સવારે જશદાબેન જેવા બેઠકખંડમાં આવ્યા એવી એમની નજર સોફામાં ઊંઘી રહેલા મુરલી પર પડી. એના શરીર ઉપર ક્રિષ્નાની ચાદર ઓઢેલી જોતા જ જશોદાબેનને ગુસ્સો આવી ગયો. એમણે ક્રિષ્નાને ના કહેલી રાતે જાગવાની, એમના જોતા જ એ એના રૂમમાં ગયેલી તો પછી આ ચાદર અહીં કેવી રીતે આવી ? રાતના ક્રિષ્ના આને મળવા અહી આવી હશે ? કે પછી આવો આ જ એના રૂમમાં ગયો હશે અને ઠંડીનું બહાનું કરી આ ચાદર લેતો આવ્યો હશે ? તરબુજ ચાકૂ પર પડે કે, ચાકૂ તરબુજ પર શું ફરક પડે ! કપાવાનું તો તરબુજ જ છે ! કેમ કરી સમજાવું આ નાદાન છોકરી ને ?

એ ક્રિષ્નાને જગાડવા એના રૂમમાં ગયા ત્યારે ક્રિષ્ના ઉઠી ગઈ હતી અને બાથરૂમમાં હતી. જશોદાબેન રસોડામાં ગયા અને ચા મૂકી શાક સમારવા લાગ્યા.

“ જય શ્રી કૃષ્ણ મમ્મી ! ” ક્રિષ્નાએ રસોડામાં આવી મમ્મીને સ્મિત સહ કહ્યું.

“ જય શ્રીકૃષ્ણ બેટા !” જશોદાબેન દીકરીને નિહાળી રહ્યા. હાલ જ નાહીને આવેલી ક્રિષ્ના ખીલેલા ફૂલ જેવી તરોતાજા લાગતી હતી. એના વાળ હજી ભીના હતા એમાંથી પાણી ટપકતું હતું. કેસરિયા રંગના પંજાબી ડ્રેસમાં એ ખૂબ સુંદર લાગતી હતી.

“ આમ કેમ જોઈ રહી છે ?”

“ જોઈ રહી છું કે તું કેટલી જલદી મોટી થઈ ગઈ. હજી કાલ સુંધીતો આવડી નાનકડી હતી અને હવે થોડા દિવસોમાં તો પારકી થાપણ બની જઈશ !” જશોદાબેને હાથ વડે ઈશારો કરીને કહ્યું.

“ મમ્મી એ જમાનો ગયો હવે. પારકી થાપણ અને પેલું સૌથી ખતરનાક તો કયું હતું ? જેનાથી હું ખૂબ ચિઢતી હતી ! હા, દીકરીને ગાય દોરે ત્યાં જાય ! હવે તો દીકરી મનમળે ત્યાં જાય !” ક્રિષ્ના હસી પડી.

“ ચૂપ કર ! એ બધું સંસ્કારી ઘરની છોકરીઓનું કામ નથી. ”
“ સંસ્કારી હોય એટલે એની કોઈ મરજી ના હોય ? એને દિલ જેવું કંઈ ન હોય ?”

ક્રિષ્ના બસ એમજ બોલી ગયેલી પણ જશોદાબેનને એની વાતો પરથી એવું લાગ્યું કે જો સમયસર એ કોઈ મોટા પગલાં નહિ લે તો આ છોકરી બગાવત પર ઉતરી આવશે. હજી એ પોતાના કહ્યામાં છે ત્યાં સુંધી એનું ઠેકાણું પાડી દેવું પડશે. આવો આ મુરલીજ એમની ભોળી પારેવડાં જેવી છોકરીને ખોટા રસ્તે દોરી રહ્યો છે, એમ માનું દિલ કહી રહ્યું. પાર્થ જેવા સારા મુરતિયાને એ કોઈ કિંમતે ખોવા નહતા માંગતા. કંઇક વિચારીને એમણે બેઠકરૂમમાં જઈ ફોનનું રિસિવર ઉઠાવી પાર્થના ઘરે ફોન જોડ્યો.

