Home Story વ્હાઈટ ડવ – પ્રકરણ ૧૭

વ્હાઈટ ડવ – પ્રકરણ ૧૭

શશાંકની બાહોંમાંથી દૂર થઈ કાવ્યાએ કહ્યું, “જોને પપ્પાની હાલત કેવી છે. એ ઠીક તો હશેને?”

શશાંક ગાડીની પાછલી સીટ તરફ ગયો અને ડો. રોયની પલ્સ ચેક કરી. એમની આંખો ખેંચીને ખોલી જોઈ એ લાલ હતી. “કંઇક નશીલી વસ્તુ અપાઈ છે એમને. એમની હાલત જોતા આપણે હાલ જ ડૉક્ટર પાસે જવું જોઈએ.”

બંને ગાડીમાં બેઠા અને ગાડી આગળ ભગાવી. એ લોકો ક્યાં પહોંચ્યા હતા એ તો એમને ખબર ન હતી પણ કોઈ નાના શહેર જેવો એ એરિયા હતો. ત્યાંના મુખ્ય બઝાર જેવા વિસ્તારમાં ફરતા જ એક પ્રાઇવેટ હોસ્પિટલનું પાટિયું દેખાયું. ડૉ. રોયને ત્યાં લઈ ગયા. એ એક નાનકડી હોસ્પિટલ હતી. નસીબ સારું હતું કે હાલ ત્યાં ડોકટર હાજર હતા અને તરત જ સારવાર ચાલુ થઈ ગઈ. મોટી ફાંદવાળા અને નાના ચશ્માંવાળા  ડોકટરે કહ્યું,

“એમને અફીણનું વધારે પ્રમાણમાં સેવન કરાવાયું હતું. મેં જરૂરી દવાઓ આપી દીધી છે થોડાક જ સમયમાં એ ભાનમાં આવી જશે.”

ડોક્ટરની સારવાર પછી એક કલાકે એમને ભાન આવ્યું. એમની આંખો ખુલતાજ એ કાવ્યાને જોઈ રહ્યા. કદાચ એ એને ઓળખવાની કોશિશ કરી રહ્યા હતા. અઘોરીની અંધારી ગુફાની બહાર એ અહીં કેવી રીતે પહોંચ્યા એ વાતનું એમને આશ્ચર્ય હતું.

“હું કાવ્યા છું, ડેડી…! તમારી દીકરી કાવ્યા!”  કાવ્યા સામે જોઈ ડૉક્ટર જરાક હસ્યા.

“હું જાણું છું. તું કાવ્યા છે. મારી નાની દીકરી કાવ્યા. પણ તું અહીં? આપણે બંને સાથે કેવી રીતે અને ક્યાં છીએ?” કાવ્યાએ એના પપ્પાના સવાલોના જવાબ આપ્યા. કાપાલી સાથેની વાતચીત ટૂંકમાં કહી સંભળાવી..

“એની વાતો વિશ્વાસ કરવા લાયક નથી. એ હરામખોર માણસ કહે કંઈ અને કરે કંઈ બીજું જ એમાંનો છે. તારે એને કોઈ પ્રોમિસ કરવા જેવું ન હતું.”  ડૉક્ટરની આંખોમાં હજી બોલતી વખતે કાપાલીનો ભય તરવરતો હતો.

“મેં એને પ્રોમિસ એટલે કર્યું કે એ તમને છોડી દે. હું દિવ્યાની આત્મા એને હરગીઝ નહીં સોંપુ. એ મારી બેન છે. એનો મારા પરનો વિશ્વાસ હું કેવી રીતે તોડી શકું. ”

“ડૉક્ટર રોય સાચું કહે છે કાવ્યા. એ કાપાલીએ કંઇક વિચારીને જ આ પગલું લીધું હશે. વરસોથી કેદ કરી રાખેલા ડૉક્ટરને એ આમ જ શું કરવા જવા દે. એ કોઈ મોટી રમત રમતો લાગે છે.”  ક્યારના ચૂપ બેઠેલા શશાંક કહ્યું.

“હું એને દિવ્યાની આત્મા લાવી આપું એટલે, દિવ્યાના બદલામાં એણે ડેડીને છોડ્યા. એને દિવ્યાની જરૂર છે. એ કંઇક કરી રહ્યો છે. મેં ત્યાં બીજી આઠ આત્માઓ જોયેલી. બધીને કાચની મોટી બોટલમાં કેદ કરેલી હતી. એક બોટલ ખાલી હતી. એમાં દિવ્યા હતી એમ એ કહેતો હતો.”

કાવ્યાએ એના પપ્પાનો હાથ પકડી કહ્યું, “ડેડીએ દિવ્યાને ત્યાંથી ભગાડી હતી. પણ, કેવી રીતે! જો આપણે કોઈ રીતે એ બધી આત્માને ત્યાંથી ભગાડી દઈએ તો એનું કામ કદી પૂરું નહિ થાય.”

