પાર્થ ક્રિષ્નાને લેવા સવારે એના ઘરે આવે છે ત્યારે ઘડીયાળ દસ વાગ્યાનો સમય બતાવે છે. લાઇટ ક્રીમ કલરનાં શૂટમાં સજ્જ પાર્થ આકર્ષક લાગતો હતો. જશોદાબેન એને બેસાડીને ક્રિષ્નાને બોલાવે છે.
આછા ગુલાબી રંગની સોનેરી કીનારવાલી અને એકદમ નાની નાની સોનેરી બિંદીઓ જે ઉપરથી નીચે આવતા સહેજ મોટી થતી જતી હોય એવી સાડી ક્રિષ્નાએ ગુજરાતી ઢબે પહેરી હતી. ગળામાં નાનકડા ગોળ ચકતા વાળી સોનાની ચેઇન અને એને મેચિંગ લટકતી બુટ્ટી કાનમાં પહેરેલી. બંને હાથમાં ડજન જેટલી સાડી જેવાં જ ગુલાબી રંગની બંગડીઓ છેડે બેબે સોનાની બંગડી સાથે પહેરેલી. આછો મેકઅપ કરેલો, ખુલા વાળ અને આંખોને ફરતે સુંદર રીતે ઘેરા કાળા આઇલાઈનરથી લાઇન દોરીને આંખોને માછલી જેવો આકાર આપેલો. નાનકડી ચમકતી પિન્ક ડાયમંની બિંદીમા એ હતી એના કરતાંય ચાર ઘણી વધારે સુંદર લાગી રહી હતી. હાઇહિલના સેંડલમાં એ વધારે ઊંચી લાગતી હતી. સેંડલ જરિકે દેખાય નહીં એવી રીતે એને સાડીની કિનારને નીચે જમીનને સ્પર્શી જાય એટલી લાંબી રાખેલી, જે એને સાડી પહેરવાની ફાવટ ન હોવાથી થોડું સંભાળીને ચાલવા મજબૂર કરતી હતી….
પાર્થતો ક્રિષ્નાને જોતો જ રહી ગયો. આજની ક્રિષ્ના કૈક અલગ જ લાગી હતી એને, એની પત્ની જેવી !
“ લો આવી ગઈ એ. તમે લોકો બેસો હું ચા લઈને આવું.”
“ મમ્મી પ્લીજ ! અમારે લેટ થાય છે, ત્યાં બધા પહોંચી ગયા હશે. ચા પાછા આવીને રાખીયે. ” પાર્થ ઊભો થતાં વિવેકથી બોલ્યો.
“ હા, મમ્મી ચા ત્યાં પી લેશું. અમે નીકળીએ, તમે લોકો જલદી આવી જજો. ” ક્રિષ્નાએ પાર્થ સામે જોઇને કહ્યું.
પાર્થ સહેજ હસીને આગળ થયો એની પાછળ પાછળ ક્રિષ્ના આવી. આજે પાર્થ એની નવી BMW લઈને આવ્યો હતો. ચમચમાતા ઘાટા બ્લું રંગમાં એ સરસ લાગતી હતી. ગાડી પાસે પહોંચતાં જ પાર્થે ચાવી ક્રિષ્ના સામે લટકાવી કહ્યું,
“ અત્યારે બહુ ટ્રાફીક નથી લે તું ચલાવી લે.”
“ હું ? ” ક્રિષ્નાના મો પર તાજગી ભર્યું સ્મિત છવાઈ ગયું. “ કાલે તો ના પાડતો હતો !”
“ ના પાડવાનું કોઈ કારણ હોય. એ તને નહી સમજાય ! ચાલ, ” પાર્થે ક્રિષ્નાના હાથમા ચાવી મુકી.
