“યુવતીને લલચાવી – ફોસલાવીને યુવાને કરેલું અપહરણ”
“લગ્નની લાલચ આપી યુવતી પર કરેલું દુષ્કમઁ”
“એક પુરુષે યુવતી પર સતત ત્રણ વષઁ સુઘી કરેલો બળાત્ચાર”
“લગ્નની લાલચ આપી જુદા જુદા સ્થળે લઇ જઇ કરેલી બળજબરી”
“નોકરીની લાલચ આપી યુવતીનો ફાયદો ઊઠાવ્યો”
 “ઇન્ટરનલ માકઁસની બીક બતાવીને શિક્ષકે વિદ્યાથીઁની પર કરેલી બળજબરી”
“ઊંચી પદવી કે મોભાના સ્થાન કે ટીમલીડરની લાલચ આપી યુવતીનું કરેલું શોષણ”
આવા કેટલાય સમાચાર છાપામાં રોજ વાંચીએ છીએ. રોજ છાપામાં એકાદ સમાચાર તો આવા હોય જ કે જેમાં પુરુષ દ્રારા સ્ત્રીની મજબૂરીનો ફાયદો ઊઠાવ્યાની વાત હોય.. વાંચીને તે પુરુષ પ્રત્યે નફરતના ભાવ જન્મે, ભોગ બનનાર સ્ત્રી માટે દુ:ખની લાગણી થાય, તે બિચારી-બાપડી પય શું વિત્યું હશે તેવા વિચાર આવે. થોડીવાર કોઇ આ સમાચાર બાબતે ચચાઁ પણ થાય. આવા પુરુષને આકરી સજા થવી જોઇએ તેવો આક્રોશ પણ થાય, સ્ત્રી સ્વતંત્રતાની, સ્ત્રી શકિતની વાતો થાય.
પણ આવા સમાચારની સચ્ચાઇ વિશે કેમ કોઇ સવાલ નથી કરતું?? એક વાત સપષ્ટ કરી દઉં કે પુરુષોનો પક્ષ લેવા માટે આ નથી લખતી.. પુરુષોનો વાંક નથી એવું નથી કહેતી, જયારે કોઇ બાળકી- યુવતી – સ્ત્રી પર બળાત્કાર થાય છે ત્યારે તેના શરીર સાથે તેનું મન – તેનો આત્મા પણ ઘાયલ થાય છે. એવો આઘાત લાગે છે કે તે ભરપાઇ થયા વષોઁ નીકળી જાય છે. કદાચ કયારેક તો કોઇ યુવતી આખી જીંદગી ઘટના ભૂલી શકતી નથી અને બીજા સાથે જીવનભર જોડાઇ શકતી નથી. જીંદગીભર તે સહજતા મેળવી શકતી નથી. બળાત્કાર કરનાર પુરુષ માટે કોઇ કેસ – કોઇ સુનાવણીની જરૂર જ નથી. તેને સીઘી સજા જ થવી જોઇએ. પણ ઉપર લખેલી ઘટના જરાક ફરીવાર વાંચશો તો સમજાશે કે આ બઘી ઘટનાને બળાત્કાર સાથે જોડી છે, પણ કદાચ તે અધઁસત્ય છે. અજાણ્યો પુરુષ સ્ત્રીની ઇચ્છા વિરૂધ્ધ બળજબરી કરે તેને બળાત્કાર કહેવાય, જાણીતો પુરુષ કોઇ લાલચ આપીને બળજબરી કરે તે કદાચ બળાત્કાર ન કહી શકાય એવી મારી માન્યતા છે.