“એમ કરવાથી એ ભયાનક ગુસ્સે થશે. અને મોતનો તાંડવ ખેલાશે…! કાપાલીની શક્તિ ઓછી આંકવાની મૂર્ખામી નહિ કરતી કાવ્યા! હું એ મૂર્ખામી કરી ચૂક્યો છું એટલે જ તેને કહું છું. મારી આખી જીંદગી એને લીધે જ વેરવિખેર થઈ ગઈ. તને અને તારી મમ્મીએ અલગ રહી ગરીબીમાં જીવવું પડ્યું. હું કેદમાં રહ્યો અને એ વ્હાઈટ ડવમાં એની મરજી મુજબ કતલ કરાવતો રહ્યો.”

“તમારી હાલત હું સમજી શકું છું ડૉક્ટર! પણ, જો તમે બધી વાત વિગતે કરો તો અમારી ઘણી મદદ થશે. હું તમારી જ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે જોડાયો છું પણ હકીકતે હું એક ફિલ્મ મેકર છું. યુ.એસ.માં અમારું આખું એક ગ્રૂપ છે જે આવી વાતોના મૂળ સુધી પહોંચી એને દૂર કરે છે. એ બધી વિગતો જોડી એની ઉપર ફિલ્મ બનાવી અમે એ હિસ્ટરી, નેશનલ જ્યોગ્રાફિક, ડિસ્કવરી જેવી ચેનલ પર લોકો સમક્ષ મૂકીએ છીએ. દુનિયાના દરેક ખૂણે તમને આવા કિસ્સા મળી આવશે. એનો ખાત્મો શક્ય છે. વિશ્વાસ રાખો. હું અમારા ગ્રૂપ મેમ્બરની મદદ ગમેતે ઘડીએ માંગી શકું છું. એ લોકો પાસે ભૂત અને ભુવા બંનેને પકડવાનો બધો સરંજામ છે, કેટલાક વિશિષ્ટ હથિયાર છે. તમે અમને આધુનિક ભુવા કહી શકો.” શશાંક એના લેપટોપ પર કંઇક કામ કરતા કરતા બોલી રહ્યો હતો. હકીકતે એ એના બીજા સાથીઓ સાથે કનેક્ટ થઈ રહ્યો હતો. હવે એ એના બીજા સાથીઓ સાથે વિડિયો કોન્ફરન્સમાં હતો. સામે છેડે એના ત્રણ ગ્રૂપ મેમ્બર હાલ શશાંકને અને પછી ડૉક્ટર રોયને જોઈ રહ્યા હતા. શશાંકે એનું લેપટોપ ડૉક્ટર રોયના ખોળામાં મૂક્યું હતું.

“તમારી સાથે જે પણ થયું, તમે જે પણ જાણતા હો એ કાપાલી વિશે, સિસ્ટર માર્થા વિશે, જ્યોર્જ વિલ્સન અને એના પરિવાર વિશે એ બધું જ કહી દો ડેડી. આપણી હોસ્પીટલમાં જે જે બની રહ્યું છે એ બધું જ. ઘણા વરસોથી વ્હાઈટ ડવ કાપાલીના તાબા હેઠળ છે હવે એને મુકત કરાવવાનો સમય આવી ગયો છે ડેડી!” કાવ્યાએ એમને હિંમત આપી.

“તું છેક જ્યોર્જ સુંધી પહોંચી ગઈ! તને કેવી રીતે ખબર પડી? આ વિશે તો કોઇ નથી જાણતું!” કાવ્યાના મોઢે જ્યોર્જ વીલ્સનનું નામ સાંભળી ડોકટર ચોંક્યા હતા. હજી થોડાક જ દિવસો પહેલાં મુંબઈથી અહીં આવેલી એમની દીકરી આટલે સુંધીની જાણકારી મેળવી લે એ એમના માટે બહુ મોટી વાત હતી.

“હુંય તમારી જ દીકરી છુને! મેં તપાસ કરી અને જાણવા મળ્યું.” કાવ્યા હસી પછી ફરીથી બોલી, “આ માહિતી મને આપણી કુળદેવીના મંદિરના પુજારીજીએ આપેલી.  થોડુંક દિવ્યાએ કહેલું. એ બધું હું પછી તમને વિગતે જણાવીશ. હાલ તમે તમારી વાત કહો. ”

“એ બધી વાત કરવા આ જગ્યા મને ઠીક નથી લાગતી. આપણે પહેલા આ જગ્યાથી દૂર ચાલ્યા જવું જોઈએ. આ કાપાલીની જગ્યા છે. એ અહિં ગમે ત્યારે આવી જઈ શકે.” ડૉક્ટર રોય એમની શંકા વ્યક્ત કરી રહ્યા.

