પાર્થ ક્રિષ્નાની સાથે જ મોટો થયેલો. ક્રિષ્ના માટે એ કંઈ પણ કરવા હંમેશા તૈયાર હોય. છેક બાળપણથી જ ક્રિષ્ના એને બહુ ગમતી. એને રાજી રાખવા એ કંઈ પણ કરી જતો. સ્કૂલમાં એ વહેલો પહોંચીને ક્રિષ્ના માટે એની પસંદીદા જગા રોકતો. ક્રિષ્ના ત્યાં એની બહેનપણીઓ ભૂમી અને મીરા સાથે બેસતી. પાર્થને જ્યાં ખાલી જગા મળે ત્યાં પછી એ બેસી જતો. એને ખબર કે ક્રિષ્ના એની સખીઓ સાથે જ બેસે છે છતાં, એ રોજ એના માટે જગા રોકતો. કહો કે, એમાંજ એને ખુશી મળતી, એ ઇન્તાઝારમાં કે કોઈક દિવસ તો ક્રિષ્ના એની સાથે બેસશે!
જ્યારે સ્કુલનો કોઈ પ્રોજેક્ટ બનાવવાનો હોય તો એ પહેલા મજ ઝડપથી એનો બનાવી લેતો અને પછી ક્રિષ્નાની મદદ કરતો. છેલ્લે જો ક્રિષ્ના એમ કહે કે, મારા કરતા તારો પ્રોજેક્ટ વધારે સારો છે તો એ સામેથી એનો પ્રોજેક્ટ ક્રિષ્નાને આપી દેતો. ઘણા એના દોસ્ત એને સમજાવતા કે, યાર તું આટલું બધું જતું ના કર ! એ છોકરીને તારી કદર જ નથી. આખો દિવસ એ ભૂમી અને મીરા સાથે હોય છે, તારી સાથે વાત પણ નથી કરતી અને જરૂર પડે એટલે તરત પાર્થ પાર્થ કરતી દોડી આવે છે ! એ મતલબી છે ! વગેરે, વગેરે…
આવે વખતે પાર્થ બસ એક જ વાત કરતો, એને માટે કંઇ કરીને મને ખુશી મળે છે. એના મોઢા પર સ્મિત જોઇ મારું મન પણ ખુશ થઈ જાય છે !
આમને આમ સ્કુલ પૂરી થઈ ગયેલી. પાર્થને ખૂબ સારા માર્ક્સ આવેલા એ ધારત એ ફિલ્ડમાં જઈ શકત પણ એણે ક્રિષ્નાની સાથે રહેવા એની જ કોલેજમાં એડમીશન લીધેલું અને એ પણ આઇટી એન્જિનિયર બનેલો. એના દોસ્તોના કહેવાથી જ એણે ક્રિષ્નાને પ્રપોઝ કરવાની હિંમત કરેલી. એણેતો સ્વપ્નેય નહતું વિચાર્યું કે ક્રિષ્ના એને “હા” કહેશે ! એ દિવસે તો એને માટે જાણે સ્વર્ગનાં દ્વાર ખૂલી ગયેલા….ખુબ ખુશ હતો એ. પણ, એને હંમેશા લાગતું કે ક્રિષ્ના એને પ્રેમ નથી કરતી! એના દોસ્તોને એ જોતો, એ લોકોનું એમની ગર્લફ્રેન્ડ સાથેનું જે બિન્દાસ્ત વર્તન રહેતું, જે તોફાન મસ્તી એ લોકો કરતા એવું કંઈ જ એમની વચ્ચે ન હતું. ક્રિષ્ના એને સમજતી હતી, એને માન આપતી પણ એ બધું બહુ જ ફોર્મલ હતું. નવા નવા પ્રેમની જે શરારત હોય, આનંદ હોય, મોજ મસ્તી હોય એવું કંઈ એમની વચ્ચે ન હતું. એ બંને ખૂબ સારા દોસ્ત હતા પણ દોસ્તી અને પ્રેમ વચ્ચે જે પાતળી ભેદ રેખા હતી એ હજી બરકરાર હતી!
