Home Story “સમય ચક્ર”

“સમય ચક્ર”

0
1539

“એ સાબ… ભગવાન કે નામ પે કુછ દે દો.. ભૂખ લગી હે”

ધ્યેય કાર માંથી અકળાઇ ને,”જા… ભઈ …જા.. ભીખ મંગા કઈ કામ કરો… ભગવાન એ તમને બે હાથ અને પગ તો આપ્યા છે. આ સાલાઓ ને આદત પડી ગઈ છે. જા.. અહીં થી જતો રહે…યુ બ્લડી..@@@”

શલાકા ધ્યેય ને ટોકતાં,” હમમમમમ..આ શું બોલો છો..ડોન્ટ બી રીએક્ટ લાઈક ધેટ એન્ડ ડોન્ટ યુઝ એબ્યુઝ વર્ડસ. આફ્ટર ઓલ હી ઇસ ઓલસો એ ગોડ્સ ક્રિએચર”.

ધ્યેય કાર ચલાવતાં શલાકા તરફ બે હાથ જોડતાં,” અરે… ભુલ થઈ ગઈ.. હવે નહીં બોલું….નાઉ ડોન્ટ બી સ્ટાર્ટ યોર લેકચર.”

શલાકા વાત ને આગળ વધારતાં,” એટલે હવે હું તને જે કઈ કહું છું એ લેકચર લાગે છે! તું ભૂલી ગયો આપણો પણ સામાન્ય પરીવાર હતો, એક એક પૈસા માટે લોહી રેડવું પડ્યું છે.”

ઘ્યેય વચ્ચેથી શલાકા ની વાત કાપતાં,” યસ.. ધેટ્સ વાહય…. હું પોતે સામાન્ય હતો ,મેં લોહી રેડયું, મેં મારા હાથ અને પગ પર જ વિશ્વાસ રાખ્યો, ત્યારે જ આજે આ ગાડી પેન્ટહાઉસ બધું બન્યું છે. માણસ ધારે તો એ કઈ પણ કરી જ શકે છે.  અત્યારે માણસની પ્રકૃત્તિ બની ગઈ છે લાચાર બની બેઠું રહેવું. કોઈને રિસ્ક નથી લેવું, આપણે રિસ્ક લીધું, મહેનત કરી તો અત્યારે ક્યાં છીએ..જિંદગીમાં લોકો ઍન્જોય કરતાં ત્યારે આપણે કામ કરતાં. આવા લોકોને તો પાછળ લાત મારી હાંકી કાઢવાનાં.”

શલાકાને પણ ગુસ્સો આવેલ પણ એ ગુસ્સા પર કાબુ રાખી પોતાની વાત રાખતા શીખી હતી.”ઇનફ ધ્યેય..મને બધી ખબર છે આઈ એમ ઓલસો વીથ યુ, અને આ પગભર થવાની જીદ થી આઠ વર્ષે પણ હું ‘માં’ નથી બની શકી”. શલાકા થોડી ભાવુક બની જાય છે, વાત આગળ ચલાવતાં,”આપણે એક વાત તો ન જ ભૂલવી જોઈએ ગમે તેટલા ઉપર જઈએ આપણા પગ તો નીચે જમીન પર જ રહેવા જોઈએ.”

શલાકાના પાતળા અવાજ અને થોડી લાગણી સભર વાત ના લીધે ધ્યેય સમય વરતી,” ઓકે સ્વિટ હાર્ટ… નાઉ લીવ ઇટ… ચલ થોડું હસી દે… અને મેક અપ કરી લે આપણે પાર્ટીમાં પહોંચવા આવ્યા.”

