દેવ આજે સવારે જ આવેલો એની મિત્ર રમ્યાનો મેસેજ જોઈને ચમક્યો હતો. એ અને મિહિર છૂટાછેડા લઈ રહ્યાં છે… દેવને આંચકો લાગી ગયો. રમ્યા અને મિહિર બંને એના કોલેજ સમયના ખાસ મિત્રો હતા. એ એક ઘડીમાં વરસો પાછળ, એમના જૂના સમયમાં પહોંચી ગયો…
એ લોકો જ્યારે કોલેજમાં હતા ત્યારે મિહિરને આખી કોલેજ “ગોલુ” ના હુલામણા નામે ઓળખતી. એ હતો જ એવો ગોળમટોળ ! સ્વભાવે ગરમ તવા જેવો, વાતે વાતે “એની માને…”કહીને મારવા દોડી જતો પણ દિલનો નરમ ઘેંશ જેવો. હોસ્ટેલનો પહેલો દિવસ એને યાદ આવી ગયો.
એ દિવસેે સિનિયર છોકરાઓએ એને કોઈપણ શબ્દ આગળ ‘ઇ’ લગાડ્યા વગર દસ મિનિટ બોલવાની ચેલેન્જ આપેલી. કોઈએ એને બાજુના રૂમવાળા પાસેથી ‘ઈસ્ત્રી’ લઈ આવવાનું કહેલું. ગોલુ આમેય થોડો મંદબુદ્ધિનો, બાજુવાળાના રૂમમાં જઈને કહે,
“એ… સ્ત્રી આપને, મને તારી સ્ત્રી જોઈએ હે. હમણાં થોડી વારમાં પાછી આપી જવા ! આમતો હું કોઈ બીજાની સ્ત્રી ના માગતે પણ પેલા સિનિયર પોયરા એ કીધું કે બાજુવાળા પાહેથી લઈ આવ. ”
બાજુવાળાએ પૂછેલું, “ લઈ જઈને વાપરવાનો કે એમનેમ પાછી આપી દઈશ ?”
આ મૂરખ પાછો એકદમ ભોળાભંડારીની જેમ કહે, “ મને કાય ખબર ની મલે, સિનિયર બોલે તો વાપરવી પડહે, ની તો એમનેમ પાછી આપી જવા. તું ચિંતા હુ કરતો મેં તારી સ્ત્રીનું બરોબર ધ્યાન રાખા. જલદી ગરમ તો થઈ જાય છે ને ?”
હસી હસીને બધાના પેટ દુઃખી ગયેલા. જ્યારે દેવે એને સમજાવ્યું કે એ શું બોલી રહ્યો છે… કંઈ ભાન છે કે નઈ ? એને ઈસ્ત્રી અને સ્ત્રીનો ફરક સમજાવ્યો ત્યારે એ ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો. બધાને મારવા દોડેલો તે માંડ માંડ સમજાવેલો…હવે આ ગોલુને પ્રેમ થઈ ગયેલો !
રમ્યા એમના કોલેજની બ્યુટીક્વીન અને ગોલુનુ દિલ એના ઉપર આવી ગયેલું. બધા ગોલુની મજાક ઉડાવતા એ વાતે છેવટે, દેવ જ વચ્ચે પડેલો બંનેનું ગોઠવી આપવા, આખરે દોસ્ત કોને કીધો…
“ અબે ટોપા… તને એટલી જ ગમતી હોય તો જા.. જઈને કહી દે એને.” દેવ ગોલુને સમજાવતો.
“ ચૂપ કરની સાલા…તારા માની..હાંભળવાનો થયો હે કે હુ ? ” ગોલુનુ મગજ ના ચાલે ત્યાં હાથ ઉઠી જતો, એ મુક્કો મારતો હોય એમ હાથ વિંઝીને કહેતો “ એટલું આસાન લાગતું હોય ટને એની હામે જઈને આઇ લવ યુ કેવાનું, તો જા તું જાત્તે જ જઈને કઈ ડેને !”
“ શું બે ગાંડા જેવી વાત કરે છે. ” દેવ વિચારતો. આખરે એણે જ એકવાર બંનેને ભેગા કર્યા. ગોલુને બરોબર સમજાવેલું કે આજ છેલ્લો ચાન્સ છે એમ માનીને પ્રપોઝ કરી જ દેજે. દેવને મનમાં એમ કે પેલી આ નંગને ‘ના’ જ કહેવાની છે…છોને પેલાની દિલની વાત દિલમાં રહી જાય એના કરતા કહી દેતો !
