આજે વાસુદેવભાઇને ઘરે લાવ્યાને બીજો દિવસ હતો. એમને ચેકઅપ માટે લઈ જવાના હતા. પાર્થ આવી ગયો હતો. એણે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી રાખી હતી. બે વોર્ડબોય સ્ટ્રેચર પર સુવડાવીને વાસુદેવભાઇને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. એમની સાથે જશોદાબેન પણ ગયા. પાર્થ અને ક્રિષ્ના એમની પાછળ ગાડીમાં ગયા.
રેગ્યુલર દવા અને થોડીક કસરત પછી ફરક જરૂર પડશે. હાલ તબિયત સારી છે, કંઈ ચિંતા જેવું નથી. હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર તપાસીને આટલું બોલ્યા ત્યારે જશોદાબેનનો જીવ હેઠો બેઠો. વાસુદેવભાઇને ફિજીઓથેરાપિસ્ત આવીને તપાસી ગયા. એમણે પણ એમના પ્રયત્નો ચાલું કરી દીધા. રોજની સારવાર બાદ દસ દિવસે વાસુદેવભાઇના શરીરમાં થોડી હરકત આવી. એ એમની જાતે હાથ પગ જરીક હલાવતા થયા. હજી એમની જાતે હાથ કે પગ ઉઠાવી નહતા શકતા પણ, આટલુંય મા દીકરીની હિંમત વધારવા પૂરતું હતું. એમણે આશા બંધાણી કે એક દિવસ એ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.
પાર્થના મમ્મી હવે છેલ્લે પાટલે બેસી ગયા હતા. એમને લોકોએ ચઢાવ્યા હોય કે કેમ પણ, એ હવે હાલ સગાઈની જીદ લઈને બેઠા હતા. આમેય ક્રિષ્ના ઘરથી દૂર એકલી રહીને નોકરી કરે એ એમને મંજૂર ન હતું. એમણે જશોદાબેનને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે, દસ દિવસ પછી આવનારા શુભ મૂહુર્તમાં સગાઈ કરીએ નહીંતર પાર્થ માટે બીજી છોકરી શોધીએ !! પાર્થ જેટલો સારો જમાઈ જશોદાબેન ગુમાવવા નહતા ઇચ્છતા. એમણે સગાઈ માટે હા કહી દીધી. પપ્પાની આવી હાલતમાં મમ્મી ઉપર સગાઈ કરવા માટે દબાણ લાવવાનું આ પગલું ક્રિષ્નાને જરાયે નહતું ગમ્યું. એણે એની મમ્મીને મુરલી વિશે વાત કરવાનું નક્કી કર્યું.
“ મમ્મી તે સગાઈની હા શું કામ પાડી ?”
ક્રિષ્નાએ જશોદાબેન પાસે જઈને પૂછ્યું.
એ ત્યારે સુકાયેલા કપડાં વાળીને કબાટમાં ગોઠવી રહ્યા હતા. શાંતિથી એમણે ક્રિષ્ના સામે જોઈ ને સહેજ હસતા કહ્યું,
“ જો બેટા ! આજે કે કાલે, સબંધ એ જ ઘરમાં બાંધવાનો છે તો પછી, ખોટી ખેંચતાણ કરીને સબંધમાં કડવાશ શું કામ ગોળવી ? આમેય, તે દિવસે જે કંઈ થયું એનાથી પાર્થના મમ્મી થોડાં ગુસ્સેતો થયેલા, જોયું નહતું એ ચા યે પિધા વગર નીકળી ગયેલા !”
“ નીકળી ગયા તો, નીકળી ગયા ! એમણે જે રીતે વાત કરી એ તે પણ સાંભળેલી ને ! એ યોગ્ય હતી ? અને કંઈ પાર્થ એકલા પર જ સિક્કો નથી માર્યો એને બીજી શોધવી હોય તો શોધવા દે !” ક્રિષ્ના ગુસ્સામાં બોલી ગઈ.
“ બસ કર બેટા ! પાર્થ જોડે લગ્નની વાત તે જ અમને કરેલીને ? તમે બંને એકબીજાને પસંદ કરતાતા એટલે તો અમે હા પાડેલી. આમ નાની નાની વાતમાં કોઈ સબંધ તોડવાની વાત કરે ?”