“યસ, યુ આર રાઇટ ડોક! આપણે સાપુતારા ચાલ્યા જવું જોઈએ. પાંડવગુફાની સૌથી નજીકની અને સુરક્ષિત જગ્યા એ જ છે. ત્યાં રહેવા જમવાની સગવડ પણ થઈ જશે. હજી બપોર છે સાંજ થતાં પહેલાં આપણે પહોંચી જઈશું.” કાવ્યા અને ડૉક્ટર રોય બંનેએ શશાંકની વાતને સમર્થન આપ્યું.

શશાંકે એના ગ્રૂપ મેમ્બર સાથે કંઇક વાત કરી અને એ લોકો થોડો નાસ્તો કરીને નીકળી ગયા. કાવ્યાએ એની મમ્મી માધવીબેનને ફોન ઉપર સમાચાર આપ્યા હતા કે એ હાલ એના ડેડી સાથે છે અને બધા સહીસલામત છે. એ પણ અહીં સાપુતારા આવવાનું કહેતા હતા. આટલા વરસ પછી એ પોતાના પતિને મળવા અધીરા થયા હતા.કાવ્યાએ એમને સ્પષ્ટ ના કહી હતી.  સાંજે એ લોકો સાપુતારામાં હતા. શિલ્પી રિસોર્ટના એક રૂમમાં પલંગ પર ડૉક્ટર રોય બે તકિયા પીંઠ પાછળ રાખી, દીવાલને અઢેલીને બેઠા હતા. એમની સામે શશાંક બેઠો હતો એના ખોળામાં લેપટોપ હતું જેની સ્ક્રીન એણે ડોક્ટર તરફ રાખી હતી જેથી એમની વાતો દુર રહેલા એમના ગ્રુપ મેમ્બર્સ પણ સાંભળી શકે.. એક બાજુની દીવાલે આવેલા સોફા પર કાવ્યા ખોળામાં ઓશીકું લઈ એની પર બે કોણી રાખીને બેઠી હતી. લેપટોપ પર  શશાંકના ગ્રૂપ મેમ્બર્સ અને શશાંક તથા કાવ્યા બધા ડોક્ટરની વાત સાંભળવા શ્વાસ થંભાવી બેઠા હતા. આખરે ડોકટરે એમની વાત શરૂ કરી…

“કાપાલી..! એ માણસ નથી. એ એક આત્મા છે. એને જરૂર રહે છે માનવ શરીરની જેથી એ માણસોની દુનિયામાં સામીલ થઈ શકે. એનું માનવું છે કે કોઈ ચોક્કસ કાળે જન્મેલી અને ચોક્કસ ચોઘડિયામાં મરેલી વ્યક્તિની આત્માને વશમાં કરવાથી એ એની પાસે ધાર્યું કામ કરાવી શકે. જો એને જોઈતી નવ આત્મા એના કબજામાં આવી જાય તો એ આખી દુનિયા પાસે પોતાનું ધાર્યું કરાવી શકે. એના મૃત્યુને ત્રણસો વરસ થયાં. એ જીવતો હતો ત્યારે એ ઘર છોડીને ભાગી ગયેલો. કામ કરવાની એનામાં પહેલાથી જ આળસ હશે અને સપના આખી દુનિયા પર રાજ કરવાના! ઘરેથી ભાગ્યા બાદ એ બાવો બની ગયેલો. ત્યાં એણે જંગલમાં ફરતા અઘોરીઓને જોયા અને એમની સાથે ભળી ગયો. એ અઘોરીઓ સાથે રહેવા લાગ્યો હતો.  અઘોરી લોકો આપણી દુનિયાથી અલગ પોતાની દુનિયામાં જ મસ્ત રહેતા. એ લોકોને એમના કેટલાક કઠીન નિયમોનું અચૂક પાલન કરવું પડતું. કાપાલીને આ બધું ગમ્યું નહી. જલસાથી જીવવા ટેવાયેલા કાપાલી માટે એ લોકોના નિયમ બહુ કઠીન સાબિત થયા.એતો બસ સિધ્ધિની લાલચમાં અઘોરી બન્યો હતો. એને એમ કે બે ચાર જાદુઈ મંત્ર આવડી જાય તો એ લોકોને ઉલ્લુ બનાવી રૂપિયા બનાવશે અને મોજથી રહેશે…!