રમ્યાને કોલેજના ગાર્ડનમાં ઊભી રાખીને દેવ ગોલુને બોલાવી લાવેલો, ગોલુ થોડો થોડો ગભરાયેલો હતો. એ વાત કરવા તૈયાર ન હતો.
“ લે હવે આવી મોટી ટોપ ! એક છોકરીથી ડરી ગયો ?” દેવે એને ઉશ્કેરવા જ કહેલું.
“ જાને બે તારી…મા… ને ! જોઈ લે ડોફા હું કોઈથી બિતો નઈ.” એ સીધો જઈને રમ્યા આગળ ઊભો રહી ગયો અને પેલીને ખખડાવતો હોય એમ બોલેલો, “ હું… હું તને પ્રેમ કરું છું ! તું કરે છે કે ની ? જો જેબી હોય એ હાલ જ બોલી દે જે ! હું ૧૦૨ કિલોનો, પાંચ ફૂટ અગિયાર ઇંચ ઊંચો, રંગે ગોરો, આકર્ષક પુરુષ છું. હાલ હજી ભણતો હું પછી ગમે તે કરા પણ તને મજજામાં રાખવાની. બોલ મારી જોડે પૈનવાની કે ની ?”
પાતળી, નાજુક વેલ જેવી રમ્યાતો આનો બુલંદ અવાજ સાંભળીને જ હક્કી બક્કી રહી ગયેલી ! દેવને થયું કે આ બળદિયો સાવ જંગલી છે. છોકરી સાથે વાત કરતા સાલાને જરીકે નથી આવડતું…પેલી એનું સેંડલ કાઢે અને આ એને સામે ધીબેડી નાખે એ બીકે એ પાછો બંનેની વચ્ચે આવી ગયેલો અને રમ્યા સામે હસીને, અવળા ફરી ગોલુ સામે ડોળા કાઢીને કહેલું,
“ ગોલુ… પંડ્યા સાહેબ બોલાવે છે, ચાલ !”
“ મરવા દેની પંડ્યાને ! અત્યારે એની…માને…હુકામ આવી પડ્યું ! અહીં હું આને પ્રપોઝ કરી રહ્યો છું જોતો ની. પેલ્લા મને આ પતાવા દે ! ” એણે એના લોખંડી પંજાથી દેવને પકડી એક બાજુ કર્યો, “ હું તને પ્રેમ કરું છું ! તું બી મને પ્રેમ કરતી કે ની ? બોલ ને ! મોંમા મગ ભર્યા છે ? બોલતી કેમ ની ? પેલી સંધ્યા જોડે તો આખો દી બક બક કરે જાય તે મારી હારે હું વાંધો પડી ગીયો તને ?”
દેવ એનામાં હતી એટલી બધી તાકાત એકઠી કરીને માંડ એ આખલાને શાંત કરીને ત્યાંથી લઈ ગયેલો. એ આખો દિવસ ગોલુ ઉદાસ રહેલો. અને જ્યારે જ્યારે એને વધારે ગુસ્સો આવી જતો એ દેવને એક મુક્કો વાંસામાં કે ખભા ઉપર જડી દેતો સાથે સાથે તારી મા…ની…એતો ચાલુ જ હતું ! દેવને એમ કે રમ્યા કદી આને ‘હા ’ નહીં કહે. પણ, બધાના સુખદ આશ્ચર્ય વચ્ચે રમ્યાએ આ સાંઢને ‘ હા’ કહી હતી. એનો નિખાલસ સ્વભાવ રમ્યાને ગમી ગયેલો. એની બસ એક જ શરત હતી, ગોલુ ગોળમટોળ તરબુજ જેવો નહિ પણ કાકડી જેવો દેખાવો જોઈએ…!