“ હા, મેંજ પાર્થની વાત કરેલી પણ, ત્યારે વાત જુદી હતી અને અત્યારે જુદી છે. ત્યારે પ્રેમ એટલે શું એ મને ખબર જ નહતી. પણ, આજે મને ખબર છે ! હું, હું કોઈ બીજાને ચાહું છું ! ” અચકાતા અચકાતા આખરે ક્રિષ્નાએ કહી જ દીધું.
“ આ તું શું કહે છે ? તું ભાનમા તો છેને ?” ગડી કરેલા બધા કપડાં એમના હાથમાંથી નીચે પડી ગયા પણ, એ તરફ જરાય લક્ષ્ય આપ્યા વિના એમણે ક્રિષ્ના તરફ જોઈને કહ્યું.
“ હા, હું પૂરા ભાનમાં છું અને કહું છું, હું મુરલીને ચાહું છું !” આજ સુંધી જે વાતને ખૂબ જ પ્રયત્નપૂર્વક મનમાં ને મનમાં ધરબી રાખેલી એ બહાર આવી જતા ક્રિષ્નાની હિંમત ખુલી.
જશોદાબેન દીકરીની નજીક જઈ એનો હાથ પકડી એની આંખોમાં આંખો નાખી ફક્ત એનું નામ જ બોલી શક્યા, “ ક્રિષ્ના…!” એમની આંખો જાણે કહી રહી કે, કહી દે છોકરી આ બધું જુઠ છે !
“ હા, મમ્મી હું મુરલીને ચાહું છું. એ મને બેંગલોરમાં મળેલો અને એને મળ્યા પછી જ મને ખબર પડી પ્રેમ કોને કહેવાય ! પાર્થ મારો દોસ્ત છે, ખૂબ વહાલો દોસ્ત પણ હું એને મારા પતિના રૂપમાં નથી કલ્પી શકતી. એ તો ફક્ત મુરલી જ છે !” ક્રિષ્નાની આંખો વરસી પડી.
“ મુરલી ? આ તે કેવું નામ છે ? એય ત્યાં નોકરી કરે છે ? કયા ગામનો છે ? ” દીકરીની વાત માં સાંભળે છે એમ લાગે એટલે એમણે અમસ્તું જ પૂછેલું, એમને શું ખબર કદી કલ્પનાય ન કરી હોય એવો જવાબ મળવાનો હતો.
“ એ ત્યાંનો જ છે. ” ક્રિષ્નાએ સહેજ અટકીને કહ્યું, “ એ સાઉથ ઇન્ડિયન છે, એના માબાપ નથી. એ ખૂબ સારો છોકરો છે, હંમેશા બધાની મદદ કરતો, બધાને હસાવતો, તું એને મળીશ, ”
“ હું એને શું કરવા મળું ? અને હવેથી તારે પણ એને મળવાની કોઈ જરૂર નથી, સમજી ? દક્ષિણ ભારતીય અને એય પાછો અનાથ ! કોણ જાણે એનું ઘર બાર, એનું કુટુંબ કોણ હશે? કેવું હશે ? આવા સડકછાપ છોકરા માટે થઈને તું પાર્થ ને ના પાડે છે ?” જશોદાબેનનો અવાજ ઊંચો થઈ ગયો. એમને ક્રિષ્નાની આ વાત સાવ સમજણ વિનાની અને છોકરમત ભરેલી લાગી હતી.
“ પણ, મમ્મી હું એને ખરેખર પસંદ કરું છું. એને જોઈનેજ મને કંઈક નવું લાગે છે, સારું લાગે છે, મારું મન ખુશી અનુભવે છે, એના વગર હું નહીં રહી શકું મમ્મી, તું મારી વાત સમજાતી કેમ નથી ? મારા દિલમાં એની જગા પાર્થ કે દુનિયાનો કોઈ પણ પુરુષ ક્યારેય નહીં લઈ શકે ! ઓહ, મારી મા તને કેમ સમજાવું એ મારો શ્વાસ છે, દરેક આવતી અને જતી એક એક પળ હું એની સાથે જ જીવું છું, એ ભલે એ મારી સાથે હોય કે ના હોય ! ” ક્રિષ્ના બોલે જતી હતી, રડે જતી હતી. છેલ્લું વાક્ય બોલતા બોલતા તો એ નીચે બેસી ફસડાઈ પડી હતી. દીવાલને ટેકે બેઠેલી એની નાજુક કાયા સાવ અસહાય હોય એમ, એક જ નજરે એને જોનાર ને લાગે. એની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. એનું મોઢું, હોઠ લાલગુમ થઈ ગયા હતા…..દીકરીની આવી હાલત જોઈને માનું મન જરા પિગળ્યું !
