શુક્રવાર સ્પેશિયલ નિક્ષ ના મતે ચા થી ચાહ સુધી ની સફર…..
ચા આમ જોવાં જઈએ તો એક પીણું માત્ર છે. ઘણાં એને વ્યસન પણ કહે.હું ચા ને પીણું પણ નથી માનતો, નથી એને વ્યસન માનતો. મારે મન ચા એટલે સંસ્કૃતિ. એક એવી સંસ્કૃતિ જે ચાહ માં ભળી જાય છે.દેખીતી રીતે ચા એટલે બીજું કંઈ નહીં પણ ખાણ, દુધ અને સુકી ચા સાથે આદુ અને મસાલાનું સમિશ્રણ. ચા નાં પરિવાર માં આ બધા આવે. જયારે આ બધાં મળે અને પછી એકબીજા માં ભળે ત્યારે દુધને આફરો ફૂટે ને પછી એ સોળે કળાએ ખીલી તપેલી ની બહાર આવવાની કોશિશ કરે.. આમ દુધ પોતાની સેનાને લઈને તપેલી ની બહાર આવવાની તૈયારી કરે ત્યારે ચા નો જન્મ થયો એમ માનવું .પોતાના જન્મ થી જ પોઝેટીવીટી લઈને જન્મેલી ચા ને જે કોઈ પીવે એનાં માં પણ એક જબરી પોઝેટીવીટી અને જુસ્સો આ ચા ભરી દે છે…
સુકી ચા ને પીનાર અંદરથી લીલોછમ થઈ જતો હોય છે.ચા ને સંસ્કૃતિ માનવા પાછળ નાં ઘણાં કારણો છે. એવું બન્યું હશે કે કયારેક જીવનનાં ઘણાં મહત્વ નાં અને મુશ્કેલ લાગે એવાં નિર્ણયો ચા નાં ટેબલ પર એકદમ આસાનીથી લેવાયાં હશે. આપણે ત્યાં રિવાજ છે કે એરેન્જ મેરેજ હોય અને યુગલ ને એકબીજા ને જોવાની રીત થતી હોય ત્યારે મોટેભાગે કન્યા ચા લઈ આવે અને એ સમયગાળામાં વર અને એનાં પરિવારજનો કન્યા ને જોઈ નિર્ણય લઈ લે. જીવનનો આટલો અગત્યનાં નિર્ણય વખતે પણ પેલી ચા નો રોલ ખૂબજ અગત્યનો રહેતો હોય છે. ઘર પરિવાર નાં કોઈ પ્રશ્રોનો ઉકેલ ચા નાં ટેબલ પર જ આવતા જોવાં મળે છે. ધંધા ની અગત્યની ડીલ ચા નાં બીલ માં જ થઈ જતી હોય છે. આમ ચા જીવનનાં દરેક નાના મોટા પ્રસંગો સાથે ખૂબજ નજીક થી સંકળાયેલી છે. આ બધાં પ્રસંગો વખતે આપણે ચા ને નજર અંદાજ કરીએ છીએ આપણાં માટે ચા પીવું એક રૂટિન છે.પરંતુ આ રૂટિન ની બહાર જઈને જોઈએ તો સમજાશે કે ચા માં કેટલું જીવન ભરેલું છે !
કોલેજ નાં કેન્ટીન માં કે પછી શહેરની ફેમસ ચા ની લારી પર લંગોટીયા દોસ્તો સાથે પહેલાં વરસાદ માં કે શિયાળાની સવારે લેક્ચર ને બંક મારી પીધેલી એ ચા આજે પણ કોઈથી ભૂલી શકાય એવી હોતી નથી. 5 સ્ટાર હોટલમાં સૂટ પહેરીને પીધેલી મોંઘામાં મોંઘી ચા પણ પેલી મિત્ર સાથે પીધેલી ચા જેવી તૃપ્તિ નથી આપી શકતી. ગમતી વ્યક્તિ સાથે પીધેલી એ પહેલી ચા જીવનનાં ક્યારેય ભૂલાતી નથી. ભણતાં અને વાંચતાં ત્યારે ઊંધ આવી જાય તો મમ્મી અડધી રાતે ચા બનાવી આપતી એ ચા આજે પણ યાદ આવી જાય છે. થાકી ને આવ્યાં પછી ગમતી વ્યક્તિ નાં હાથની એ ચા પોતાની સાથે એક જાદુ લઈને આવતી હોય છે જેને પીતાં થાક ઊતરી જાય છે. ચા એ સમજવાનો વિષય જ નથી ચા તો અનુભવવાનો વિષય છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ ને રૂટિન ની બારી માંથી જોવાનું બંધ કરી હદય ની બારી માંથી જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખરેખર એ વ્યક્તિ અને એ વસ્તુ નું મહત્વ સમજાય છે.
