Home Story ટોળું (લઘુકથા)

ટોળું (લઘુકથા)

0
1002

“બાપુ, આજે તો મા આવશે ને ? તમે કીધું હતું કે આઠમે મા પાછી આવશે ને આજ આઠમ જ છે.” નાનકડી દીકરી વાસુનો પ્રશ્ન સાંભળી નકાની આંખો ભીંજાણી.

આડું જોઈ માત્ર ‘હા’ ઉદગારો મોમાંથી સર્યા. મનમાં તો ધમાસાણ મચ્યું’તું. કેવી ભોળી છે વાસુ ! આને કેમ સમજાવું કે જે મરી જાય એ પાછા ક્યા આવે ? જીવન-મૃત્યુએ પ્રભુની બનાવેલી ઘટમાળ છે.

‘અને હા બાપુ… આજ જલેબી લઇ લેજો..માને બહુ ભાવતી’તીને તો એને આજ આપશું .. હો ‘.
નવા કપડા પે’રી બાપ દીકરી નીકળી પડ્યા છે. આજ મંદિરે ઘણું ખાવાનું મળશે. અને  મા પણ મળશે એટલે વાસુના પગમાં જોમ છે,

નકાના પગ મુંજાય છે.આજ વાસુને કેમ સમજાવશે, આ વિચારે જ એના કોથળા જેવા દેહમાં કંપારી છૂટી.
‘બાપુ, જલેબી  વાસુએ ગરમા ગરમ જલેબી થતી જોઈ આંગળી ચીંધી.
ખિસ્સુંને નસીબ બેય ખાલી..ક્યાંથી જલેબી લઉં. ભિખારીના નસીબમાં જલેબીના ગૂંચળા ના હોઈ બેટા, દુઃખના ગૂંચળા જ હોઈ. નકો મુંજાયો. છતાં દીકરીનું માન રાખવા વાસુને એક ઓટા પર ઉભી રાખી નકાએ જલેબી લેવા નિષ્ફળ હાથ લંબાવ્યો. ભિખારીની જાતને કોણ જલેબી આપે.

આખરે નકાએ દુકાનદારનું ધ્યાન ચૂકવી બે ગૂંચળા ઉપાડી લીધા ને ત્યાં…જ… શેઠનો અવાજ આવ્યો.. ‘ચોર…ચોર…પકડો..’ નકો વાસુને ઉપાડી, મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. પાછળ ટોળું.

ટોળાનો અવાજ મોટો થતો ગયો.. ને ‘મારો..પકડો..ચોર..ચોર..’ ના પડકારા વધવા લાગ્યા.
આખરે ટોળાએ નકાને પકડી પાડ્યો. જોરથી એક ગડદો પેટમાં પડતા જ વાસુ હાથમાંથી નીચી પડી.
નકો બેવડો વળી ગયો, ત્યાં જ માથામાં  જોરથી મુક્કો.. નકાની રાડ ફાટી ગઈ, આંખે અંધારા આવી ગયા. ટોળાના આડેધડ ગડદાપાટુએ નકો લોહીલુહાણ થઇ પડ્યો.

‘સાલો… છોકરા ચોરવા..નીકળ્યો, બોલાવો પોલીસને  સાલાને રંગે હાથ પકડ્યો છે.’
કોઈનો અવાજ સંભળાયો.

નકાની આંખ ખુલી. કણસતા કણસતા…. ‘બાપ, હું ભિ..ખા…રી છું… છો,   ક….રા પ……કક…ડવા વાળો ચો…ર નથી…’  અને એની લાચાર નજર વાસુ તરફ ખોડાઈ ગઈ.

રડતી રડતી વાસુ આગળ આવી એટલે ટોળામાંથી કોઈએ પૂછ્યું.‘બેટા, આ હરામી તને ક્યાંથી ઉપાડી લાવ્યો, તારા પપ્પાનું નામ શું ?

વાસુ ધ્રુજતા ધ્રુજતા નકા તરફ આંગળી ચીંધી બોલી…“આ ….માં….રો…..બાપ,….સગો બા…પ..છે.”

ટોળા ઉપર જાણે વીજળી પડી. ઘડીભર પેલાની ટોળાની શુરવીરતા જાણે શૂન્યતામાં પરિણમી.

જમીનદોસ્ત થયેલો નકો અને બાજુમાં આક્રંદ કરતી અનાથ વાસુ….

ગગન પણ ચોધાર આંસુએ રડી પડ્યું હોઈ એમ વરસવા લાગ્યું.

ભારતવર્ષને એક અનાથની ભેટ આપી ટોળું વિખેરાયું.

– શૈલેશ પંડ્યા