આમ તો એ સાવ નાનકડો છોકરો જ હતો, ચૌદ પંદર વરસનો. અમારી બિલ્ડિંગમાં એ કચરા પોતા કરવા આવતો. સાચું નામ તો એનું ક્યારેય પૂછ્યું જ ન હતું..! જરૂર જ નહતી લાગી, બધા એને રામો કહેતા, તો હું પણ એજ નામે બોલાવતી.. એ છેલ્લાં બે દિવસથી આવ્યો નહતો. હું પરેશાન હતી…
બે દિવસથી ઘરમાં પોતા નહતા થયા, આજે રામો ના આવે તો મારે જાતે જ કરવાં જ પડશે એ વિચારી હું મનોમન ધૂંધવાઈ રહી હતી..! આ લોકોના રોજના બહાના અને કામચોરીની વાતો છાછવારે અમારા કમ્પાઉન્ડના મહિલાવર્ગમાં ચર્ચાતી અને હું પણ એને સાંભળતી જ હતી. એની રાહ જોતા જોતા મેં હાથ અને પગના નખ રંગ્યા. ચમકતો સોનેરી રંગ મારી સુવાળી ચામડી સાથે ભળીને સુંદર દેખાતો હતો.
એ ના આવ્યો ! સાડા બાર વાગી ગયા. રાતનું બચેલું ખાવાનુંય હવે કચરાપેટી સુંધી ફેંકવા મારે જ જાતે જવું પડશે…એ આવ્યો હોય મુઓ તો ખાઈ જાત બધું ! કંટાળીને હું જાતે કામ કરવાનું વિચારતી હતી ત્યાંજ ફોન આવ્યો… મારા સાસુ સસરા સાંજની ગાડીમાં વતનથી અમદાવાદ આવી રહ્યા હતા. મને થયું માર્યા…ઠાર ! મારા સાસુ સ્વચ્છતાના આગ્રહી, ઘસી ઘસીને બધું એમની હાજરીમાં કામ કરાવે એવા અને એ આમેય મને કામચોર સમજે છે ! એમના મતે તો શહેરની બાઈયું… ગૃહિણીઓને એ બાઈયું કહે, આખો દિવસ એમના સાજ શ્રિંગારમાંથી જ નવરી ના પડે અને કામ કરવા નોકરડી શોધતી ફરે. ગામડાના બૈરાને કેટલા કામ હોય અને શેરના બૈરાં ઘર હંભાળતાય થાકી જાય ! હે ભગવાન રોજ રોજ જાતે જ વાસણ, કપડાં, કચરા પોતા…આ બધુ કરવું પડશે ! ના, ના, આવું ન ચાલે. મને ચિંતા થઈ આવી. ઘડી તો લાગ્યું જાણે હું બિમાર પડી જઈશ…પછી થયું કે એ રામાના ઘરે જ જઇ આવું. થોડું ધમકાવી પાછો કામ પર લઈ આવું..! આખા મહિનાનો પગાર લે છે અને વચ્ચે આમ દિવસો પાડે એ કેમ ચલવી લેવાય ? આળસુ થઈ ગયો છે એય !
અમારાં કંપાઉન્ડની બહાર થોડે દૂર ઝાડીઓમાં કેટલાક કાચા ઝૂંપડા બાંધેલા હતા. રામો એ બાજુથી આવે છે એટલી મને જાણ હતી. ગરજની મારી હું હિંમત કરીને એ તરફ ગઈ. કોથળીઓ અને કોથળા ભેગા કરી જ્યાં ત્યાં ઝાડીઓ ઉપર અને લાકડાના ટેકે એને લટકાવીને બનાવેલા આ ઝૂંપડા કેટલાક માણસોના ઘર હતા ! નીચે ખુલ્લી જમીન ! બેચાર વાસણો, તૂટેલી પાટીવાળો ખાટલો, એક માટલું, ત્રણ ઈંટો ગોઠવીને બનાવેલો ચૂલો અને થોડાં ઘણા બાળકો… દરેક ઝૂંપડાની આ મિલકત ! ખાટલામાં સુતેલી કોઈ વડીલ, અશક્ત વ્યક્તિ આ છોકરાઓનું ધ્યાન રાખતી હશે અને ઘરના બીજા મોટા માણસો કામે ગયા હશે એવું મને લાગ્યું.
એકપળ મને અહીં સુધી આવવા બદલ અફસોસ થયો. મારી સાડીની કિનાર ખરાબ ન થાય એટલે એને પાટલીઓમાથી પકડી થોડી ઉપર ઉઠાવી હું ચાલતી હતી. મારી ઊંચી હિલવાળી સેંડલની હિલ મને ખાડા ટેકરાવાળી જમીન પર છૂટથી ફરતી રોકતી હતી… હું મારું બેલેન્સ જાળવીને ધીમી ગતિએ ચાલી રહી હતી. મારા પગનાં નખ પરની સોનેરી નેઇલ પોલિશ પર માટી જામી ગઈ..! ત્યાં રમતા બાળકો મને જ જોઈ રહ્યા હતા. એ બધાની મોટી મોટી આંખો મને હું કોઈ અજાયબ પ્રાણી હોઉં એમ ઘૂરી રહી હતી. અહીં કોને પૂછું કે, રામો ક્યાં રહે છે ? હું પાછી વળવાનું વિચારી ઊભી રહી ગઈ કે મારા કાને એક જાણીતો અવાજ પડ્યો. એ અવાજ રામાનો હતો. હું ખુશ થઈ. હું ઊભી હતી એનાથી થોડેક જ આગળ એક ઝુંપડી હતી ત્યાંથી અવાજ આવી રહ્યો હતો…હું ત્યાં જઈને ઊભી રહી.