જ્યારે પાર્થે મુરલી અને ક્રિષ્નાના ફોટા જોયેલા ત્યારે એ ખૂબ દુઃખી થઈ ગયેલો. એનું દિલ તૂટી ગયેલું. એણે નક્કી કરેલું કે એ ક્રિષ્ના સાથે જરાય નરમ થયા વગર ગુસ્સાથી વાત કરશે. ફોટા સાવ નોર્મલ જ હતા એક છોકરો છોકરી સાથે ફરવા ગયા હોય એવાજ ! છતાં કંઇક એવું હતું એ ફોટામાં જેણે પાર્થનું દિલ દુભાવેલું….એ હતી બે આંખો ! ક્રિષ્નાની બે આંખો ! એ જે રીતે મુરલી સામે જોતી હતી એ રીતે એણે આજ સુધી ક્યારેય પાર્થ સામે નહતું જોયું ! કેટલું વહાલ ટપકતું હતું એ બે આંખોમાં ! એ વહાલ જે પાર્થને મળવું જોઈએ એ ક્રિષ્ના કોઈક બીજા અજાણ્યા યુવક પર લૂંટાવી રહી હતી! ઘરેથી લડવાનું નક્કી કરીને નીકળેલો પાર્થ ક્રિષ્નાને જોતા જ ઠંડો પડી ગયો હતો. ઊલટાનું એ છેલ્લે ક્રિષ્નાને સમજાવવા લાગેલો કે, એને ક્રિષ્ના પર પૂરો ભરોસો છે !
ક્યાંક પાર્થના મનમાં એવું પણ હતું કે, પોતે આટલો રૂપાળો, વેલ સેટલ, સારા ઘરનો છોકરો છે વળી એનો દોસ્ત પણ ખરો ! એ નાનપણથી પોતાને ઓળખે છે, એટલે એમની વચ્ચે કોઈ બીજું આવે એવી કોઈ શક્યતા જ નથી. એની પાસે એ બધુજ છે જે એક છોકરીને પોતાના પતિમાં જોઈએ. પરંતુ, જ્યારે મુરલી ગીત ગાતો હતો એ વખતે પોતે એની બાજુમાં હતો છતાંય ક્રિષ્ના જે રીતે મુરલીમય બની ગયેલી એ જોઈ એના દિલ પર વીજળી પડેલી ! ત્યાંજ એને વિચાર આવેલો કે, પોતે બધી જ રીતે ક્રિષ્ના માટે પરફેક્ટ છે એટલે એ પોતાને પસંદ કરે છે, જ્યારે મુરલી પાસે કંઇ જ નથી, એ જેવો છે, જે કરે છે એ બધું જ સ્વીકારીને ક્રિષ્ના એને ચાહે છે. મતલબ સાફ હતો હવે ! ક્રિષ્ના મુરલીને સાચો પ્રેમ કરે છે, પાર્થ તરફ ફક્ત એક આકર્ષણ છે…..
આટલું બધું સમજી ગયો હતો એ પણ એનું મન હજી કંઇક આશાની ઉમ્મીદ લગાવી બેઠેલું. ઉમ્મીદ પર તો જિંદગી કાયમ છે ! ક્રિષ્નાએ હજી સુધી મુરલી માટેના એના પ્રેમનો એકરાર નહતો કર્યો, કોઈની આગળ નહિ. કદાચ, ખુદ મુરલી આગળ પણ નહિ. કોઈને મનોમન ચાહવું, ભરપૂર ચાહવું અને એની આગળ એનો એકરાર કરવો એ બંને અલગ બાબત છે ! જેને મન મંદિરમાં સ્થાપ્યું હોય ઘણીવાર ફક્ત મનમાં જ રહી જતું હોય છે ! એની સાથે પ્રેમ છે એમ કબૂલ કરવાની અને એના માટે બધાની સાથે લડીને એ વાત પર જ કાયમ રહેવાની હિંમત બધા પાસે નથી હોતી. ક્રિષ્ના પાસે પણ નથી, એવું પાર્થનું મન બોલેલું. એણે થોભો અને રાહ જુઓ વાળી નીતિ અપનાવી હતી. જ્યાં સુંધી ક્રિષ્ના પોતે ના કહે કે, એ મુરલીને પ્રેમ કરે છે ત્યાં સુંધી એ પોતાની છે…..અજીબ ગણિત હતું એનું !
તે દિવસે હોસ્પિટલમાં ક્રિષ્નાએ મુરલીને લાફો માર્યો અને એ જોતો રહેલો. પોતે જાણે ક્યાંય ચિત્રમાં હોય જ નહિ એમ અલિપ્ત ઊભો રહેલો. સારું થયેલું કે એજ વખતે ડૉક્ટર બહાર આવેલા અને પોતે કંઈ બોલવાથી બચી ગયેલો !
