જે કંપનીએ ક્રિષ્નાને અહિં ટ્રેઇનિંગ માટે બોલાવેલી એણે બીજી ચાર છોકરીઓને પણ ક્રિષ્નાની સાથે લીધેલી. બધાને રહેવા માટે એક ઇમારતમાં એક એક રુમ અલગથી ફાળવેલ હતી.

ક્રિષ્નાની સાથેની બાકીની બધી છોકરીઓ દક્ષિણ ભારતની (સાઉથ ઇન્ડિયન) હતી. ક્રિષ્નાને એ લોકોની સાથે અંગ્રેજીમાં જ વાત કર​વી પડતી. એ લોકો હંમેશા એમની માત્રુભાષામાં જ વાત કરતા, ક્રિષ્નાને એમાં એક અક્ષરેય સમજાતો નહિં. એની બાજુની રુમમાં રહેતી છોકરી, આસ્થાને હિન્દી આવડતું હતું અને એ સ્વભાવની પણ સારી હતી, ક્રિષ્ના ફક્ત એની સાથે થોડી વાતો કરી શકતી.

બેંગલોર આવ્યાને આજે સાત દિવસ થ​ઈ ગયા હતા. આગળના ત્રણ દિવસતો મમ્મી-પપ્પા સાથે સરળતાથી પસાર થઈ ગયેલા. એમની સાથે છેક ઊંટી સુંધી ફરી પણ આવેલી પણ એમના અમદાવાદ પાછા ગયા બાદ ક્રિષ્ના થોડી ઉદાસ હતી…! ઘર પરિવારથી દૂર, એ એકલી પડી ગયેલી. પાર્થનો ફોન રોજ સાંજે આવતો પણ એની સાથે ક્રિષ્ના પોતાના મનની વાત ખુલીને ના કરી શકતી! પાર્થને જો જરીક એમ લાગે કે ક્રિષ્ના સહેજ પણ તકલીફમાં છે તો એ એને એક ઘડી ભર અહિં ટક​વા ના દે! મમ્મી પપ્પાની આગળ અહિંની વાત કરીને એ એમને દુખી કરવા નહતી ઇચ્છતી! અહિં આવ​વાનો નિર્ણય એનો પોતાનો હતો અને એ માટે એણે આવી નાની નાની તકલીફો વેઠ​વી જ રહી….એમ વિચારી એ મનને મનાવ​વાનો પ્રયાસ કરતી.

પાંચે છોકરીઓ માટે મેશમાં જમવાની વ્ય​વસ્થા હતી. સવારે ચા-કોફી સાથે નાસ્તો, અને બે સમયનુ જમ​વાનું ત્યાં જ મળતું. પહેલા દિવસે ક્રિષ્નાએ નાસ્તામાં એક ઢોંસો લીધેલો સાથે ચા, બપોરના જમ​વામાં ભાત, રસમ(દાળની પતલી પાણી જેવી એક વાનગી), બે શાક અને રોટલી હતા. સાંજના જમ​વામાં પણ એની એ જ વાનગીઓ રહેતી. બધા લોકો ટેસથી જમતા, ફક્ત ક્રિષ્નાને કોળીયો ગળે ભરાઈ રહેતો….એને એકેય વસ્તુ ભાવતી નહી સિવાય કે, ઢોંસો અને ઇડલી!

બીજા દિવસે, ત્રીજા દિવસે… એમ કહોકે રોજે રોજ જમવાનું એનુ એજ હોતું. સ​વારના નાસ્તામાં કોઇ વખત ઇડલી, તો કોઇ વખત ઢોંસા કે મેંદુવડા મળતા એ ક્રિષ્નાને ભાવેલા પણ રોજ એનું એજ ખાઇને હ​વે ક્રિષ્નાનો એમાથીયે રસ ઉઠી ગયેલો… ખાટલે મોટી ખોડ એ હતી કે ક્રિષ્ના સિવાયના બધા લોકો આરામથી જમી લેતા હતા, બીજા કોઇને કોઇ વાંધો જ ન હતો!