ક્રિષ્નાએ પાર્થનો હાથ ચાવી સાથે પકડી લીધો. પાર્થે ક્રિષ્નાની આંખોમાં જોયું, “ કાલે રાતે હું થોડું વધારે બોલી ગઈ હોઉં તો, આઇ એમ સોરી ! કદાચ થાકેલી હતી એટલે મૂડ ખરાબ હતો. ” ક્રિષ્નાની આંખોમાં એક અજબસી ઉદાસી દેખાઈ રહી હતી જેને કાજલ પણ છુપાવી નહતું શકતું.
બંને જણા ગાડીમાં ગોઠવાયા. ગાડી આગળ વધી. ક્રિષ્ના સરસ રીતે ગાડી ચલાવી રહી હતી. એનું બધું ધ્યાન આગળ રોડ ઉપર હતું. પાર્થનું બધું ધ્યાન ક્રિષ્નાના ચહેરા તરફ હતું. આજે એને એ ગજબ લાગી રહી હતી.
“ઓહ, કમ ઓન યાર ! તારે મને સોરી બોલવાનું ના હોય ! ” પાર્થ એકદમ હળવાશથી બોલ્યો, “ આમ જોવા જાવ તો ભૂલ મારી હતી. જે રીતે, જે શબ્દો હું બોલી ગયેલો, મને પોતાને શરમ આવી ગયેલી એટલેજ તો ત્યાંથી હું ચાલ્યો ગયેલો. સાચું કહું તો ભાગી ગયેલો.”
ક્રિષ્નાએ એની નજર એક પળ માટે રોડ પરથી હટાવી પાર્થ સામે જોયેલું. પાર્થની આંખોમાં સચ્ચાઈ તરવરતી દેખાઈ. ક્રિષ્ના ખુશ થઈ બરોબર એજ વખતે એક ટ્રકને સામે આવતી જોઈ. એ બ્રેક પર પગ મૂકવાની જ હતી કે એ પહેલાં પાર્થનો અવાજ આવેલો,
“ લેફ્ટ લેફ્ટ લે, બ્રેક બ્રેક, બ્રેક કર ” પાર્થ એની સિટ પરથી બાજુની સિટ પર નમીને એક હાથે શ્ટિયરિંગ ફેરવતા ફેરવતા એના સ્વભાવ વિરુદ્ધ ઊંચા અવાજે બોલી રહ્યો.
પાર્થ અને ક્રિષ્નાનું ધ્યાન વાતોમાં હતું ને આગળથી રોંગ સાઈડે વણાંક લઈને એક ટ્રક અચાનક જ સામે આવી ગયેલી. પાર્થનો અચાનક ઊંચો થયેલો અવાજ અને સામે આવી ગયેલી ટ્રકને જોઈ ક્રિષ્ના ગભરાઈ હતી, એનું મગજ કામ કરતું બંધ થઈ ગયેલું ! રેફ્લેક્સ એકશનથી એને જોરથી બ્રેક પર પગ દબાવેલો અને ગાડી ચિચિયારી પાડતી, એક જોરદાર ઝટકા સાથે ગાડીની આગળ આવી ગયેલી ટ્રકના બાજુના ભાગે અથડાઈને ઊભી રહી ગઈ હતી…..
પાર્થની નવીનકોર BMW ને આગળના ખૂણા પર મોટો ગોબો પડી ગયેલો. ટ્રકનો ડ્રાઇવર નીચે ઉતરી આવ્યો હતો. એ ગાડી ચલાવનાર એક સ્ત્રીને જોઈને હસ્યો હતો.
“ ક્યા સાબ આપ આરામસે બેઠ કર જોરૂસે ગાડી ચલવાઓગે તો યેહી હોગા ના. મેરા તો કૂછ નુકશાન નહી હુઆ, આપકી ગાડી ડેમેજ હુઈ !” પલો એના માવો ખાઈ ખાઈને પીળા પડી ગયેલા દાંત દેખાડી રહ્યો હતો.
