ટ્રસ્ટીઓ ના ખુશ થવાથી બધા જ સ્પર્ધકો પણ ખુશ થયા હતાં. આ બધી ઘટમાળ દરમિયાન નિશાનું ધ્યાન સતત રોય પર રહેતું હતું,રોયનું તન્વી તરફનું વલણ કંઈક અલગ જ હતું. એ આ બાબતથી તન્વીને અવગત કરવા અને સાવધાન રહેવાનું જણાવવા વિચારે છે.
એક દિવસ સવારે નિશા -તન્વીને “ચાલને મારી સાથે મારે તને એક મહત્વની વાત કરવી છે.”એટલું કહી નિશા તન્વીને કેન્ટીનમાં લઇ જાય છે.ત્યાં જઈ ખુણાના એક ટેબલ પર બેસે છે અને તુરત જ નિશા “તન્વી.. આ રોય સરની નજર ખરાબ છે.એ સતત તારી આગળ પાછળ જ ફર્યા કરે છે.અને તારી સાથે ફ્લર્ટ કરતાં હોય તેવું મને લાગે છે.દાળ માં કઈક કાળું છે.” તન્વી આ વાત સાંભળી પહેલાંતો ખૂબ જ હશે છે. “અરે પાગલ એવું થોડું હોય એતો આર્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ હોય જ થોડા રોમેન્ટિક એથી કાંઈ તારણ પર ન પહોંચી જવાય.એન્ડ આફ્ટર ઓલ.તને ખબર છે કે હું તો રતન ને જ ચાહું છું.”.
બંને રોય પર ગહન ચર્ચા કરતાં હોય ત્યાં કોઈ દિવસ કોઈની સાથે વાતો ન કરતાં રહીમ, જે કેસ કાઉન્ટર પર જ બેઠો હોય તે નજીક આવે છે.”તન્વી મેડમ.. આ ચિઠ્ઠી રોય સર એ તમને આપવાનું કહ્યું છે.” આટલું બોલી ચિઠ્ઠી આપી જતો રહે છે.
પ્રિય તન્વી,
તારા પ્રત્યે મારો પ્રેમ હું આ મુજબ વર્ણવું છું
“શ્વાસ માં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,આશ નો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે,
હક,અપેક્ષા, શક, અહમનાં પંકની વચ્ચે થી તું પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે,
બેકરારી વસ્લમાં પીડા વિરહમાં કત્લની એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.
‘તું નથી’ ની વાસ્તવિકતા કષ્ટ દેતી બંધ થઇ.શ્વાસમાં,ઉચ્છવાસમાં બસ ,તું વહે એ પ્રેમ છે
‘તું નથી’ ની વાસ્તવિકતા શ્વાસમાં ભીતર ભરું શ્વાસ વળતો તું છે સઘળે એમ કહે એ પ્રેમ છે.
બાદબાકી તારી,તારા સ્પર્શ,યાદો,સાથેની શેષ મારામાં પછી જે બચે એ પ્રેમ છે.
રાત આખી બેકરારી થઇ મને ડંસતી રહે ને સવારે શબ્દ થઇ ચૂમે મને એ પ્રેમ છે.
શબ્દ થઇ મુજબ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે, આ ગઝલ શબ્દો નથી કઈ ,આ જે છે એ પ્રેમ છે.”
આટલું વાંચી તું સમજી શકતી હોઈશ તું મને કેટલી પ્રિય છે. હું જયારે પણ કોઈ ચિત્ર બનાવવાની કોશિષ કરું છું ત્યારે તે માત્ર અને માત્ર તારું જ સ્વરૂપ બને છે.
મારી આ અંતરની લાગણીઓને તું સમજી શકીશ એ આશા સાથે ………
તારા પ્રેમમાં પાગલ તારો અને માત્ર તારો જ
“રોય”
પત્ર વાંચી તન્વી વિચારો માં અટવાઈ ગઈ એ આ પ્રેમપત્રથી થોડી પ્રભાવિત થઇ હતી , ” રોયસર જે પત્ર માં વ્યક્ત કરે છે એટલો શું પ્રેમ કરતા હશે? હું આટલો બધો પ્રેમ રતન ને કરું છું એતો ક્યારેય મને રિસ્પોન્સ નથી આપતો,ઉલટાનું મારે તેની સાથે તકરારો થતી હોય છે.રોયસર પણ સારાં લાગે છે! પણ એ મારા થી લગભગ 9 થી 10 વર્ષ મોટા હશે!” ક્ષણભર માં આ બધાં ઊંડા વિચારો તન્વી ને ડામાડોળ કરવા લાગ્યાં. રોયના પ્રેમ પત્ર પછી તન્વી રોય ના વિચારોમાં પણ ખોવાવા લાગી.રતન અને રોય બન્નેને સરખાવવા લાગી હતી.