“હલો…કોણ બોલે છે…હું, હું જશોદા બોલું છું. જય શ્રી કૃષ્ણ બેટા ! મમ્મી ઘેર નથી ? શું… પૂજા કરે છે…સરસ, સરસ ! મેં બસ એ જણાવવા જ ફોન કરેલો કે વેવાણે કઢાવેલા મૂરત પર સગાઈ નક્કી જ છે હોં ! ક્રિષ્નાના પપ્પાની હાલત તો હજી એવિને એવી જ છે. સુધારો થાય છે થોડો થોડો પણ હજી બૌ ફરક નથી લાગતો. હવે મેં બધું ભગવાન પર છોડી દીધું છે જેવી વાલાની મરજી ! એમની હાજરીમાં ક્રિષ્નાને એના સાસરે સુખી જુએ તો એય રાજી જ થવાના ને !” સામે છેડે વાત પાર્થ સાથે ચાલતી હતી પણ, એમની નજર સામે સોફા પર પડેલા મુરલી પર જ હતી. એ જાગી ગયો હતો. બધી વાતો એણે સાંભળી હતી…

“ ક્રિષ્ના બેટા આજે તારા પપ્પાની સાથે હું છું તું પાર્થકુમાર સાથે જઈને સગાઈની વીંટી પસંદ કરી આવજે. આ તારો દોસ્ત ઉઠી ગયો હોય તો એનેય કહે જટ પરવારીને ચા નાસ્તો કરી લે. ” જશોદાબેન પોતાની ચાલ પર ખુશ થઈને મનમાને મનમાં મલકાઈ રહ્યા હતા. એમને એમ કે એમણે એક કાંકરે બે પક્ષી માર્યા ! મુરલી અને ક્રિષ્ના બંનેને ઠેકાણે પાડી દીધા ! પણ, એમનો મલકાટ નિયતિ કેટલા દિવસ ટકવા દેશે એ કોને ખબર ?

“ મમ્મી…” ક્રિષ્ના કંઇ બોલવા જતી હતી. એની નજર મુરલી પર ગઈ. એ ઉઠી ગયો હતો. એને સાંભળતાં મમ્મીને કંઈ કહેવું ક્રિષ્નાને યોગ્ય ના લાગ્યું. એણે હોઠ સિવી લીધા !

એક ઉદાસ સ્મિત ક્રિષ્ના તરફ ફેંકીને મુરલી બાથરૂમમાં ઘૂસ્યો. હવે એને આ ઘરની ભૂગોળ ખબર હતી. એ તૈયાર થઈને રસોડામાં ગયો. બધાને ગુડ મોર્નિંગ વિશ કર્યું. એણે આછા પીળા રંગની ટીશર્ટ અને કાળું જિન્સ પહેરેલું. જશોદાબેનને એમાં એ વધારે કાળો લાગ્યો, ક્રિષ્નાને વધારે મોહક ! જેવી જેની દૃષ્ટિ !

“ તમને વાંધો ન હોય તો આજે પણ ક્રિષ્નાના પપ્પાને લઈને મારી સાથે આવશો ?”

“ હા. ચોક્કસ. એમાં પૂછવાનું ના હોય. ” જશોદાબેને આજે પહેલીવાર પોતાને કોઈ કામ બતાવ્યું હતું. મુરલી હા જ બોલેને.

“ તો સરસ. બેટા તું તારે પાર્થ સાથે રહે આજનો દિવસ. આજે એ લોકોનો બધી ખરીદી કરવાનો પ્લાન છે. મારાથી તો બહાર નહિ અવાય પણ, તું જઈ આવ. પાર્થકુમાર માટે સારી એવી ભારે વીંટી પસંદ કરજે. રૂપિયાની કોઈ ચિંતા ના કરતી. બેંકમાં વાત થઈ ગઈ છે. હવે મારી સહી ચાલશે. તારા કપડાં તારી સાસુની પસંદ પ્રમાણે લેજે, હવે એમનેય તારી મમ્મી જ સમજવાનું ! તારી જેઠાણીને જો એ દરેક પગલું તારી સાસુને પૂછીને ભરે છે એને એ કેટલું સાચવે છે. વારે તહેવારે સોનાના દાગીનાથી મઢી દેછે એને. હું ઇચ્છું છું કે તું પણ એમ જ ખુશ રહે.”

