નીચે ટપકતાં લોહીને લીધે ત્યાંની જમીન થોડી ચીકણી થઈ હતી. કાવ્યા સંભાળીને ત્યાંથી થોડાક કદમ દૂર ગઈ. એની નજરે ઉંદર ચઢ્યો. એ એકલો ન હતો. કાળા રંગના મોટા ઉંદરડા એ નીચે ટપકતા લોહીના ટીંપાને ચાટી જવા અંદરો અંદર લડાઈ કરી રહ્યા હતા. ત્રણ ઉંદરડા અને એ પણ આટલા મોટા! એમને પોતાની સાવ નજીક જોઈને કાવ્યાના મોંમાથી આખરે ચીખ નીકળી ગઈ… આમેય એને ઉંદર, ગરોળી, વાંદા વગેરેથી ખુબ બીક લાગતી…
“શી…સ!” કોઈએ ચૂપ રહેવાનો ઈશારો કરતા હોય એમ શિશકારો કર્યો. કાવ્યા અચાનક થયેલા એ અવાજથી ચોંકી ગઈ. એની સામે એણે દિવ્યાના આત્માને ઉભેલો જોયો. એણે જ હોઠ ઉપર આંગળી મૂકી ચૂપ રહેવાનું કહેવા શી…સ કરેલું. કાવ્યામાં થોડી હિંમત આવી.
“આ તું મને ક્યાં લઇ આવી દિવ્યા? આપણે અહીં કેમ આવ્યા છીએ? આ કઈ જગ્યા છે?”
“શી…સ..નો મતલબ થાય ચૂપ રહે.” આટલું કહીને દિવ્યા ઝડપથી આગળ વધી ગઈ. કાવ્યાને એની પાછળ જવામાં તકલીફ પડતી હતી. દિવ્યા હવામાં ઊડી રહી હતી જ્યારે કાવ્યા ચાલીને આગળ જતી હતી. દિવ્યાને અંધારાથી કોઈ ફરક નહતો પડતો, કાવ્યાને આ મશાલના અજવાળામાં અહીંની દરેક દિવાલ ડરાવની લાગતી હતી. વીસેક મિનિટ આગળને આગળ ચાલ્યા બાદ એ થાકી હતી. એનું ગળું સુકાતું હતું. પાણી માટે એના હોઠ તરસી રહ્યા હતા. કેટલીય વાંકીચૂંકી, સાંકડી ગુફાઓમાં થઇ એ આગળ વધી હતી. એ અત્યારે જરૂર પર્વતના મધ્યભાગ સુંધી પહોંચી ગઈ હશે…એ મનોમન વિચારવા લાગી. જે જગાએ ગાડી પાર્ક કરેલી એ રસ્તાની એકબાજુ પર્વત હતો. પોતે અત્યારે એ પર્વતની અંદર હતી. અહીં કોઈ એને મારી નાખે તોય બહાર કોઈને જાણ પણ ન થાય! વરસો સુધી લોકો શોધ્યા કરે છતાં પોતાની લાશ પણ ન મળે! કાવ્યાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. એને શશાંક યાદ આવી ગયો. પોતે એને સાથે લીધો હોત તો સારું હતું. કાવ્યાને પોતાના ઉતાવળા નિર્ણય પર ગુસ્સો આવી રહ્યો. કાશ, થોડીવાર દિવ્યાને ઊભી રહેવાનું કહી શશાંકને સાથે લીધો હોત! એ તો એ વખતે સૂતો હતો. અત્યારે એને જાણ પણ હશે કે હું ત્યાં, એની બાજુમાં હાજર નથી! એને જાણ થઈ હશે તો એ ચોક્કસ મને શોધતો હશે. પણ ક્યાં? આ ઘીચ જંગલમાં કઈ બાજુ એ ગયો હશે? એણે ગાડી શોધી લીધી હશે કે નહી?