ક્રિષ્નાને બરોબરનો ગુસ્સો આવી રહ્યો હતો એ ટ્રકવાળા પર, એનું ચાલત તો નીચે ઉતરીને એક લાફો ચોડ દેત….પણ પાર્થ પાછો પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયેલો. એણે શાંતિથી પેલાને સોરી કહીને રવાના કર્યો. ક્રિષ્નાને હતું કે પાર્થ એને કંઈક બોલશે, એને મનોમન એ માટેની તૈયારી પણ કરી રાખેલી ! પાર્થ નીચે ઉતરીને ગાડી જોઈ રહ્યો હતો. ગોબો પડેલા ભાગ આગળ થોડીવાર ઊભા રહી એણે એનું નિરીક્ષણ કર્યું. એ પાછો વળીને ડ્રાઇવિંગ સીટ તરફ આવ્યો અને દરવાજો ખોલ્યો. ક્રિષ્ના નીચે ઉતરી ગઈ અને ગાડીને ગોળ ચકરડું ફરીને બીજી બાજુ જઈને બેસી ગઈ. પાર્થે ગાડી ચાલુ કરી.
“ સોરી, મારું ધ્યાન તારી વાતમા હતું ને પેલા ગધેડાએ રોંગ સાઇડ પર ગાડી લીધેલી, હું બ્રેક મારવાં જ જતી હતી એ એટલામાં તું ચિલ્લાયો એટલે બ્રેક થોડી મોડી વાગી….” ક્રિષ્નાએ ધીરે ધીરે એક એક શબ્દ ગોઠવીને પાર્થના મોઢા સામે જોતા કહ્યું.
“ બ્રેક અને ક્લચ ! મે કાલેજ કહેલું. ભૂલ મારી જ છે, મને એમ કે સવારના ટ્રાફીક ઓછો હશે પણ હું આ ટ્રકવાળાને ભૂલી ગયો. ” પાર્થ પાછો એકદમ શાંતિથી બોલ્યો.
ક્રિષ્નાને એની શાંતિ અકળાવી રહી. એણે થયું ઓકે, મારાથી ભૂલ થઈ ગઈ તો શું થોડું ખખડાવી દે ખખડાવવું હોય તો ! આમ ચૂપ રહી ને એ સાબિત શું કરવા માગે છે ? આગળના રસ્તે બંને ચૂપ રહ્યા.
એ લોકો લગ્નમાં પહોંચી ગયા. પાર્થની મમ્મીએ આવીને ક્રિષ્નાને પગથી માથા સુધી નિહાળી પછી એના ગળામાની પાતળી ચેઇન જોઈને કહ્યું, “ થોડો હેવી સેટ પહેર્યો હોત તો સારું હતું. શું છે કે સમાજમાં અમારો જે પ્રમાણે મોભો છે એ રીતે થોડું રહેવું પડે. કઈ વાંધો નહીં ફરી આવો પ્રસંગ હોય ત્યારે ધ્યાન રાખજે. ” એમણે થોડું મોઢું બગાડીને કહેલું.
ક્રિષ્નાએ સોનાથી લદાયેલા ભવિષ્યના સાસુ સામે માથું હલાવ્યું. પછીથી તો ક્રિષ્ના જાણે કોઈ નમૂનો હોય એમ બધાને બોલાવી બોલાવીને એમણે એની ઓળખાણ કરાવી…. આ અમારા પાર્થની પસંદ. આજના છોકરાઓને તે કંઈ કહેવાય નહિ, જે એમને ગમે તેજ ખરું. મેં તો કેટલીય છોકરીઓ જોઈ રાખેલી પણ પાર્થની પસંદ સામે અમે કંઈ ના બોલ્યા, દિકરાથી વધારે શું હોય…….!!