ક્રિષ્નાને થતુ કે, ખરેખર ગુજરાતીઓ જેટલી ખાવાની શોખીન પ્રજા બીજી કોઇ નહી હોય! એક સીધીસાધી ગુજરાતીથાળી જ જોઇલો એમાં તમને તીખું, ખાટું, ગળ્યું બધું એકસાથે જ અલગ અલગ શાક-વાનગીના રુપમાં જોવા મળી જાય. રોટલી ખાઓ કે ભાખરી, પરોઠા લો કે થેપલા, કોઇ વળી બાજરીના રોટલા પર પણ પસંદગી ઉતારે! સાથે ચટાકેદાર ફરસાણ, ભરેલા મરચા, પાપડ, અથાણું તો ખરું જ! છેલ્લે એક ગ્લાસ મસાલા છાસ ઘટઘટાવતા ગુજરાતીને જોઇને તો એવું લાગે જાણે, એને અહિં જ સ્વર્ગ મળી ગયું હોય!

બિચારી ક્રિષ્ના! ઘરે રોજ રોજ મમ્મીનો જીવ ખાતી, સમયસર ક્યારેય જમ​વા ના બેસતી! જો ક્યારેક એને ભાવતી વાનગી ના બની હોય તો આખો દિવસ મોંઢું ફુલાવીને ફરતી! કોઇક વાર જો જસોદાબેન સાંજે ખાલી ખિચડી- કઢી બનાવી દે તો ક્રિષ્ના એના પપ્પા સાથે રાત્રે બહાર જ​ઈને પાણીપુરી કે આઇસક્રીમ ખાઇ આવતી! આજે એને મમ્મીના હાથની ખિચડી યાદ આવી ગઈ… જો હાલ મમ્મી થાળી પિરસીદે તો જે બનાવ્યુ હોય એ કંઇ પણ બોલ્યા વિના ખુશી ખુશી એ ખાઇ લેવા તૈયાર હતી! આટલા વરસે આજે પહેલીવાર એને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો, મમ્મીને ખાવાની બાબતે હેરાન કર​વા બદલ… એણે પોતાની જાતને વચન આપ્યુ કે આજ પછી ક્યારેય એ મમ્મીની બનાવેલી કોઇ વાનગી નાપસંદ નહી કરે! હંમેશા સમયસર જમી લેશે….

સ​વારે ન​વ વાગે ક્રિષ્ના આસ્થા સાથે એની ઓફિસે જવા નિકળી હતી. ઓફિસ બહુ દૂર ન હતી છતા પહેલા દિવસે મોડું ના થાય એટલે એ આસ્થા સાથે રિક્ષામાં ગયેલી. આસ્થા કેરાલાથી અહિં આવી હતી. બાકીની ત્રણે છોકરીઓ કર્ણાટકની જ હતી. સરિતા, માધુરી અને શિવાની એ ત્રણેમાંથી બે પાસે પોતાના સાધનો(સ્કુટી) હતા. આજ સુંધી એ લોકોને કંપની તરફથી ફક્ત મૌખીક માહિતી આપ​વામાં આવેલી, આજથી જ એ લોકોની સાચી ટ્રેઈનીંગ શરુ થતી હતી.

બધી છોકરીઓને એમના અલગ ટેબલ અને કોમ્પ્યુટર આપેલા હતા. એમને જે પણ કામ કરવાનું હતુ એ બધું કોમ્પ્યુટર પર જ કરવાનું હતું.

ક્રિષ્ના એના ટેબલ પર બેઠી અને તરત એનું કામ ચાલું કરી દીધું. લગભગ બે કલાકની મથામણ પછી એનું કામ સફળતાથી પુરુ થયું.

એમના સાહેબ શ્રીવિજ્યાસ્વામીને ક્રિષ્નાએ એમની કેબીનમાં જ​ઈને, એણે એનું કામ થ​ઈ ગયાનુ જણાવેલું.

એ ક્રિષ્ના પર ખુશ થયા.
“વન્ડરફુલ ક્રિષ્ના!” શ્રીવિજ્યાસ્વામીએ કહ્યું.

“થેંક્યુ સર!” કહીને મનમાં જ મલકાતી ક્રિષ્ના એની જગાએ પાછી ફરી.

“એક​વાર જલદી કામ પતી ગયું એટલે એમ ના માનતી કે તું એકલીજ બહું હોંશિયાર છે, હુંહ!” શિવાનીએ અંગ્રેજીમાં ટકોર કરી.