“એણે ગાડી શોધી લીધી છે.” શાંત છતાં ગહેરો, દૂરથી આવતો હોય એવો એક પૌરુષી અવાજ સંભળાયો. કાવ્યા ચારેબાજુ જોઈ રહી ત્યાં કોઈ ન હતું. તો પછી આ અવાજ. એ હવે મોટી અને કંઇક અંશે વિશાળ કહી શકાય એવી ગુફામાં આવી પહોંચી હતી. અહીં થોડાં થોડાં અંતરે મશાલો લગાવેલી હતી. પ્રકાશનું પ્રમાણ થોડું વધતા કાવ્યાની આંખોને રાહત થઈ.
“એ તને શોધી રહ્યો છે અહીંથી એકદમ વિરુદ્ધ દિશામાં.” ફરીથી એ અવાજ બોલ્યો અને આ વખતે એ જોરથી હસ્યો.
“હા..હા…હા..”
“હા…હા..હા…” એનો હસવાનો મોટો, બુલંદ અવાજ ગુફામાં એક છેડે અથડાઈને પાછો ત્યાને ત્યાંજ આવતો હોય એમ ઘણીવાર ગુંજતો રહ્યો. કાવ્યા થોડી ડરી ગઈ… માંડ હિંમત એકઠી કરી એ બોલી,
“કોણ છો તમેં? મને દેખાતા કેમ નથી?”
“તું મને જોઈ નહી શકે. તને બીક લાગી જશે…” એ અવાજ ગુફામાં ચારે બાજુ પડઘાતો વધારે મોટો બનતો જતો હતો. ક્યારનીય ખાલી, સૂમસામ લાગતી ગુફા હવે જીવંત થઈ ગઈ હોય એમ કાવ્યાને લાગ્યું.
“મારે જોવું છે! કોણ છો તમે? સામે આવો!” કાવ્યા અંદરથી ડરતી હતી છતાં હિંમત રાખીને કહ્યું હતું.
“કાપાલીના સામ્રાજ્યમાં તારું સ્વાગત છે કાવ્યા!” એ અવાજ કાવ્યાની સાવ નજીકથી આવ્યો હતો અને ઘડીના છઠ્ઠા ભાગમાં એ બોલનારો કાવ્યાની સામે હાજર થઈ ગયો. એકદમ એની સામેજ, ત્રણ કદમની દુરી પર એ ઊભો હતો. એ આમ કેવી રીતે હાજર થઈ ગયો એ કાવ્યા જરૂર વિચારત પણ હાલ એ એને જોઈને ચોંકી ગઈ હતી. પગથી માથાં સુંધી એ પળવાર માટે ધ્રુજી ઉઠી. સામે ઊભેલો માનવ, ના, ના, આદિમાનવ કે કોઈ પરગ્રહવાશી હતો.
એ સાત ફૂટ જેટલો ઊંચો અને એના પ્રમાણમાં જ પહોળો હતો. એણે કાળા રંગની એક ટૂંકી ધોતી જેવું વસ્ત્ર પહેર્યું હતું જે એના ઘુટણ સુધી પણ આવતી ન હતી. બાકીનું આખું શરીર ખુલ્લું હતું અને એ ખુલ્લા શરીર ઉપર રીંછ જેવા કાળા ભમ્મર વાળ ખાસા એવા જથ્થામાં હતા. એણે ગળામાં ઘણી બધી માળાઓ લટકાવી હતી. કાળા, વિખરાયેલા વાળ એને બિહામણો દેખાવ આપતા હતા. એનો ચહેરો પ્રમાણમાં ગોરો હતો કે પછી માથા, દાઢી અને મુંછના કાળા વાળના પ્રમાણમાં એ ગોરો લાગતો હતો! એની આંખો ખૂબ મોટી હતી. કાવ્યાએ આજ સુધી આટલી મોટી આંખો ક્યારેય જોઈ ન હતી. એણે આંખની કિનારી પર કાજલની જેમ લાલ રંગ આંજ્યો હતો અને એટલે જ એ હતી એ કરતાંય વધારે વિકરાળ લાગતી હતી. કપાળ ઉપર કાળા રંગનું તિલક કરેલું! ઉપરનો હોઠ મુંછોમાં દબાઈ જતો હતો અને નીચેનો ખૂબ જાડો હતો. એની બે મોટી, જાડી અને કપાળમાં ભેગી થઈ ગયેલી આઈબ્રો ઉપર નીચે હલાવી એ એને ધારી ધારીને જોઈ રહેલી કાવ્યાને ડરાવી રહ્યો. એના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં માથું હતું. ફક્ત માથું! શરીર વગરનું! કપાયેલું માથું! એ માથું ધ્યાનથી જોતા કાવ્યાએ ચીસ પાડી…
“દિવ્યા… તે શું કર્યું એની સાથે?” કાવ્યાની આંખોમાંથી આંસુ વહી રહ્યાં. એને થયું જાણે આ રાક્ષસે એની બહેનને મારી નાખી.
