મુંબઈની ટાટામેમોરિયલ હોસ્પિટલની લોબીમાં વાસુદેવભાઇના પગ અચાનક જ જાણે થાકી ગયા ! એમણે ખુરસી પકડી લીધી. જશોદાબેન લોબીમાં લગાવાયેલા શ્રી ગણેશજીની મોર્ડન આર્ટ પેઇન્ટિંગ આગળ ઊભા રહી મનમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા લાગ્યા હતા. હિંમતભાઈ અને પાર્થ શૂન્યમનસ્ક અવસ્થામાં લાકડાના પૂતળાની જેમ લાકડાની બેંચ પર બેઠી રહ્યા હતા. મુરલી, ભરતભાઈ અને નટખટ બહાર અગાસીમાં ઊભા ઊગતા સૂર્યને જોઈ ભગવાનને ક્રિષ્નાના જીવનમાં પણ નવો સૂરજ ઊગે, એને નવી જિંદગી મળે એમ પ્રાર્થના કરી રહ્યા હતા…..બરોબર એજ સમયે ક્રિષ્ના ક્યાંક જઈ રહી હતી !

પૂરપાટ ઝડપે, આછા ઘાટા વાદળોને વીંધીને એની પેલે પાર, દૂર ને દૂર….એ ઉડી રહી હતી. ઊગતો સૂર્ય એને પણ દેખાયો પણ, એમાં એને કંઈ નવીન ના લાગ્યું. એ આકાશમાં વાદળોની વચ્ચે આમ ઉડી રહી હતી એજ એને મન મોટામાં મોટું અચરજ હતું. એણે વિચાર્યું કે એ સપનું જુએ છે. થોડીવાર એમજ વીતી ગઈ. હજી એ ઉડી રહી હતી, ઉપરને ઉપર ! એણે એના હાથ પર બીજા હાથથી ચૂંટલી ખણી. ના, આ સપનું ન હતું. તો ? શું એ મરી ગઈ ? ક્રિષ્નાનું મન ઉદાસ થઈ ગયું. જો ખરેખર એ મરી ગઈ હોય તો હવે એ ક્યાં જઈ રહી છે ? કોની પાસે ? એ એકલી કેમ છે ? પેલો પાડા પર બેસેલો યમદૂત એને લેવા કેમ ના આવ્યો ? શું એ હવે એના કાન્હાને મળશે ?

“ બાપરે એક પછી એક કેટલા સવાલ ? આ મન થાકતું કેમ નથી ?”

ક્રિષ્ના કોઈક સ્ત્રીનો અવાજ સાંભળીને ચમકી. એણે ચારેબાજુ નજર કઈ કોઈ દેખાયું નહિ. એ હવામાં અધ્ધર લટકતી હતી. આજુબાજુ બીજું કંઈ જ ન હતું. વાદળોય હવે પાછળ છૂટી ગયા હતા એ એકલી જ ઉપરને ઉપર ઉડે જતી હતી. તો પછી આ કોણ બોલ્યું ?

“ એ હું બોલી. જેને તમે લોકો નિયતિ કહો છો ! ”

ફરીથી એજ મધુર અવાજ. આ વખતે સાવ પાસેથી આવ્યો હોય એમ લાગ્યુ. ક્રિષ્નાની નજર સામે ધીરે ધીરે એક આકાર આવ્યો. ગુલાબ જેવી ગુલાબી, એક યુવતી એને દેખાઈ. એણે સફેદ જિન્સ અને પીળા રંગની ટુંકી કુર્તી પહેરી હતી. કુર્તી પર છાતીના ભાગમાં એક મોર ચિતરેલો હતો. જાણે સાચે સાચો મોર જ જોઈલો. ક્રિષ્ના આંખો ઝીણી કરીને એ મોરને જોઈ રહી એને લાગ્યું કે એ મોર જાણે હલ્યો.

“ શું થયું ? હમણાં તો એક પછી એક ઢગલો સવાલ હતા મનમાં અને અત્યારે આ મોરને જોવામાં બધા જ સવાલ ભૂલી ગઈ કે શું ? ” પેલી યુવતી હસીને બોલી.

એ યુવતીનો ચહેરો ક્યાંક જોયો છે ! જાણે રોજ જોતી હોઉં એવું કેમ લાગે છે. ક્રિષ્નાની નજર પાછી એ યુવતી તરફ ગઈ.