ક્રિષ્ના મનોમન અકળાઈ રહી હતી. એ પાર્થની મોટી ભાભી પાસે બેઠી. એણે જણાવ્યું કે સાંજે અહી ગરબાનો સરસ પ્રોગ્રામ હતો પણ પાર્થભાઈ ખબર નઈ કોઈ કામમાં ભરાઈ ગયા હશે તે જોવાય નહતા આવ્યા. હવે ક્રિષ્નાને લાગ્યું કે કાલે પાર્થનો મૂડ કેટલી હદે બગડ્યો હશે. એને અફસોસ થયો. અહીં મોટા ફાર્મહાઉસમાં છોકરીવાળાએ બધું સુંદર રીતે ગોઠવેલું. એ લોકો અહી આવ્યા એ પહેલાં જ જાનૈયા આવી ગયા હતા. લગ્નની વિધિ ચાલું થતા જ અડધા મહેમાનો જમવા જતા રહ્યા.
“ ચાલો આપણે પણ જમી લઈએ. ” પાર્થના મમ્મીએ કહેલું.
જમવા માટે અલગ અલગ કાઉનટર પર અલગ અલગ જાતની વાનગીઓની લાઇન લાગી હતી. ક્રિષ્નાની નજર ગુજરાતી એય ખાસ કરીને કાઠિયાવાડી વાનગી શોધી રહી હતી. એક ટેબલ પર એને રીંગણાંનું ભરતું, ભરેલા લીલા મરચાં, ઠેપલા, કઢી, પુલાવ વગેરે જોયા. એ, એ તરફ જવા જ જતી હતી કે એની ભવિષ્યની સાસુએ એને રોકી,
“ જોજે હોન, થાળીમાં દેસી આઇટમ ના ભરતી. ચાઇનીઝ, મેક્સિકન એવું બધું કોંતીનેન્ટલ ફુડ જ લેવાનું. મારી બાજુમાં જ ઊભી રહેજે ફોટાઓમા આપણે સાથે દેખાવા જોઈએ. પછી એ બધા ફોટાઓ હું ફેસબુક પર મુકુ એટલે કોમેંટ્સ કરજે પાછી, મારા વખાણ કરતી ! ”
ક્રિષ્નાને એકબાજુ હસવું આવી રહ્યું હતું અને બીજીબાજુ કકડીને ભૂખ લાગી હોવા છતાં, સામેજ ભાવતી વાનગી હોવા છતાં ખાઈ નહતી શકતી એનો ગુસ્સો આવતો હતો. એણે બપોરે નીકળી જવાનું હતું એરપોર્ટે જવા. એ અહીંથી કંઈ માથાકૂટ વગર જલદી નીકળી જવા માંગતી હતી, એટલે જ ભવિષ્યના સાસુનો પડ્યો બોલ ઝીલી રહી હતી.
“ અરે પાર્થ ! તું ક્યાં ચાલી ગયો તો ? ક્યારનોય દેખાતો નહતો.”
“ ક્યાંય નહિ મમ્મી. મારી ગાડીને કોઈ પાર્કિગમાં ઠોકી ગયું. એના માટે મેકેનિક બોલાવી ગાડી આપી.” પાર્થે ક્રિષ્ના સામે જોયા વગર કહ્યું.
ક્રિષ્નાને આ વાત ના ગમી. એણે ખોટું શું કામ બોલવું જોઈએ ? પણ, ક્રિષ્નાને બહુ રાહ ના જોવી પડી એને જવાબ મળી ગયો.
