(દિવ્યા ફરીથી કાવ્યા સાથે વાત કરે છે. આ વખતે એ સિસ્ટર માર્થાનું નામ લે છે. કાવ્યા એને સિસ્ટર વિશે પૂછે છે પણ દિવ્યા કંઈ કહ્યા વિના ચાલી જાય છે. શશાંકના કહેવા પર કાવ્યા એની મમ્મીને દિવ્યા વિશે પૂછે છે…)
માધવીબેન દિવ્યા વિશે બીજી વાતો કહેતા ગયા અને કાવ્યાને કંઇક યાદ આવી રહ્યું… કાવ્યા મને બચાવ… કાવ્યા… મારી મદદ કર આવું ઘણી વખત એણે સપનામાં સાંભળ્યું હતું. હા, એક ધૂંધળી છાયા જેવી જે છોકરી એના સપનામાં આવતી હતી એ, એ પોતે નહીં દિવ્યા હતી. એની જુડવા બહેન દિવ્યા. વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલ, જે એના સપનામાં આવતી હતી એ અત્યારની જૂની ઇમારત હતી… અને જે છોકરી એને એમાં દેખાતી એ પોતે નહીં પણ પોતાની બાળપણની પ્રતિકૃતિ જેવી દિવ્યા હતી. ઓ ભગવાન! પોતેજ સમજી ના શકી. દિવ્યા એના સપનામાં આવતી હતી અને એને બચાવવા માટે કાવ્યાને કહેતી હતી. વ્હાઈટ ડવ હોસ્પિટલમાં એને લઈ જવાતી એણે સપનામાં જોઈ હતી. એના પપ્પા સાથે. પછી.. પછીનું યાદ ન હતું. મગજ પર બહુ જોર લગાવી યાદ કરવાનો પ્રયાસ કર્યો પણ દિવ્યા, પપ્પા, વ્હાઈટ ડવ હોસ્પિટલ અને દિવ્યાની ચીખો સિવાય એને કંઈ યાદ ન આવ્યું. એનું માથું દુઃખી ગયું.
એ રાત્રે કાવ્યાને સપનામાં પાછું એ બધું દેખાયું જેને એ યાદ કરવાની કોશિશ કરતી હતી… ઘણી વખત એવું થતું હોય છે, આપણું જાગ્રત મન કોઈ સવાલ નો જવાબ મેળવવા બહું કોશિશ કરે, થાકીને લોથ થઈ જાય ત્યાં સુધી ધમપછાડા કરે ત્યારે એ જ્યારે સૂઈ જાય એ વખતે એનું અજાગ્રત મન જાગ્રત થઈ એની સુષુપ્ત શક્તિઓને ઢંઢોળીને સાચો રસ્તો કે ત્યાં સુંધી પહોંચવાની દિશા બતાવે છે. આજે કાવ્યા સાથે પણ એવું જ થયું. જેને એ યાદ કરવા મથતી હતી એ બધું એને સપનામાં ફરી દેખાઈ રહ્યું. એ સભાનતા સાથે કે એને આ બધું યાદ રાખવાનું છે…
કાવ્યાએ જોયું કે દિવ્યા જે હજી દસ બાર વરસની બાળકી છે એ વ્હાઈટ ડવમાં પ્રવેશી રહી છે, એના પપ્પા સાથે. એણે સરસ સફેદ ફ્રોક પહેર્યું છે. એના હાથમાં એનું ટેડી બેર પકડેલું છે જેને એણે એક હાથે એની છાતીએ વળગાડી રાખ્યું છે. એ હસી રહી છે. કંઇક પૂછી રહી છે…
તરત સીન બદલાય છે. દિવ્યા પલંગ પર સુતેલી છે. સિસ્ટર માર્થા એની પાસે બેસી છે. એ દિવ્યાનો હાથ પકડીને એને સહેલાવી રહી છે. એ એના કાંડા પર હાથ ફેરવવા લાગી. એની એક નસ પર આંગળી મૂકી અને કહ્યું, “આ. આજ છે એ. તું બહાદુર છોકરી છે. મારી વાત માનીશને!” દિવ્યા હકારમાં ડોકું હલાવે છે. ધૂંધળો થઈ એ સીન, એ દૃશ્ય ગાયબ થઈ ગયું.