ફરીથી કહું છુ પુરુષનો પક્ષ લેવાનો ઇરાદો નથી. પણ એક સચ્ચાઇ સમજાવવાનો પ્રયાસ છે. ઉપરના કિસ્સા વાંચશો તો સમજાશે કે તેમાં કયાંક ને કયાંક લાલચ છુપાયેલી છે. નોકરીની લાલચ, ઊંચી પદવીની લાલચ, લગ્નની લાલચ, માકઁસની લાલચ, ફિલ્મી કે મોડલીંગ ક્ષેત્રે ચમકાવવાની લાલચ, આવી લાલચ જયારે આપવામાં આવે છે ત્યારે સ્ત્રી લાલચને આધિન તે પુરુષને શરણે જાય છે. એક આડ વાત…. જયારે કોઇ યુવતી એવી ફરિયાદ કરે કે મારા પર સતત બે વષઁ – ત્રણ વષઁ – પાંચ વષઁથી બળજબરી કરે છે, મારૂં શારીરિક શોષણ કરે છે, ત્યારે એક સવાલ જરૂર મનમાં આવે કે બે-ત્રણ-ચાર-પાંચ વષઁ સુધી તે ચૂપ શા માટે રહી  ?? બની શકે તે શોષણ કરનાર પુરુષે કોઇ ડર બતાવ્યો હોય, કોઇ કારણસર તે દબાઇ ગઇ હોય , તો પણ એકવાર, બેવાર, ત્રણવાર પછી તે પોતાની વાત કોઇને કહી ન શકે ? બે-ત્રણ વષઁની વાત કરનાર યુવતીને તે પુરુષે આટલો સમય કંઇ પૂરી રાખી નથી હોતી. તે પોતાના કુટુંબીજનોની સાથે જ રહેતી હોય છે. યુવતી એવી ફરિયાદ કરતી હોય છે કે મને જુદા જુદા સ્થળે મળવા બોલાવી અને પછી….
પણ જયારે મળવા બોલાવે ત્યારે જવાનું કારણ શું? એક વખત મળવા બોલાવી અને બળજબરી કરી તો પછી બીજીવાર બોલાવે ત્યારે જવાનું કારણ શું? કોઇ લાલચ જ ને ???
લગ્નની લાલચ આપનાર પુરુષ એમ કહેતો હોય છે કે આપણા લગ્ન થવાના જ છે.. તો જે લગ્ન પછી કરવાનું છે તે પહેલા કરવામાં શું વાંધો?? યુવતી પમ ભાવિ જીવનસાથી માનીને તેની બઘી વાત માની લેતી હોય છે, પણ વાંધો ત્યારે પડે છે કે જયારે લગ્નની વાત અટકી જાય છે, અને ત્યારે સ્ત્રી આવી ફરિયાદ કરે છે.
 નોકરી – માકઁસ – પદવીની લાલચે સ્ત્રી પુરુષને શરણે થઇ જાય છે. કહેવાનો મતલબ એ નથી કે તેમાં તેની મરજી હોય છે, પણ કદાચ મન મારીને, કંઇક મેળવવાની આશાએ પુરુષની વાત સ્વીકારી લે છે. તે પુરુષને સાથ નથી આપતી, પણ વિરોધ પણ નથી કરતી અને પછી જયારે જે કારણથી આવું બન્યું હોય તે કારણ પતી જાય અથવા ન પતે ત્યારે સ્ત્રી ફરિયાદ કરે છે.
દરેક કિસ્સામાં આવું જ બનતું હોય એવું જરૂરી નથી. કયારેક ખરેખર ડર કે દબાણને વશ થઇને સ્ત્રી વિરોધ ન કરી શકતી હોય તેવું બને. પણ એ ડર કે દબાણનું કારણ જ છોડી દે તો ??? જયારે કોઇ પુરુષ એમ કહે કે મારી વાત નહી માને તો તને આ ફાયદો નહીં થાય, તારી નોકરી નહી રહે, તને માકઁસ નહી મળે, તને આગળ વધવા નહીં મળે… ત્યારે સ્ત્રી એ વાત છોડી દે તો ???