ડોક્ટરના કહેવા મુજબ એમના, વાસુદેવભાઇના દિલની ધડકન ખૂબ ઓછી થઈ ગયેલી. સામાન્ય સ્થિતીમાં એ ૭૨ હોય જ્યારે વાસુદેવભાઇની ૩૦ હતી. સારું થયું કે તરત પેલા, એમની પાસેના છોકરાનું ધ્યાન ગયું અને ડોક્ટરને બોલાવી લીધા નહિતર એમનું બચવું શક્ય ન હતું ! હવે એમની સ્થિતિ બરોબર હતી. ઘણી મહેનત બાદ એમનું હૃદય સામાન્ય રીતે ધડકતું થયું હતું. હજી જો ફરીથી આમ ધડકન ઓછી થઈ જાય તો પછી એમની છાતીમાં પેસમેકર મુકાવું પડશે. જે એમની ધડકનને રેગ્યુલર કરતું રહેશે. ત્રણ દિવસ એમને ડોકટરની નજર હેઠળ રાખેલા. પછીથી કોઈ વાંધાજનક પરિસ્થિતિ ઉદભવી ન હતી. એક સારી વાત એ બનેલી કે એમનું લકવાગ્રસ્ત શરીર પાછું કામ કરતું થઈ ગયેલું. ડાબા પગમાં થોડી કસર રહી ગયેલી એટલે ઘોડીનો સહારો લેવો પડતો હતો, ચાલતી વખતે….
આ ત્રણ દિવસ ક્રિષ્ના ખૂબ દોડધામમાં હતી. એના પપ્પાના ઠીક થઈ જવાની સૌથી વધારે ખુશી એના મોં પર દેખાતી હતી. પાર્થ એક કુશળ વેપારી હતો. વખત જોઈને ઝડપથી નિર્ણય લેવામાં એ માહેર હતો. એના મને કહી દીધુ હતું કે ક્રિષ્ના ભલે મુરલી સાથેના પ્રેમનો એકરાર કરવાની હિંમત ના કરે પણ આ વાત એના પપ્પાની જાણમાં આવશે કે તરત એનું પત્તું કટ થઈ જવાનું ! હજી એનું દિલ ક્રિષ્નાને છોડવા રાજી ન હતું. એ કહેતું હતું કે, એકવાર લગ્ન થઈ જવાદે પછી, પોતે એને એટલી ખુશીઓ આપશે ,એટલો પ્રેમ આપશે કે એ મુરલીને ભૂલી જશે ! જો ક્રિષ્નાને થોડીક લાગણીના બંધનમાં બાંધી દઈ શકાય તો પછી એે પોતાની જ છે, એમ વિચારી પાર્થે છેલું પાસુ ફેકેલું. એણે ક્રિષ્ના સાથે વાત કરી.
“ મને ખબર છે કે આ સહી વખત નથી આ બધી વાતો કરવાનો પણ,” ક્રિષ્નાના મોઢાના ભાવ જોવા એણે વાક્ય અધૂરું છોડેલું. એ ભાવશૂન્ય અવસ્થામાં બેસી રહેલી.
“ ક્રિષ્ના હું તને બચપનથી ઓળખું છું. કોઈ વખત એવું થયું કે તારી મરજી વિરુદ્ધ તને કંઇ કરવા મજબૂર કરી હોય. મારી સાથે એક બેંચ પર બેસવાની નાનકડી વાત હોય કે કઈ કોલેજમાં દાખલ થવું એવો જીવનનો મહત્વનો પ્રશ્ન હોય, મે હંમેશા તારી ઇચ્છાને માન આપ્યું છે તો આજે તું ચૂપ કેમ છે ? તને શું લાગે છે, તું કહી દે કે તને કોઈ બીજા સાથે પ્રેમ થઈ ગયો છે? અને જો એ સાચું હોય તો તને શું લાગે છે, હું તારા રસ્તામાં વચ્ચે આવીશ ? મને લાગે છે કે તું મુરલીને ચાહે છે, જો આ વાત સાચી હોય તો કહી દે. હું જતો રહીશ. તારો દોસ્ત બની રહીશ આજીવન પણ તારા પર કોઈ હક નહિ કરું !