હવે ચારે બાજુ તેજ રોશની છે. એવું લાગે જાણે સૂરજ સામે નજર માંડી હોય. કંઇક અવાજ આવે છે…દૂરથી. એ અવાજ ધીરે ધીરે મોટો થતો જાય છે. રોશની ઓછી થાય છે. કાવ્યાને એ રૂમમાં સફેદ ચાદર પર પડેલી દિવ્યા દેખાય છે. એના હાથ પલંગ સાથે દોરી વડે બાંધેલ છે. એના માથા ઉપર ગાંડાઓને શોક આપવાનું મસીન લગાડેલું છે. એના પપ્પા સામે ઊભા છે. એમણે મસીનની ચાપ દબાવી અને દિવ્યા આખી ધ્રુજી ઉઠી… એ બૂમો પાડવા લાગી, “કાવ્યા…મને બચાવ. કાવ્યા બચાવ મને…” થોડીક જ વારમાં બેભાન થઈ ગઈ.
દિવ્યા… મારી બેન હું તને ના બચાવી શકી! મને માફ કરીદે! કાવ્યા ચીસ પાડીને જાગી ગઈ. એ સાચે સાચ રડી રહી હતી. દિવ્યાની કરૂણ હાલત અને પોતે એને બચાવવા કંઈ ના કરી શકી એ લાગણી એને પીડી રહી. પછીથી એની સમજમાં આવ્યું કે એણે હજી વધારે સપનું જોવાની જરૂરત હતી. એ ફરીથી સૂઈ ગઈ, સપનું આવે એની રાહમાં… થોડીવારે ઊંઘ આવી ગઈ, સપનું ના આવ્યું.
સવારે એ વહેલા ઊઠીને તૈયાર થઈ ગઈ. નીચે જઈને પ્રભુને ચા લાવવા કહ્યું ત્યારે માધવીબેન પૂજા પતાવી ચૂક્યા હતા. મા દીકરી ચા અને મેથીના થેપલા ખાઈ રહ્યા હતા ત્યારે શશાંક પણ આવી ગયો.
“શશાંક હું તારી સાથે જ હોસ્પિટલ આવીશ.” કાવ્યાએ કહ્યું.
“ઓકે!” શશાંક અને કાવ્યાની નજર એકબીજામાં ભળી અને સામે સહેજ હસી.
ગાડીમાં બેસતાં જ શશાંકે પૂછ્યું, “શું જોયું સપનામાં?”
“તને કેવી રીતે ખબર પડી?” કાવ્યાએ ચકિત થઈ પૂછ્યું.
“તારું મોઢું જ કહી દે છે.”
“કંઈ ખાસ નહી.” કાવ્યાએ એના સપનાની વાત કહી.
“સપનામાં જોયેલું ફરીથી જોવા આપણે ડૉક્ટર અવસ્થીની મદદ લઈ શકીએ.”
“એ ભરોષાલાયક છે ખરા?”
“હમમ… એમની મદદથી જ હું અહીં છું. એ મારી બનાવેલી હોરર ફિલ્મ્સ જોવે છે. મેં એમને કહ્યું કે મારે આ હોસ્પિટલ પર ફિલ્મ બનાવવી છે તો એ તો ખુશ થઈ ગયા. મને કહે…ચોક્કસ બનાવો. અહીં કંઇ તો છે ના સમજાય એવું. તમે એને શોધી શકો તો સારી વાત છે.”
“એમની મદદથી જ મને અહીં ડૉક્ટર તરીકે ઇન્ટરશિપ કરવાની મંજૂરી મળી ગઈ હતી. એમણે મારા નકલી કાગળિયા પર મંજૂરીની મહોર મારી દીધેલી.” થોડીવાર અટકીને શશાંકે કહ્યું.
હોસ્પિટલમાં દાખલ થતાં જ એક ગંદી વાસ આવી. કોઈ જનાવર મરીને સડી ગયું હોય એવી. કાવ્યાએ નાક આગળ હાથ રાખ્યો.
“કોઈ બુરી આત્મા અત્યારે અહીં હાજર છે. આ ગંદી સ્મેલ એની હાજરીની નિશાની છે. કોઈ ખૂબ શક્તિશાળી અને ખૂની આત્મા.” શશાંકે કાવ્યાના કાન પાસે મોઢું રાખીને એકદમ ધીમેથી કહ્યું.
