને અંદરને અંદર ગુગળાવી રહ્યો છે ! એને જીવવું છે પણ, મન કહે છે ક્રિષ્ના તારો સમય પૂરો થવા આવ્યો ! કેમ ? કેમ હું જ ? આ સવાલનો કોઈ જવાબ નથી એની પાસે. બીજા કોઇને એ આ સવાલ પૂછી નથી શકતી. એના માબાપ અચાનક જ વધારે વૃદ્ધ થઈ ગયા હોય એમ કેમ લાગે છે? મુરલીના વાળ સફેદ થઈ રહ્યા છે, એ પહેલાંની જેમ બીજા સાથે હવે મજાક નથી કરતો. ખુલીને હસતો નથી. ક્રિષ્નાને થતું કે એના ઘરની દરેક વ્યક્તિ અંદરથી દુઃખી છે, એ બધા અંદરોઅંદર એમનું દુઃખ વહેંચતા પણ હશે ફક્ત એને એકલી પાડી દીધી છે ! ખુશ રહેવાનું નાટક કરે છે બધા એની આગળ !
ક્રિષ્નાની ખાંસી મટતી ન હતી. આગળ બે વખત માથામાં કેન્સરની ગાંઠ થયેલી એટલે એ લોકો વારંવાર ડોક્ટર પાસે જઈ માથાની તપાસ કરાવતા. સીટી સ્કેનનો રીપોર્ટ નોર્મલ આવતો ત્યારે દરેકના ચહેરા પર ઘેરાયેલા ચિંતાના વાદળો હટતા જોઈ ક્રિષ્નાની આત્મા વલોવાઈ જતી ! એ લોકો અંદરથી કેટલા પીડાતા હશે એનું ક્રિષ્ના અનુમાન કરી શકતી…..ખાંસીના ઠુસકા વારે વારે આવતા જોઈને અને કોઈ દવાની અસર ના થતાં મુરલીએ છાતીનો એક્ષરે કઢાવેલો, એણે વિચારેલું કદાચ ન્યૂમોનિયા હોઈ શકે અને રિપોર્ટ એના હાથમાં આવ્યો ત્યારે જ ક્રિષ્નાને એની મોતનું સાચું સરનામું મળ્યું !
આ વખતે કેન્સર એના ફેફસાંમાં ફેલાયું હતું! કોઈને ખબર પણ ન પડી અને એ લપાતું છુંપાતું આવીને બંને ફેફસાંમાં ફેલાઈ ગયેલું. એના જ લીધે ક્રિષ્નાને ખાંસી આવતી હતી, શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. એ થાકેલી અને નબળી પડી ગઈ હોય એવું લાગતું હતું! બધાની આંખોમાં એક જ સવાલ હતો, હવે શું ? એક જ ભગવાન હતો, ડોક્ટર !
ગમે તે કરો પણ ક્રિષ્નાને બચાવી લો..! બધાની એક જ માંગ હતી ડોકટર પાસે. ડૉકટર પણ આખરે તો માણસ જ છે, માનવીમાં જીવ પૂરવાનું હજુ એનું ગજુ નથી. આ વખતે એમણેય હાથ અધ્ધર કરી દીધા. ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. કોઈ ઈલાજ ન હતો. નાની નાની કેન્સરની ગાંઠો ઝડપથી ક્રિષ્નાની છાતીમાં ફેલાઈ રહી હતી. ઓપરેશન કરીને પણ બચવાના ચાન્સ બહું ઓછા હતા. એ સિવાયની સારવાર ચાલુ થઈ ગઈ. કીેમોથેરાપીની કોઈ અસર તો ના આવી, આડઅસર આવી ! ક્રિષ્નાની ભૂખ મરી ગઈ. એની જીવતા રહેવાની ઈચ્છા પણ મરી ગઈ. એના લીધેજ મુરલી, એના માબાપ બધા પરેશાન હતા. એને થતું કે જો એ હવે બચવાની ના જ હોય તો પછી જલદી મોત આવી જાય એ જ સારું !
