Home Story વ્હાઈટ ડવ – પ્રકરણ ૧૪

વ્હાઈટ ડવ – પ્રકરણ ૧૪

કાવ્યાના જીવમાં હવે જીવ આવ્યો હતો, બાજુમાં  ઊભેલા શશાંકને જોઇને…એ ચીસો પાડવા લાગી. કે તરતજ શશાંકે એનો હાથ કાવ્યાના મોઢા પર મૂકી દીધો.

“અવાજ નહિ કર” ધીરેથી બબડીને શશાંક કાવ્યાને લગભગ ખેંચીને ત્યાંથી દૂર લઈ ગયો. “એ આત્માઓ સૂઈ રહી હતી. એમને જગાડીને ખોટી આફત શું કરવા વહોરવાંની..? ક્યારે આપણે ભાગી જવું એ પણ ખબર હોવી જોઈએ…!”

“પણ, આટલું ભયાનક દ્રશ્ય! મેં મારી જિંદગીમાં આવું કદી…આવી કલ્પના પણ નથી કરી…એ ઝાડ!!”  કાવ્યા રડી પડી.

“કમોન યાર! સારી વાત એ છે કે આપણે સેફ છીએ. ઓકે!”  શશાંક એને દૂર લઈ ગયો…એ લોકો આગળ ઘણું ચાલ્યા છતાં ગાડી ના મળી. જે બાજુથી શશાંક આવ્યો હતો એ બાજુ જ એ લોકો પાછા ગયા હતા તો પણ…!

“ગાડી કેમ દેખાતી નથી? આપણે રોડ ઉપર પણ પહોંચ્યા નથી. અહીં તો ચારે બાજુ જંગલ જ દેખાય છે.”  કાવ્યા જરા શાંત થઈને બોલી.

“કોઈ આપણને ગુમરાહ કરી રહ્યું છે. આવા વખતે ધીરજ અને હિંમતથી કામ લેવાનું. ડર જ માણસનો સૌથી મોટો દુશ્મન છે અને આ બધી બુરી શક્તિઓનું જોર ડરપોક ઉપર જ વધારે ચાલે. આપણે રસ્તો શોધી લઈશું, હું છુને તારી સાથે!”  શશાંકે કાવ્યાનો હાથ મજબૂતાઇથી પકડ્યો.

કાવ્યાએ ડોકું ધુણાવી હા પાડી.

એ લોકો બરોબર રસ્તે જ જઈ રહ્યા હતા. એ રસ્તે આગળ જતા રોડ આવી જવો જોઈતો હતો…પણ અહીં તો ઘીચ જંગલ જ ખતમ નહતું થતું! લગભગ કલાક જેટલું ચાલ્યા બાદ કાવ્યા થાકી હતી. આ જંગલનો છેડો કદી નહીં મળે એ વિચારે એ દુઃખી પણ થઈ રહી હતી…ત્યાં જ પર્વતની એકબાજુએ નાનકડી ગુફા જેવું બનેલું દેખાયું. ચારેક ફૂટ ઊંડી અને ત્રણેક ફૂટ ઊંચી ગુફા આગળ આવીને એ બંને અટક્યા હતાં.

“નાઇસ પ્લેસ!”  શશાંકે કહ્યું, “આપણે અહીં થોડો રેસ્ટ કરી લઈએ. સવારે અજવાળું થતાં જ આગળનો રસ્તો મળી રહેશે.”

કાવ્યાને શશાંકની આ વાત ગમી. આમેય એ થાકી હતી. એણે ગુફામાં જઈને પડતું મેલ્યું. પગમાંથી બુટ કાઢીને એ પલાંઠીવાળીને બેસી ગઈ. એનો શ્વાસ ચડી ગયો હતો. એ હાંફી રહી હતી. શશાંક પોતાની તરફ જોઈ રહ્યો હતો એ જોઈ એ બોલી, “શું થયું? કેમ આમ જોઈ રહ્યો છે?”