એમણે એક ગ્લાસમાં પાણી ભરીને ક્રિષ્નાની બાજુમાં જ જમીન પર બેસીને એને આપતા કહ્યું, “ લે થોડું પાણી પી લે પહેલા. તને શું લાગે છે તારી વાત હું સમજતી નથી ? જે રસ્તે તું હાલ ચાલી રહી છે, એજ રસ્તો વટાવીને હું પણ આવી છું ! કોઈ દિવસ તને એવો વિચાર સરખોય આવી શકે કે હું તારા પપ્પા સિવાય કોઈ બીજાને ક્યારેક ચાહતી હોઉં ? ના, ને ? એને જ સાચી સ્ત્રી કહેવાય ! દિલના પેટાળમાં બધી ઈચ્છાઓને કોઈક એવા ખૂણે દાટી દેવાની કે આપણને પોતાનેય એ ઝટ દઈને ના મળે ! સ્ત્રી હોવું એટલું આસાન થોડું જ છે, મારી દીકરી ! નવ નવ મહિના તને મારા પેટમાં રાખી ત્યારની હું તને ઓળખું છું, તારી એક નાનકડી લાત જો કોઈ દિવસ ના વાગી હોય તો મારો જીવ બેબાકળો થઈ જતો ! તરત હું ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવાનું વિચારતી કે એજ સમયે તું મારા પેટમાં ફરકવા લાગતી. મને થતું મારી મૂંઝવણ જોઈને મારી દીકરી હલવા લાગી ! એ મને અને એને હું કેટલું સમજીએ છીએ ! તું જન્મી પછીથી લઈને આજ સુધી તેને રોકવાનું, ટોકવાનું કામ મેંજ કર્યું છે, તારા પપ્પાતો હંમેશા તારો પક્ષ લેતા ! હું કડવી બનતી કેમકે, હું જાણતી હતી આ લાડકોડ દીકરીને પિયરિયાંમા મળશે સાસરિયામાં નહીં ! દીકરી જ્યારે વહું બની બીજા ઘેર જાય છે ત્યારે જ એ સ્ત્રી રૂપે ફરીથી જનમે છે ! અત્યાર સુધીની અલ્લડ ઝરણાં જેવી છોકરીએ શાંત અને ઠરેલ બની જ જવું પડે છે, એય બસ, ચોરીના ચાર ફેરા ફર્યા કે તરત! કેટલું રડતી હોય છે છોકરીઓ એની વિદાય ટાણે તોય કોઈ બાપ ને આજ સુંધી એમ બોલતા સાંભળ્યો કે, મારી દીકરી બહું રડે છે તો, તમે કાલે કે બે દિવસ પછી આવીને એને લઈ જજો, હાલ રહેવા દો ! દીકરીની આંખમાંથી બે આંસુ સરતા જોઈને એની દરેક જીદ માનવાવાળા એના પપ્પા એ ઘડીએ કેવા નિસહાય થઈ જાય છે ! એટલે જ હું પેલાથી તારી સાથે થોડી કઠોર બની છું અને અત્યારે પણ બનીશ ! ”
થોડીવાર ચૂપ રહ્યા પછી જાણે આગળ બોલવું કે ના બોલવું એમ નક્કી કરીને એમણે કહ્યું, “ મનેય પ્રેમ થઈ ગયેલો, જ્યારે હું કોલેજમાં ભણતી હતી ! અમારીતો છોકરીઓની કોલેજ હતી કોલેજમાં એકેય છોકરો ન હોય પણ કોલેજની બહાર રસ્તા ઉપર આવારા, મવાલીઓનું ટોળું જામેલું જ રહેતું. આવતી જતી છોડીઓને એ ટપોરીઓ હેરાન કરતા. હું એ રસ્તેથી હંમેશા બીતી બીતી જતી. એકદિવસ વરસાદી વાતાવરણ હતું. હું રોજ કરતા થોડી મોડી પડી ગયેલી, મારી સાથેની બીજી છોકરીઓ આગળ નીકળી ગયેલી. હું એ રસ્તા પર આવી ત્યારે બે મવાલીઓ સીટી મારીને કંઇક ગીત ગાતાં ગાતાં મારી પાછળ ચાલવા લાગ્યા. હું ખૂબ ડરી ગઈ, મેં ચાલવાની ઝડપ વધારી તો એ લુખ્ખાઓએ પણ વધારી ! ત્યાંજ એમાંના એકની ચીસ સંભળાઈ…..