કાવ્યાને તે દિવસે જોયેલો ભયાનક સાયો યાદ આવી ગયો. એ થોડી ગભરાઈ ગઈ. એ લોકો આગળ ગયા અને શશાંક તરત પેલી છોકરીના રૂમમાં ગયો જેણે આત્મહત્યા કરવાની કોશિશ કરેલી. એની પાછળ જ કાવ્યા પણ ગઈ. એ રૂમમાં સિસ્ટર માર્થાને દર્દી પાસે બેસેલી જોતા બંને થોડે દૂર ઉભા રહી ગયા. સિસ્ટર દર્દીને ખૂબ જ પ્રેમથી સમજાવી રહ્યા હતા,
“યું આર અ બ્રેવ ગર્લ. તું મારી વાત માનીશ ને? હવેથી એ ગેમ કોઈ દિવસ ફરી નહીં રમવાની હોને..!”
“અરે વાહ! આજેતો લીના ખૂબ ખુશ લાગે છે.” શશાંકે લીના પાસે જઈ એની પલ્સ ચેક કરતો હોય તેમ કાંડું પકડી કહ્યું.
“હા..ડોક્ટર એને મેં સમજાવી દીધું છે. એ હવે બ્લુ વ્હેલ જેવી ખતરનાક ગેમ ક્યારેય નહીં રમે.” સીસ્ટર માર્થાએ શશાંકને કહ્યું પછી પાછળ ફરી કાવ્યાને ગુડ મોર્નિંગ વિશ્ કર્યું. કાવ્યાને થયું કેટલી દયાળું અને સેવાભાવી લાગે છે આ સ્ત્રી. એણે ખરેખર કોઈ ગલત કામ કર્યું હશે?
“કાવ્યા આજે તમારી પેશન્ટ બનીને વ્હાઈટ ડવમાં આવી છે, સિસ્ટર માર્થા! એને રોજ કોઈ ભયંકર સપનું આવે છે અને એ ખૂબ ડરી જાય છે…તમે એને ડૉક્ટર અવસ્થી પાસે લઈ જાઓ.” શશાંક માર્થા સામે જોઇને બોલ્યો.
“ઓહ માય ગોડ! કમ માય ચાઈલ્ડ, હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં.” સિસ્ટર માર્થા ખૂબ જ સ્નેહાળ અવાજે બોલી હતી અને કાવ્યાને લઈને એ ઉપર ગઈ. શશાંક રૂમમાં આંટો મારી કંઇક તપાસી રહ્યો. પછી એણે ખાલી ફ્લાવર વાઝમાં એના કોટમાંથી કાઢેલા સુંદર ફૂલ ગોઠવ્યા અને લીના સાથે થોડી આડીઅવળી વાતો કરી. એ ઠીકઠાક લાગતાં શશાંક ઉપર આવ્યો હતો.
ઉપર કાવ્યા ઑટીમાં સફેદ ચાદર પર સુતેલી હતી. એને યાદ આવ્યું કે આ એજ રૂમ છે જેમાં દિવ્યાને પપ્પાએ શોક આપેલો. એ થોડી ડરી ગઈ હતી. ડૉક્ટર અવસ્થી એની સામે એક ખુરસીમાં બેઠા હતા અને કાવ્યાને રિલેક્ષ થવાનું કહેતા હતાં. એ પણ થોડાં ગભરાયેલા લાગતા હતાં. એમને માર્થાની હાજરીમાં કાવ્યાને એના સપનામાં નહતી લઈ જવી. કોઈ બહાનું વિચારી એ માર્થાને દફા કરવા ઇચ્છતા હતાં. શશાંક રૂમમાં દાખલ થયો કે તરત ડૉક્ટરને બહાનું મળી ગયું.
“સિસ્ટર તમે પેલા નવા પેશન્ટને એકલી ના મૂકતાં. એની કન્ડીશન હજી સ્ટેબલ નથી. એક કામ કરો આજે તમે નીચેના ફ્લોર પર જ રહો અને કોઈ બીજી નર્સને ઉપર મોકલી આપો.”
કાવ્યાને આ ગમ્યું હતું. સિસ્ટર માર્થાને ખબર પડી ગઈ કે ડૉક્ટર એને અહીંથી રવાનાં કરવા માંગેછે, કમને એ બહાર ગઈ. હવે, ડૉક્ટરનું ધ્યાન એમના કામ તરફ હતું. એમણે ઈશારો કરીને શશાંકને દરવાજા તરફ મોઢું રાખીને બેસવા જણાવ્યું જેથી કોઇ અચાનક બહારથી અંદર ના આવી જાય.