કાપાલીના મનની વાત અઘોરીનાથ, એમના ગુરૂ સમજતા હતા. એટલેજ એ કાપાલી પાસે છૂટક કામ કરાવતા પણ કોઈ એમની વિદ્યા શીખવતા નહિ. એમણે કાપાલીને નોકર જ બનાવી રાખેલો. કાપાલી એકવાર છુપાઈને અઘોરીનાથની ગુફામાં જોતો હતો ત્યારે એણે ગુરુજીના હાથમાં પારસ પથ્થર જોયો. એ પથ્થર જેને અડાડતા એ ચીજ સોનાની થઈ જતી. આવો પથ્થર જો હાથ આવી જાય તો બાકીની આખી જીંદગી મોજમાં જાય…! કાપાલીની આંખો એ પારસ પથ્થર ઉપર જ ચોંટી ગયેલી. મેલી મુરાદના કાપાલીને હવે કોઈ પણ ભોગે એ પારસ પથ્થર જોઈતો હતો. સીધી રીતે તો અઘોરીનાથ ક્યારેય એને એ પથ્થર આપે નહીં. પારસ પથ્થરની લાલચમાં આવીને કાપાલી ધ્યાન દઈને અઘોરીનાથની સેવા કરવા લાગ્યો. ધીરે ધીરે એણે જોયું કે અઘોરીનાથ પાસે કેટલીક એવી સિધ્ધિ હતી જેના થકી  એ ધારે એ કામ પશુ, પંખી કે કોઈ પણ પ્રાણી પાસે કરાવી શકતો. માણસો પણ એના આંખના ઇશારે એનો પડ્યો બોલ ઝીલવા તૈયાર થઈ જતા. કાપાલીને પણ આ જાદુ શીખવું હતું. એણે ગુરુજીને કેટલાય મસકા માર્યા. રાત રાત ભર જાગીને એમના પગ દાબ્યા. એમના હોમ હવન માટે જંગલમાં રખડી રખડીને સામાન એકઠો કરી લાવ્યો. પણ, ગુરુજીએ એને પહેલા આપેલો એ સિવાય કોઈ મંત્ર ન આપ્યો. હલકી પ્રકૃતિનો કાપાલી ત્રણ વરસ અઘોરીનાથની સેવામાં રહ્યો પણ એને કંઈ આવડ્યું નહિ. આખરે એણે ચોરી કરીને નાસી જવાનો માર્ગ વિચાર્યો…!

અઘોરીનાથ એના ગુરુ સમર્થ પુરુષ હતા. એ કાપાલીનું મન એ કાગળ પર લખેલા અક્ષરોની જેમ વાંચી શકતા. એમણે પથ્થર બદલી દીધો. એક રાત્રે ગુરુજીના પીણામાં વધારે અફીણ ભેળવીને કાપાલીએ એમને પીવડાવી દીધું. એ સૂઈ ગયા છે એમ વિચારી એણે આખી ગુફા ફેંદી નાખી અને એ પથ્થર શોધીને નાસી ગયો. અઘોરીનાથના બીજા શિષ્યો એ વખતે શિવરાત્રી નજીક હોવાથી ગિરનાર તરફ ભૂતનાથના મેળામાં ગયા હતા. ત્યાં એમનો વરસમાં એકવાર મેળાવડો જામતો. દૂર દૂરથી એમના પંથના લોકો આવતા અને એકબીજા સાથે વિચાર વિમર્શ કરતા. ગુરુજીતો ઈચ્છે ત્યારે નીકળી પડતા છતાં છેલ્લી ઘડીએ એ નિયત સ્થાને હાજર જોવા મળતા. આજની રાત્રે લગભગ બધા જ શિષ્યો નીકળી ગયેલા ફક્ત કાપાલી અને ગુરુજી બે જ જણ હતા ગુફામાં.