બધી સ્ત્રીઓ શું બસ ઘરેણાં અને કપડાં પાછળ જ ઘેલી હશે ? પોતે પણ તો એક સ્ત્રી છે તો આ ઘરેણાં અને કપડાંની લાલચ એને કેમ લલચાવતી નથી. એક સ્ત્રી હોવું એટલે શું? ઘરેણાં અને સુંદર કપડાનો ઠઠારો કરીને, શોભાની ઢીંગલીની જેમ બેસી રહેવું એ ? ક્રિષ્નાને ઘણું કહેવું હતું પણ, મુરલીની હાજરીમાં એ મમ્મી સાથે તકરાર ટાળવા માંગતી હતી. થોડી મમ્મીની બિક પણ હતી ના કરે નારાયણ અને એ જો મુરલીને કંઇ આડુંઅવળું બોલીને ઘરમાંથી ચાલ્યા જવાનું કહી દે તો પછી ? ના, ના એવું હરગીઝ ના થવું જોઈએ. એ મુરલીની આંખો સામે જોવાનું ટાળતી રહી. એને ખબર હતી કે મુરલી અત્યારે શું વિચારતો હશે….પોતે આ સગાઈ માટે સાફ સાફ ના કેમ નથી કહી દેતી ? ના, કહી જ હતી. એ આવ્યો એના થોડા કલાકો પહેલાં જ. પણ, મમ્મી માનતી નથી અને અત્યારે એની સામે થવાની કે પાર્થને ના કહેવાની પોતાનામાં હિંમત નથી ! પ્રેમ માટે થઈને આખી દુનિયા સામે લડી લેવાય પણ અહી તો ઘરમાંજ લડવાનું હતું, પોતાનાજ લોકો સામે ! કુરુક્ષેત્રના મેદાનમાં જે વેદના અર્જુન અનુભવી રહ્યો હશે એ આજે ક્રિષ્નાને સમજાતી હતી. કૃષ્ણ જેવો મિત્ર એ ક્યાંથી લાવે !

“ તમારે મોડું તો નહિ થાય ને ? અમને હોસ્પિટલ છોડીને પછી તમે જતા રહેજો.” જશોદાબેન મુરલીને કહી રહ્યા.

“ મને જરાય ઉતાવળ નથી. તમે બેફિકર રહો. ” મુરલીએ હસીને જવાબ આપ્યો. એ ઉદાસ હાસ્ય જોઈ ક્રિષ્નાની આંખો ભીની બની. એના દીલમાં ભાર લાગી રહ્યો. કંઇક ના સમજાય એવી પીડા થવા લાગી હતી શરીરમાં પણ, ક્યાં ? કઈ જગાએ ? એ ખબર નહતી !

સવારનો તાજગી ભરેલો ચહેરો અત્યારે સાવ નીરસ લાગી રહ્યો હતો એ વાત મુરલીએ નોંધી પણ સગી જનેતાએ નહિ ! કે પછી એ નોંધવા માગતી જ ન હતી. પાળીપોષીને આટલા લાડકોડથી ઉછેરેલી દીકરી આમ અચાનક જ ભાર રૂપ કેમ લાગવા માંડતી હશે ! જલદીથી એને વળાવી દો, બસ વળાવી દો ! સારું ઘર એટલે માબાપની પસંદનું, સારો વર એટલે માબાપની પસંદનો અને જો છોકરીને પસંદગી નો મોકો આપેતો એ પણ એમણે ચૂનેલા ચાર પાંચ નંગમાંથી એકને ચુનવાનો. જો છોકરી પ્રેમ કરવાની ભૂલકરી બેસે તો એ એનો સૌથી મોટો ગુનો ! સમાજની, પરિવારની, ખાનદાનની ઈજ્જત આબરૂની કેટ કેટલી દુહાઈ આપીને એને મજબૂર કરવાની, એને જીવતેજીવ એની ઈચ્છાઓને પોતાને હાથે જ મારી નાંખીને કોઈક બીજાને પરણી જવાનું અને જીવનભર નાટક કર્યા કરવાનું આદર્શ દીકરી, પ્રેમાળ પત્ની અને ખાનદાની વહુ હોવાનું !

મુરલી વિચારી રહ્યો. એકવાર બસ, એકવાર કહી દે ક્રિષ્ના કે હું તને ચાહું છું ! ભગવાનના સમ હું તને આ બધી તકલીફમાંથી ઉગારી લઈશ. તે કે તારા માબાપે કલ્પ્યું પણ નહિ હોય એટલું સુખ હું તમારા પર રોજ ન્યોછાવર કરતો જ રહીશ. બસ, એકવાર કહી દે, આઇ લવ યુ મુરલી ! મુરલી ક્રિષ્નાની એક નજર માટે તડપી રહ્યો અને ક્રિષ્ના હાથે કરીને માથું નીચે ઢાળીને બેસી રહી….