“દિવ્યા! તારી બહેન! આ એ નથી.” એ જીવતો જાગતો રાક્ષસ હસ્યો. એના મોઢામાં રહેલાં લાંબા, અણિયાળા પીળા દાંત ચમકી ઉઠયા, “તે આને ઓળખી નહિ? આ એછે જે તને રાત્રે જીપમાં મળી હતી. પ્રભુની પત્ની બનીને. હા…હા…હા!” એ પાછો હસી પડ્યો. ભયાનક હાસ્ય! “એ મારી બહુરૂપી છે. જ્યારે કોઈનું રૂપ લેવાનું હોય ત્યારે આ જ જાય છે…રેણુકા!”
કાપાલીના હાથમાં રહેલું, દિવ્યાના ચહેરા વાળું માથું કાપલીની હથેળીમાં ગોળ ગોળ ફરવા લાગ્યું. પછી એ હવામાં ઉડ્યું. એનું મોઢું ધીરે ધીરે બદલાવા લાગ્યું અને એ ભયાનક ચૂડેલમાં ફેરવાઈ ગયું. એ કાવ્યા સામે જોઈ હસી રહી હતી. કાવ્યા એને ઓળખી ગઈ આ એજ ચૂડેલ હતી જેણે પોતાનું ગળું દબાવેલું અને શશાંકે એનો એક હાથ કાપી નાખ્યો હતો.
“તને શું લાગે છે? તું અહીં તારી મરજીથી આવી છે?” કાપાલી કહી રહ્યો, “મેં તને અહીં બોલાવી છે. તું અહીં આવી ત્યારે જ મારું ઘુવડ તને નજીકથી જોઈ ગયું હતું. તું શશાંક કે બીજા કોઈ પણ સાથે અહીં આવે એ મને મંજૂર ન હતું એટલે જ તમને લોકોને ભયભીત કરવા મેં ચુડેલને મોકલી હતી. એ ચુડેલ સાથેની મુલાકાત બાદ પણ શશાંક તારી સાથે આવવા તૈયાર થયો અને આવ્યો એટલે મારે બીજી તરકીબ કરવી પડી.શશાંકથી દૂર જઈને તું આ ગુફામાં આવી જાય એટલે જ તારી પાછળ ભયંકર જંગલી કૂતરો દોડાવેલો એ વખતે નૌફરીનના વૃક્ષે તને બચાવી લીધી. આખરે મારે નકલી દિવ્યાની આત્માનો સહારો લેવો પડ્યો અને તું આવી ગઈ. મને તારી જરૂર છે. તારે મારા માટે એક કામ કરવાનું છે. બસ એક જ કામ પછી તું છુટ્ટી. તું તારી દુનિયામાં હું મારી દુનિયામાં! યાદ રાખજે મારી મરજી વિરુદ્ધ કોઈ અહીં પ્રવેશી નહીં શકે. તારો શશાંક પણ નહિ.”
“કોણ છો તમે? શું જોઈએ છે તમારે? તમારે વ્હાઈટ ડવ સાથે શું સંબંધ છે? અને મારું તમારે શું કામ છે?” કાવ્યાએ એકી સાથે જે જે યાદ આવ્યા એ બધા સવાલ પૂછી લીધા. એને હવે આ કાપાલીથી ભય લાગતો હતો.