અડધી રાતે કાપાલી હાથમાં પારસ પથ્થર લઈ નાસી રહ્યો હતો. એ ભાગતો રહ્યો, ભાગતો રહ્યો, ત્રણ કલાક ભાગ્યા બાદ એ થાકીને એક જગાએ શ્વાસ ખાવા ઊભો રહ્યો. પણ આ શું? એનું મગજ બેર મારી ગયું. એ હજી ગુફાની બહાર જ ઊભો હતો! જ્યાંથી દોડવાનું શરુ કરેલું ત્યાને ત્યાં જ! હાથમાંના પથ્થર પરની પકડ મજબૂત કરી એ પહેલા ભાગ્યો હતો એનાથી વિપરીત દિશામાં ભાગ્યો… જેવો એ ભાગતો બંધ થયો કે પાછો એની એ જ જગાએ આવી ગયો, જ્યાંથી ભાગવાનું શરૂ કરેલું! ગુફાની બહાર. કાપાલીને બરોબર ગુસ્સો ચઢ્યો. એ સમજી ગયો કે આ ગુરુજીની કોઈ કરામત છે. એણે ગુફામાં જઈને નજર નાખી. અઘોરીનાથ આરામથી સુતા હતા. કાપાલીને હવે ભય લાગ્યો. જો ગુરુજી જાગી જાય તો પોતાનું આવી બને. એક મંત્ર ફૂંકીને એ પોતાને માખી બનાવી નાખે…! તો? હવે શું? પથ્થર છોડવા કાપાલી હરગીજ તૈયાર ન હતો. આ પથ્થરને સહારે જ એણે આગળના જીવનમાં જલસાથી રહેવાનું વિચારી લીધું હતું. છેવટે એણે ના લેવાનો નિર્ણય લીધો. નર્યું પાપ કર્યું. એક મોટો પથ્થર ઉઠાવી એણે પોતાના ગુરુનું માથું છૂંદી નાખ્યું. એ ભલો માણસ ઊંઘમાંને ઊંઘમાં જ પ્રભુને પ્યારો થઈ ગયો. કાપાલી ચોર દાનતનો છે એવું એ જાણતા હતા પણ એ આ હદે જઈ શકે એ એમણે નહતું ધાર્યું. એમણે મૂઠ મારી હતી કે કાપાલી ભાગીને ક્યાંય ન જાય! એમણે વિચારેલું કે સવારે પોતે કાપાલીની ચોરી પકડી પાડી એને થોડી શિક્ષા કરશે અને સમજાવીને એનું મન પારસ પથ્થર તરફથી વાળી લેવડાવશે. હવે, ગુરુજી તો મરણ પામ્યા પણ એમનું તંત્ર હજુ જીવીત હતું. કાપાલી હજી આ જગાએથી ભાગીને ક્યાંય ન જઈ શક્યો. એ બાવરો થઈ ગયો. એણે ગુરુજીનો બધો સામાન ફેંદી નાખ્યો, જેમાં એક કાળી ધોતી, વાઘનું ચામડું, રુદ્રાક્ષની માળાઓ અને એક પુસ્તક હતું. પુસ્તકમાં બધું કોઈ સાંકેતિક લિપિમાં લખેલું હતું જેને ઉકેલવું કાપાલીના બસની વાત ન હતી. ગુરુની લાશ પાસે એ ભૂખ્યો તરસ્યો, થાકીને બેસી રહ્યો. અઘોરીનાથના એક પ્રિય શિષ્યને ગુરુજીએ આજ્ઞા કરી અને પાછો એમની ગુફામાં બોલાવ્યો. ગુરુજીને આજે સવારે ગિરનાર પહોંચવાનું હતું. એમનું શરીર અહી પડ્યું હતું પણ એમનો આત્મા ત્યાં ઉપડી ગયો અને કોઈને જાણ પણ ના થઈ કે ગુરુજી સાથે શું ઘટી ગયું.

પેલો શિષ્ય ગુફા આગળ આવતા જ હબકી ગયો. લોહીના રેલા છેક બહાર સુંધી આવતા હતા અને અંદરથી સડેલી લાશની વાસ આવતી હતી. એણે જોયું કે ગુફાના એક ખૂણામાં કાપાલી બેઠો હસતો હતો. એ અડધો પાગલ લાગતો હતો. એણે આને આવેલો જોતાજ પોતાની પાસે રહેલો પથ્થર બતાવી કહ્યું,

“આ પારસમણિ છે. જેને અડકે એને સોનું બનાવી દે. ચાલ આપણે બંને અહીંથી ભાગી જઈએ પછી આપણે અમીર થઈ જઈશું.”

“મૂરખ તે એ પથ્થરની લાલચમાં ગુરુજીની હત્યા કરી? એ પથરો નકલી છે. સાચો પથ્થર તો ગુરુજીએ મને આપેલો. એણે એની જોળીમાથી પથ્થર કાઢીને બતાવ્યો. “

કાપાલી આઘાત પામી ગયો. તું જુઠ્ઠું બોલે છે કહી એણે એનો પથ્થર આસપાસ પડેલી વસ્તુઓ પર ઘસવા માંડ્યો. કાંઈ ન થયું!

“એ નકલી છે ડફોળ. આમ જો.”  પાછા આવેલા શિષ્યે એની પાસે રહેલો પથ્થર બીજા એક નાના પથ્થરને અડકાડ્યો અને એ નાનો પથ્થર સોનાનો બની ગયો. “તે મારા ગુરુના પ્રાણ લીધા આ પથ્થરની લાલચે… હું તને નહીં છોડુ! એણે આંખો બંધ કરી કંઇક મંત્ર બોલ્યા…અને કાપાલી ઉપર એની જોળીમાથી ચપટી રાખ કાઢીને ફેંકી…કાપાલી ધીરે ધીરે પથ્થર બનવા લાગ્યો. પાંચેક મિનિટમાં જ કાપાલીનું માથા સિવાયનું આખું શરીર પથ્થરનું બની ગયું. એ પાછો આવેલો શિષ્ય કાપાલીને આ હાલતમાં જ છોડીને ગુરુની સેવામાં લાગી ગયો. એ ગુરુજીના મૃત શરીરને ત્યાંથી લઈ ગયો અને એ ગુફાનું દ્વાર મંત્રશક્તિથી હંમેશા માટે બંધ કરી દીધું. અંદર રહી ગયો એકલો કાપલી…જેનું શરીર પથ્થર બની ગયેલું!