“હું વિચારું છું કે સવાર પડતા જ તને પાછી વલસાડ મોકલી દઉં. મને નથી લાગતું તું અઘોરીઓનો સામનો કરી શકે. “

“હવે ઝાડ ઉપર લટકતી ભૂતડીઓ જોઈને કોઈ પણ ડરી જાય, સમજ્યો! અને એવું મેં પહેલીવાર જોયેલું એટલે…હવે નહીં બીવું…!”

શશાંક હસી રહ્યો હોય એવું કાવ્યાને લાગ્યું. એને ગુસ્સો આવી ગયો. અહીં ચાંદાનું થોડું અજવાળું આવતું હતું. અંધારામાં બિહામણું લાગતું જંગલ એ હલકી સફેદ રોશનીમાં થોડું ઓછું બિહામણું લાગતું હતું. કાવ્યાએ મનોમન નક્કી કર્યું કે હવે એ નહિ ગભરાય! આવનારી મુસીબતનો હિંમતથી સામનો કરશે! શશાંક ગુફાની દીવાલને અઢેલીને બેઠો હતો. એની આંખ મળી ગઈ. ઠંડો પવન એની ઊંઘ વધારે પાકી કરી રહ્યો. કાવ્યાને જીવડાંનો અવાજ પરેશાન કરતો હતો અને બીજું મજબૂત કારણ બીક હતું. ઝાડ ઉપર લટકતી પ્રેતાત્માને જોતાજ એ ખૂબ ડરી ગઈ હતી અને એની ઊંઘ ઊડી ગઈ હતી… થાક ઉતારવા એ બેસી ગઈ હતી પણ એની આંખોમાં જરાય ઊંઘ ન હતી…કલાક બીજો પસાર થઈ ગયો. રાતના કદાચ બે વાગવાં આવ્યા હશે. કાવ્યાને ભૂખ લાગેલી. બધો સામાન ગાડીમાં હતો. હવે સવાર પડે ત્યાં સુંધી શું કરવું? આમેય કાવ્યાને ભૂખ્યા રહેવાની આદત ન હતી. એને સામે જ આંબાનું ઝાડ દેખાયું. એના ઉપર કેરીઓ લટકી રહી હતી. એ ઝાડ બહું ઊંચું પણ ન હતું. કાવ્યાને થયું કે ત્યાં  જઈને બે કેરીઓ તોડી લે. પછી થોડી બીક લાગી. દસ મિનિટ બીજી પસાર થઈ. સામેજ દેખાતી કેરી એને લલચાવી રહી. એક પળ એણે શશાંકને ઉઠાડવાનો વિચાર આવી ગયો, પછી એને શાંતિથી ઊંઘતો જોઇને એ વિચાર મુલતવી રાખ્યો. ગહેરી ઊંઘમાં સરી પડેલા શશાંકની બંધ આંખો અને શાંત ચહેરો સુંદર લાગતા હતા. કાવ્યાને શશાંકના મોટા કપાળ પર, એની બંધ આંખોના પોપચા પર, એના ગાલ પર કિસ કરવાનું મન થઇ આવ્યું. એની જગાએથી એ શશાંક તરફ થોડી આગળ વધી. શશાંકની સાવ પાસે આવીને પાછો એનું મન બદલાયું. હમણાંજ શશાંકે એને પાછા ઘરે જતા રહેવાનું કહેલું એ યાદ આવી ગયું. એણે વિચાર બદલ્યો અને જાતે જ કેરી તોડી લાવવાનું નક્કી કર્યું. આખરે એ હિંમત કરીને ઉઠી. નાનો ઠેકડો મારીને એ ગુફાની બહાર કુદી અને થોડાક જ કદમ દૂર રહેલી કેરી તરફ ચાલી. એણે આસાનીથી એક કેરી તોડી. એ પાકી અને મીઠી હતી. કાવ્યા ખુશ થઈ અને થોડી બીજી કેરીઓ તોડી. એને એનાથી થોડાક  કદમ આગળ ઝરણું વહી જતું દેખાયું. એણે વિચાર્યું કે પાણીથી કેરીઓ ધોઈને ખાવી યોગ્ય રહેશે. સવારે પોતે શશાંકને આ ઝરણું બતાવશે ઝરણાની ધારે ધારે આગળ વધતા રસ્તો અને ગાડી બંને મળી જશે…