“ ગાડીનો અવાજ આવ્યો. પાર્થ આવી ગયો લાગે છે. જા બેટા જો તો જરાં. ” જશોદાબેનના મોઢા પર સ્મિત ઝળકી ગયું.

ક્રિષ્ના માંડ ઊભી થઈ. જાણે શરીરમાં પ્રાણ જ ના હોય. ઘસડાતા પગે એ બારણાં સુંધી ગઈ અને બારણું ખોલ્યું. સામે પાર્થ હતો. એ હસ્યો પણ, ક્રિષ્ના એની સામેય નજર ના મેળવી ન શકી. પાર્થનું સ્મિત પણ અડધું રહી ગયું, એ અંદર આવ્યો. બધાની સામે થોડો વિવેક કર્યો અને ક્રિષ્નાને લઈને નીકળી ગયો.

મુરલીએ વાસુદેવભાઇને ઉઠાવીને ગાડીની પાછલી સીટ પર જશોદાબેન પાસે બેસાડ્યા અને પોતે ગાડી ચલાવી એમને હોસ્પિટલ ભેગા કર્યા. હોસ્પિટલ પહોંચતા જશોદાબેનને યાદ આવ્યું કે, વાસુદેવભાઇની કેસ ફાઈલ એ ઘરે ભૂલી ગયેલા. આજે મોટા ડોક્ટર એમને તપાસવાના હતા. ફાઈલ વગર ચાલે એમ જ ન હતું. મુરલીએ કહ્યું કે પોતે ઘરે જઈને ફાઈલ લઈ આવશે પણ, જશોદાબેન ના માન્યા. ફાઈલ કબાટમાં પડી હતી અને એ જ કબાટમાં દાગીના અને થોડા રૂપિયા રાખેલા હતા. સાવ અજાણ્યાં હાથમાં ઘરની ચાવી કેમ અપાય ? મુરલીને હોસ્પિટલમાં રોકાવાનું કહી એ પોતે ઘરે ગયા.

બે કલાક રહીને ક્રિષ્નાને ફોન આવેલો. મમ્મીએ જલદી હોસ્પિટલ આવવા જણાવેલું. કંઇક અનહોનીની આશંકાએ એ તરત પાછી આવી હતી. પપ્પા આઇ.સી.યું. માં દાખલ હતા. એક ખૂણામાં મુરલી ઊભેલો અને બીજા ખૂણે ખુરસીમાં જશોદાબેન બેઠેલા. ક્રિષ્નાને જોતાજ જાણે એની રાહ જ જોતા હોય એમ એ દોડીને એને ભેંટી પડેલા. રડતાં રડતાં એમણે મુરલી તરફ હાથ લંબાવીને કહ્યું,

“ આણેજ એમને કંઇક કરી દીધું. નક્કી કશુંક પીવડાવી દીધું લાગે છે. ઘેરથી લઈને આવી ત્યારે તો સાજા જ હતા હું મૂઈ ફાઈલ ઘેર ભૂલી ગયેલી, એ લેવા ગઈ અને આવીને જોવું છું તો એમની આંખો ફાટી ગયેલી, આખું શરીર ધ્રુજતુતું, મોંમાથી ફિણ નીકળતુતું……આનેજ એમને ઝેર આપી દીધુ લાગે છે !”

મુરલીતો આ સાંભળીને છક થઇ ગયો. એને બરોબરનો ગુસ્સો પણ ચઢ્યો, “ આ શું બકવાસ કરે છે. શું બોલે છે એનું એમને જરીએ ભાન છે કે નહિ ? હું શું કરવા એમને મારી નાખું ? મે કશું નથી કર્યું ક્રિષ્ના પ્લીઝ મારો વિશ્વાસ કર. ”

એકબાજુ મુરલી અને બીજીબાજુ મમ્મી, બંને જણાં હોસ્પિટલના નિયમ ભૂલીને જોર જોરથી ચિલાઈ રહ્યા….ક્રિષ્નાનું મગજ ચકરાઈ ગયું. મુરલી પર એને પૂરો ભરોસો હતો એ કોઈદી આવું કામ ના જ કરે અને એની મમ્મી પર પણ પૂરો ભરોશો હતો એ હવે કોઈદી મુરલીને નહિ સ્વીકારે ! મુરલીનુ આવું અપમાન અને આવું વાહિયાત આળ ક્રિષ્નાથી સહન થાય એમ ન હતું. આખરે એક કઠોર નિર્ણય લઈ એ ઊભી થઈ.