થોડાક દિવસો બાદ હવે ક્રિષ્ના હોસ્પિટલમાં જ રહેતી હતી. એને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટલે નાકમાં ઓક્સિજનની નળી ખોસેલી. મુરલી આખો વખત એની પાસે જ બેસી રહેતો. એ એકલો એકલો કંઈનું કંઈ બોલે રાખતો. પોતે સામાન્ય સ્થિતિમાં જ છે એવું બતાવવા એ નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો. ક્રિષ્ના જવાબ ન આપે તો પણ વાતો કરતો રહેતો. વાસુદેવભાઇ આવજા કરતા. જશોદાબેન ઘરે રોઝી પાસે રહેતા અને સવાર સાંજ મળવા આવે ત્યારે ક્રિષ્નાને રોઝીની તબિયતની ખબર આપતા. એને છેલ્લાં દિવસો જઇ રહ્યા હતા. એનું બીપી વધી જતું હતું એટલે ડોક્ટરે ખાસ ધ્યાન રાખવાનું કહેલું. ક્રિષ્નાની ઈચ્છા હતી એના બાળકને જોઈને જવાની પણ હવે તકદીર સાથ નહિ આપે એવું એનું મન કહી રહ્યું હતું,
એક દિવસ ક્રિષ્નાની ઉધરસ વધી ગયેલી. મુરલી ખડે પગે એની પાસે હતો અને એનાથી બનતા બધા પ્રયાસ કરી રહ્યો હતો. એના ચહેરા પરની ગભરાહટ જોઈને ક્રિષ્ના એ કહ્યું,“ મુરલી ! કેટલા દિવસો થઈ ગયા તે મને આઇસ્ક્રીમ ન ખવડાવી. ” ક્રિષ્નાએ હાંફતા હાંફતા પણ, હસીને ફરિયાદ કરી.
“ તને ઉધરસ છેને બકા, એટલે ! ઘરે જઈએ એટલે હું મારા હાથે તને આઇસ્ક્રીમ ખવડાવીશ !” મુરલીને આટલું બોલતાં જાણે થાક લાગી ગયો.
“જુઠ્ઠું બોલવાની ટેવ તો મને હતી હવે તનેય પડી ગઈ. ”
“ હું ક્યાં ખોટું કહું છું !” બોલતા બોલતા ઘણું રોકવા છતાં બે આંસુ મુરલીની એક આંખમાંથી સરી પડ્યા. ડોક્ટરે કહી દીધેલું ગમે ત્યારે ગમે તે થઈ શકે છે, ક્રિષ્નાનું શરીર કોઈ પણ સારવારને સાથ નહતું આપી રહ્યું. દિનપ્રતિદિન એ વધુ ને વધુ નબળી પડી રહી હતી.
ક્રિષ્નાએ એનો હાથ મુરલીના ગાલ પર મૂકી કહ્યું, “ બહુ મન થાય છે. મારી આટલી ઈચ્છા પૂરી નહિ કરે?” ક્રિષ્નાની આંખોમાં કંઇક એવું હતું કે મુરલી ના ન કહી શક્યો.
“ હું હાલ જ લઈ આવુ છું ! આ ગયો અને આ આવ્યો ! ” મુરલી ક્રિષ્નાના કપાળ પર એક હળવી ચૂમી ભરી ભાગ્યો. એનું દિલ કોઈ અજ્ઞાત ભયથી ફફડી રહ્યું હતું. એની ધડકનો તેજ બની હતી. કોઈ અમંગળ વિચાર મનમાં પ્રવેશે કે તરત એ એને વિદાય આપી દેતો હતો. હાલ એને આઇસ્ક્રીમ લઈને જવાનું હતું, એની ક્રિષ્નાની ઈચ્છા પૂરી કરવાની હતી બસ એટલું જ યાદ રાખીને એ ભાગ્યો હતો.
બહાર દરવાજે જ વાસુદેવભાઇ ઊભા હતા. એમને પણ, “હું હાલ આવ્યો,” કહીને મુરલી દોડતો હોય એટલી ઝડપથી ચાલી નીકળ્યો. વાસુદેવભાઇ અંદર આવ્યા ત્યારે ક્રિષ્ના આંખો મીચીને જાણે સૂઈ ગઈ હતી. એમને થોડી નવાઈ લાગી. આ સમયે ક્રિષ્ના ક્યારેય સૂતી ના હોય. કદાચ નબળાઈ લાગતી હશે એટલે આંખો બંધ રાખીને પડી રહી હશે એમ વિચારી એ ક્રિષ્નાની પાસે આવ્યા અને એના માથે હાથ મૂકીને એને બોલાવવા ગયા તો એનું માથું એકબાજુ ઢળી પડ્યું. હાંફળા ફાંફળા એ ઊભા થઈ ગયા. એ રૂમની બારીમાથી હોસ્પિટલની બહાર જવાનો રસ્તો દેખાતો હતો. એ ત્યાં ગયા. મુરલી હજી હોસ્પિટલના મુખ્ય દરવાજે જ પહોંચ્યો હતો. એને જોતાજ એમણે રાડ પાડી..,
“ મુરલી…. ક્રિષ્ના…!” એમનો અવાજ ફાટી ગયો. મુરલીના પગને અચાનક બ્રેક લાગી હોય એમ સ્થિર થઈ ગયા. એ દરવાજે અથડાયો અને પાછો ફરીને ફરીથી ભાગ્યો.