એને કોઈએ તમાચો માર્યો હતો. હું પાછળ ફરી હતી, જોવા માટે. એ નરેન્દ્ર હતો. મારા પપ્પાના એક મિત્રનો છોકરો. એ અહીંથી પસાર થતો હસે ને આ મવાલીઓનેં જોયા, એકને પડી એ જોઈને બીજો ઊભી પૂંછડીએ ભાગેલો. એને ભાગતો જોઈને મારાથી હસી પડાયું, મારી સૌથી મોટી ભૂલ ! એ પણ હસ્યો હતો. અમે બંને સાથે મળીને હસ્યા. થોડી વાત થઈ ને પ્રેમના બીજ રોપાયાં ! કોલેજ આવવા જવાના રસ્તે હવે એકાદ એકલવાયા ખૂણે એ પણ ઊભેલો જોવા મળતો, બીજા મવાલીઓની જેમ ! પણ, મને એનાથી ભય ન હતો ઊલટું સારું લાગતું. એને જોઈને મારી ગતિ ધીમી પડી જતી. કોઈક વાર એક સ્મિતની આપલે થતી, તો કોઈવાર કેમ છો ? એટલું પુછાઇ જતું. બસ, આજ અમારો પ્રેમ ! એનાથી આગળ વધવાની મારી હિંમત ન હતી.”
“ કોલેજ પૂરી થઈ ને તારા પપ્પાનું મારા માટે માગુ આવેલું. મે છુપાઈને ફોન કરેલો નરેન્દ્રને. એણે સલાહ આપેલી કે હું છોકરો જોઈ લઉ, જરાય તૈયાર થઈને ના જાઉં અને એની સાથે બહું વાતોય ના કરું. છોકરો ના પાડી દેસે. એ ત્યારે નોકરી શોધતો હતો. નોકરી મળી જાય એટલે એ ઘરે આવીને મારો હાથ માંગવાનો હતો. ”
જૂની યાદોમાં ખોવાયેલા જશોદાબેન હસી પડ્યા, “ ખોટા સપના બધા ! એની બધી વાત મે માની. જરીકે તૈયાર થયા વગર તારા પપ્પાને મળી. જાજી પડપૂછ પણ ન કરી. મને હતું કે એ ના જ કહેવડાવવાના પણ, એમના તરફથી ‘હા’ આવી. મે ફરી નરેન્દ્રને ફોન કર્યો. એણે કહ્યું, સગાઈ થઈ જવા દે પછી જોયું જસે ! ત્યાં સુંધી મારું નોકરીનું ગોઠવાઈ જશે. સગાઈ થઈ ગઈ. લગ્નને આડે હવે ગણતરીના દિવસો બાકી હતા મેં છેલ્લીવાર એને ફોન કરેલો. મને એવડો એ કહે, તારા ઘરમાં હોય એટલા રૂપિયા અને ઘરેણાં લઈને ભાગી આવ. આપણે મંદિરમાં જઈને પરણી જઈએ. હું ભાગી જવાનું વિચારત કદાચ, જો એણે ઘરમાંથી રૂપિયા અને ઘરેણાં ચોરવાનું ના કહ્યું હોત ! મારા લગ્ન થઈ ગયા. તારા પપ્પા સાથે હું જીવનરથનું ગાડું હંકારવા લાગી. પ્રેમ, એ વળી કઈ બલાનું નામ છે, એ વિચારવાનોય સમય નહતો બચતો ! ઘર અને કુટુંબના ઢસરડા કરતાં કરતાં ક્યારે હું તારા પપ્પાના જીવનમાં એમના ઘરમાં સમાઈ ગઈ એની ખબરેય ના પડી….”