“એય..તન્વી ક્યાં ખોવાઈ ગઈ ?ચાલ આપણે રોય સરને પુછવા જઈએ આ બધું શુ માંડ્યું છે?” નિશા એકદમ ગુસ્સામાં આવી ગઈ હતી.પણ તન્વી કઈક અલગ ખયાલોમાં ખોવાવા લાગી હતી.
“રિલેક્સ…. નિશા રોય સર એ કઈ ગુન્હો નથી કર્યો એણે ખુલ્લા દિલે પોતાની લાગણી કાગળ પર વ્યક્ત કરી છે.દરેક વ્યક્તિ ને તેની લાગણીને વ્યકત કરવાનો અધિકાર છે….તને નહીં સમજાય…આ બધું સમજવા પહેલાં પ્રેમ થવો જરૂરી છે. ચલ બાય… આપણે કાલે મળીએ…” તન્વી નિશાથી પીછો છોડવા ઇચ્છતી હોય તેમજ તેને બાય કહી રોય અને રતન ના વિચારોમાં અટવાઈ ઘર તરફ જવા માંડે છે. ઘરે પણ સતત વિચારોમાં અટવાયેલી રહે છે.અંતે આ પત્ર રતનને વાંચવવાનું નક્કી કરે છે.
બીજા દિવસે એ પત્ર રતન ને આપવા જાય છે કે તરત નિશા રોકે છે,” તન્વી, આર યુ મેડ? કોઈ નિષ્કર્ષ પર આવવા આટલી ઉતાવળ ન કરવી જોઈએ. એન્ડ બાય ધ વે અત્યારે યુથફેસ્ટિવલ પર જ ફોકસ થવું જોઈએ. હવે બે દિવસ જ આડા રહયા છે”.
યુથફેસ્ટિવલ નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું હોય છે. વિશ્વ વિદ્યાલયની અલગ અલગ કોલેજ માંથી દરેક સ્પર્ધાના સારામાં સારા સ્પર્ધકો જુદા જુદા શહેરો માંથી પોત પોતાની અનુકૂળતા મુજબ વિશ્વ વિદ્યાલયના ચોગાનમાં ધામો નાંખવા લાગ્યા .બીજા શહેરના લોકો યુથફેસ્ટિવલ ના બહાને વહેલા ફરવા પણ આવ્યા હોય છે.ઘણા સ્પર્ધકો ના કુટુંબીઓ પણ આવ્યા હોય છે. યુનિવર્સિટી ની આસપાસ જાણે યુવાધન હિલ્લોળે ચડ્યું હોય.
યુથફેસ્ટિવલ નો આગળનો દિવસ આવી ગયો,રોય બધા સ્પર્ધકો ને એક્ટિવિટી હોલમાં બોલાવે છે. પ્રિન્સિપલ સાહેબ પણ આવે છે અને તે બંને સંબોધી ને “ડિયર ઓલ પાર્ટીસીપેટન્ટસ… છેલ્લા એક મહિના થી આપ સૌ સંપૂર્ણ સાતત્યપૂર્ણ અભ્યાસ કરો છો.આશા રાખું છું આપના અભ્યાસ માં કોઈ કચાસ નહીં રહી હોય.કોલેજ વતી જે પણ સહાય થઈ તે અમોએ કરી છે. દરેક વર્ષની જેમ ફરી જવલંત સફળતા સાથે પરત ફરો એવી શુભેચ્છાઓ. વિશ યુ ઑલ ધબેસ્ટ……”. પ્રિન્સીપાલ પોતાનો રોલ નિભાવી જતા રહે છે. રોય બધા ને યુથફેસ્ટિવલની વિવિધ સ્પર્ધાઓના સમય-પત્રક વિશે થોડું સમજાવે છે અને દરેક ટીમને એમની કોલેજ તરફથી કીટ અને કોલેજના વિવિધ સ્પર્ધાઓ મુજબ સાધનો અને વાજિંત્રો વગેરે સોંપે છે.
***********