“ લોકોને પાર્કિગની કોઈ સેન્સ જ નથી ! જ્યાં કોઈ મોંઘી ગાડી જોઈ નથી કે એમનો ખટારો લાવીને ઠોકી નથી. ઈર્ષા જ કરતાં હોય બધા. કોણ હતુ એ ? કંઈ ખબર પડે તો મને કહેજે બરોબરની ખબર લઇ નાખું એ હલકટની ! ”
ક્રિષ્નાને કાપો તો લોહી ના આવે એવી સ્થિતિ થઈ ગઈ હતી ! એ એની સાડીનો આગળનો છેડો એક હાથે પકડી એને બીજા હાથની આંગળી પર લપેટી ખોલી રહી. મોઢા પર કંઇક અજુગતા હાવભાવ આવી રહ્યા હતા. મનમાં થયું કે સારું કર્યું પાર્થે એનું નામ ના દીધું, નહીતર આ ભવિષ્યના સાસુ એને ભવિષ્યમાં કદી ગાડી ચલાવવાને લાયક ના છોડત ! એટલામાં ક્રિષ્નાના મમ્મીપપ્પા પણ ત્યાં આવી પહોંચ્યા. પાર્થકુમારની ગાડી કોઈ ઠોકી ગયું એ જાણીને જશોદાબેન પણ ઠોકાનારને કોશવા લાગ્યા. આ વખતેય પાર્થ ક્રિષ્નાની મદદે આવ્યો.એને કહ્યું,
“ મમ્મી ક્રિષ્નાને આજે જ પાછું જવાનું છે, થોડીવાર રહીને અમે નીકળી જઈશું. ”
હવે ચર્ચાનો વિષય બદલાયો. બધી ટિપ્પણીઓ ક્રિષ્ના પર થવા લાગી. હાલ એની જાણમાં આવ્યું કે એના ભવિષ્યના સાસુએ એના જીવનના આવનારા કમસેકમ દસ વરસનું પ્લાનિંગ કરી રાખેલું ! સગાઈ, લગ્નથી લઈને ક્રિષ્ના ક્યારે નોકરી કરશે, ક્યારે નોકરી છોડશે, એમને પૌત્ર ક્યારે આપશે…….!! ક્રિષ્નાનું ફૂલી રહેલું મોઢું જોતા આ વખતે એના પપ્પા એની મદદે આવ્યા
.
“ બેટા તને મોડું થશે. ચાલ, આપણે નીકળીએ. પાર્થ તમારે અહી રોકાવું જોઈએ હાલ હવે, જાનૈયા સાથે તમારે રહેવું જોઈએ. ”
હા બરોબર છે ! બંને સન્નારીઓ એકસાથે સહમત થઈને બોલી. ક્રિષ્નાએ પાર્થ સામે જોઈ એક હળવું સ્મિત કર્યું. પાર્થ થોડો ઉદાસ થઇ ગયો હોય એમ લાગ્યુ.
“ પાર્થ તે મને નવી દુલ્હન સાથે તો મેળવી જ નથી. ચાલ મને એનું મોઢું તો બતાવ. પપ્પા હું બસ બે મિનિટમાં આવી.” ક્રિષ્ના પાર્થનો હાથ પકડી એને એકબાજુ જ્યાં ઉપર જવાની સીડી હતી ત્યાં ખેંચી ગઈ.
પાર્થના મમ્મી મોઢું બગાડીને ક્રિષ્નાની આ હરકત જોઈ રહ્યા હતા એ વાતની નોંધ ક્રિષ્નાના પપ્પાએ લીધી.
ઉપરની તરફ ચાર બેડરૂમ આવેલા હતા. એમાંના એકમાં દુલ્હા દુલ્હન અને એમની સખીઓ ફોટા લઈ રહ્યા હતા. ત્યાં ખૂબ મેળાવડો જામ્યો હતો. ક્રિષ્ના એની બદલે એની બાજુના રૂમમાં ગુસી. એની પાછળ પાર્થ પણ આવ્યો. અહીં કોઈ ન હતું . ક્રિષ્નાને થોડોક સંકોચ થયો પછી એણે થોડુક હસીને પાર્થને કહ્યું,
“ સોરી યાર ! મેં તારી ગાડી, ”
“ શું…….” પાર્થે એની એક આંગળી ક્રિષ્નાના હોઠો પર અડાડી એને ચૂપ રહેવા ઈશારો કર્યો. “ કેટલી વાર કહું તારે મને સોરી બોલવાની જરૂર નથી. ” પાર્થ થોડો વધારે નજીક આવ્યો, અહીં ઉપરના રૂમમાં ક્રિષ્ના એનો હાથ પકડીને ખેંચી લાવી હતી એટલે એ થોડો ઉત્સાહમાં હતો. એના શ્વાસ ક્રિષ્નાના ગાલે અથડાઈ રહ્યા. ક્રિષ્નાને બહુ અજીબ લાગતું હતું આ બધું એ આંખો મીચીને ઊભી રહી. પાર્થ થોડો વધારે આગળ જુક્યો અને હળવેથી, એક પીંછુ સ્પર્શતું હોય એમ, ક્રિષ્નાના ગાલે એના હોઠ અડાડ્યા.