“આટલા બધાં સવાલ કર્યા પણ તારા પપ્પા વિશે કંઈ ન પૂછ્યું! ને એ તો ગાંડો તારી યાદમાં અડધો પાગલ થઈ ગયો. ગાંડાનો ડૉક્ટર પોતે ગાંડો થઈ ગયો. હા…હા…”
“મારા પપ્પા તમારી પાસે છે? ક્યાં છે? મારે એમને મળવું છે, પ્લીઝ!” જેનો કોઈ જ પત્તો ન હતો એ અહીં મળી જશે! કાવ્યા ખુશ તો થઈ જરાક પણ કોઈ અજાણ્યા ડરથી એ કંપી રહી હતી.
કાપાલી ગુફાના મધ્ય ભાગ તરફ જોઈ, હોઠ ફફડાવી કંઇક બોલી રહ્યો. એ કદાચ કોઈ મંત્ર બોલી રહ્યો હતો. કાવ્યાને લાગ્યું જાણે ગુફાની દીવાલો હલી! હા, એ હલી હતી. એ પાછળ જઈ રહી હતી. ગુફાના મધ્યભાગમાં વિશાળ ખુલી જગ્યા થઈ ગઈ… એની વચોવચકોઈ અજીબ દુનિયા હવામાંથી પ્રગટ થઇ! કાવ્યાનું મોઢું ખુલ્લું જ રહી ગયેલું,
એની સામે ગુફાની વચ્ચેના ભાગમાં પથ્થરમાંથી કોતરીને બનાવેલ મોટું, દસ માણસો આરામથી બેસી શકે એવડું મોટું ટેબલ અચાનક દેખાવા લાગ્યું. એ ટેબલ પર એક પુરુષ આડો પડેલો હતો. બરોબર એ ટેબલની સામે જ એક દેવીની વિશાળ મૂર્તિ હતી. એ દેવીના ચાર હાથ હતાં અને દરેક હાથમાં એક એક હથિયાર હતું. એના ગળામાં માનવશીશની માળા લટકતી હતી. દેવીની આગળ ચાર, અદ્દલ કાપાલી જેવાજ ચાર માણસો હવનકુંડ આગળ બેસી કંઇક મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. અગ્નિમાં આહુતિ આપી રહ્યા હતા. એ આહુતિથી વાતાવરણમાં કંઇક અજીબ બદબું ફેલાતી હતી. એ ચારેય એક સાથે જ મંત્ર બોલતાં હતા જાણે એ ચારેયના મોઢામાંથી એક જ અવાજ નીકળતો હતો.
“આ છે કાપાલીની દુનિયા.” કાપાલી અચાનક બોલ્યો હતો. કાવ્યા ભડકી ગઈ. એણે કાવ્યાનો હાથ પકડીને પોતાની સાથે ઢસડી. “જો આ દેવી છે. આખી દુનિયામાં આજ એક દેવી કામની છે. જય મા ભૈરવી! જય ભૈરવ!” કાપાલીએ આખી ગુફા ધ્રુજી ઊઠે એવા ઊંચા અવાજે કહ્યું. “આ જો મારી વરસોની મહેનત.” કાપાલીએ હાથ કર્યો ત્યાં મોટી મોટી, માનવ કદની, કાચની બોટલમાં સ્ત્રીઓ પુરેલી હતી.
કાવ્યા હેરતથી એ બધું જોઈ રહી. ત્યાં ટોટલ નવ બોટલ હતી. એમાં એક ખાલી હતી બાકીની ભરેલી. કાવ્યાની નજર એ ખાલી બોટલ પર હતી. ત્યારેજ કાપાલીએ કહ્યું, “એ પણ ભરેલી હતી. એમાં એક દિવ્ય આત્મા હતી. જેવી મારે જોઈતી હતી એવી જ! માસૂમ, નાની બાળકીની આત્મા! દિવ્ય આત્મા!”
“દિવ્યા?” કાવ્યા બોલી પડી. એને યાદ આવ્યું એકવાર દિવ્યાએ કહેલું કે, એને કાચની બોટલમાં પુરાઈને નથી રહેવું.