“ આ ચહેરો તું રોજ જુએ છે. તારા રુમની ભીંત પર. સરસવતી દેવીની છબીમાં ! ”

“ અરે હા ! તમે એવાજ દેખાઓ છો ! તમે દેવી સરસ્વતી ?” ક્રિષ્નાના હાથ એની મેળે જ જોડાઈ ગયા.

એ યુવતી જોરથી હસી પડી. “ હું નિયતિ છું ! મારું કોઈ જ રૂપ નથી, તું જેવું વિચારીશ એવી જ હું તને દેખાઈશ. ”

“ તમારો ચહેરો હૂબહૂ સરસ્વતીદેવી જેવો છે પણ તમે એમના જેવા કપડાં તો નથી પહેર્યા…એ તો સાડીમાં જ હોય !”

“ તે મેં ક્યાં કહ્યું કે હું સરસ્વતી છું. હું નિયતિ છું, નિયતિ ! બધાના લેખ લખનાર ! બધાને એમના કર્મ પ્રમાણે ફળ આપનાર નિયતિ ! અને રહી વાત કપડાંની તો ફેશન ફક્ત મનુષ્ય માટે જ થોડી છે ! ” એ સહેજ હસી. એની કુર્તી પર રહેલો મોરલો ઉડી ગયો. ક્રિષ્ના આંખો ફાડીને એને જોઈ રહી. પછી ધીરેથી બોલી,

“ ઓહ ! એટલે હું ખરેખર મરી ગઈ છું ?” ક્રિષ્નાની આંખોમાં થોડી ભિનાશ છવાઈ.

“ મન. બધી મુસીબતની જડ ! તમે માણસો પણ અજીબ કરામત છો ભગવાનની. તમે લોકો એક ખૂણામાં બેઠા બેઠા દૂરના કોઈ ગ્રહ વિશે જાણકારી મેળવી શકો, પૃથ્વી પર બેસીને દૂર ચંદ્ર પર ક્યારે અમાસ થશે ક્યારે પૂનમ થશે એ ચોક્કસ પણે કહી શકો પણ, તમારી બાજુમાં જ બેઠેલી વ્યક્તિનું મન ના જાણી શકો ! દૂર રહેલા સૂર્ય પર ક્યારે ગ્રહણ લાગશે એ નિશ્ચિત કરી શકો પરંતુ તમારી બાજુમાં રહેલા માણસના મનમાં ક્યારે શું હશે એ ના જાણી શકો ! તમે માનવીઓ આટલું બધુ સાયન્સ સાયન્સ કરો છો પણ, એક મન આગળએય તમારું કંઈ ચાલે છે ? બીજાનું તો છોડો તમારા પોતાના મન પર પણ ક્યાં તમારો કાબૂ છે !”

“ તમે આ બધું મને શું કામ જણાવો છો અને મને અહીં કેમ લાવ્યા છો ? મારે પાછા જવું છે ! મારા માબાપ પાસે. ” ક્રિષ્ના થોડી અકળાઈને ઉદાસ થઈ બોલી.

“ ફક્ત માબાપ પાસે પાછા જવું છે ? મુરલી અને પાર્થ પાસે નહિ ? ” નિયતિએ સહેજ હસીને કહ્યું.

“ એતો મારી કરતા તમને વધારે ખબર ! તમેજ તો બધાનું નસીબ લખો છોને !” ક્રિષ્નાએ થોડું મલકાઈને કહ્યું.

“ એજ તો મુસીબત છે. મારું લખેલું ઘણી વખત મારે જ બદલવું પડે છે. જ્યારે તમારા મનુષ્યોનું મન બહું મક્કમ હોય ત્યારે !” નિયતિએ ક્રિષ્ના સામે જોઈ સુંદર સ્મિત વેર્યું, “ ના સમજાયું ને ? ચાલ હું તને આજે તારા જ જીવનની કહાની કહું. વાસુદેવ અને જશોદાના ભાગ્યમાં સંતાન સુખ જ ન હતું. એ લોકોએ એમના ભગવાનને ખૂબ વિનવ્યા. ઉપવાસ, બાધા, પુણ્યકર્મ વગેરે ! આખરે શ્રી હરી પીગળી ગયા ! કાચા મીણ જેવું દિલ છે પ્રભુનું જરીક ભાવથી બોલાવ્યા નથી કે આવ્યા નથી !”