નથી જોઇતી એવી નોકરી, નથી જોઇતી એવી પદવી , નથી જોઇતા એવા માકઁસ… એમ કહી દે તો !!  તો પછી શોષણ થવાનો સવાલ જ નથી ને …
પુરુષ પ્રધાન સમાજમાં આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ પુરુષનું જ ચાલે છે. સ્ત્રી મરજીથી કે નામરજીથી પુરુષનું આધિપત્ય સ્વીકારી જ લે છે. અમુક કિસ્સામાં એવું બનતું જ હોય છે કે સ્ત્રીને નોકરીની સખત જરૂર હોય અને તેની આ લાચારીનો પુરુષ ફાયદો ઊઠાવતો હોય.,સ્ત્રી ઘરચલાવવા નોકરી કરવા મજબુરહોય અને નોકરી ટકાવવી રાખવા પુરુષની વાત સ્વીકારી લેતી હોય છે. પણ આ ઘટનાને કદાચ બળાત્કાર તો ન જ કહી શકાય. સ્ત્રી સંમતિથી કે ડરના કારણે વાત સ્વીકારે એ તેની હાર જ છે, તેનો આત્મા તો તે સમયે પણ રડતો જ હોય છે, પણ આવી ધટનામાં બળજબરી નથી, બળાત્કાર નથી…. એકબીજાની સંમતિથી, પરસ્પરની લાલચથી સ્વીકારેલો સોદો છે. આવા સોદા પાર ન પડે ત્યારે સ્ત્રીઓ ફરિયાદ કરે છે.. શું એ વાજબી છે ?? ફિલ્મી જગતમાં, મોડલીંગ ક્ષેત્રમાં “કાસ્ટીંગ કાઉચ” શબ્દ વપરાય છે. આ એવું ક્ષેત્ર છે કે જેમાં પડનાર બઘાએ સ્વીકારેલું જ હોય છે કે કંઇક મેળવવા માટે કંઇક આપવું પડશે. આ ક્ષેત્ર તો એમ જ બદનામ છે. બાકી દરેક ક્ષેત્રમાં આપવા – લેવાના સોદા થતા જ રહે છે. સ્ત્રી પાસે આપવા માટે એક જ છે.. અને પુરુષને તે જ જોઇએ છે,  અને તેના બદલામાં નોકરીની સલામતી , આગળ વધવાનો ચાન્સ, વધારે માકઁસ એવું બઘું આપતો હોય છે . સહમતીના સોદામાં બળાત્કારની ફરિયાદ કેટલી યોગ્ય ??
સ્ત્રીને રક્ષણ આપતા કેટલાય કાયદા છે. અને સ્ત્રી ફરિયાદ કરે એટલે પુરુષની બદનામી થાય.. તેને સજા થાય. પણ ઘણીવાર સ્ત્રીઓ કાયદાનો ખોટો સહારો લઇને વેર વાળવાની વૃતિ પૂરી કરતી હોય છે. આવા સમયે એક જ સવાલ તેને કરવો જોઇએ કે એકથી વધુ વખત કરેલી બળજબરી સહન શા માટે કરી ? શા માટે પહેલા ફરિયાદ ન કરી? શા માટે ત્રણ – ચાર વષઁ સુધી સહન કયુઁ ??
ફરીથી સ્પષ્ટતા કરી લઉં કે પુરુષનો બચાવ કરવાનો ઇરાદો નથી. પણ છાપામાં આવતા સમાચારો વાંચીને એક જ સવાલ થાય કે શું સ્ત્રી ભોળવાય જાય ? કહેવાય છે કે સ્ત્રીમાં છ ઈન્દ્રિય હોય છે. કોઇપણ પુરુષ સામે આવે એટલે તેની આંખમાં દેખાતા ઇરાદા સ્ત્રીને તરત જ સમજાય જાય છે. પોતાના પ્રત્યે પુરુષને કેવી લાગણી છે તે ગણત્રીની ક્ષણોમાં જ સ્ત્રીને સમજાય જાય છે. તો શું તેને ભોળવી શકાય ??? લલચાવી – ફોસલાવી શકાય ??
વિચારજો… લેખ યોગ્ય લાગે તો જણાવજો ….
——————————————–
Writer: Deepa Soni