ક્રિષ્ના આંસુ ભરી આંખે, હાથજોડીને મુરલી સામે ઊભી રહી અને ધીરેથી બોલી, “ તું જતો રે !”

“ એ જ બરોબર છે. એક અનાથ શું જાણે માબાપની કિંમત ? તે બરોબર કર્યું બેટા !” જશોદાબેન રડતાં રડતાં બોલ્યા.

“ અનાથ ! આ દુનિયામાં કોઈ એની મરજીથી અનાથ નથી થતું ! પણ, આજે થાય છે કે તમારા જેવી મા હોવી એના કરતા અનાથ હોવું સારું !” આંસુ ભરેલી આંખે મુરલી આટલું બોલ્યો જ હતો કે એના ગાલ પર એક તમાચો પડ્યો. ક્રિષ્નાએ મુરલીના ગાલે લાફો મારી દીધેલો હજી બીજો મારવા એનો હાથ લાંબો જ થયો હતો કે, ક્યારનાય ચૂપ ચાપ ઊભેલા પાર્થે આવીને ક્રિષ્નાને પકડી લીધી.

મુરલી ક્રિષ્ના સામે જોઈને હસ્યો, આજ સુંધીનું સૌથી ઉદાસ હાસ્ય ક્રિષ્નાને એના દિલ પર જાણે કરવત ફરતી હોય એમ લાગ્યું, એ આંસુભરી આંખોએ ધૂંધળા દેખાતા મુરલીને જોઈ રહી અને એ જતો રહ્યો…!

××××××××××××××××××××××××××××××××××

એ ઘટનાના છ મહિના પછીની એક સાંજ.

મુંબઇના જુહુ બીચ પર વાસુદેવભાઇ, જશોદાબેન અને ક્રિષ્ના બેઠેલાં. દરિયા પરથી વહીને આવતો ખારો, ભેજવાળો પવન ક્રિષ્નાના સુકાવાળની લટોને આમાંથી તેમ હવામાં જુલાવી રહેલો…એના દુપટ્ટામાં ભરાયેલો પવન જાણે એની બધી તાકાત અહીં જ દેખાડવા માગતો હોય એમ એને દૂર દૂર સુધી ઉડાડી રહેલો… દુપટ્ટાના એક છેડાનો નાનકડો ભાગ એકલો મરણિયો બનીને હજાર સૈનિકો સામે બાથ ભીડી રહ્યો હોય એમ હજી ક્રિષ્નાની છાતિ આગળ ચીપકી રહેલો. જાણે પવન આજે હાર ન માનવાનું નક્કી કરીને ઘરેથી નીકળ્યો હોય એમ થોડી વધારે શક્તિનું પ્રદર્શન કરીને એ નાનકડા છેડાને ક્રિષ્નાની છાતિ પરથી ઉડાડીનેજ માન્યો. ક્રિષ્નાને આ બધાથી કશો ફરક જ ન હતો પડતો. દૂર ક્ષિતિજને તાકી રહેલી એની આંખો જરાકે ફરકી સુધ્ધા નહિ !

“ અરે આ ઓઢણી ઊડી….” વાસુદેવભાઇ તરત ઊભા થયા અને એક હાથમાં લાકડાની ઘોડીના સહારે , લંગડાતા ઓઢણી પાછળ ભાગ્યા.

“ અરે….સાચવજો…..” એમની પાછળ જ જશોદાબેન પણ ઉઠ્યા.

રેત ઉપર ભાગી રહેલાં વાસુદેવભાઇને રેતીમાં પડેલો મોટો પથ્થર ના દેખાયો. એમને ઠોકર વાગી ને એ નીચે ગબડી પડ્યાં. પેલી નફ્ફટ બની ગયેલી ઓઢણી પવનની સંગે ઉડતી ઉડતી જઈને એક મોટા ખડકને છેડે બેઠેલા, ચાલીસ પિસ્તાલીસ વરસના ભરતભાઈની ઉપર હરખભેર ચાદરની જેમ પથરાઈ. પણ, એ ઓઢણીથી ભરતભાઈને કંઈ ખુશી ના ઉપજી, ઊલટાનો ગુસ્સો આવ્યો. એક જ હાથે એમણે એને પકડીને ગોળ ગોળ ગુમાવી, ગોળ ડૂચો વાળી દીધો. આ ક્યાંથી ઉડીને આવી એ જોવા એમણે નજર દોડાવવી તો દૂર વાસુદેવભાઇ ને પડી જતાં એમણે જોયા. એ તરત જ ભાગીને એ તરફ ગયા.