આ બાજુ ક્રિષ્નાએ વિચારેલું કે એને જે કહેવાનું છે એ પહેલા પપ્પાને જણાવશે. પપ્પા જ એને સૌથી સારી રીતે સમજે છે. એ જેમ કહેશે પોતે એમ જ કરશે. એ પાર્થની વાત સાંભળતી હતી અને અચાનક જાણે પાર્થના હોઠ હલી રહ્યા હતા ફક્ત, અવાજ નહતો આવતો એવું એને લાગ્યું ! એની થોડીક જ ક્ષણોમાં એના માથામાં જીવ નીકળી જાય એવો તીવ્ર દુખાવો ઉપડયો. જાણે એના મગજની નશોમાં કોઈ બમ ફોડી દીધો હોય. એણે બે હાથે માથું પકડી લઇ આંખો બંધ કરી દીધી. એકાદ મિનિટની અતિશય પીડા પછી એ દુઃખાવો ગાયબ થઈ ગયો. ક્રિષ્નાને આખા શરીરે પરસેવો વળી ગયેલો. હવે એને પાર્થનો અવાજ પાછો સંભળાયો.
“ ક્રિષ્ના તું ઠીક છે ? ચક્કર આવે છે ? જવાબ આપ મને. તારા માટે પાણી લઈ આવું ?”
ક્રિષ્નાએ ડોકું ધુણાવી હા કહેલી. પાર્થ પાણી લઈ આવેલો. ક્રિષ્ના આખો ગ્લાસ ઘટઘટાવી ગયેલી. એણે પાર્થ સામે જોઈ સ્મિત કરેલું.
“ આવું તને પહેલા પણ થયેલું. અંકલને હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા ત્યારે. તને ચક્કર આવી ગયેલા, રાઇટ?” એ ક્રિષ્નાની બાજુમાં બેસી ગયો. એ ખૂબ ગભરાયેલો અને ડરેલો હતો. ક્રિષ્નાની આંખોમાં જોવાનો પ્રયત્ન કરતો એ ગભરાહટમાં જ બોલી ગયો, “તું પ્રેગ્નનટ છે ? તું મા બનવાની છે ? કોઈ યુવાન છોકરીને વારંવાર ચક્કર શેના લીધે આવે?”
ક્રિષ્નાને આ સાંભળીને આવી હાલતમાંય હસવું આવી ગયેલું. એના મોં પર સહેજ સ્મિત આવી ગયેલું. એ સ્મિત જોઈ આજ પહેલીવાર પાર્થને ક્રિષ્ના પર ગુસ્સો આવેલો. એના મનમાં એને એક લાફો મારી દેવાની ઈચ્છા થઈ આવી પણ એ ચૂપ રહ્યો. જે છોકરી એના માટે પવિત્રતાનો પર્યાય હતી એ ઘરની બહાર નીકળતા જ એને એક નવા રૂપમાં દેખાઈ હતી અને એ રૂપ ખૂબ બિભિત્સ હતું, વરવું હતું, પાર્થ જેવા સીધા છોકરા માટે એ પચાવવું ખુબ જ અઘરું હતું. ક્રિષ્ના આવી કોઈ હરકત કરી શકે અને આમ નિર્લઝ પણે હસે એ એનાથી સહન ના થયું અને એ ત્યાંથી ચાલી ગયેલો. ઘરે જઈ એણે એની મમ્મીને કહી દીધેલું કે એ એમની પસંદની છોકરી સાથે જ લગ્ન કરશે…..એની મમ્મીને તો બગાસું ખાતા પતાસું મળવા જેવો ઘાટ થયેલો !
બસ, એ દિવસ પછી એણે ક્રિષ્નાનો સંપર્ક નહતો કર્યો. સામેથી ક્રિષ્નાનો પણ કોઈ સંદેશો ના મળતા એને એની વાત પર કે, ક્રિષ્ના મા બનવાની છે પક્કો વિશ્વાસ થઈ ગયેલો. આજે મુરલીનો ફોન આવ્યો ત્યારે જ એણે ક્રિષ્નાની તબિયત અંગે પૂછેલું ! મુરલી તો પાર્થની વાત સાંભળીને ચોંકી જ ગયેલો…..
“ શું? ક્રિષ્ના અને પ્રેગ્નનસી ?” મુરલીનું માથું ભમી ગયું. પાર્થની એકેવાત એના પલ્લે ન પડી…,“હાલ એ ક્યાં છે ?”
“ મને શું ખબર ? એતો તારી પાસે આવી હતી !” હવે ચોંકવાનો વારો પાર્થનો હતો. “ એ ત્યાં, તારી પાસે નથી ?”