શલાકા અને ધ્યેય બને સાથે ભણતા હતાં, ધ્યેયમાં માતા-પિતા ગરીબ હતાં. તેને બે ટંક નું ખાવા માટે રોજિંદી કાળી મજુરી કરવી પડતી હતી. આ મજૂરીએ જ તેના માતા-પિતા નો ભોગ લીધેલો. ત્યારબાદ ધ્યેય જમાના સાથે લડતાં અલગ અલગ જગ્યાએ મજુરી કરી સરકારી સ્કૂલમાં ભણી આગળ આવ્યો. મનમાં એક જ ગાંઠ વાળેલી એક દિવસ ધનાઢ્ય બનવું છે.  એ માટે બધું જ કરી છૂટવા તૈયાર હતો. કોલેજમાં એની ભણતર પ્રત્યેની રુચિ, કામ પ્રત્યેની નિષ્ઠા, તેની સાદાઈ અને ગરીબ હોવા છતાં ચહેરા પરની ખુમારીથી શલાકા મોહિત થયેલ હતી. જે અંતે પરિણયમાં પરિણમી હતી. શલાકા પણ સામાન્ય કુટુંબ માં ઉછરેલી અને પરિસ્થિતિ સાથે બાથ ભીડવા સક્ષમતા ધરાવતી હતી. બંને એ સૂઝબૂઝ સાથે ધ્યેયના સપનાને મહેનતથી સિંચ્યું શરૂઆતમાં નાની નોકરી શરૂ કરેલી અને તેના આધારે લોન મેળવી. લોન ના પૈસા વડે બાજુમાં વેપાર શરૂ કર્યો. નોકરી અને વેપાર એક સાથે કરતાં વેપારમાં ધ્યાન નહોતું અપાતું એટલે થોડા સમય બાદ શલાકા એ નોકરી ચાલુ રાખી, જ્યારે ધ્યેયએ એમનું સંપૂર્ણ ધ્યાન વેપાર પર જ કેન્દ્રિત કર્યું. બંનેએ એક નાની કંપની શરૂ કરી જે પ્રગતિના રસ્તે ચડી ગઈ, અને ધીમે ધીમે એની મહેનત રંગ લાવી બંને એકબીજાને સાથ આપતાં એક મોટું મુકામ મેળવ્યું.

ધનાઢ્ય થવાની ઘેલછા, નાની ઉંમરે ગુમાવેલી છત્રછાયા એ ધ્યેય ને સ્વચ્છંદી, સમાજ પ્રત્યે નિષ્ઠુર બનાવી દીધેલ તેને ક્યાંક વાંચેલું મગજમાં ઘર કરી ગયું હતું, “જન્મે ગરીબ હોવું એ તમારો વાંક નથી પણ મરતાં ગરીબ હોવું એ માટે તમેજ ગુનેગાર છો”. ધનાઢ્ય થયાં બાદ એ દરેક ગરીબ, આર્થીક સામાન્ય વર્ગને એ ગુનેગાર જ સમજવા લાગ્યો. આ બાબત માટે તેને શલાકા સાથે અવારનવાર ચર્ચા થતી પણ ધ્યેયની મનમાં બંધાયેલી ગાંઠ ક્યારેય ન છૂટી. ધીરે ધીરે ધ્યેય અને શલાકા હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ માં ગણાવા લાગ્યા રોજે નાઈટ પાર્ટીમાં જવાનું, રાજકીય લોકો સાથે ઉઠક બેઠક થવા લાગી. પણ શલાકા હજુ પહેલાની જેમજ શાંત, સૌમ્ય, સમયસુચકતા મુજબ નિર્ણયો લેનારી હતી. ધ્યેયના સ્વભાવમાં સમય સાથે પરિવર્તન આવેલ પણ શલાકા એવીને એવી જ રહેલી. શલાકા ઘ્યેય ને સાથ આપતાં જે પરિસ્થિતિ ઓ જોયેલી એમાંથી એક શીખ મેળવી “કોઈ જ પરિસ્થિતિ કાયમ નથી ટકવાની(This will too pass)”.