એક કે બે પળનીજ વાત હતી આ. ક્રિષ્નાને આખા શરીરે પરસેવો વળી ગયો. એનું મોઢું પડી ગયું. હકીકતે ક્રિષ્ના એજ જોવા માંગતી હતી કે પાર્થના સ્પર્શથી એને શું થાય છે અને એટલેજ એ બહાનું કરીને પાર્થને અહી લઈ આવી હતી. અફસોસ! એને કંઈ જ ના થયું ! એ પાર્થને એક ધક્કો મારીને રૂમની બહાર ભાગી ગઈ. પાર્થને મન એમ કે એ શરમાઈને ભાગી……
“ ચાલો પપ્પા આપણે નીકળીએ. ”
વાસુદેવભઇને એમની દીકરીનું મોઢું ઉતરેલું લાગ્યું.એ કાંઈ બોલ્યા વગર આગળ થયા. ક્રિષ્ના એમની પાછળ ચાલી.
ઘરે જઈને એની નાનકડી બેગ જે એ સાથે લાવી હતી એ લઈને પહેર્યા કપડેજ નીકળી ગઈ. વાસુદેવભઇ એ પૂછ્યું પણ ખરું કે સાડીમા ફાવશે ? એણે જરીક હસી દીધું જવાબમાં અને દીવાલ પરની ઘડીયાળ તરફ આંખથી ઈશારો કર્યો. સમય થઈ ગયો હતો એ ક્યાં રોકાય છે કોઇના માટે, કદી?
એરપોર્ટે પર આવીને બધી વિધિ પતાવ્યા બાદ અડધો કલાક બેસી રહેવાનું હતું. એણે એ સમય એના પપ્પા સાથે ગાળવાનું વિચાર્યું. એ પાછી બીજે માળથી નીચે આવી અને એના પપ્પા સાથે એક ખૂણામાં ખાલી જગામા ગોઠવાઈ. એના પપ્પાને ઉપર જવાની મનાઈ હતી ત્યાં ફક્ત પેસેન્જર જ જઈ શકતા હતા.
“ શું વાત છે, તું ઉદાસ લાગે છે ? ”
“ ના, ખાસ કંઇ નથી. ” ક્રિષ્નાએ જરાક હસીને કહ્યું.
“ પાર્થ સાથે બધું બરાબર છે ? જો જરિકે હા ના થતું હોય મનમાં તો સાફ સાફ કહી દેજે. તારી ખુશીથી વધારે મારે માટે કંઈ નથી.”
ક્રિષ્ના હસી પડી. એના પાપાજ દુનિયાની એકમાત્ર એવી વ્યક્તિ હતી જે એના મોં સામે જોઇને એનું મન જાણી લેતા ! “ મને હું પૂછું એનો જવાબ આપશો ? ”
“ લે એમાં પૂછવાનું હોય ! ” પપ્પાએ દીકરીના ખભે હાથ મૂક્યો.
“ તમને કેવી રીતે ખબર પડેલી કે તમે મમ્મીને પ્રેમ કરો છો ?”