દિવસો સુધી કાપાલી એમને એમ જીવતો રહ્યો. એનું મજબૂત શરીર એને સાથ આપતું હતું. જીવવા માટે કંઈક કરવું જરૂરી હતું. મોત એનું ઝડબું ફાડીને ઊભી હતી. બચવા માટે એ ગમે તે કરવા તૈયાર હતો. અહીં એણે બીજી દિશામાં વિચાર્યું. પોતે અને આ બીજા બધા શિષ્ય લગભગ એક જ સમયમાં અહીં આવ્યા હતા તો આ લોકો જેવી કોઈ સિધ્ધિ, કોઈ જાદુ પોતાને કેમ નથી આવડતું…? ગુરુએ ભેદ રાખ્યો! જે વિદ્યા બીજા ચેલાઓને આપી એવી પોતાને ન આપી. એ ગુસ્સાથી કાળજાળ થતો ગયો. અહીંથી જીવતા બહાર જવા માટેય એને સિદ્ધિની જરૂર હતી. એણે ધ્યાન લગાવ્યું અને ગુરુજી બધા ચેલાઓને જે મંત્ર આપતા એ યાદ કર્યો. આજ સુધી એણે ફક્ત એક જ મંત્ર સાંભળ્યો હતો. જ્યારે એ નવો નવો આવેલો ત્યારે ગુરુજીએ આપેલો. એ મંત્રને સિધ્ધ કર્યા બાદ બીજો નવો મંત્ર ગુરુજી આપશે એવું એમનું વચન હતું. બસ, એણે એ મંત્ર સિઘ્ધ કરવા રાત દિવસ એક કર્યાં.

અંધારી ગુફામાં બંધ, જેનું ફક્ત મોઢું જ માણસનું છે બાકીનું શરીર પથ્થરનું એ મંત્ર સિધ્ધ કરવા રાત દિવસ એનો જાપ કરી રહ્યો છે. ચાર રાતો એમજ પસાર થઈ ગઈ. કાપાલી મંત્ર બોલતો રહ્યો, ધીરે ધીરે એકાગ્ર થતો ગયો અને એ મંત્ર એનું કામ કરી ગયો. એની સામે એક હવામાં ઉડતી છોકરી આવીને ઊભી રહી. એણે કહ્યું, “બસ હવે મંત્રજાપ કરવાની જરૂર નથી, આ મંત્ર સિધ્ધ કરીને તે મને જીતી લીધી છે, બોલ શું હુકમ છે?”

બીજા બધા શિષ્યને ગુરુજી સલાહ આપતા કે એ માયાવી છોકરીની વાતોમાં ન આવવું અને ગુરુજી પાસેથી બીજો મંત્ર લઈ જઈ એમાં ધ્યાન પરોવવું. અહીં કાપાલી પાસે હવે કોઈ ગુરુ હતા નહિ જે એને માર્ગદર્શન આપે!. એણે કહ્યું કે એને દુનિયા પર રાજ કરવું છે. અહીંથી મુક્તિ મેળવવી છે. એને એનું શરીર પાછું જોઈએ છે. એ માયાવી યુવતીએ એને બાકીનું કામ પાર પાડવા બીજો મંત્ર આપ્યો અને અડધું શરીર માણસનું કરી આપ્યું. બદલામાં કાપાલીએ એને તેર રાત પોતાનું લોહી પીવા એને આમંત્રણ આપવું પડશે… એવું કબૂલ કરાવ્યું. ખરેખર તેર રાત સુધી એણે કાપાલીના શરીરમાં, ગરદન પાસે એના તીક્ષ્ણ દાંત ઘૂસેડી લોહી પીધું. કાપાલી આંખો મીચી દુઃખ સહન કરી ગયો. એ સતત મંત્ર જાપ કરી એમાં મન પરોવી પોતાનું દુઃખ ભૂલવા પ્રયત્ન કરી રહ્યો. આખરે તેર દિવસ પૂરા થયા બીજો મંત્ર સિધ્ધ થયો અને બીજી માયાવી, હવામાં ઉડતી છોકરી આવી. એણે કાપાલીને ફરી માણસ બનાવી દિધો. એની પણ એજ શરત હતી. લોહી પીવા દેવાની… એણે કાપાલીને ત્રીજો મંત્ર આપ્યો. આમ કુલ તેર હવામાં ઉડતી છોકરીઓ આવી અને એ દરેકે તેર રાત કાપાલીના લોહીનું પાન કર્યું બદલામાં કાપાલીને કોઈને કોઈ શક્તિ આપી…

હકીકતે એ હવામાં ઉડતી છોકરીઓ પિશાચીની હતી. એમને એમની શક્તિ મેળવવા તાજુ માનવ લોહી પીવું પડતું અને એ શક્તિ ત્યારેજ મળતી જ્યારે એ માનવ સામેથી એમને આમંત્રણ આપે…એમનું લોહી પીવા! દિવસે એ લોકો જ કાપાલીનું ધ્યાન રાખતી. એના માટે દૂધ અને ફળો લઈ આવતી અને રાત્રે એનું લોહી પીતી…