આજે બંને એક રાજકીય નેતાને ત્યાં પાર્ટીમાં જવા નીકળ્યા હતાં અને રસ્તામાં ધ્યેયની એક માંગણ સાથે ઘટના ઘટી.  નાનકડી ચર્ચા બાદ શલાકા ગળગળી થઈ જતાં ચર્ચા ટૂંકાવી હતી. બંને એ પાર્ટીમાં પહોંચે છે પાર્ટી પતાવી મોડી રાત્રે ઘરે પહોંચે છે.  શહેરના પોશ એરિયામાં કરોડ ઉપરના મૂલ્ય ના પેન્ટ હાઉસમાં બંને પહોંચી થાકી ગયા હોવાથી સુઈ જાય છે. ગાઢ નિદ્રાધીન અવસ્થામાં સુતા હતાં ત્યાં અચાનક બેડ હલવા લાગ્યો. બને સફાળા જાગ્યા ઉઠી જોયું તો બધું જ હલતું હતું.

શલાકા ધ્યેયનો હાથ પકડી , “ધ્યેય.. મને ચક્કર આવે છે બધું હલતું દેખાય છે”. જવાબમાં ધ્યેય ,”અરે.. ચકકર નહીં આતો ભુકંપ આવ્યો લાગે છે.” બેડ પરથી ઉઠી બેડરૂમની બારી માંથી જોવે છે તો શહેરના ઊંચા બિલ્ડીંગ્સ પત્તાના મહેલ માફક ઢગલો થતાં હોય છે અને આખું આકાશ ધુળોની ડમરીઓના લીધે ડોહળાઇ ગયું હોય છે.  બહારથી લોકોની ચીસો ,બુમો કાને અથડાય છે. અને ક્ષણભરમાં ધ્યેય શલાકા નો હાથ ખેંચી ઘરની બહાર દોડે છે. પેન્ટહાઉસમાં રહેતા હોય છેક ઉપલા માળ થી પગથિયાં ઉતરી નીચે પહોંચવાનું હોય છે. દોડતાં નીચે ક્યારે પહોંચી જાય તે ખબર નથી પડતી.

થોડી મિનિટ બાદ નીચે સલામત જગ્યાએ પહોંચી તેના પેન્ટહાઉસ તરફ જોવે છે ત્યાં તો સંપૂર્ણ બીલ્ડીંગ અંગ્રેજી ફીલ્મમાં ઘ્વસ્ત થતાં બિલ્ડીંગ માફક જ ધીમે ધીમે ઢગલો થતાં જોવે છે. રાતના અંધારામાં થોડીવારમાં ભયાનકતા છવાઈ જાય છે, અંધારામાં લોકો અફડાતફડી મચાવી દે છે, કેટકેટલાય લોકો વિખુટા પડી ગયા હોય છે, આંખું શહેર નાબૂદ થઈ ગયું હોય છે.  

ધ્યેય શલાકા ને એક ચોક્કસ જગ્યાએ બેસાડી લોકોની મદદે પહોંચે છે. પથ્થર ઉપાડી દટાયેલાં જીવિત-મૃત લોકોને બહાર કાઢવા લાગે છે.  અચાનક આવેલ ભુકંપથી બીજા શહેર સાથે ના સંપર્કો તૂટી ગયાં હોય છે. જ્યાં સુધી કોઇની મદદ ન આવે ત્યાં સુધી બધા ભૂખ્યાં તરસ્યા બેઠા સહાયની રાહ જોતા હોય છે.

આ પરિસ્થિતિમાં લગભગ બે દિવસ નીકળી જાય છે. સહાયકર્તા ઓ આવી પહોંચે છે. ઠેક ઠેકાણે તંબુ બંધાય છે. યુધ્ધના ધોરણે બચાવકાર્ય શરૂ થાય છે. બે દિવસના ભૂખ્યા, શારીરિક અશક્ત, માનસિક આઘાતથી ભાંગી પડેલાં બધા જ તંબુમાં આશરો લઈ બેઠાં હોય છે. ધ્યેય અને શલાકા પણ આવા લોકોની વચ્ચે જ હોય છે. સહાયકાર્ય વાળા લોકોને જમવાનું આપવા આવે છે, બધા લોકો લાઈનસર નીચે બેસે છે.  એક પછી એક બધાને જમવાનું પીરસાય છે. ધ્યેય અને શલાકા પણ બીજા બધા સાથે લાઈનમાં બેઠા હોય છે. પણ તેના સુધી પહોંચતા સુધીમાં રોટલી ખલાસ થઈ જાય છે,ત્યાં બાજુમાં બેઠેલ વ્યક્તિ,” સાબ… આજ આપ ભી આ ગયે ના હમેરી લાઈન મેં… લો મેરી રોટી સે ખાના શુરું કરીએ. હમકોતો ભૂખે પેટ દિન નિકાલને કઈ આદત હે આપ દો દિન સે લોગો કો નિકાલ રહે થે ઇસલિયે આપકો રોટી કઈ ઝયાદા ઝરૂરત હે”.  ધ્યેય બાજુમાં જુવે છે પેલો બે દિવસ પહેલા જે માંગણને અપશબ્દો કહેલા એ જ બાજુમાં બેઠો હોય છે. ધ્યેય એ તેને હડધૂત કરેલ જ્યારે એક માંગણ એની માનવતા દેખાડે છે.

