“એય સાંભળો છો? પંડિતજી આવ્યા છે.” શકુન્તલા બેન એ કનૈયાલાલ ને બોલાવતા કહ્યું.પંડિતજી દીપિકા માટે છોકરાઓના ફોટા લાઇ ને આવ્યા હતાં. કનૈયાલાલ..”ઓહ આવો … આપ દીપિકા માટે ખૂબ જ મહેનત કરો છો!”
પંડિતજી જવાબ માં “અરે..હું તો કંઈ નથી કરતો તમે જે કર્યું તેવું તો કોક જ કરી શકે.”
પંડિતજી પાંચ ફોટા છોકરાંઓ ના આપી જાય છે.
“જોને બેટા… આ ફોટાઓમાં કોઈ ગમતું હોય તો જણાવ અમને….આ રોહન સારો લાગે છે.”શકુન્તલા બેન દીપિકા ને છોકરાઓના ફોટા બતાવતા.
“મમ્મી ..તું કેમ સમજતી નથી મારે લગ્ન નથી કરવાં. મારા ગયા બાદ તમે સાવ એકલા થઈ જશો. હું તમારી સાથે રહેવા ઈચ્છું છું.”દીપિકા શકુંતલા બેન સાથે રકઝક કરતાં.
દીપિકા ને રોજ કનૈયાલાલ અને શકુંતલાબેન સમજવાનો પ્રયાસ કરે પણ દીપિકા એ મન માં ગાંઠ વાળી લીધેલી.
દીપિકા એક મલ્ટીનેશનલ કંપનીમાં એચ. આર. ડિપાર્ટમેન્ટ માં કામ કરતી હતી અને તેની સાથે સુજય નામનો સોહામણો છોકરો કામ કરતો હતો.આજે દીપિકા શકુંતલાબેન સાથેની રકઝકથી થોડી ડિસ્ટર્બ હતી.
“દીપિકા આજે કેમ ઉદાસ છે?”સુજય એ પૂછ્યું.
“અરે! આ મારી મમ્મી મારા લગ્ન કરાવવા પાછળ પડી છે.મારે લગ્ન નથી કરવાં.હું લગ્ન કરી જતી રહું તો મારા મમ્મી પપ્પા એકલા પડી જાય.”દીપિકા પોતાના મનની વાત કરે છે.
“સારું કહેવાય તારા લગ્નની ચિંતા કરવા વાળું કોઈ છે.મારે માથે કોઈ છત્રછાયા જ નથી, જીવે જાવ છું મારી એકલવાયી જીંદગી.” સુજય દિપીકાની વાત સાંભળી પોતે પણ થોડો ભાવુક થઈ જાય છે.
સુજય અનાથ હોય છે તે અનાથલયમાં ઉછરી પોતાની આવડત અને હોશિયારી થી પોસ્ટ ગ્રેજ્યુએટ થાય છે અને હાલ નોકરી મેળવી એકલવાયું જીવન ગાળતો હોય છે.
દીપિકા નોકરી પતાવી ઘર તરફ જાય છે ત્યાં રસ્તામાં પંડિતજી મળે છે. “કેમ છે બેટા?તને કોઈ છોકરો ગમ્યો?”
દીપિકા જવાબમાં,”મેં ફોટા જોયા જ નથી,સાચું કહું તો હું લગ્ન કરવા નથી ઇચ્છતી હું મારા મમ્મી-પપ્પા સાથે જ રહેવા માંગુ છું.”
આ સાંભળી પંડિતજી”અરે… બેટા તું એ લોકો નું અજાણતા દિલ દુભાવીશ.તને ખબર નથી પણ જ્યારે તને લાવ્યાં ત્યારે કનૈયાલાલ એ મને કહેલું પંડિતજી મારી લાડકવાયી માટે સારો મુરતિયો શોધવા માંડજો મને પણ કન્યાદાન નો અવસર મળશે.”
દીપિકા થોડી આશ્ચર્ય સાથે “લાવ્યા એટલે હું કંઈ સમજી નહીં?”
પંડિતજી ને થયું દિપીકા ને કંઈ ખબર નથી લાગતી એટલે થોડાં ક્ષોભ સાથે.”સોરી.. તને ભૂલથી કહેવાય ગયું,પણ હવે સંપુર્ણ સત્ય સાંભળ, કનૈયાલાલ અને શકુંતલાબેન ને કોઈ બાળક ન હતું તેથી એ અનાથલય બાળક દત્તક લેવા ગયાં. સામાન્ય રીતે દંપતી બાળક માં છોકરો દત્તક લેતા હોય છે પણ કનૈયાલાલ એવું બોલ્યા હતાં કે પૃથ્વી પર જન્મ લીધાં બાદ કન્યાદાનનો અવસર ન મળે તો જીવન વ્યર્થ કહેવાય.અને બેટા તને દત્તક લીધેલી.”
વાત સાંભળી દીપિકા ને આંચકો લાગે છે,”તો શું હું દત્તક લીધેલી છું?મને તો જરાય અણસાર પણ નથી આવવા દીધો!!”
પંડિતજી દીપિકા માથે હાથ ફેરવી સાંત્વના આપતાં,”બની શકે તો તારા પાલક માં-બાપ ને કન્યાદાનનો અવસર આપજે.” આટલું કહી પંડિતજી ચાલ્યા જાય છે.
દીપિકા ના મન માં પ્રલય જાગી ઉઠે છે,એ ઘરે આખી રાત વિચારો માં ગાળે છે.અને સવારે ઉઠી ફટાફટ તૈયાર થઈ ઓફિસ જવા નીકળી જાય છે.સાંજે પાછી ફરે છે ત્યારે સુજયને સાથે લઈ આવે છે.
દીપિકા ઓળખાણ કરાવે છે,”મમ્મી….. પપ્પા… આ સુજય છે મારી સાથે કામ કરે છે.એ પણ મમ્મી પપ્પાની છત્ર છાંયા ઝંખે છે. શું મારુ કન્યાદાન સુજય ને કરશો?તમારી બંનેની કન્યાદાન કરવાની અભિલાષા પૂર્ણ થશે અને અમને બંનેને આપની છત્રછાયા મળશે.”
શકુંતલા બેન અને કનૈયાલાલની આંખો હર્ષાશ્રુ થી છલકાય છે.કનૈયાલાલ દિપીકા- સુજયના ધામેઘૂમે લગ્ન કરાવે છે.કનૈયાલાલ ની કન્યાદાન ની,દીપિકા ને મમ્મી પપ્પા સાથે રહેવાની,અને સુજયને છત્રછાયા ની અભિલાષા પૂર્ણ થાય છે.