“ અરે અરે વડીલ ! જરા સંભાળીને. ” વાસુદેવભાઇનો હાથ પકડી એમણે એમને ઊભા કર્યા. “ આ ઉંમરે આમ ન દોડાય કાકા, કહો કે બચી ગયા. જો આ પથ્થર સાથે માથું અફળાયું હોત તો નારિયેળની જેમ વધેરાઇ જાત.”

“ હજી મરવાનું મને પાલવે એમ નથી ભાઈ. નારિયેળની જેમ માથું વધેરાયું હોત તોય મને કંઈ ન થાત. ” કપડાં પર ચોટેલી ધૂળ ખંખેરતા વાસુદેવભાઇ બોલ્યા, “ મદદ કરવા માટે આભાર. આ ઓઢણી મારી દીકરીની છે.”

“ ઓહ, હું એ આપવા જ આવેલો. મારેય ઘરે એક દીકરી છે એની ઓઢણી જો ઊડી જાય તો હું પણ એને પકડવા આમ જ ભાગુ. પણ, મારી પેલા તો એજ એને મારાથી તેજ ભાગીને પકડી લેય. ”

“ મારી દીકરીય મારી પેલા પકડી લેત પણ હાલ એ માંદી છે.એની સારવાર માટેજ અહી મુંબઈ સુધી લાંબા થયા છીએ.”

“ ભગવાન તમારી દીકરીને જટ સારી કરી દે. જય જિનેન્દ્ર !”

“ જૈન વાણિયા લાગો છો ! ”

“ હા.”

“ અહી આજની રાત રોકાવાય એવી કોઈ સારી અને સસ્તી હોટેલ બતાવી શકશો, માફ કરશો હું તમને પરેશાન કરી રહ્યો છું પણ દીકરી અને વાઇફને સાથે લઈને નીકળ્યો છું એટલે થોડો ચિંતામાં છું. ”

“ પણ અહીં બીચ પર તમે લોકો શું કરતા હતા ? છોકરી માંદી હોય તો એને દવાખાને લઈ જવી જોઈએને .”

“ તમારી વાત બરોબર છે એની કાલની એપોઇન્તમેંટ છે. આજે અમે અમારા એક વડીલ મિત્ર હિંમતભાઈને ત્યાં રોકાવાના હતા. પણ, એ બહાર ગામ ગયેલા છે. આજે એ આવી જવાના હતા પણ, રસ્તામાં એમને એમના કોઈ ફેસબુકના મિત્ર મળી ગયા અને એમની સાથે વાતોમાં એ ટ્રેન ચૂકી ગયા. ”

“ ઓહ ! ચાલો એક કામ કરો આજની રાત મારા ઘરે રોકાઈ જાવ.” ભરતભાઈ એકદમ જ બોલી ઉઠ્યા.

“ અરે ના, ના. અમે લોકો હોટેલમાં રહી લઈશું. તમને આટલી તકલીફ આપી હવે વધારે નહી. ”

“ સાચુ કહું છું વડીલ મને જરાય તકલીફ નહિ પડે ઊલટાની મજા પડશે. વાત એમ છે કે અહીં હું એકલો જ છું મારું ફેમિલી ચેન્નઈમાં છે, નાનોમોટો ધંધો ચાલે છે આપણો એટલે કામસર વારંવાર મુંબઈ આવવાનું થાય. દાદરમાં નાનકડું ઘર છે આપણું ચાલો આજની રાત ગુજરાત વિશે ચર્ચા કરવામાં વિતશે, મજા પડશે ! ”
ભરતભાઈ કોઈનું માને એવી માટીના ન હતા. ઘણી આનાકાની છતાં ક્રિષ્ના અને એના માબાપને એમના ઘરે લઈ જ ગયા. ક્રિષ્નાને જોઈને એમને થયું કે આ છોકરીને ક્યાંક જોઈ છે પણ, કંઈ યાદ ન આવ્યું. છેલ્લે એમણે એમ વિચારીને મન મનાવ્યું કે, એ રોજ રોજ શાયરીમાં સુંદર છોકરીઓના ફોટા મૂકે છે ફેસબુક પર એમાથીજ કોઈની સાથે આનો ચહેરો મળતો આવતો હશે……!

——————————  પ્રકરણ ૨૩ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-

લેખિકા: નિયતી કાપડિયા.