ધ્યેયને પોતે કહેલા શબ્દો મગજમાં ઘૂંટાયા કરે છે. ધ્યેય ને પસ્તાવો થાય છે, શલાકાની ફિલોસુફી પણ યાદ આવે છે.   માંગણ પાસેથી રોટલી ખાવાનો વારો આવ્યો હોય છે. મનોમંથન કરતાં નિષ્કર્ષ પર આવે છે,”ગરીબ ક્યારેય ગુનેગાર નથી હોતો ઘણી વખત પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે. મહેનત કરતા પણ કર્મોનાં લેખા જોખ મુજબ ઘણા ને પછડાટ મળતો હોય છે જેથી એ ઉપર આવી શકતા નથી, જ્યારે કોકને ધ્યેયની માફક ઉપર આવવા ઇશ્વરીય મદદ પણ મળતી હોય છે.  માત્ર પુરુસાર્થ થી કઈ નથી મળતું સાથે પ્રારબ્ધ જરૂરી હોય છે.

શલાકા ધ્યેયની પીઠ પર હાથ ફેરવતા  માત્ર એટલું કહે છે,” ધીસ વીલ ટુ પાસ પરિસ્થિતિ કાયમ ટકવાની નથી. અને આપણે જીવનની શરૂઆત પહેલેથી કરીશું ફરી આપણે મહેનત કરીશું”. શલાકાના આશ્વાસનથી ધ્યેયમાં જોમ આવે. ભુકંપની પરિસ્થિતિ માંથી બહાર નીકળ્યાં બાદ તેની કંપનીની જમીન વેચી નાખે છે. ફરી નવો વેપાર નવું સાહસ હાથે ધરે છે.

નવા વેપારને બેઠો કરી નફો કમાતા થતાં ચાર વર્ષ જેવું પસાર થઈ જાય છે. પણ હવે ધ્યેયનો જિદ્દી સ્વભાવ બદલાઈ ગયો હોય છે તેમજ એ દરેક માણસ સાથે મૃદુતા પૂર્વક વ્યવહાર કરવા લાગ્યો હોય છે.  ભૂકંપ ના લીધે ધ્યેયના માનસ પર પણ ભુકંપ આવ્યો હોય છે અને માનસ પટલ પર વિચારોનું નવ નિર્માણ થાય છે.

બાર વર્ષ બાદ ધ્યેય અને શલાકા ને ઘરે પારણું બંધાય છે શલાકા એની ફિલોસુફી ધ્યેય પાસે વ્યક્ત કરતાં,”સમય કોઈનો નથી હોતો, ઈશ્વર ધારેતો રાય ને રંક અને રંક ને રાય કરી શકે છે.  સમયચક્ર પ્રારબ્ધ અને પુરુસાર્થ ની ધરી પર ફરી બ્રહ્માંડ પરના જીવસૃષ્ટિનું સંચલન કરતું હોય છે.”

ધ્યેય બે હાથ જોડી,” હા… મારી…સ્વીટહાર્ટ… યુ એન્ડ યોર ફિલોસુફી ઇસ ઓલવેઝ રાઈટ..”

ઉજાસ વસાવડા  |  E-mail:-ujasvasavada@gmail.com  | M:9913701138