પોતાનું શરીર પાછું મળતાજ કાપાલીએ ફરીથી વિચારવાનું ચાલુ કરી દીધુ હતું. એ સમજી ગયો હતો કે આ લોકોને એનું લોહી પીવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. લોહી પીવું અને એ પણ એની પોતાની મરજીથી એ એમની દુખતી નસ છે…એણે એ પિશાચીનીઓ પાસેથી ફાયદો ઉઠાવવાની શરૂઆત કરી દીધી. એણે એમની પાસેથી અઘોરીનાથની પાસેથી મળેલી ચોપડીનું લખાણ વાંચતા શીખી લીધું. એ ચોપડી આટલા વરસોની ગુરુજીની સિદ્ધિઓનો નિચોડ હતી. એમાં દરેક વાતનો તોડ કાઢવાની ચાવીઓ હતી. કાપાલીને તો બગાસું ખાતા પતાસું હાથ આવી ગયું હતું. એણે એ ચોપડીમાં આપેલી લીપી અને એને ઉકેલવામાં વરસોનાં વરસ કાઢ્યા. એના ગુરુજીની આત્મા આ ગુફામાં એની મરજી વગર પ્રવેશી ન શકે એ માટે એણે પહેલાજ વિધિ કરી લીધી. આ ગુફાની અંદર અને આ જંગલની અંદરના અમુક વિસ્તારમાં કાપાલીનું રાજ સ્થપાઈ ગયું. એને હવે આ પિશાચિનીથી છુટકારો જોઈતો હતો. એ માટેની વિધિ એને અઘોરીનાથની ચોપડીમાંથી મળી. ક્યાંક મડદા સાથે સંભોગ કર્યો તો, ક્યાંક ગરોડીની વિસ્ટા ખાધી. કોઈ વાર મગરનું માંસ તો કોઇ વાર વરુનું તાજુ લોહી પીધું અને ધીરે ધીરે કરીને બધી પિશાચિનીઓથી પિંછો છોડાવ્યો…એનું શરીર, એનું લોહી  એ લોકો માટે ગ્રહણ કરવા લાયક ન રહ્યું…

 

હવે, કાપાલી એકલો હતો. એની પાસે કેટલીક શક્તિઓ હતી. હજી કેટલીક બીજી શક્તિઓ એને જોઈતી હતી. અઘોરીનાથની ચોપડીમાં લખેલી ચાવીઓ સમજવી એટલી આશાન ન હતી. એક ભૂલ એને મોતનો દરવાજો દેખાડી દે, પણ હવે કાપાલી પાછો હટવા નહતો માંગતો. એણે આત્માઓને કેદ કરવાની વિધિ શીખી લીધી હતી. એ આત્મા પાસે એનું કામ કરાવી શકતો હતો. નવ આત્માઓ, એને જોઈએ એવી નવ આત્માઓ ભેગી કરી એ આ દુનિયાનો સૌથી શક્તિશાળી આદમી બની જશે. નવ આત્મા નવ ગ્રહનું પ્રતીક છે. એનાથી એ નવ ગ્રહ ઉપર કાબૂ મેળવી કોઈ પણ માણસના ભૂત, ભવિષ્ય, વર્તમાન બદલી શકે, એ ઈશ્વરની જગ્યા લઇ શકે!”

ડૉક્ટર રોય એકધારું ઘણું બધુ બોલી ગયા બાદ અટક્યા હતા. કાવ્યાએ એમને પાણીનો ગ્લાસ આપ્યો. શશાંક એના ગ્રૂપ મેમ્બર સાથે વાત કરી રહ્યો. એ બધા પણ અઘોરી અને કાપાલી વિશે જાણીને હેરાન હતા…!

“પણ ડેડી, તમને આ બધી વાતની ખબર કેવી રીતે પડી?” કાવ્યાએ પૂછ્યું એને આ બધું જાણ્યું એ કરતાંય આ બધુ એના ડેડી પાસેથી જાણ્યું એ વાત વધારે વિસ્મયજનક લાગતી હતી.

“છેલ્લાં પાંચેક વરસથી હું એની કેદમાં છું. એ હજી રાત્રે ઘણી વખત નશામાં ચૂર થઈને લવારા કરે છે. ક્યારેક ગુસ્સે થઈને પોતાની કિર્તિગાથા સંભળાવતો હોય એમ એની વાતો કહે છે. એ એકલો પડી ગયો છે. આત્માઓ એની ગુલામ છે એ કહે એટલું જ કરે. એટલે હું એને વાતો કરવા જેવો માણસ લાગ્યો હોઈશ. ઘણી વખત મેં એને હાથે કરીને ગુસ્સે કર્યો છે… જેથી એ એની કોઈને કોઈ વાત ઉખેળે…અને ઘણે અંશે હું એમાં સફળ રહ્યો છું.”