“હા. તારી જુડવા બેન દિવ્યાની આત્મા હતી એમાં. આ તારા બાપે એને છેલ્લે ઘડીએ ભગાડી મેલી હતી. એની સજા એ હજી ભોગવી રહ્યો છે. મેં એને દરેક રીતે સમજાવી જોયો, માર્યો, ગભરાયો, કેટલાય શારીરિક જુલમ કર્યાં પણ એ દિવ્યાને પાછી ના લાવ્યો.” કાપાલીએ ગુસ્સે થઈ ટેબલ પર પડેલા માણસને પેટમાં એક ઘુસો માર્યો.
કાવ્યાની નજર હવે ટેબલ પર પડેલા માણસના ચહેરા તરફ ગઈ. એની આંખોમાં આંસુ ઊભરાઈ રહ્યા. પાપા…! એણે રાડ પાડી. એ દોડીને એના પપ્પા પાસે ગઈ. વૃદ્ધ, અશક્ત શરીર ત્યાં લગભગ બેભાન જેવી હાલતમાં પડ્યું હતું.
“ઓળખી ગઈ? એ તારો બાપ જ છે. એણે મારું કામ બગાડ્યું હતું. એ હવે તું પાર પાડીશ. તું દિવ્યાને અહીં લઈ આવીશ.”
“તું આટલો શક્તિશાળી છે તો જાતે જ કેમ નથી લઈ આવતો?” કાવ્યાએ ગુસ્સાથી કહ્યું.
“તમારી કુળદેવી રસ્તો રોકે છે, નહીંતર ક્યારનીય દિવ્યા અહીં હોત. આમેય અહીંથી બહાર નીકળું એટલે મારી શક્તિઓ અડધી થઇ જાય. તમારી કુળદેવી ક્યારેક મારીય પૂજનીય હતી. એટલેજ મેં અપનાવેલા રસ્તાનો એ વિરોધ કરે છે! એ દેવી ફક્ત નામની છે સાચુકલી દેવી તો આ છે,” એણે ગુફામાં રહેલી દેવી તરફ હાથ કર્યો. “મેં જે જે માંગ્યું એ બધું આણે આપ્યું છે. આજ છે પૂજા કરવા યોગ્ય. હવે એ મને આખી દુનિયાનું સંચાલન કરવાનું સોંપી દેવાની છે. હું જેમ કહું એમ જ થશે. મારી મરજી વગર એક પત્તું પણ નહિ ફરકે. એ માટે મારે નવ આત્મા જોઈએ છે. નવ અલગ અલગ પ્રકારની સ્ત્રીઓની આત્મા. હવે ફક્ત દિવ્યાની કમી છે. તું જા અને એને આ બોટલમાં ભરીને લઈ આવ.” એણે હવામાં હાથ ઊંચો કર્યો અને એક નાની બોટલ એના હાથમાં આવી ગઈ. આ તિલશ્મી બોટલ છે. તારે બસ દિવ્યા પાસે જઈ એનું ઢાંકણું ખોલી દેવાનું. એ આપોઆપ આમા આવી જશે. પછી ઢાંકણું બંધ કરીને તું એ બોટલ માર્થાને આપી આવજે. બસ, તારું કામ પુરૂ. બદલામાં હું તને અપાર દૌલત આપીશ.”
“ઓહ! એટલેકે માર્થાના હાથ છેક આટલે સુધી પહોંચે છે?” કાવ્યા દાઢમાં બોલી.
“રૂપિયા, ઘણાખરા માણસો રૂપિયા જોઈ વેચાઈ જાય છે તો કેટલાક બદલો લેવાં! માર્થાની પાસે બંને કારણો હતા. જે ગામના લોકોએ એની દાદીની જાન લીધી એમની સાથેનો બદલો અને રૂપિયા. ”
“પણ એ અંગ્રેજ સાથે તમારે શું સંબંધ? એ શા માટે આ બધામાં સંડોવાય?”