એ ઝરણાં પાસે ગઈ અને નીચે બેસી કેરીઓ ધોવા લાગી. પથ્થર પરથી વહી જતાં પાણીમાં એને ચાંદ દેખાયો. કાવ્યા એ ચાંદના પ્રતિબિંબને નીરખી રહી હતી. ધીરે ધીરે એ ચાંદો અદૃશ્ય થઈ ગયો અને એમાં દિવ્યાનો ચહેરો દેખાયો. કાવ્યા ગભરાઈ ગઈ. એના હાથમાંની બધી કેરીઓ નીચે પાણીમાં પડી ગઈ. દિવ્યા હસી રહી હતી. એ ધીરે ધીરે પાણીમાંથી આખી બહાર આવી. એનું સફેદ ફ્રોક ચાંદની રાતમાં ચમકી રહ્યું હતું. એનો ચહેરો કંઇક વધારે જ સફેદ દેખાતો હતો. એના હાથમાં એનું ટેડી બેર ન હતું. કાવ્યાને ઘણી નવાઈ લાગી રહી હતી. એને દિવ્યાને પૂછવું હતું કે એ અહીં કેવી રીતે આવી? કેમ આવી? એને તો ડર લાગતો હતો..! એ ક્યાં જાય છે? ઘણા બધા સવાલ મનમાં ઉઠયા પણ, કાવ્યા કંઈ ના પૂછી શકી. એણે વિચાર્યું કે દિવ્યા એને રસ્તો દેખાડશે. એકવાર એને થયું કે શશાંકને સાથે લઈલે… એ શશાંકને બૂમ પાડવા જ જતી હતી કે દિવ્યાનો અવાજ આવ્યો,

“ચાલ! કેમ ઊભી રહી ગઈ? જલદી ચાલ…” દિવ્યાએ કાવ્યા સામે એક નજર કરી અને  આગળ ચાલવા લાગી, એની પાછળ પાછળ કાવ્યા ચાલવા લાગી. દિવ્યાનો અવાજ જાણે એને સંમોહિત કરી રહ્યો. એ વિચારવાની, પ્રતિકાર કરવાની શક્તિ ગુમાવી બસ દિવ્યાની પાછળ ચાલી રહી…

હોસ્પિટલમાં ભરત ઠાકોરે એના મોબાઈલમાં જોયું કે રાતના બે વાગે સિસ્ટર માર્થા લીનાના રૂમમાં ગઈ હતી. નાઇટ પર ફરજ બજાવતી નર્સ રાધા સાથે ભરતને સારું બનતું હતું. જ્યારે જ્યારે એની નાઈટ્સિફ્ટ હોય ત્યારે ભરત હોસ્પિટલમાં જ રાત રોકાતો. આમેય એ લોકોના ક્વાર્ટર હોસ્પિટલની નજીકમાં જ હતા. નર્સ સાથે થોડો સમય પસાર કરી ભરત પાછો એના ક્વાર્ટરમાં જવાનું જ વિચારતો હતો ત્યારે જ એના મોબાઈલમાં એણે કંઈક નવું જોયું હતું. લીનાના રૂમમાં કોઈ હતું…. ભરત લીનાના રૂમને એના મોબાઈલમાં જોઈ રહ્યો હતો. સિસ્ટર માર્થા લીનાને માથે હાથ ફેરવીને કંઇક કહી રહી હતી. આમ જુઓ તો બધું નોર્મલ લાગતું હતું. સિસ્ટર માર્થા ઘણીવાર આવી રીતે દર્દીને સાંત્વના આપતી જોવા મળતી. પણ, રાત્રે બે વાગે કેમ? આ સવાલ ભરતને પરેશાન કરી રહ્યો…. એ મોબાઈલ સ્ક્રીન ઉપર જ નજર રાખી હોસ્પિટલમાંજ બેસી રહ્યો.