“ઓકે. ડૉક્ટર આપણે આગળની વાત શરૂ કરીએ…બધા રાહ જોઈ રહ્યા છે.”  શશાંકે લેપટોપ ડૉક્ટર સામે ગોઠવતા કહ્યું.

“જરૂર. કાપાલી જ્યારે આત્માઓને કાબૂમાં કરવાનું શીખી રહ્યો હતો ત્યારે એણે આહ્વાન કરીને આસપાસમાં હાજર કોઈ પણ આત્માને ગુફામાં પ્રવેશવા કહેલું. અને એક આત્મા અંદર પ્રવેશેલી. એ આત્મા હતી એના ગુરુ અઘોરીનાથની! એમને જોતાજ કાપાલી થથરી ગયેલો. કાપાલીએ એમને કેદ કરવાની કોશિશ કરી અને ગુરુજીએ એના પર મંત્ર શક્તિથી વાર કરેલો. એ મરી ગયેલો. એનું શરીર સળગી ઊઠેલું. એને ભળકે બળતો જોઈને ગુરુજી ત્યાંથી ચાલ્યા ગયેલા…પણ કાપાલી અહીં એક કદમ આગળ હતો. એણે મંત્રશક્તિથી એની આત્માને ત્યાં ગુફામાં વસતા એક ઘુવડના શરીરમાં છુપાવી દીધેલી. એટલે એનું શરીર નસ્ટ થઈ ગયું પણ કાપાલી જીવતો રહ્યો. એ હવે શરીર વગરનો, આત્મા સ્વરૂપે હતો અને વધારે ખતરનાક હતો.”

“યસ! શરીર હોય તો એને મારી શકાય. આત્મા અમર છે. આપણે એને ફક્ત કેદ કરી શકીએ, મિટાવી ન શકીએ.”  શશાંકે કહ્યું.

“સાચી વાત છે. એ દરમિયાન બીજા અઘોરીઓ આ બાજુ આવતા થઈ ગયા. એમના મને કાપાલી એ નીચ વ્યક્તિ હતો જેણે પોતાના ગુરુની હત્યા કરેલી. બધાના મનમાં એના માટે તિરસ્કાર ભર્યો હતો. એ લોકો કાપાલીએ કરેલા તંત્ર મંત્રને નિષ્ફળ કરીને જંગલને આમ માણસ માટે ભયમુક્ત કરી રહ્યા હતા. કાપાલી આ બધાથી ખૂબ ગુસ્સે ભરાયેલો. એ હિમાલયની ગુફાઓમાં જતો રહ્યો અને ત્યાંથી આકરા તપ અને તપસ્યા પછી વધારે શક્તિશાળી થઈને પાછો ફર્યો ત્યારે બસો વરસ પસાર થઈ ગયેલા! લોકો એને ભૂલી ગયેલા. એણે સૌથી પહેલું કામ એની ગુફા પર કબજો જમાવવાનું કર્યું. એ વખતે એ ગુફામાં એક વરું રહેતું હતું. કાપાલી એને મારીને એની આત્મા પોતાના વશમાં કરી. હવે કોઈ પણ ગુફાની આસપાસ આવે તો આ ખૂંખાર વરું એને ભગાડી દેતું. કાપાલીને હવે શરીર જોઈતું હતું. જો કોઈ માણસ સ્વેચ્છાથી પોતાનું શરીર એને દાન કરે તોજ એ, એ નવા શરીરમાં પ્રવેશ કરી શકે! એકવાર એ જંગલમાં ભટકતો હતો અને જ્યોર્જ વિલ્સન એને ઘાયલ અવસ્થામાં પડેલો દેખાયો. એણે જ્યોર્જની મદદ કરી. જ્યોર્જ વિલ્સનને એ સમયે એના દુશ્મને ઢોર માર મારીને મરવા માટે ફેંકી દીધા હતા. ગુફામાં રહેલા જ્યોર્જે એની અને એના પરિવારની વાત કાપાલીને જણાવી. જ્યોર્જ ગુસ્સાથી ઉકળતો હતો. એને ગમેતે ભોગે એના પરિવારના હત્યારાને મોતને ઘાટ ઉતારવા હતા. કાપાલીએ એને મદદ કરી. એ બંને જણાંને કાપાલીએ એની મેલી વિદ્યાથી તડપાવી તડપાવીને માર્યા. જ્યોર્જનું કામ પુરૂ થયું. બદલામાં જ્યોર્જે એનું શરીર કાપાલીને ભેંટ ધર્યું. આત્મા સ્વરૂપે ફરતો કાપાલી હવે નક્કર દેહનો સ્વામિ હતો. એ હવે જ્યોર્જ વિલ્સનના રૂપમાં હતો.