“ના….એ મારી પાસે આવી જ નથી અને તને કેવી રીતે ખબર કે એ…” આગળ મુરલી ના બોલ્યો છતાં પાર્થ સમજી ગયો.
“ એને બે વખત ચક્કર આવેલા એટલે મને એવું લાગ્યું!” પાર્થ ધીરેથી બોલ્યો, “ ઠીક છે, મારાથી જો ભૂલ થઈ ગઈ હોય તો એણે કહેવું ના જોઈએ. એતો મારી વાત સાંભળી હસવા લાગેલી ! મને એની પર એટલો ગુસ્સો આવી ગયેલો! ઘરે જઈને મમ્મીને પણ મેં કહી દીધું કે મારા માટે બીજી છોકરી જોઈ લેજે ! એ લોકો અમદાવાદ છોડીને જઇ રહ્યા હતા ત્યારે પણ હું એને મળવાં ના ગયો.
” પાર્થને ઘણા દિવસે એના મનમાં છુપાવીને રાખેલા રાજને બીજા કોઈ આગળ કહેવાનો મોકો મળેલો. એ ભાવાવેશમાં આવીને બોલેજ જતો હતો….મુરલીનો હસવાનો અવાજ સાંભળીને એ ચૂપ થયો.
“એક મિનિટ હું આટલી સીરીયસ વાત કરું છું ને તું હસી રહ્યો છે ?”
“ હસુ નહિ તો શું કરું ? તારા જેટલો બેવકૂફ માણસ મેં આખી જિંદગીમાં નથી જોયો. ”
“ એય…બેવકૂફ કોને કે છે ?”
“ તને કહું છું, લાલા ! હવે સાંભળ ચક્કર આવવાં એતો સાવ સામાન્ય વાત છે. ગ્લુકોઝ લેવલ ઘટી ગયું હોય, સરખી ઊંઘ ના લીધી હોય અરે, એને ઉપવાસ હોય તોય ચક્કર તો આવી જાય. ચક્કર શું ઉલટી કે ઊબકા પણ આવે એનો મતલબ એ નથી કે એ…હમમ ! ”
“ મતલબ કે મેં જ ભૂલ કરી. ”
“ બહું મોટી ભૂલ ભાઈ અને એ માટે હું નિયતિનો હંમેશા આભાર માનીશ. તું જ બધા પ્રૉબ્લેમની જડ હતો. સારું થયું કે વચ્ચેથી હટી ગયો. હવે મારો રસ્તો સાફ થઈ ગયો. ” મુરલી પાછો હસી પડ્યો. પાર્થની મૂર્ખામી પર એને હસવું આવી રહ્યું હતું તો હવે ક્રિષ્ના એને ના નહિ પાડે એ વિચારી મુરલી ડબલ ખુશી મહેસૂસ કરી રહ્યો.
“ આવું મારા મોં પર કહેતા તને જરીકે શરમ પણ નથી આવતી, રાઇટ ?”
“ ૧૦૧ પર્સેન્ટ !”
“ હસીલે આજે તારો દિવસ છે પણ, ક્રિષ્ના ક્યાં ?”
“ એને તો હું ગમે ત્યાંથી શોધી લઈશ. ”
“ હું પણ અહીં ટ્રાય કરું છું. તને એ મળી જાય તો મને કહેજે. ”
“ કહીશ જ ને મારા અને ક્રિષ્નાના લગ્નમંડપમાં તું સૈાથી પહેલો આવજે.”
“ ચાલ હવે, વધારે ઉડવાનું રહેવા દે.”
ફોન મુકાઈ ગયા. ક્રિષ્ના ક્યાં ગઈ હશે ? મુરલી વિચારી રહ્યો ત્યાંજ એના હંમેશા ખુલ્લા રહેતા બારણામાંથી કોઈ અંદર આવ્યું.
“ એ ભાઈ આ કોઈ ધરમશાળા નથી. કોઈને પૂછ્યા વગર સીધા અંદર ક્યાં ચાલ્યા આવે છો ?”
સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ, સારી ઊંચાઈ ધરાવતા એ ગૌર યુવાને મુરલી તરફ જોઈ હસતાં કહ્યું, “ મને તો એમ કે તું દેવદાસની જેમ બેવડો થઈને કોઈ ખૂણામાં પડ્યો હોઈશ !” એને આગળ વધીને મુરલીને ખભે પોતાના બંને હાથ મૂકીને હળવું આલિંગન આપ્યું.