પાંચ ફુટ અગિયાર ઇંચ ઊંચી, ઘઊવર્ણાથી સહેજ વધારે કાળી, પતલી સોટા જેવી શિવાની એના થોડાક વધારે લાંબા, બહાર નીકળી આવતા દાંત કચકચાવીને બોલેલી.., એની નાની ચુંચી આંખો ક્રિષ્ના તરફ કોઈ અજીબ નજરે જોઈ રહેલી. અત્યારે એને જોઇને ક્રિષ્નાને મહાભારતની પુતના યાદ આવી ગ​ઈ!

“હોય યાર! સરે એને થોડી મદદ કરી હશે, એ આપણામાં સૌથી વધારે ધોળી છેને….” જાડી સરિતા એ એના વાંકળીયા વાળને ભેગા કરીને એક રબરબેંડ ભરાવતા કહ્યું.

ક્યારનીયે ચુપ બેઠેલી માધુરી જાણે સરિતાએ કોઇ મોટી જોક મારી હોય એમ જોર જોરથી હસી પડી. એના ગોળ મટોળ મોંઢાં ઉપર પહેરેલા ગોળ ચશ્મા કૈક વિચિત્ર રીતે હલી રહ્યા. એના દાંત ઉપરના સ્ટીલના બ્રીશલ્શ એના ફિક્કા, પીળા ચહેરા પર ઉડીને આંખે વળગતા હતા… એનુ સમગ્ર શરીર એના હસવાથી ધ્રુજી રહ્યુ હતું, એના શરીરના તાલે એના ભુખરા, ટુંકા વાળ પણ જુલી રહેલા!
એકજ ક્ષણમાં ક્રિષ્નાનો બધો આનંદ ઓશરી ગયો! કોઇ કોઇના વિશે આટલી ગંદી વાત કેવી રીતે કરી શકે? એય તે એની સામે…ક્રિષ્ના અંદરથી સળગી રહી. મનમાં તો થયુ કે જઈને પેલી પુતનાને અને સરિતાને ખેંચીને એક એક તમાચો લગાવી દે! માંડ માંડ એણે પોતાની જાત ઉપર કાબુ રાખ્યો ને શિવાનીના ટેબલ પાસે જ​ઈને, જરા ગરમ અવાજે કહ્યું,

“તારો વાંધો શું છે? મને ઘણી વખત લાગ્યું છે કે તમે લોકો મારા પર કોઇ ને કોઇ જોક મારીને મારી મજાક ઉડાવતા હો…. મને તમારી ભાષા નથી સમજાતી એટલે હું ચુપ રહી. પણ, આજે તો તે મને બરોબર સમજાય એમ અંગ્રેજીમાં કહ્યુ, કેમ? તને શું લાગે છે તું ગમેતેમ બોલીશ ને હું ચુપ રહીશ?”

શિવાની એની જગાએથી ઉભી થ​ઈ અને ક્રિષ્નાની સામે, એની લગોલગ એવી રીતે ઊભી રહી. જાણે એ એના વિશાળ કદ આગળ ક્રિષ્નાને નીચી દેખાડ​વા માંગતી હોય! ક્રિષ્ના એની આગળ એક પાંચ ફુટ ત્રણ ઇંચની નાનકડી ઢિંગલી જેવી લાગતી હતી. પેલી પુતના એના બે પ્રમાણમાં વધારે લાંબા હાથને એની કમરે ટેક​વી સીધી ઊભી હતી. એના મોં ઉપર વીજેતા જેવું સ્મિત રમી રહ્યુ હતું. એના હોઠમાંથી બહાર ડોકાઈ આવતા દાંત અચાનક જાણે વધારે ચમકી રહ્યા….

“તે મને કંઈ કહ્યું?” એણે જાણે કંઈ બન્યુ જ ના હોય એમ શાંતિથી પુછ્યું.

“હે છોકરીઓ, શું ચાલે છે ત્યાં? તમારી જગાએ જ​ઈને બેસો દરેક.” પટાવાળાએ આવીને બધાને એમની જગાએ મોકલ્યા.

