યાદગાર રમુજી પ્રસંગ – બોલતી બંધ
આમ તો આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઇક ને કોઇક રમુજી પ્રસંગ બનતા જ હોય છે.તેમાં ક્યારેક એવો કોઇ ખાસ પ્રસંગ બને છે જે હંમેશા માટે યાદ રહી જાય છે.આવો જ એક પ્રસંગ મારી જોડે બનેલો જે આજે પણ યાદ કરું તો મારા મોં પર હાસ્ય આવી જાય.
અમે કાયમ કંપનીથી સાંજે સાત વાગ્યે છૂટીએ.પરંતુ મહિનામાં એક વખત જેને પાંચ વાગ્યે જવું હોય તો જવા દે.એ દિવસે મેં અને મારી બહેનપણીએ નક્કી કરેલ કે આજે પાંચ વાગ્યે કંપનીએથી નીકળી જઇ ખરીદી કરવા જવું છે.કારણ કે બીજા દિવસે સાપ્તાહિક રજા આવતી’તી.જો આગલા દિવસે બધું બહારનું કામ પતાવી નાખીએ તો રજામાં આરામ થાય.
એ દિવસ અમે સાંજે કંપનીમાંથી નીકળવાની તૈયારી કરતા હતા.ત્યાં જ બોસ એક પાર્ટીને લઇને આવ્યાં.અને અમે કાંડા ઘડિયાળની ફેક્ટરીમાં ક્વોલિટી કંટ્રોલમાં વિભાગમાં હોવાથી બોસે એ ભાઇને કાંડા ઘડિયાળમાં કેવી ક્વોલિટી જોઇએ છે એની ચર્ચા અમારે એમની સાથે કરી લેવી એમ કહી બોસ તો જતાં રહ્યાં.આવેલ ભાઇ દિલ્હીનાં હતા એટલે હું નેં મારી બહેનપણી એમને જ્યારે સેમ્પલ બતાવીએ ત્યારે હિન્દી માં એમની જોડે વાત કરીએ.અને,એ ભાઇ સેમ્પલ જોતાં હોય ત્યારે અમે અંદરો અંદર ગુજરાતીમાં વાત કરીએ.એમના લીધે અમારે કંપનીમાંથી વહેલું નહોતું નીકળાયું એટલે બહુ ગુસ્સો હતો.ગુજરાતીમાં અમે ઘણી એમની મજાક ઉડાવી ન બોલાય તેવાં શબ્દો અમે બંને બહેનપણીઓ બોલી.અમને એમ કે એ તો દિલ્હીનાં છે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ એ ક્યાં તેમને સમજાવવાનું.
આમ નેં આમ સાત વાગી ગયા.અમે કંપનીમાંથી નીકળવાની તૈયારી કરવા લાગ્યા.નીકળતાં પહેલાં આપણી ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે પેલા ભાઇને આવજો કહેવા ગયા.એમણે પણ અમને આવજો કહ્યું અને પછી એ ધીરેથી બોલ્યા ,” મને ગુજરાતી આવડે છે”.
આ સાંભળી મારી અને મારી બહેનપણીની બોલતી જ બંધ થઇ ગઇ.
મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
સાયકલના પંખા પર કાકી
હું મારા જીવનનો એક રમુજી પ્રસંગ આપ સૌ સમક્ષ રજૂ કરુંછું. આ પ્રસંગ મારા બાળપણનો છે. હું લગભગ ૮ મા ધોરણમાં ભણતી હતી ત્યારે સાયકલ ચલાવતા શીખેલી. અને ત્યારે સાયકલ શીખ્યા પછી મોટી ડાન્ડાવાળી સાયકલ જ વચ્ચેના ગાળામાંથી પેડલ મારીને ચલાવતાં. હું બજાર કંઈક લેવા માટે સાયકલ ઉપર ગઈ હતી. બજારથી પરત ઘરે ફરતી વખતે સામેથી એક બસ આવતી હતી. એટલે મેં સાઇકલ બાજુ ઉપર લીધી તો એ સાઈકલની આગળની સાઈડે એક કાકી હાથ માં તેલની બરણી લઈને ચાલતાં હતાં. એક બાજુ બસ અને બીજી બાજુ કાકી…! નવી સાયકલ શીખેલી એટલે મારાથી કંટ્રોલ ન થયું. મેં તો સાયકલ પેલા કાકીના બે પગની વચ્ચે ચલાવી દીધી. કાકીને પંખા ઉપર બેસાડી દીધા.