“ સાચું કહું તો હજી આજેય મને ખબર નથી પડી ! ” વાસુદેવભઇ હસી પડ્યા પછી એમની લાડકવાયી ને કહ્યું, “ મને જિંદગી એ એવો કોઈ મોકો જ નહતો આપ્યો. પહેલાં ભણ્યો ત્યારે બધું જ ધ્યાન ફક્ત ભણવા ઉપર હતું. પછી બાપુજીની નોકરી છૂટી ગઇ. ઘરમાં સૌથી મોટો હું , એટલે કમાવાની જરૂર પડી. સરકારી નોકરી માટે ખૂબ પ્રયત્નો કર્યા. એમાં સફળ થયો ત્યારે પેલીજ વાત તારી મમ્મીની આવેલી, લગ્ન માટે. અમે લોકો પાંચેક મીનીટ માટે મળ્યા હોઈશું અને ઘરે જઈને મારે જવાબ આપવાનો હતો. તારી મમ્મી મને સીધી સાધી લાગેલી જરાય ભભકા વગર એ જેવી હતી એવી, એમને એમ મને મળેલી. મને એની સાદગી પસંદ આવેલી અને અમે પરણી ગયા. ક્યારેક લડતા, ઝઘડતા, એકબીજાને મનાવતા, હસી મજાક કરતાં અને સૌથી વધારે એકસાથે અમારું ઘર સંભાળતા, મને અને એને એકબીજાની આદત પડી ગઈ. પછી વરસો બાદ એક ચમત્કાર સર્જાયો. મારા હાથમાં દવાખાનાવાળી બહેને હાલ જન્મેલી એવી એક નાનકડી બાળકી મૂકી હતી. એ બાળકીએ મારી સામે નજર મેળવી ને સુંદર હસી. એના એક ગાલ પર ખાડો પડતો હતો. હું બસ એને જોઈજ રહ્યો. સમય, સ્થળ, ભાન બધું ભૂલીને ! મે એને હળવેથી એક ચૂમી ભરેલી એના નાજુક ગાલ પર, એનુંયે ચકામુ ઉપસી આવ્યું. પછી મને ખબર છે પડી કે એ બાળકી કેટલી નાજુક છે. મે એને મારી છાતીએ વળગાડી બસ, ત્યારે મને સમજાયું કે આજ પ્રેમ છે. એ બાળકીને કોઈ અપેક્ષા વગર બસ ખુશ રાખવી એજ મારા જીવનનું એક માત્ર લક્ષ અને એજ
મારી ખુશી ! ”
“ જ્યારે તમે કોઈને ખરેખર ચાહોછો ત્યારે એ વ્યક્તિની હાજરી કે એનો ખ્યાલ માત્ર તમારા દિલને ખુશ કરી જાય અને એવી ખુશી આપોઆપ જ આવી મળે, એના માટે પ્રયત્ન ના કરાય.” વાસુદેવભાઇ ક્રિષ્નાને માથે ફેરવતા બોલ્યા,
“ હું તો સાવ સીધો સાદો માણસ છું, જે રીતે મે પ્રેમને જોયો એ મે તને કહ્યું. હોય શકે તારા માટે નિયતિ એ કંઇક અલગ વિચાર્યું હોય. છતાં, હું ભગવાનને પ્રાર્થના કરીસ કે મારી દીકરીને એના જીવનમાં સાચા પ્રેમનો અનુભવ જરૂર કરાવે. ”
પાર્થ કન્યાવિદાયની વિધિ જોઈને મનોમન એના અને ક્રિષ્નાના લગ્ન થતા જોઈ રહ્યો હતો. મુરલી આજે સાંજે ક્રિષ્નાને એના ઘરે બોલાવી એના મનની તમામ વાત કરવાનો હતો. અને દૂર નિયતિ આ બધાને જોઈને જાણે કહી રહી હતી કે, સપના જરૂર જુઓ પણ, એ બધા પૂરા થશે એવી આશા ના રાખો!
—————————— પ્રકરણ ૧૪ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-