ક્રિષ્ના સમસમીને રહી ગ​ઈ. બપોરના લંચબ્રેકનો સમય થતા બધા બહાર નીકળ્યા. જજમવા માટે પાછા મેશમાં જ​વાની ક્રિષ્નાની જરાયે ઇચ્છા ન હતી. આમેય એનો ખાવાનો જરીકે મુડ ન હતો. એ એકલી ઓફિસની બહાર નીકળી. બહાર રોડની બન્ને બાજુ એ આલિશાન દુકાનો આવેલી હતી. મુડ ઠીક કર​વા એ એક સ્ત્રીઓના કપડાની દુકાનમાં ઘુસી ગ​ઈ. ત્યાં એણે કેટલાક કુર્તા જોયા પણ એ બધાનો ભાવ અમદાવાદની સરખામણીએ ચાર ઘણો લાગતા પાછા મુકી દીધા.

ક્રિષ્નાએ ઘડીયાલમાં એક નજર ફેંકી હજી એની પાસે દસેક મિનિટનો સમય હતો. એ દુકાનની બહાર આવી ત્યાં દરવાજે એક સ્ટેંન્ડ ઉપર કેટલાક અંગ્રેજી છાપા મુકેલા હતા. ક્રિષ્નાએ એમાથી એક ઉઠાવ્યું. થોડી થોડી નજર દરેક સમાચારની લીટી પર નાખતી એ પાના પલટે જતી હતી. છેલ્લા પાને આવેલા એક રમુજી ચિત્ર પર એની નજર ચોંટી ગ​ઈ.
રંગ વગરનુ એક સ્કેચ દોરેલુ હતું.

એમા એક યુવતી લગભગ લપસી પડ​વા જેવી બતાવેલી, એક યુવાન એની મદદ માટે હાથ લંબાવતો બતાવેલો અને પેલી યુવતી પેલાને અવગણીને, મોઢું ફેરવીને આગળ જતી હોય એવુ કંઇ એમા રમુજી ઢબે દોરેલું. એ ચિત્રની નીચે લખાણ હતુ અંગ્રેજીમાં,
“આ છોકરીએ આભાર માન​વો જોઇએ કે મોં મચકોડ​વું જોઇએ….ભલાઇનો જમાનો જ નથી!!”

ક્રિષ્નાને થયુ કે એ કાર્ટુનમાં બતાવેલી યુવતી એ પોતેજ છે… એણે ધારી ને ફરીથી જોયુ એ છોકરીના કપડા, દેખાવ બધું એને મળતું આવતું હતુ.

ત્યાં જ એના આગલા દિવસનું છાપુ પણ હતું. ક્રિષ્નાએ એ ઉઠાવી એનુ છેલ્લું પાનુ જોયું. અહિં એક યુવતી બગિચાના ઘાસ ઉપર ઉભી ઉભી સેલ્ફી લેતી હતી અને એની બાજુમા જ એક પાટિયા પર લખાણ હતુ, “આ ઘાસ પર ચાલ​વું નહિ. અહિં ફોટો લેવાની મનાઇ છે.”

ચિત્રની નીચે લખાણ હતુ, “શું આટલી મોર્ડન દેખાતી છોકરી અભણ હશે???”

આ યુવતીનું ચિત્ર પણ બિલકુલ ક્રિષ્ના જેવુ જ હતુ! હવે ક્રિષ્નાને બરોબર યાદ આવ્યુ જે જે અહિં કાર્ટુનમાં બતાવેલુ એવું સાચેજ એણે કરેલુ, અલબત અજાણતામાં પણ, એને અહિં કયા ચાંપલા એ મુકી દીધું?

ક્રિષ્નાનું મગજ તપી ગયુ. એણે એ કાર્ટુનીસ્ટનું નામ જોયું ને મનોમન યાદ રાખી લીધું. એ છાપાનુ નામ પણ યાદ રહી ગયુ. ઓફિસે પાછા વળતા આખા રસ્તે એ બસ એકજ નામ રટતી રહી,

“મુરલી…મુરલી…મુરલીપ્રસાદ…”
ત્રણ અક્ષરનું આ નામ એના શાંત જીવનમાં વાવાજોડું બનીને ત્રાટક​વાનું હતુ એ વાતથી તદ્દન અજાણ ક્રિષ્ના મુરલીને શોધ​વાનો પ્રયત્ન કર​વાની હતી, ને દૂર દૂર ક્યાંક નિયતિ એને જોઇને મલકાઇ રહેલી..

——————————  પ્રકરણ ૩ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-

લેખિકા: નિયતી કાપડિયા.