બિચારા કાકીનું બધું તેલ ઢોળાય ગયું…! પછી તો કાકીએ મને જે ગાળો દીધી છે. 😀😂અને હું તો ઊભી થઇને, સાઇકલ લઇને જે ભાગી, જે ભાગી…!
બીજો પ્રસંગ મારા લગ્ન પછીનો છે. મારા અને મારા નણંદના લગ્ન ચાર દિવસના આંતરે થયેલા. લગ્ન પછી નણંદબા ઘરે રહેવા આવેલા. અમારા ગામ થી ૫ કિલોમીટર દૂર જ આવેલા બીલીમોરામાં મારા મામાસસરા રહે. એટલે હું અને મારા નણંદ બંને જણ લ્યુના પર બેસીને મામાને ત્યાં મળવા ગયા. ચોમાસું હોવાથી, એમની સોસાયટીમાં જવાના રસ્તામાં ત્યારે મોટા મોટા ખાડા પાણીથી ભરેલા હતા. પરત ફરતી વખતે એક બાજુ ખૂબ મોટો ખાડો હતો અને બીજી બાજુ નાના બાળકો રમતાં હતાં. હું લ્યુનાની પાછલી સીટ પર બેઠી હતી. એટલે મેં મારા નણંદને કહ્યું,” હું ઊતરી જાઉં છું અને આગળ જઈને બેસી જાવ છું”. પરંતુ પેલાં રમતાં બાળકોના અવાજમાં નણંદબાને કશું સંભળાયું નહીં. એટલે એમને તો એમ કે, હું પાછળ બેઠી જ છું. એટલે એમણે તો લ્યુના હાંકી મુક્યું, અને હું તો ત્યાં જ રહી ગઈ! બાળકો રમતાં હતાં તે લોકો બૂમ પાડવા લાગ્યા, “એ કાકી રે’ઈ ગેઈ , એ કાકી રે’ઈ ગેઈ….” મારી દશા તો એવી થઈ ગઈ! હું મારી જાત ઉપર જ હસી પડી.
પછી પાછળથી એક ભાઈ સ્કૂટર પર આવ્યા તેમણે કહ્યું,” એમ કરો બેન, કંઈ નહિ તમે ધીમે ધીમે ચાલતા આવો. એ બેનને હું આગળ જઈને ઊભા રાખું છું.” પાછું જુવાનીમાં તો આપણે ગાડી પણ ઝડપી ચલાવતા હોઈએ! એટલે પેલા ભાઈ સંદેશો આપે એટલે તો મારા નણંદ કેટલા દૂર પહોંચી ગયા. પેલા ભાઈના કહેવાથી તેઓ પાછા ફરીને આવ્યા અને પછી અમે બંને જણા ઘરે આવ્યા. રસ્તે અને ઘરે આવ્યા પછી પણ અમે લોકો એ વાત કરીને જે હસ્યા છે, જે હસ્યા છે…!😀😂😀😂
નામ :- જયશ્રી દેસાઈ ‘શ્રી’, ગામ :- અમલસાડ
પરપોષી સજીવ
“પોતાની જાતે કાર્બનિક સંશ્લેષણના કરી શકે માટે પોષણ માટે અન્ય સજીવ ના શરીર કે મૃતદેહ પર આધાર રાખતા સજીવો એટલે પરપોષી સજીવ””
હજુ વ્યાખ્યા વિસ્તારથી સમજાવુ ત્યાં જ પાડોશી સુધાબેન આવ્યા.