“ ભગવાને મને કહ્યું નિયતિ એમને પચીસ વરસની આયું વાળી સુંદર, શુશિલ કન્યા આપ. એ લગ્નની ઉંમર સુધીની થાય ત્યાં સુધી એને હેમખેમ રાખજે પછી થોડીક બીમારી અને એને પાછી બોલાવી લેજે. આમ એ લોકોની માબાપ બનવાની ઈચ્છા પૂરી થશે. લગ્ન પછી આમેય કન્યા એમની સાથે નથી રહેવાની, એમની એવી ઈચ્છા પૂરી થશે.” મેં કહ્યું, “ઓકે પ્રભુ ! ”

નિયતિ ક્રિષ્નાની પાસે આવી ત્યાં એક સોફા આવી ગયો એની પર એણે ક્રિષ્નાને બેસવાનો ઈશારો કર્યો અને પોતે પણ બેસી ગઈ.

“ એ હિસાબ મુજબ હવે તારું આયુષ્ય પૂરું થાય છે. આમ તો તું અત્યારે અડધી મરેલી જ છે. બેભાન અવસ્થામાં હોસ્પિટલના ખાટલે પડેલું તારું શરીર ઉઠે કે ના ઉઠે ! ”

“ એટલે હું મરી જઈશ ?” ક્રિષ્ના આઘાત સાથે બોલી.

“ મરી જ ગઈ હોત ! પણ, ફરીથી ભગવાન વચ્ચે નડ્યા અને એનું કારણ તારું મન ! તારા મને આખી જિંદગી એમની પાસે રાધા બનવાની ઈચ્છા રાખી. તારું મન સદા કૃષ્ણ જેવો પ્રેમી ઝંખતું રહ્યું. નિર્મળ પ્રેમ આગળ પ્રભુ પીગળી જ જાય છે અને તારી એ ઈચ્છા પૂરી કરવી એમને મુશ્કેલ પડે એટલે ભગવાને મને કહ્યું, નિયતિ ગમેતે કર આ છોકરીની આ ઈચ્છા ફેરવી કાઢ ! હું ફરીથી એજ કૃષ્ણ બનીને કેવી અવતરી શકું ?”

“ એટલે મેં તારા જીવનમાં પાર્થને મોકલ્યો. પણ, ફરી પાછી મનની મોકાણ ! તું એની તરફ વધારે ન ઢળી. તને એનામાં તારો રબ ના દેખાણો ! ભગવાને શોપેલું કામ તો કરવું જ રહ્યું. એટલે મેં તારા જીવનમાં મુરલીની એન્ટ્રી કરી. એકદમ તને અનુરૂપ. તારા જ દિલનો એક ટુકડો એના દિલમાં મૂકીને ઘડ્યો હોય એવો. તારા દિલમાં કામદેવને સ્પેશિયલ રિકવેસ્ટ્ કરીને એમના તીર પણ ચલાવડાવ્યા…..તું મુરલીના પ્રેમમાં ગળાડૂબ ડૂબી ગઈ. મારું કામ પૂરું થયું. હવે તારો પ્રાણ લેવાનો સમય આવ્યો ત્યારે ફરીથી શ્રી હરિએ મને રોકી. તારું મન હજી એમના નામની માળા જપે છે. મુરલી કે પાર્થ બંનેમાંથી કોને પસંદ કરવો ? હવે આમાંય તારે ભગવાનની મદદ જોઈએ ? ભગવાનને જાણે નવરા સમજી બેઠાછો તમે બધા ! ભગવાન તો પ્રેમના ભૂખ્યા ! મને કહે, ‘ નિયતિ એ છોકરીને જે જોઈએ એ આપી દે ! જો એ આવી ગમગીન અવસ્થામાં ફક્ત મારું જ રટણ કરતી દેહ ત્યાગ કરશે તો મારે એને મારી શરણમાં લેવી જ પડશે, પછી તું એના પાપ પુણ્યનો હિસાબ ગણાવિશ તો એ વ્યર્થ જશે ! ”

“ એટલે જ મેં તને અહી બોલાવી. હવે આગળનું તારું જીવન તું તારી મરજી પ્રમાણે જીવીશ. એમાં બે વિકલ્પ છે, એકમા તું પાર્થ સાથે લગ્ન કરીશ. અહીં આવેલો પાર્થ તારી માફી માંગસે, તારી મગજની ગાંઠ કેન્સરની ગાંઠ નીકળશે. મુરલી તને પાર્થ સાથે જોઈ હતાશ થઈ ચાલ્યો જશે. થોડુક એને તારી મમ્મી સમજાવી દેશે. તું પંચાવન વરસ સુધી જીવીશ. વારે ઘડીએ કેન્સર તને હેરાન કરશે. પાર્થ તારી સાથે જ રહેશે. છેલ્લે સુધી તારી સેવા કરશે. હા તને કોઈ સંતાન નહિ થાય. છેલ્લાં પાંચ વર્ષ તો પથારીમાં જ જશે.” ક્રિષ્ના સામે જોઈને સહેજ હસીને નિયતિ આગળ બોલી,