દેવે કહ્યું કે ભૂલીજા રમ્યાને. એ તને આવી આકરી શરત એટલેજ આપે છે કે તું એને પૂરી જ ના કરી શકે. પણ, ગોલુ ના માન્યો. એણે કહ્યું કે એ પાતળો કાકડી શું સરગવાની સિંગ જેવો થઈને દેખાડશે. એણે એજ દિવસથી ખાવા પર કંટ્રોલ કર્યો અને સવાર સાંજ દોડવા જવાનું ચાલુ કરી દીધું. દેવને એમ કે થોડા સમયમાં એનો જુસ્સો ઉતરી જશે પણ, એવું ના થયું. એક મહિનામાં જ એ ઘણો પાતળો થયો. બીજા ત્રણ મહિના પછી તો એ સાચેજ કાકડી જેવો અને પછી સરગવાના સોટા જેવો થઈ ગયો!
પછી શું ? બંનેના એટલેકે ગોલુ અને રમ્યાના લગ્ન થઈ ગયા. દેવને બીજા શહેરમાં નોકરી મળતા એને દૂર જવું પડેલું. એમને એક દિકરો અને દિકરી પણ આવી ગયેલા. બંને ખુશ હતા. તો પછી આ છૂટાછેડાનું કારણ ? દેવ પાછો વર્તમાનમાં આવી ગયો. બંનેને મળવા એ, એજ દિવસેે ઑફિસમાં રજા મુકીને નીકળી ગયો. એ સીધો એમના ઘરે પહોંચ્યો. દેવ આવે છે એ જાણીને ગોલુ પણ જલદી ઘરે આવી ગયો. દેવ એને જોઈને હેબતાઈ ગયો.
ગોલુ અત્યારે ૧૧૦કિલોનો હતો. પહેલાંના કરતાંય વધારે જાડો ! “અરે તારું વજન પાછું કેમનું વધી ગયું ?”
“ અબે તારી…માની ! ગળે મળને સાલા ! આટલા વરહે મેં તને બોલાવ્યો ત્યારે જ હું તને યાદ આવા હે ! સાલા ગધેડા ! ચાલની જમવા આવી જા પેલ્લા પછી જો તારી ખાતીરદારી કરું છું !”
“ હા…જમવા આવી જાઓ પેલ્લા ! એ સિવાય દુનિયામાં કંઈ નથી બીજું મોજ કરવા જેવું !” રમ્યા દાઢમાં બોલી.
“ જો તું આની હામે ચાલુ ની પડી જતી…તને પેલ્લા જ કઈ દેવા. પછી મારી ખોપડી હટી જવા. ”
“ અરે યાર શાંતિ રાખ. ” દેવને થોડી ગભરામણ થઈ ગઈ. એણે ગોલુનો ગુસ્સો જોયેલો હતો પણ એ કોલેજ હતી. હવે બે છોકરાનો બાપ બન્યા પછી એ એની પત્ની સાથે ઝગડે એ યોગ્ય ન હતું.
“ ખોપડી હટી જવા તો શું હે, પાડા..? આ તારા દોસ્તારને તો ખબર છે ને મેં કહેલું મને તરબુજ નહિ કાકડી જેવો પાતળો વર ગમે ત્યારે તો કેવો માની ગયેલો. ત્રણ જ મહિનામાં વજન ઘટાડી દીધેલું અને અત્યારે જો. મદનિયામાંથી હાથી થઈ ગયો છે. સોફાની સિંગલ ચેરમાં બેસી પણ નથી શકતો ! બસમાંય એના એકલા માટે ડબલની સીટ જોઈએ ” રમ્યા ઊંચા અવાજે બોલી રહી. દેવને પરસેવો વળી ગયો.
“ એટલે તારું કેવાનું એમ કે માણસ આખો દી બસ ગધેડાની જેમ કામ જ કરતો રે…પેટ ભરીને સાલો ખાય પણ ની…તો પછી કમાઈને હુ કરવાનું ! ” એણે દેવ સામે જોઇને કહ્યું, “જો યાર ! હું દારૂ નથી પીતો, સિગારેટને તો હાથ બી ની લગાડું, રોજ સાંજે ઑફિસેથી સિધ્ધો ઘરે આવી જવા. એ કે તો હુ ગમે એટલો થાકેલો હોઉં તો’બી એને ફરવા લઈ જવા, એને ગમતો આઇસ્ક્રીમ એને ઠુંસવા અડધી રાતેય જઈને લઈ આવા, પછી તું જ કે, સાલા.. ગધેડા બીજું તો મેં હુ કરું ?”