“ તું છે કોણ ?” મુરલીને એ માણસ પરિચિત હોય એમ લાગ્યું પણ એ તેને પહેલીવાર જોતો હતો એ વાતે એ ચોક્કસ હતો.
“ હમણાં બે કલાક પહેલાં જ એક છોકરાએ ફેસબુક પર મને મેસેજ કરેલો કે મુરલીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.”
“ કમાલ છે આ દેશમાં ! આટલી જલ્દી ન્યૂઝમાં આવી ગયું. હા પેલો તણપો જ હશે, મને પાણીમાંથી બહાર કાઢનાર. તમે કોણ ?”
“ હજી ઓળખાણ નથી પડતી, ચલ એક છેલ્લો કલું આપુ,” પેલા યુવાને એની બેગમાથી એક માસ્ક નીકાળીને મો પર પહેર્યું.
“ અબે સીધી રીતે બોલને…,” મુરલી એક પળ ચૂપ રહી એ માસ્ક તરફ જોઈ રહ્યો. વાંદરાના ફોટાવાળું એ માસ્ક એને યાદ હતું. એ હસી પડ્યો અને ચપટી વગાડતા બોલ્યો, “ નટખટ વાંદરું ! મારો ફેહબુક મિત્ર !”
“ હવે બરોબર !”
બંને જણા ફરીથી ગળે મળ્યા.
“ મારી હમણાંની એક પોસ્ટમાં મે લખેલું કે જો કોઈ તમારી આસપાસની વ્યક્તિ કે તમે પોતે ઉદાસ હો કે આત્મહત્યા કરવાનું વિચારતા હોય તો તત્કાળ મને સંપર્ક કરો. હું કોઈને મરવા નહિ દઉં.” નટખટ બોલી રહ્યો, “ એટલેજ જેવો મને મેસેજ મળ્યો હું મારું બધું કામ છોડીને મારા જંગલમાંથી તારા જંગલમાં આવી ગયો. તું ઉદાસ તો લાગે જ છે. હમણાંનો ફેહબુકની મારી ડાળીએ દેખાતોય નથી. તારી ડાળી પર પણ હોતો નથી. વાત શું છે ? ”
“ બધું કહીશ. આમેય મને આ વખતે તારા જેવા દોસ્તની ખૂબ જરૂર હતી. સારું કર્યું તું આવી ગયો. ” મુરલી થોડો ભાવુક થઈ ગયો.
“ ખાલી વાતોથી પેટ નહિ ભરાય આ વાંદરાને કંઇક ખાવાનુંય આલવું પડશે ને સાથે ખાવુંય પડશે, બહું ભૂખ લાગી છે. ”
મુરલી એની વાત અને ચાલાકી જોઈને હસી પડ્યો. પોતે જમ્યો ન હતો એ નટખટ ટીપાઈ પર પડેલું ઢાંકેલું ખાવાનું જોઈને સમજી ગયેલો ! બંને જણાએ સાથે મળીને પેટપૂજા કરી અને પછી મુરલીએ એની બધી વાત કરી. ક્રિષ્નાનો પત્તો કેવી રીતે લગાવવો એ વાત પર આવીને બંને અટક્યા હતા.
“ એક આઈડિયા છે. તું ક્રિષ્નાનો ફોટો આપણા ખાસ દોસ્તોને મોકલી આપ. જો એમણે એને ક્યાંય જોઈ હોય કે હવે પછી જુએ તો તરત તને જણાવે.” નટખટ માથું ખંજવાળતા બોલેલો.
મુરલીએ એ કામ પણ કરી જોયું. આજે બે દિવસ પૂરા થઈ ગયા હતા છતાં, કોઈએ સારી ખબર નહતી આપી. જો કે નટખટનો આ વિચાર કામ જરૂર આવેલો. ચેન્નઈમાં બેઠેલા ભરતભાઈએ એ ફોટો જોયેલો. ક્રિષ્ના મુરલી સાથે એક મિત્રના ઘરે પૂજામાં સાડી પહેરીને ગઈ હતી. ત્યારે મુરલી એનો ફોટો લીધેલો. એજ ફોટો એણે એના ખાસ દોસ્તોને મોકલાવેલો. એમાં ક્રિષ્ના ખૂબ જ ખુશ હતી, ખૂબ સુંદર ! ભરતભાઈના જ ઘરે મુંબઈમા ક્રિષ્ના રાત રોકાયેલી અને એટલેજ એમને થયેલું, આ છોકરીને ક્યાંક જોઈ હોય એવું કેમ લાગે છે…….