આજ વખતે ડૉક્ટર આકાશ અવસ્થી એમને શશાંકે આપેલી ચાવીની મદદથી ડૉક્ટર રોયનો રિસર્ચ રૂમ ખોલી અંદર પ્રવેશી ચૂક્યા હતા. એમને સપનેય ખયાલ ન હતો કે માર્થા આ સમયે અહીં વ્હાઈટ ડવમાં ફરીથી આવશે. આરામથી એ બધું જોઈ શકે એટલે તો એમણે રાતના બે વાગ્યાનો સમય પસંદ કરેલો. માર્થાની ફરજ પૂરી થઈ ગઈ હતી. આઠ વાગે એ ઘરે જવા નીકળી ગયેલી. કદાચ કંઇક જરૂર હોય તોય બાર વાગ્યા સુંધી હોય…પછીતો બધાય આ ઠંડી રાતમાં રજાઈમાં ભરાઈ સૂઈ ગયા હોય! એ રૂમમાં એમણે નાની ડીમ લાઈટ ચાલુ કરી હતી. એમના હાથમાં રહેલી તોર્ચની રોશનીમાં એ રૂમનું નિરીક્ષણ કરી રહ્યા. રૂમની વચોવચ બનાવેલા પ્લેટફોર્મ પર લાકડાના કબાટમાં અમુક બોટલમાં પાણીમાં ડુબાડેલા માનવ મગજ દેખાઈ રહ્યા હતા. ઘણી બધી બોટલોમાં અલગ અલગ રંગનું પ્રવાહી ભરેલું હતું. એક ખૂણામાં નાનું ટેબલ અને ખુરસી હતી. એ બાજુની દીવાલે કરેલ કબાટમાં ઘણી બધી ચોપડીઓ હતી. ડૉક્ટર અવસ્થી એ ચોપડીઓ જોઈ રહ્યા. કંઈ ખાસ જોવા ન મળ્યું. એમણે ટેબલનું ખાનું ખોલ્યું…

 

સિસ્ટર માર્થાએ લીનાને ઊભી કરી હતી અને એ બંને વાતો કરતા કરતા એના બીજા માળની બારી પાસે આવી ગયા હતા. ભરતને હવે મોબાઈલમાં એલોકો દેખાતા ન હતા. એ એંગલ શશાંકે મુકેલા ફ્લાવરવાઝના કેમેરામાં કવર નહતો થતો. ભરત સ્ટાફ રૂમમાંથી બહાર ખુલ્લી જગ્યામાં આવીને લીનાના રુમની બારી સામે ઊભો રહ્યો. સિસ્ટર માર્થા લીનાને બારીની પાળી પર ચઢાવી કંઇક કહી રહી હતી. ભરત ગભરાઈ ગયો. એની પાસે થોડીક જ નિર્ણાયક પળો બચી હતી. જો એ કંઈ ના કરે તો લીનાનો જીવ જોખમમાં હતો… એ શું કરે? થોડીક જ પળોમાં જો નિર્ણય ના લેવાય તો આજે લીનાનો જીવ જોખમમાં હતો! આજે તો પૂનમ ન હતી. હજી તેરસ હતી. આજ સુધી પૂનમની રાતે જ વ્હાઈટ ડવમા આત્મહત્યા થઈ હતી તો, આજે આમ કેમ? ભરત કંઈ સમજમાં ના આવતા ચિલ્લાઈ ઉઠ્યો.

“લીના.. સિસ્ટર માર્થા…! લીના…સિસ્ટર…!”  એની બૂમો સાંભળીને નાઇટમાં ફરજ નિભાવતી નર્સ દોડી આવી હતી. બારીનું દૃશ્ય જોઈ એ પણ ગભરાઈ હતી. એણે પણ ભરતની સાથે ચીસો પાડવા માંડી.., “લીના…નીચે ઉતરી જા…”  પોતાની સાથે નર્સને જોતા ભરતમાં હિંમત આવેલી એને એક વિચાર આવ્યો અને એ ભાગીને ઉપર ગયો હતો. લીનાના રૂમનું બારણુ ખોલવા એણે જોરથી ધક્કો મારેલો. બારણું ખાલી અટકાવેલું જ હોવાથી એ ખુલીને દીવાલ સાથે અથડાયેલું અને એનો જોરથી અવાજ આવેલો…

અચાનક થયેલાં અવાજથી લીના ભાનમાં આવી ગયેલી અને બારી પરથી અંદર ઓરડામાં કુદી પડી હતી. એ હજી ગભરાયેલી હતી અને પોતે અહી બારી ઉપર, સળિયા વગરની ખુલ્લી બારી ઉપર શું કરવા ચઢી હશે એ વિચારવા લાગી.