ડોક્ટરે કાવ્યાને સામે રહેલાં એક ચિત્ર તરફ એકીટસે જોઈ રહેવા જણાવ્યું. એમાં સફેદ કલર પર કાળા કલરથી ગોળ ગોળ જલેબી જેવુ વર્તુળ દોરેલું હતું. કાવ્યાએ એ વર્તુળ તરફ જોયું. એની આંખો ધીરે ધીરે એ વર્તુળના કેન્દ્રભાગે સ્થિર થઈ…હવે એને એ વર્તુળનું કેન્દ્રમાં રહેલું એક નાનું ટપકું જ દેખાતું હતું. આસપાસની બધી લાઇન્સ ગાયબ થઈ ગઈ.
“કાવ્યા…” ડોક્ટરનો શાંત, ઓર્ડર કરતો હોય એવો અવાજ કાવ્યાને સંભળાયો. “તારી આંખો ભારે થઈ રહી છે કાવ્યા. તારી આંખો બંધ કરી દે. ચારે બાજુ શાંતિ છે. તું સૂઈ રહી છે કાવ્યા. તું ગહેરી નીંદમાં છે. તને એક સપનું દેખાય રહ્યું છે. એમાં તને દિવ્યા દેખાય છે.
કાવ્યા તું મારો અવાજ સાંભળી રહી છે જવાબ આપ.”
“હા.” કાવ્યા જાણે ઊંઘમાં બોલી.
“સરસ. તને શું દેખાઈ રહ્યું છે એ તું મને જણાવ. ધીરે ધીરે…આપણે કોઈ જ ઉતાવળ નથી…”
“મને દિવ્યા દેખાય છે. એ પલંગ પર સુતેલી છે. સિસ્ટર માર્થા એના કાંડા પર આંગળી ફેરવી રહી છે…એક નસ પર આંગળી મૂકી એ કહે છે, આ જ છે એ. તું મારી વાત માનીશને… દિવ્યા ‘હા’ કહે છે…હવે બીજો રૂમ દેખાય છે. તેજ રોશની છે અહીં. મારી આંખો અંજાઈ જાય એટલી તેજ. દિવ્યાને બાંધીને રાખવામાં આવી છે. પપ્પા એને શોક આપી રહ્યા છે. એ રડી રહી છે. મદદ માટે બૂમો પાડે છે…કાવ્યાની આંખમાંથી સાચે જ આંસુ વહી રહ્યાં. ”
“ઇટ્સ ઓકે, કાવ્યા! એ ભૂલી જા. હવે આગળ શું દેખાય છે.”
“દિવ્યા રૂમમાં એકલી સૂતેલી છે. સિસ્ટર માર્થા એને માટે એક પ્લેટમાં થોડા ફળો સુધારીને મૂકી જાય છે. એ પ્લેટમાં સફરજનની ચીરીઓ સાથી એક ચપ્પુ પણ છે. સિસ્ટર માર્થા દિવ્યાના કાંડા પર આંગળી ફેરવી ચાલી જાય છે. કોઈ ખરાબ વાસ આવી રહી છે. મને ત્યાં કોઈ દેખાય છે. એક અંગ્રેજ જેવો માણસ. એ ચૂપચાપ ઊભો છે. દિવ્યા એનાથી થોડી ડરે છે. એ અંગ્રેજ જેવો માણસ કોઈ મંત્રોચ્ચાર કરી રહ્યો છે. મને એના શબ્દો નથી સંભળાઈ રહ્યા. દિવ્યા ઊભી થઈ અને એણે પ્લેટમાંથી ચપ્પુ ઉઠાવ્યું. બીજા હાથે મુઠ્ઠી વાળી એણે એ હાથ આગળ કર્યો… એ ચપ્પું એણે એના કાંડા પર ફેરવ્યું. લોહીની ધાર થઈ…એ પાછી પલંગ પર આડી પડી. એ ગાઈ રહી છે, ધીરેથી…
“રિંગા રિંગા રોઝીઝ, પોકેટ ફૂલ ઑફ પોઝીઝ.
હિસ્સા હુસ્સા વી ઓલ ફોલ ડાઉન!”
એનો હાથ નીચે લબડી રહ્યો છે એમાંથી સતત લોહી વહી રહ્યું છે…
પેલો અંગ્રેજ જેવો માણસ હસી રહ્યો છે…એ હવે પાપા જેવો દેખાય છે. પપ્પા રડી રહ્યાં છે…સિસ્ટર માર્થા આવી છે. એ પાપાને પાણી આપે છે. દિવ્યાને જોઈ એ સ્મિત કરે છે. દિવ્યા મરી ગઈ. પલંગ નીચે લોહીનું ખાબોચિયું ભરાયું છે…મારી બેન દિવ્યા…” કાવ્યા રડમસ અવાજે કહી રહી.