“ જ્યારે તું મારા પેટમાં હતી અને હું મારા સીમંત પછી પિયરમાં આવી ત્યારે જાણ થયેલી કે નરેન્દ્રના લગ્ન થઈ ગયેલા. હજી એનું નોકરીનું ઠેકાણું ન હતું. એના વરસ રહીને મે ફરી એને જોયેલો. દારૂના નશામાં લથડિયા ખાતો એ, લગરવગર કપડાંવાળો ચાલ્યો જતો તો. એને જોઈને મને ચિતરી ચઢી. જો મેં એની સાથે ભાગીને લગ્ન કર્યા હોત તો મારી શી વલે થઈ હોત ? એ વિચારી વિચારીને મને મારા પોતાના પર જ ગુસ્સો આવતો. મારા માબાપને હું દિલથી આશિષ આપતી કે એમણે મને સારા ખાનદાનનો, સંસ્કારી જમાઈ શોધીને એની સાથે પરણાવી. તારા પપ્પાની સાદગી અને ઉચ્ચ વિચાર મને ગમવા લાગ્યા ! ”
થોડીવાર ચૂપ રહી ક્રિષ્ના સામે જોઈ એમણે કહ્યું, “ પાર્થ જેવા સારા અને સંસ્કારી છોકરા સાથે પરણાવવા બદલ તું પણ આમ જ મને યાદ કરીશ. ભૂલીજા મુરલી ફુરલીને !” એમણે નીચે પડેલા કપડાં ઉઠાવી પાછા વ્યવસ્થિત કરીને કબાટમાં મૂક્યા.
ક્રિષ્ના એની મમ્મીની પ્રેમકહાની સાંભળીને અચંબિત થઈ ગઈ હતી. હજી થોડા વખત પહેલાં જ એના પપ્પાએ એને કહેલું કે, એમણે એની મમ્મીની સાદગી જોઈને એને પસંદ કરેલી ! એ દિવસની મમ્મીની સાદગીનું રહસ્ય આજે ખુલ્યું હતું. જો એ દિવસે મમ્મી બની ઠનીને આવી હોત, પપ્પા સાથે વધારે ચર્ચા કરી હોત તો પપ્પાએ એને ‘ના ’ જ કહી હોત ! તો શું આ બધું નિયતિએ પહેલાથી જ ગોઠવી રાખ્યું હતું ? જે પણ થાય છે, જે પણ થવાનું છે એ બધુજ જો પહેલાથી નક્કી જ હોય તો પછી આપણા કર્મનું મૂલ્ય શું ? કે પછી નિયતિ જ આપણાં કર્મ પણ નિશ્ચિત કરે છે ? એવા સંજોગ ઊભા કરે કે આપણે એનું ધારેલું જ કરવું પડે. મારી કિસ્મતમાં કોનો સાથ લખ્યો હસે, મુરલીનો કે પાર્થનો ?