રામો એની ખાટલામાં સૂતેલી, વારંવાર ખાંસતી મમ્મીને કહી રહ્યો હતો,
“ તું કશી ચિંતા ના કર માડી, મું હું ન ! મું બધું હંભાળી લએ. ખબર સ આજ તીજો દા’ડો થયો તોય મું કોમે નહિ જ્યો. ઇતો મારા મેડમને મું હમજાવી દયે. એ ભલી બાઈ હ. રોજ મન ઇના ઘરે ખાવાનુંય આલ હ. એટલ તો હું ઘરે આઇન ખાતો નહિ. તું તારે આરોમ કર અને આ રાજૂડાને નેહાળ મોકલજે ઈન ખોટી રજાઓ ના મેલાવતી. એ કોક ભણી હક એટલે તો મું ઈન ચ્યોય કોમે નહીં મોકલતો. ઓણ સાલ ઉઘડતી નેહાળે આ ટીનીનેય બેહાડી દેશું. મું બીજા બે ઘેર કોમ હોધી લએે. અને તન કઈ દઉં માડી…પેલા દારૂડિયાને આ ઘરમો પગ નો મેલવા દેતી. મરી ગયો મારો બાપ ! તન એ મારે એ મું નઈ જોઈ રઉ..તનેય કઈ દઉં ટીનુડી.. એ ચાકલેટ બતાવી બોલાવે તો જોડે ના જતી, મું તારો મોટો ભઈ સુ ન ? મું લાયે તારી હાતું ચાકલેટ ! ”
એ ખાટલા પાસેથી ઊભો થઈને પાછળ ફર્યો અને એની નજર મારી નજર સાથે ટકરાઈ. એક પળ અમે બંને છોભીલા પડી ગયા ! મારા કરતા એ જલદી પરિસ્થિતિ સંભાળી શક્યો ! તરત મારી પાસે આવી બોલ્યો,
“ મારી માડી બિમાર હતી એટલે બે દિવસ ન’તો આયો. આજે આવવાનો જ હતો. તમે ખોટો આટલા હુંધીનો ધક્કો ખાધો.” એ હસીને મારી સામે જોઈ રહ્યો.
ઘરે આવીને એણે આ વાત કહી હોત તો હું એની વાત પર વિશ્વાસ જ ન કરત ! આપણને બીજા માણસો જુઠ્ઠા જ લાગતાં હોય, ખાસ કરીને આપણે ત્યાં કામ કરવા આવનાર ! અહીંયા આવ્યા બાદ જ મને જાણ થઈ કે મારા ઘરે આવતો આ નાનકડો રામો એમના કુટુંબનો એકનો એક કમાઉ અને જવાબદાર વ્યક્તિ છે ! બીજાના ઘરનાં કામ કરીને એનું અને એના પરિવારનું ભરણ પોષણ કરે છે ! એના ગંદા કપડાં, સુકલકડી શરીર, વિખરાયેલા ભૂખરા વાળ…જેનાથી આજ સુંધી મને સુગ આવતી હતી એ બધુંજ આજ મને સુંદર લાગ્યું ! હવેથી હું ક્યારેય એનું અપમાન નહિ કરૂ એમ મનોમન નિશ્ચય લઈ મેં કહ્યું,
“ તારી મમ્મીની તબિયત ખરાબ છે એ જાણીને જ અહીં આવેલી. કંઈ મદદ જોઈતી હોય તો કહેજે અને હજી બે દિવસ નહિ આવે તો ચાલશે..હું સંભાળી લઈશ !” ખબર હતી કે આ નિર્ણય લઈને હું મારા પગ પર જ કુહાડી મારી રહી હતી… મને તકલીફ પડવાની જ છે !
“ માની તબિયત હાલ સારી છે…હું આવું છું ચાલો !” જાણે મારી તકલીફ પામી ગયો હોય એમ એ બોલ્યો અને મારી આગળ ચાલવા લાગ્યો..! જન્મજાત મહાન એવા સાચુકલા એક માણસને હું આજે મળી હોઉં એવું મને લાગ્યું અને એનું સાચું નામ સુધ્ધા ન જાણવાનો અફસોસ થયો..!
“એની ખુમારી ભરી આંખો આગળ, હું નતમસ્તક છું અંદાજ આ લાવતો ક્યાંથી હશેે, એજ વિચારું છું !!”
———————————————————————————————-
લેખિકા: નિયતી કાપડિયા.