સિસ્ટર માર્થા ભરતની આ હરકતથી ગુસ્સે ભરાઈ હતી. “તું અત્યારના અહીં શું કરે છે?”

“એ જ સવાલ હું તમને પણ પૂછી શકું સિસ્ટર? તમે આટલી રાત્રે પાછા કેમ આવ્યા? લીનાને બારીની પાળીએ ચઢાવી તમે શું કરવા માંગતા હતા?”  ભરતે પણ સિસ્ટર માર્થાને સામે ધારદાર સવાલ કર્યો.

ઉપર ચાલી રહેલો આ બધો શોર બકોર સાંભળી ડૉક્ટર અવસ્થી ગભરાયો હતો. એના હાથમાંથી ટોર્ચ નીચે પડી બંધ થઈ ગયેલી, એની એક સેકન્ડ પહેલા જ એણે ડૉક્ટર રોયના ટેબલના ખાનામાં એક ડાયરી જોઈ હતી. અંધારામાં જ ડૉ. અવસ્થીએ ખાનું ફંફોસી એ ડાયરી લઈ લીધી અને એને શર્ટની અંદર નાખી ઉપરના બે ખુલ્લા બટન બંધ કરી દીધા. નીચે પડેલી બંધ ટોર્ચ શોધી એ ઉઠાવી, ડીમ લાઈટ બંધ કરી એ ફટોફટ બહાર ભાગ્યા હતા અને રૂમને લોક કરી નિરાંતનો શ્વાસ લીધેલો…આ વખતે બહાર નર્સ પણ ભરત સાથે જીભાજોડી કરી બૂમો પાડી રહી હતી. ડૉ. અવસ્થીના કપાળે પરસેવો વળી ગયો હતો. એ જાણે હાલ અહીં આવ્યા હોય એમ નીચેની લોબીમાં જઈને ઊભા રહ્યા હતા. ત્યારે ઉપર સિસ્ટર માર્થા અને ભરત ઠાકોર વચ્ચે સવાલ જવાબનો મારો ચાલી રહ્યો હતો…ઉપરના શોરબકોર પરથી એ એટલું તો જાણી ગયા હતા કે શશાંકનો પ્લાન સફળ રહ્યો હતો. લીના કમસેકમ આજે તો બચી ગઈ હતી!

શશાંકની આંખ ખુલી ત્યારે સવારના ત્રણ વાગ્યા હતા. આંખ ખુલતાજ એણે કાવ્યાને જોવા ચારેબાજુ નજર દોડાવી હતી. એ ગુફામાં ન હતી. શશાંક કૂદકો મારીને બહાર કુદી પડ્યો હતો… ચારે બાજુ ઘીચ ઝાડી સિવાય બીજું કંઈ નજરે નહતું ચઢતું. કાવ્યા ક્યાં ગાયબ થઈ ગઈ? એ એકલી બહાર જવાની હિંમત કરે એ વાત શશાંકનું મન માનતું ન હતું. તો પછી એનું શું થયું? શશાંક એ જગાને જીણવટથી જોઈ રહ્યો અને ગુફાની ડાબી બાજુ કાવ્યાનું પગેરું મેળવવા આગળ વધ્યો…

આજ સમયે કાવ્યા દિવ્યાનો પિંછો કરતી કરતી ગુફાની જમણી તરફ આગળ વધી રહી હતી. દૂર દૂર પર્વતની વચ્ચે એક સાંકડો રસ્તો રસ્તો હતો. દૂરથી જોતા પર્વતમાં મોટી તિરાડ પડી હોય એમ લાગતું. દિવ્યા એની અંદર પ્રવેશી હતી અને એની પાછળ કાવ્યા પણ એ તિરાડમાં થઈ પર્વતની અંદર આવેલી એ ગુફામાં પ્રવેશ કરી ગઈ..