“એ બધું તારે અત્યારે જ જાણી લેવું છે?”કાપાલી કાવ્યા સામે જોઈ સ્મિત કરી રહ્યો. કાવ્યા પગથી માથા સુંધી ધ્રુજી ઉઠી.” પહેલા
તું દિવ્યાની આત્માને અહીં લાવ પછી હું તને બધું વિગતે સમજાવીશ.” કાપાલીએ કાવ્યાના ચહેરા પર ધસી આવેલી વાળની લટને પાછળ કરી.
“અને હું આ કામ કરવાની ના કહું તો?” એ આખી હવે ફફડી રહી હતી.
“તો તારી સાથે હું અને મારા જેવા બીજા કેટલાય અઘોરી બળાત્કાર ગુજારસે…પ્રેતાત્માને હું તારૂ શરીર ધરી દઈશ, એ તારા શરીરના હરેક અંગ સાથે રમત કરશે, હરેક અંગ સાથે તું સમજે છે ને!” એ પાપી
કાપાલીએ કાવ્યાની કમર પર હાથ મૂક્યો. “તારે ફક્ત ‘હા’ જ પાડવાની છે. એ એક આત્મા છે અને એનું સ્થાન તમારી નહી, અહીં અમારી દુનિયામાં છે. તું એ દિવ્ય આત્મા મને સોંપી દે અને ખુશીથી શશાંક સાથે તારું આગળનું જીવન વિતાવ.”
“ઠીક છે. હું દિવ્યાનો આત્મા તને આપી દઈશ. પણ તારે મને મારા પપ્પા પાછા આપવા પડશે. અત્યારેજ! “કાવ્યા કાપાલીનો હાથ ખેસવી દૂર જતા બોલી.
“વાહ…આખી ભયથી કાંપી રહી છે છતાં મારી સાથે દલીલ કરે છે. મને તારા જેવી જિદ્દી છોકરીઓ ગમે છે!” કાપાલી આગળ વધ્યો એ નીચો નમ્યો અને કાવ્યાના હોઠ ચૂમવા નજીક આવ્યો. કાવ્યા એને ધક્કો મારી દૂર ખસી ગઈ.
“એક ગલત હરકત અને હું મારો જીવ આપી દઈશ. હું ડૉક્ટર રોયની દીકરી છું એ ના ભૂલતો. જો એ એમની દીકરીના આત્માને તારાથી બચાવવા એમનું આખું જીવન અહીં અમાનવીય હરકતો સહન કરતા ગુજારી દે તો હું પણ,”
“સમજી ગયો, સમજી ગયો! તું તારા બાપને સાથે લઈ જઈ શકે છે! પણ, એકવાત યાદ રાખજે આજથી સાતમા દિવસે જો દિવ્યાનો આત્મા અહીં ના પહોંચ્યો તો હું તમારા બધાનું સત્યાનાશ વાળીશ! એક એકના મોતની જિમ્મેદાર તું પોતે હોઈશ અને જ્યારે પણ તું હવેલીની બહાર હોઇશ હું તારું અપહરણ કરાવી દઈશ.”
આખરે કાવ્યા સાથે ડૉક્ટર રોયને પણ હાલ પૂરતી ગુફામાંથી મુક્તિ મળી, કાપાલી એમની સાથે ન હતો પણ બે કાળા સાયા એમનો પિંછો કરી રહ્યા હતાં. કાપાલીના જાદુથી કાવ્યા એના પપ્પા સાથે પાછી જંગલમાં પહોંચી ગઈ…
શશાંક પાગલની જેમ જંગલનો એક એક ખૂણો તલાશી રહ્યો હતો. એક જગ્યાએ એને એક નાનકડું દેરું દેખાયું. એ હનુમાનજીનું મંદિર હતું. શશાંકે બે હાથ જોડી એમની મદદ માંગી. કાવ્યા જ્યાં હોય ત્યાં એની રક્ષા કરવાનું અને જલદી પોતાને મળી જાય એવું બધું કહ્યું. ત્યાંથી થોડેક જ આગળ જતા એ એક વિશાળ ગુફાના સાંકડા પ્રવેશ આગળ ઊભો હતો.