“ ખાવાનું ઓછું કર, દોડવાનું ચાલુ કર અને જો ના કરી શકે એમ હોય તો છૂટાછેડા આપી દે. ” છેલ્લું વાક્ય બોલતા રમ્યા થોડી ઢીલી થઇ ગઇ.
“ જોયુને તે ? હુ કાય બોલ્યો ? આજ રોજ આમ મારી હારે ઝગડો કરહે ! સાલા આ બધું તારા લીધે જ થયું…તે મને રોક્યો કેમ ની ? તું તો મારો હારો મને ઉકસાવતો હતો જા.. એને પ્રપોઝ કર.. અને પોતે હજી કુંવારો મર્યો છે, તારી માની.. !” ગોલુએ ટેબલ પર મુક્કો માર્યો.
રમ્યા અંદર ગઈ અને એક ફાઈલ લઈ આવી. એણે ટેબલ પર ફાઈલ મૂકી કહ્યું, “ આ જાડિયાંના રિપોર્ટ છે. એનું લીવર સરખું કામ નથી કરતું. ડોક્ટરે કહ્યું છે કે વજન ઘટાડો નહીતો કોઈ દિવસ ગમે તે થઈ શકે. હું આને સમજાવી સમજાવીને થાકી. એના દેખાવ કે રૂપ રંગથી હવે મને ફરક નથી પડતો પણ એની હાજરીથી ફરક પડે છે ! હું એના વગર નહી રહી શકું ! એને કંઈ થઈ જાય તો હું આ બે બાળકો સાથે એકલી નહિ જીવી શકું ! એને જો એની મરજી મુજબ જ કરવું હોય તો ઠીક છે હું અત્યારે જ એના વગર જીવવાની ટેવ પાડી દઉં. એનેય ખબર પડે એના વગરની અમારી જિંદગી કેવી હશે ! ” રમ્યા રડી પડી.
“ એ…ય આવું બધું પેલા તો તે મને કોઈ દી ની કીધેલું !” ગોલુ ઊંચા અવાજે બોલી રહ્યો. દેવને આ નાસમજ મિત્ર ઉપર ગુસ્સો અને દયા બંને આવી રહ્યા.
“ તે તારી સમજમાં કંઈ ના આવે. ડફોળ, બધું કઉં તો જ ખબર પડે. ” રમ્યાય ઊંચા અવાજે બોલી પડી.
દેવને થયું કે એણે વચ્ચે બોલવું જોઈએ પણ એજ વખતે એની નજર ગોલુ પર ગઈ. એ અંદર અંદર હસતો હોય, શરમાતો હોય એવું લાગ્યું, દેવને હાશ થઈ… એણે ગોલુને આમ જ હસતો, શરમાતો જોયો હતો જ્યારે એણે રમ્યાને પ્રપોઝ કરેલી…
“ એય…હું તને પ્રેમ કરું છું બકા ! તું પણ મને એટલો જ, મારાથીય વધારે પ્રેમ કરે છે ! પણ, તો પછી તું બોલતી હું કામ ની ? આટલું ઝગડી એના કરતા સિધ્ધે સીધું કહી દેવામાં તારા બાપનું હુ કાય જતું રેતું તું ? મારે પતલું જ થવાનું છે ને, થઈ જઈશ ! એકદમ કાકડી જેવો ! સરગવાની સિંગ જેવો ! એમાં હુ મોટી ધાડ મારવાની હે !”
“ જો છે ને સાવ… ” રમ્યાના હસી પડી એના ગાલ પર લોહી ધસી આવ્યું, અને એ લાલ થઈ ગયા. એની આંખો વરસી પડી…ખુશીથી !
“ ચાલો ટોપાઓ તમારા ચક્કરમાં હું સવારનો ભૂખ્યો છું. ખાવા-બાવા આપવાનું છે કે વાતોથી જ પેટ ભરાવશો…”, દેવ હસતા હસતા બોલ્યો, “ મારો એક દોસ્ત છે, વકીલ છે, કેતા હો તો તમને સસ્તામાં છૂટાછેડા અપાવી દેશે !”
“ ટણપા…તું આજે મારા હાથનો માર ખાવા જ આવ્યો લાગે હે…તારી માની…” ગોલુએ મુક્કો લગાવ્યો દેવના વાંસામાં…
નિયતી કાપડિયા.
વાહ બેન સરસ વાતાઁ…
આવી વાતાઁઓ લખતા રહો એવી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ…
Comments are closed.