Home Story રક્ષાબંધન

રક્ષાબંધન

0
1102

“રક્ષાબંધન” એ સૌથી અપ્રિય તહેવાર !!
જયશ્રી બેન , એટલે કે “મોટી”, વિચારી રહી… એના માવતર ને, પોતે અને એ ઉપરાંત, એક પછી એક બીજી ત્રણ, એટલે ચાર બહેનો !! ફક્ત એમનો જન્મ, એક દીકરો આવી જાય તો ?? એની રાહમાં જ થયો હતો !!

માવતરની નજરમાં, હમેંશા દીકરો નથી નો ધલવલાટ જ જોયો !! જયશ્રીએ, પોતે ઘરની મોટી હોવાને નાતે, નાનપણથી જ નાની બહેનોની “માં” બનીને પોતાની માં નો ટેકો બની ગઈ હતી અને મોટી થઈને ગવર્મેન્ટ જોબ મેળવીને ઘરનો આધાર બની, પપ્પાનો દીકરો બની ગઈ હતી.

નાની બહેનોને, ભણાવી, ગણાવી, સાસરે વળાવી પોતે લગ્ન પણ ન કર્યા !!
છતાં ય “મોટી”ની લાચારી એ હતી કે એના માબાપની નજરમાં એને “દીકરો નથી” ની લાચારી દેખાતી !!
અને એટલે જ રક્ષાબંધન એ મોટી નો અણગમતો, સાવ ન જ ગમતો તહેવાર હતો !!!
પણ, આ વર્ષેથી ચિત્ર બદલાયું,…

રક્ષાબંધનના દિવસે, એકપછી એક, ત્રણે બહેનો, એના બાળ બચ્ચા સહિત આવી પહોંચી… અને મોટી માસી !! મોટી માસી !!!, મોટી બેન !!, મોટી બેન !!!.. મોટી !!.. મોટી !!. ની કિલકારીઓ થી આખું ઘર ગુંજી ઉઠ્યું !!
અને, ત્યારે..જયશ્રી, મોટી બેન ની આંખો વરસી પડી…જ્યારે…

પોતાના પરિવાર સાથે આવેલી, ત્રણે નાની બહેનોએ, અમીભરેલ નજરે, “મોટી” ને ખુરશી પર બેસાડી, ચાંદલો કરી, આરતી ઉતારી ને એની સુની કલાઈઓમાં રાખડી બાંધી.
મીઠું મો કરાવીને કહ્યું, તું અમારી બેન નથી પણ, તું જ આ ઘરનો સાચો આધાર છે,  તું ફક્ત દીકરી જ નથી અમારો ભાઈ બની છો, અને કોઈ ભાઈ, બેન બની ન શકે, પણ તું અમારો ભાઈ બની, નહિ,નહિ, સવાઈ બેન બની !!!
અમને ભાઈની ખોટ નથી લાગવા દીધી !! એક દીકરો ક્યારેય કોઈ દીકરીની ખોટ પુરી ન શકે, પણ, દીકરી એ બધું જ કરી શકે, એ દીકરી હોવા છતાં, દીકરો કે ભાઈ બની ઘર અને પરિવાર માટે બધું જ કરી શકે !!

આ ઘર અને અમારા માટે તું પ્રભુનું વરદાન છો !! બેન, તું સ્ત્રી હોવા છતાં જે એક ભાઈ નિભાવે એનાથી સવાઈ બની તે અમને કોઈ કમી મહેસૂસ નથી થવા દીધી !” જ્યશ્રીએ પોતાની નાની બહેનોની આંખમાંથી વહેતા આંસુ લૂછયા અને પોતે પણ, ભીની નજરે, વૃદ્ધ માતાપિતા સામે જોયું તો, આજે એમની નજરમાં ” દીકરો નથી” ની લાચારી ને બદલે, જયશ્રી જેવી “સવાઈ દીકરી” મળ્યાનું ગૌરવ દેખાયું..

અને આજે મોટી, હસી.. !! પહેલી વાર એ, પોતાની ફરજથી કૃતકૃત્યતા અનુભવી રહી !!
“રક્ષાબંધન” એનો પ્રિય તહેવાર જો બની ગયો હતો !!


લેખિકાઃ દક્ષા રમેશ “લાગણી” – જૂનાગઢ.