“કાવ્યા…તું સપનું જુએ છે એ બધું સાચું નથી. ઓકે! હવે તારી ઊંઘ પૂરી થઈ. તું ધીરે ધીરે જાગીશ.” ડોકટરે કાવ્યાની પલ્સ ચેક કરી.
કાવ્યાએ આંખો ખોલી. ડોક્ટરે એણે સપનામાં જ જોયું એ વિશે જાણકારી આપી.
“એટલે આ સિસ્ટર માર્થા બધું જાણે છે! હું હાલ જ એને પૂછુંછુ કે એણે મારી માસૂમ બેન સાથે આવું કેમ કર્યું! એક લાફો મારીશને તો સાલી બધું બોલવા લાગસે.” કાવ્યા આવેશમાં કહી રહી.
“એવી ભૂલ નહીં કરતી. એ આ બધું એના માટે નહિ પણ કોઈ શેતાન માટે કરી રહી છે. એ મરી જાય તો પણ સાચી વાત નહિ જણાવે. આપણે કોઈ બીજો રસ્તો શોધવો પડશે. પેલો અંગ્રેજ કોણ હતો! એને તે પહેલાં ક્યારેય જોયો છે?” ક્યારનોય ચૂપ બેસી રહેલો શશાંક બોલ્યો.
“ના… એને મેં નથી જોયો. ઊંચો, પાતળો, લાલવાળ વાળો એ ભયાનક રીતે હસતો હતો…!”
“ડૉક્ટર આપણે વ્હાઈટ ડવની જગા જે પાર્ટી પાસેથી ખરીદી હતી એના વિશે કોઈ માહિતી મળી શકશે!”
“સોરી શશાંક! આ માટે તારે માર્થાને કે નીચે ઑફિસમા પૂછવું પડશે.”
“ઓકે! થેન્ક્સ ડોકટર!” શશાંક અને કાવ્યા બંને નીચે ગયા.
કાવ્યા હજી ઉદાસ હતી. શશાંકે એને એમની ફેમિલી માટે જ ખાસ બનાવાયેલી કેબિનમાં બેસાડી અને પોતે હોસ્પિટલમાં ક્લાર્કની જોબ કરતા ભરત ઠાકોર પાસે ગયો.
“મોર્નિંગ ભરત! આપણે આ હોસ્પિટલની જગા જેની પાસેથી ખરીદેલી એ લોકોના કોઈ ફોટો હશે. ”
“હા… એક ફોટો હતો. એ આખા ફેમિલીનો પણ એતો સિસ્ટર માર્થા લઈ ગયેલી. એમાં એના ફાધરનો ફોટો પણ હતો એટલે.” શશાંકના મોં ઉપર એક સ્મિત આવી ગયું. એણે કાવ્યાને જઈને કહ્યું કે આપણે સિસ્ટર માર્થાંના ઘરે ચા પીવા જવું પડશે. કાવ્યા સમજી ગઈ. એણે કહ્યું હું તૈયાર છું….
“તે પૂજારીની વાત છુપાઈને સાંભળી હતી એટલે જ ખબર હતી કે વ્હાઈટ ડવની જમીન કોઈ અંગ્રેજ પાસેથી ખરીદેલી!” કાવ્યાએ ધારદાર નજરે જોતા કહ્યું.
“હા હું જાતે પૂછત તો કદાચ પૂજારી બહું ધ્યાન ન આપત અને એ વિશે મેં વિચાર્યું પણ ન હતું એટલે જ્યારે તને એની પાસે એકાંતમાં જતી જોઈ ત્યારે હું બહાર ઉભો રહેલો ”
“સિસ્ટર માર્થા મારે તમારું ગામ જોવું છે. સાચું કહું છું મુંબઈ કરતા અહીં એટલી શાંતિ છે. આટલી બધી લીલોતરી જોઈને મન એમનેમજ ખુશ થઈ જાય. હું અહીં કોઈ બીજાને તો ઓળખતી નથી. જો તમને વાંધો ના હોય તો આજ બપોરની ચા તમારે ઘરે લઈએ.” કાવ્યાએ સિસ્ટર પાસે જઈને કહ્યું.
“હા, હા કેમ નહીં!” સિસ્ટર માર્થા ખુશ થતા બોલી, “ઇન્ફેક્ટ હું જ તને સામેથી કહેવાની હતી.”
કાવ્યા અને શશાંક બંને રાજી થયાં….એમણે એકબીજાની સામે જોઇને મલકી લીધું.