“ બીજા વિકલ્પમાં પાર્થ તારી માફી માંગસે, તારા માટે મુરલી જ યોગ્ય છે એમ જણાવી રસ્તામાંથી હટી જશે. મુરલી સાથે તું તારી જિંદગી જીવીશ, ખુશખુશાલ ! શું છેને કે લોકોને બીજાના સુખની બહુ જ ઈર્ષ્યા આવે….બધાની ભગવાન આગળ, તને આટલું સુખ કેમ આપ્યું? એની ફરિયાદો વધી જશે ! તું ફક્ત દસ વર્ષ જીવીશ, એક છોકરીની મા બનીને પછી આ દુનિયા છોડીશ. હવે તું બોલ, તારે કેટલું જીવવું છે ? કેવું જીવવું છે ? પાર્થ કે મુરલી ?”

“ ધારો કે હું એમ કહું કે મારે એ બેમાંથી કોઈ નથી જોઈતું તો ? હું શ્રી હરિને પામીશ ?” ક્રિષ્ના હસીને નિયતિ સામે જોઈ રહી.

“ બોવ જ લુચ્ચી છે તું ! હજાર હજાર વરસની તપસ્યા કરનાર સાધુ સન્યાસી, આખી જિંદગી વૈરાગ્ય ધારણ કરનાર બ્રહ્મચારી, ઉપવાસ, જાપ કરી આખું જીવન પ્રભુને સમર્પિત કરનારાં હજી લાઈન લગાવીને બેઠા છે ને તને શ્રી હરિ પાસે જવા દઉં ? પ્રભુને પામવા તે શું કર્યું ?”

“ કંઈ નહિ બસ, પ્રેમ કર્યો છે પ્રભુને ! તમેજ હમણાં કહ્યુને કે, ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, તો બસ એજ વાત છે.” ક્રિષ્ના વિશ્વાસથી બોલી.

“ પ્રભુને મેળવી તું મુરલીને ભૂલી જઈશ ? તારા માબાપ તને નહિ સાંભરે ? ” ક્રિષ્નાના ગાલ પર હાથ મૂકીને નિયતિએ કહ્યું, “ આ દુનિયા ભગવાને ખૂબ દિલ દઈને બનાવી છે, એની ઉપેક્ષા કરનાર કદી ભગવાનને પ્રિય ના થઈ શકે ! તું પાછી જા, જીવનની હરએક પળનો આનંદ લે તારું આયુષ્ય પૂરું થાય ત્યારે અહી આવવાનું તો નિશ્ચિત જ છે ! પ્રભુને મળવા માટે આ લાઈન લગાવીને બેસેલા ત્યારેય અહીં લાઈનમાં જ હશે અને તું એ બધાથી આગળ નીકળી જઈશ….” નિયતીનો હાથ ખૂબ ઠંડો હતો. એના સ્પર્શથી ક્રિષ્નાની આંખો ઘેરાવા લાગી….

અચાનક ક્રિષ્નાને લાગ્યું જાણે કોઈ એના દિલ પર જોરથી મારતું હતું. એની આંખો આગળ લાલાશ પડતો અંધકાર છવાઈ ગયો. એના હાથ પર એને દર્દ મહેશુસ થયું. જાણે કોઈએ એના હાથ પર સોય જેવું કશુંક ભોકી દીધું હતું.

“ક્રિષ્ના… ” કોઈકની હળવી ચીસ….ઓહ ! એ મુરલીનો અવાજ છે. એ મને બોલાવે છે. એનું આ દુનિયામાં કોઈ નથી મારા સિવાય ! મારે એની પાસે…..

“એક, બે, ત્રણ , પુશ ! ” ત્રણની ગણતરી પૂરી થતાં જ ડૉક્ટરે ક્રિષ્નાના હૃદય પર હળવો ઇલેક્ટ્રિક જાટકો આપ્યો. એ અડધો ફૂટ પલંગ પર ઉંચી થઈને નીચે ફસડાઈ. એ સાથે જ એની આંખો હલી, એના હાથ પગમાં સંચાર થયો !”