“ ક્રિષ્ના…. ક્રિષ્ના……..” મુરલી ક્રિષ્નાના બે ખભા પકડી એને હચમચાવી રહ્યો, “ તું આમ મને છેતરી નહીં શકે ! તું છેવટ સુંધી જૂઠ્ઠું બોલી. મને બહાર મોકલ્યો અને તું આમ ચાલી ગાઈ….ચાલ હું તારા માટે આઇસ્ક્રીમ લઈ આવું…..હવે કોઈ દીવસ ના નહિ પાડું….તું જેટલો કહીશ એટલો આઇસ્ક્રીમ આપીશ. બસ, એકવાર ઉઠીજા !”
મુરલીના હૈયા ફાટ રુદનથી હોસ્પિટલની જડ દિવાલોય ધ્રુજી ઉઠી. એની ચીખો જાણે આ દુનિયાને પાર પેલી દુનિયા સુધી પડઘાઇ રહી..! ક્યાંક દૂર ઊભી રહીને તમાશો જોતી નિયતિને પણ કંઇક તો થતું હશે ને માણસોની આટલી પીડા અને આક્રંદ જોઈને…!!
ક્રિષ્નાની આત્મા ચાલી ગયેલી અનંત સફરે, હોસ્પિટલેથી ફક્ત ખાલી ખોળિયું પાછું આવેલું. વાસુદેવભાઇ, એક બાપને માથે કપરી જવાબદારી આવી પડી હતી. એમની વહાલ સોઈ દીકરી વિદાય પામી હતી અને એમને છૂટથી રડવાનીય છૂટ ન હતી! એ જો હૈયાફાટ રુદન કરે તો મુરલી બિચારા પર શું વિતે એ વિચાર કરીને એમણે એમનું દુઃખ હ્રદયમાં જ દબાવી દીધું હતું. જશોદાબેન રડી રહ્યા હતાં. ક્રિષ્નાના નિર્જીવ શરીરને વળગીને એ એની નાની નાની વાતો યાદ કરી રહ્યાં હતાં. એમણે એમના હાથે દીકરીને તૈયાર કરી હતી. સુહાગણના વેશમાં એ જડ શરીર હજી દીપી ઊઠેલું, મુરલી એના હાથે પારિજાતના ફૂલોની વેણી બનાવી લાવેલો અને એને ક્રિષ્નાના માથે મૂકી એ જોઈને જશોદાબેન અફાટ રુદન કરી રહ્યા..!
બધી સ્ત્રીઓ કહેતી હોય છે, જે કપડામાં સાસરે આવેલી એ કપડાંમાં જ વિદાય લઈશ પણ કેટલીક નસીબદાર સ્ત્રીઓને જ એવી તક મળતી હોય છે! ક્રિષ્નાને એ તક મળી હતી. મુરલીને ઓળખતી અને આસપાસ રહેતી ઘણી બધી સ્ત્રીઓ આવી પહોંચી હતી અને મર્યા પછીની રસમો નિભાવવામાં આ દુઃખી પરિવારની મદદ કરી રહી. કેટલું વિચિત્ર છે નહિ! જીવતે જીવ તો ખરું પણ માર્યા બાદ પણ આ રિવાજો અને રસમો નિભાવવી પડે! મુરલીને એક બહુ જ કપરી રસમ નિભાવવાની હતી. એની વહાલી ક્રિષ્નાના શરીરને અગ્નિદાહ આપવાની..! જે શરીરને એણે ચાહ્યું હતું એ જ ફક્ત એની પાસે રહી ગયું હતું એમાંની વ્યક્તિ જે મુરલીના પ્રાણમાં વસી હતી તે ક્યાં ગઈ? અને હવે એ શરીરને પણ જલાવી દેવાનું હતું, પોતાના હાથે પોતાના સ્વજનને આગ કેમની દેવાય!
પરિસ્થિતિ જ માણસને ઘડે છે, કોઈએ આ બરોબર જ કહ્યું છે! મુરલી પણ ઘડાઈ ગયો. એણે એને કરવાની બધી જ વિધિ પૂરી કરી, ક્રિષ્નાના શરીરને અગ્નિદાહ પણ આપ્યો અને છેલ્લે એ શરીરના અગ્નિમાં તપીને પણ બાકી રહી ગયેલા થોડાંક અંશોને એક નાની પોટલીમાં સમેટીને ઘરે લઈ આવ્યો. પાંચ ફૂટ સાત ઇંચની ક્રિષ્ના એક નાનકડી પોટલીમાં, મુઠ્ઠીભર રાખ બનીને સમાઈ ગઈ…!