મમ્મીનો પ્રેમ ખરેખર તો પ્રેમ હતો જ નહીં. યુવાવસ્થામાં એના જીવનમાં આવેલો એ પહેલો પુરૂષ હતો જે એને ગમ્યો હતો. એને એકજાતનું આકર્ષણ કહી શકાય, જે દરેકને એની યુવાનીમાં પગ મૂકતાંની સાથે થતું હોય છે ! પાછળથી એના જીવનમાં પપ્પા આવ્યા અને એને પપ્પા સાથે પ્રેમ થઈ ગયો. પેલો ભુલાઈ ગયો. આસાનીથી. પણ, પોતાના જીવનમાં એવું નથી. એના જીવનમાં ઘણા પુરુષો આવ્યા અને ગયા. ટીવી સ્ટારથી લઈને ફિલ્મી સિતારા સુંધી કંઈ કેટલાયે એને એની ઉંમરના પ્રમાણે જે તે સમયે ગમી ગયેલા પણ એ પ્રેમ ન હતો ! છેલ્લે પાર્થ સાથેનો એનો સબંધ એ પણ પ્રેમ તો નહતો જ ! જો મુરલી એના જીવનમાં ના આવ્યો હોત તો, તો ચોક્કસ એ પાર્થને જ પોતાનો પ્રેમ સમજીને આખી જિંદગી એની સાથે ખૂશી ખુશી ગુજારી દેત ! પણ નિયતિને એ મંજૂર ન હતું. એણે જ તો આ બધું ગોઠવ્યું, કેટલી લાંબી ચાલ ચાલી એને મુરલી સાથે મેળવવાં ! ક્યાં અમદાવાદના એક ખૂણામાં રહેતી પોતે અને ક્યાં બેંગલોર રહેતો મુરલી ! હા, આ બઘું નિયતિનું જ ગોઠવેલું છે. એણે જે નક્કી કર્યું છે તેજ થવાનું હોય તો પછી હું શું કરવા આટલી દુઃખી થઉ છું……!! પપ્પાને અચાનક બિમાર પાડી દેવા પાછળ એનું શું કારણ હશે ? કોણ આ નિયતિને ઉકેલી શકે ? કોઈ છે જે નિયતિ ને પૂરું સમજ્યો હોય અને મને પણ સમજાવી શકે ?
રાતના દસ વાગ્યા હશે. ક્રિષ્ના એના ઘરે બહાર રાખેલા જુલા પર બેસી મોબાઈલ પર મુરલીનું ફેસબુક એકાઉન્ટ ખોલી જોઈ રહી હતી. ઘણા ફેક આઇડી વાળાય એના મિત્રો હતા. કેટકેટલી શાયરી અને જોકસથી એની ફેસબુક દીવાલ ભરાયેલી હતી. ક્યાંક ક્યાંક નોનવેજ જોક્સ અને હિરોઇનના પિકચર જોઈને એને ગુસ્સો પણ આવ્યો અને હસવું પણ આવી ગયું ! એના મમ્મી પપ્પા એમના રૂમમાં હતાં. થોડો થોડો વરસાદ ચાલું થયેલો. એના ઘરનો દરવાજો ખોલીને કોઈ અંદર પ્રવેશ્યું. અંધારામાં આવનારની ઓળખ ના થઈ શકી. ક્રિષ્ના ઊભી થઈ અને ઓટલાની ધાર પર આવીને ઊભી રહી. ત્યાંથી અંદર આવનાર વ્યક્તિને એ જોઈ રહી. એક વીજળી ચમકી ગઈ આકાશમાં અને બીજી ક્રિષ્નાના મનમાં ! આવનાર વ્યક્તિ મુરલી હતો, વીજળીના ચમકારામાં ક્રિષ્ના એને ઓળખી ગઈ……અડધો ભીંજાયેલો એ એનું માથું હલાવી, વાળમાં ભરાયેલું પાણી ઉડાડતો હતો. દરવાજો બંધ કરી એ અંધારામાં રસ્તો બરોબર જોતો આગળ વધતો હતો. હજી એને ઓટલા પર ઊભેલી ક્રિષ્ના દેખાઈ ન હતી.
ક્રિષ્નાનું મન એકસાથે ખુશ પણ થઈ રહ્યું, ઉદાસ પણ ! એકબાજુ એને થયું કે આગળ વધે અને એના પ્રેમને એની બાહુમાં ભરી લે….એની છાતીમાં માથું ઢાળીને મન ભરીલે રડી લે ! પણ, હાયરે આ જમાનો ! આ સમાજ ! ખોટાં ખોટાં સંસ્કાર અને છોકરીઓને પગમાં નાનપણથી જ પહેરાવી દેવાતી અદ્રશ્ય બેડીઓ…. જે એને એના સંવેગો જાહેરમાં દર્શાવવાની પરવાનગી નથી આપતી ! ક્રિષ્ના રડમસ ચહેરે ઊભેલી જ રહી ગઈ અને મુરલી છેક એની પાસે આવીને ખડો રહી ગયો……!