સવારે સાત વાગે ક્રિષ્નાની હાલત ડોકટરને ગંભીર જણાતાં એના પરિવારને જાણ કરવામાં આવેલી. જસોદાબેન પોક મૂકીને રડવા લાગેલા. પાર્થ ડોકટરને હજી એકવાર પ્રયત્ન કરી જોવા કહી રહ્યો હતો. વાસુદેવભાઇ અંદર ક્રિષ્નાની પાસે જવા દેવા નર્સને ગુસ્સાથી બોલી રહ્યા હતા. આ બધો અવાજ સાંભળી કંઇક ખોટું થયાની આશંકાથી મુરલી અને એની પાછળ એના બે ભાઈબંધ દોડી આવેલા. દરવાજો ખોલીને ડૉક્ટર અંદર ગયા ત્યારે મુરલીને ક્રિષ્નાનું શરીર પલંગ પર પડેલું દેખાયેલું અને એણે,

“ ક્રિષ્ના….” કહીને ચીસ પાડેલી.

ડોક્ટરે દરવાજો ખોલીને બહાર આવતા જ મુરલી અને વાસુદેવભાઇને દરવાજે ઊભેલા જોઈ કહ્યુ, “ તમારા સૌની ઈચ્છા ભગવાને સાંભળી ! ક્રિષ્ના ભાનમાં આવી ગઇ છે ! દસેક મિનિટ ડૉક્ટર તપાસી લે પછી તમે એને મળી શકશો. ”

મુરલી આ સાંભળીને વાસુદેવભાઇને ભેંટી પડ્યો. એમણે પણ મુરલીને ગળે વળગાડી લીધો. બધાને વાતની જાણ થતાં બધાના મોં પર ખુશી ઝળકી ગઈ. બધા દરવાજા પાસે આવી ઊભા રહી ગયા. નર્સ આવીને એક પછી એક અંદર જવાનું એમને જણાવી રહી. સૌથી પહેલા વાસુદેવભાઇ જઈને આવ્યા. ક્રિષ્નાએ એમને જોતાજ સ્મિત કર્યું એ જોઈ એમની આંખો ભરાઈ આવી, એ બહાર આવી ગયા. પછી જશોદાબેન ગયા. દીકરીને હાથે હાથ ફેરવી બહાર આવી ગયા. પછી મુરલી અને પાર્થ બંને સાથે દાખલ થવા ગયા અને બંને દરવાજે એકબીજાને ભટકાઈ પડ્યા. પહેલાં હું જઈશ, કહી પાર્થ અંદર ગયો. મુરલી દરવાજે રોકાઈ ગયો. નટખટ એના ખભે હાથ મૂકીને એને દિલાસો આપી રહ્યો.

પાર્થ તરફ જોઈને ક્રિષ્ના સહેજ હસી. પાર્થ ઘડીક ચૂપ રહી બોલ્યો, “ ક્રિષ્ના આપણે દોસ્ત હતા અને દોસ્ત રહીશું હંમેશા. તે દિવસે તને એકલી હોસ્પિટલ છોડીને ભાગી ગયેલો…” એ હસ્યો જરા, “ થઈ શકે તો મને માફ કરી દેજે. તારો મુરલી ક્યારનોય ઉચોનીચો થાય છે બહાર ! એને મોકલું છું. ” પાર્થે બહાર જઇને મુરલીને કહ્યું, “ જા, ક્રિષ્ના તારી રાહ જોવે છે. અમદાવાદની છોકરી છે, જો હટિ ગઈ તો થપ્પડ પણ લગાવી દે હવે એ સહન કરવાનું શીખી જજે !” પાર્થ હસીને બહાર ચાલ્યો ગયો. મુરલી અંદર ગયો.

છાતી સુંધી સફેદ ચાદર ઓઢીને સૂતેલી ક્રિષ્નાની આંખોમાં બારણે નજર જતાં જ ચમક આવી ગઈ. એના આખા માથા પર સફેદ પાટો બાંધ્યો હતો. એનો ચહેરો પીળો પડી ગયો હતો. એ શરીરથી પણ ખાસુ સુકાઈ ગયેલી લાગતી હતી. મુરલીની આંખોમાં આંસુ હતા અને હોઠો પર હસી…..!!

——————————  પ્રકરણ ૨૯ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-

લેખિકા: નિયતી કાપડિયા.