” નેન્સી,થોડા દૂધને ખાંડ આપીશ,ચાની ભૂકી તો છે ..મારે ચા બનાવવી છે…”
“બેસો અહીં જ ચા પી લો..” મેં કહ્યું
“એક ટામેટું આપીશ ,મારે તો ઉપવાસ છે,તારા ભાઈને સાંજે વઘારી દઉં ને તો જમી લે”
હું એને જમવાનું કહું એ પહેલાં જ મારા ટયુશનના સ્ટુડન્ટ કહે,
“”મેડમ , પરપોષી સજીવ સમજાય ગયું””😊😀😀😀
નેન્સી અગ્રાવત – ઉના
છૂટું – યાદગાર સત્ય ઘટના.
મારા લગ્ન પછી પહેલી વખત મારા ઘરે મારા સસરાજી પધાર્યા. ૨૦ વર્ષની ઉંમર, સાડી પહેરીને, માથે ઓઢવું આ બધાં ગભરાટમાં કોણ? શું બોલે તે સમજાતું ન હતું. બસ, એકજ ચિંતા કે બાપુજીનાં મનમાં મારા માટે ખોટી સમજ ન રહી જાય. એમનાં જવાનાં દિવસે એ જમીને ઉભા થતાં બોલ્યાં, ” અત્યારે ખૂબ જમી લેવાયું છે,તો સાંજે ફક્ત” છૂટું ” જ બનાવજો.”
આપણે તો “છૂટું” એટલે સમજ્યા કે એમનાં ભાણાંમાં શાક, ચટની, કચુંબર આ પાસે – પાસે મૂકાય ગયું’તું, તેથી છૂટું પીરસવા માટે કહે છે. તો સાંજે તો આ બંદાએ શાક, ભાખરી, ભાત બધું જ નાની – નાની થાળીમાં, અલગ – અલગ રીતે પીરસ્યું. મનમાં મલકાતા મલકાતા સસરાજીએ જમવાનું તો પતાવ્યું, પણ દીયરજી બોલી ઉઠ્યા ” ભાભી, છૂટું ન બનાવ્યું?”
આપણે પણ હોંશિયારીથી સામે જ કહ્યું, ” હા, બનાવ્યું ને! અને છૂટું જ પીરસ્યું.” સસરાજી ખડખડાટ હસી પડ્યાં . અને દીયરજી ઉવાચ, ” ભાભી, ન ખબર હતી, તો મને પૂછવું ‘ તું, કે કઢી, ભાત, છૂટી પીળી મોગર દાળ એ છૂટું કહેવાય. અને એ બધું ભેગું થાય ત્યારે ખીચડી કહેવાય. ”
અરે, બાપરે! મને તો કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ. અને બોલી” મને તો ખબર જ ન પડી, મેં પહેલીવાર જ આ” છૂટું ” શબ્દ સાંભળ્યો. નહીં તો હું એ જ બનાવત, ”
સસરાજી ત્યારે હસીને બોલ્યા,” કાંઈ વાંધો નૈ! બીજી વખત બરાબર બનાવજો. શાક, ભાખરી પણ સરસ જ હતાં.”
અને મારું નાનકડું ઘર બધાંના જ હાસ્યથી ભરાઈ ગયું. હવે જ્યારે જ્યારે હું ખીચડી કે કહેવાતું છૂટું ખાઉં છું, ત્યારે મને એ પ્રસંગ અચૂકપણે યાદ આવી જાય છે. કારણકે અમારી સૂરત તરફની બોલીમાં તો કઢી-ભાત, છૂટીદાળ એમજ બોલાય છે. પણ હવે ખબર પડી કે એનું બીજું નામ” છૂટું ” પણ છે!
અંજના ગાંધી “મૌનુ” – વડોદરા