એક ચા માંથી બે કરી જેની સાથે કંટીગ નાં નામે ચા પીતા, એવી વ્યક્તિ જ ન રહે ત્યારે ચા તો આખી રહી જાય છે પણ એને પીનાર અડધો થઈ જતો હોય છે. હજારો કપ જેની સાથે પીધાં હોય એવી વ્યક્તિ અચાનક ચાલી જાય ત્યારે એ કપ નું મહત્વ સમજાતું હોય છે.
જેનાં હાથ ની ચા વર્ષો સુધી પીધી હોય, જેની ચા ન ભાવે ત્યારે એને ઠપકો આપ્યો હોય તેમજ ગામ આખાનો ગુસ્સો જેની ચા નાં કપ ઉપર ઉતાર્યો હોય એવી વ્યક્તિ ન રહે ત્યારે એનું અને એની ચા નું મહત્વ સમજાતું હોય છે…
જેની સાથે ભરપુર અને ચિક્કાર જીવ્યા હોય , જેની સાથે એક જ ઘરમાં રહયાં હોય એવી વ્યક્તિ સાથે ઘણીવાર નિંરાતે ચા પીવાનું નક્કી કર્યું હોય છતાં પણ કામ નાં લીધે ચા પી નહીં શક્યા હોય એવી વ્યક્તિ ની ગેરહાજરીમાં એની સાથે ચા ન પી શક્યા નો અફસોસ ચા ની સાથે એ વ્યક્તિ નું આપણાં જીવનમાં શું મહત્વ હતું એ પણ સમજાવી જાય છે.
સવારની પોરમાં ઘરમાં બધાં કરતાં વહેલી ઉઠે, બધાં માટે ગરમાગરમ ચા મૂકે એવી જ સ્ત્રી નાં ભાગ્ય માં ઠંડી થઈ ગયેલી જ ચા હોય છે. !એકપછી એક કામની વચ્ચે મશીન ની જેમ ચાલતી એ સ્ત્રી ની ચા ક્યારે ઠંડી થઈ જાય છે એ એને પણ ખબર નથી હોતી. ‘મને તો ઠંડી જ ચા ફાવે’ એમ કહીં એ ચા અને પોતાના કામનાં ગૌરવને આંચ નથી આવવા દેતી. આવી સ્ત્રી મા,બેન કે પત્ની કોઈ પણ હોય શકે.રસોડામાં ઠંડી થઈ ગયેલી દરેક ચા ઘર માં રહેતી સ્ત્રી ની ઘર પ્રત્યેની ચાહ ની સાબિતી આપે છે. કામનાં ભાર માં ઓફિસ નાં ટેબલ પર ઠંડી પડી જતી ચા, સામે બેઠેલા માણસની કર્તવ્ય નિષ્ઠાનો જીવતો જાગતો પૂરાવો છે.આવી ઠંડી ચા પી જનાર વંદનને પાત્ર છે…
આપણને ખબર જ નથી હોતી કે ઘણીબધી ચા અને ચાહ આપણી રાહ જોઈને બેઠી હોય છે.આપણે કામ સિવાય કોઈ ને મળતાં નથી. અને જો મળીએ તો એની સાથે માત્ર ચા જ પી લઈએ છે.એકબીજા ની ચાહ તો પીતા જ નથી.ખરેખર ચા તો આપણાં સ્વજનો ની ચાહ પીવાનું પહેલું પગથિયું છે. જયારે આપણે આપણી ગમતી વ્યક્તિ એમાં કોઈપણ હોય શકે એ આપણાં માતા પિતા,શિક્ષક કે મિત્રો કે પછી બીજા કોઈપણની સાથે થોડો સમય લઈ મન અને મોબાઈલ બંનેને સાયલન્ટ પર મુકી નિરાંતે ચા પીશું તો સમજાશે કે આ જીવન એટલે બીજું કશું જ નહીં પરંતુ માત્ર ચા થી ચાહ સુધી ની સફર જ છે…
જીવન હવે કેટલું બાકી છે એ કોઈને નથી ખબર. કદાચ એવું બને કે આજે જેની સાથે બેસીને ચા પીધી હોય એ કાલે ન પણ હોય…માટે જે ક્ષણ મળે એ ક્ષણ ને આપણાં સ્નેહીજનો સાથે ચા ની માફક ઉજવી લેવી.