“એ પાંડવ ગુફા છે. ટૂરિસ્ટ આવે છે, અહી કોઈ કોઈ.” એની સાથે આવેલા જંગલના માણસે કહ્યું હતું.
શશાંક એ ગુફાને જોઈ રહ્યો. એના પ્રવેશ આગળ જ મોટું ઝરણું પડતું હતું. આગળથી નાની લાગતી ગુફા અંદરથી ઘણી મોટી હશે. પાંડવગુફાનીઆસપાસ જ એ અઘોરીનો અડ્ડો છે. મતલબ આના જેવી જ બીજી ગુફા હશે. આ તો ટુરિસ્ત પ્લેસ છે એટલે અહીં અઘોરી ના જ હોય. પણ આના જેવી જ બીજી કોઈ ગુફા. જે હજી કોઈની નજરે ના ચઢી હોય. એ જંગલમાં અંદરની બાજુ હશે. એ પર્વત ઊંચો અને પહોળો હશે. અહીં તો બધા પર્વત ઊંચા અને પહોળા હતા. છતાં એનું મન કહેતું હતું કે પાંડવ ગુફાની આસપાસ જ તલાશ કર અને એ કરી રહ્યો હતો.
સવારના આઠ વાગ્યા હશે શશાંક ચાલી ચાલીને થાકી ગયો હતો. એણે રસ્તામાં વહી જતાં એક ઝરણમાથી પાણી લઈ એનું મોઢું ધોયું. એ જ વખતે એણે કોઈ માણસનો અવાજ સાંભળ્યો. પહેલાતો એને થયું એનો ભ્રમ હશે. પણ, એ હકીકત હતી. ફરીથી અવાજ સંભળાયો.“કોઈ ઝાડીમાંથી ચાલીને એની તરફ આવી રહ્યું હતું. એના પગલાની નીચે જંગલના સુકા પાંદડા કચડાવા ને લીધે એ અવાજ આવી રહ્યો હતો,”
“કાવ્યા…કાવ્યા…” શશાંકે બૂમ પાડી.સામે કાવ્યાનો અવાજ આવ્યો. શશાંક ખુશ થઈ અવાજની દિશામાં દોડ્યો.
એક આશ્ચર્ય હજી ત્યાં એની રાહ જોઈ રહ્યું હતું. કાવ્યાની સાથે ડૉક્ટર રોય હતા. શશાંક આશ્ચર્યથી એ જમીન પર પડેલા માણસ તરફ જોઈ રહ્યો હતો. એ કોણ હતું એ ઓળખાતા એને વાર લાગી આમેય એ પહેલી જ વાર ડૉ.રોયને સાચુકલા જોઈ રહ્યો હતો. આજ સુંધી એણે ફક્ત એમના ફોટા જ જોયા હતા. એના મનની મૂંઝવણ પામી જઈને કાવ્યાએ કહ્યું,
“તારા બધા સવાલોના જવાબ આપીશ. પહેલા આમને ઉઠાવવામાં મદદ કર. કદાચ કોઈ ઘેનની દવા આપી એમને બેહોશ કર્યા લાગે છે.” શશાંકની સાથે ફરતા બે આદિવાસીઓએ મદદ કરી અને એ લોકો ડૉક્ટર રોયને ગાડી સુંધી ઉઠાવીને લઇ ગયા. એમને પાછલી સીટ પર સુવડાવ્યા. શશાંકે પેલા બંનેને થોડા રૂપિયા આપ્યા. એ લોકોના જતા જ શશાંકે કાવ્યાને એની બાહોમાં ભરી લીધી.
“ક્યાં ચાલી ગઈ હતી? ખબર છે તને હું કેટલો પરેશાન થઈ ગયેલો? જંગલનો ખૂણે ખૂણે ફેંદી વળ્યો!” શશાંક બોલે ગયો અને કાવ્યા સાંભળી રહી. આજે એને ખરેખર અહેસાસ થયો કે એ એકલી જ શશાંકને પ્રેમ નથી કરતી…શશાંક પણ એને એટલોજ પ્રેમ કરે છે….!!