Home Story પરિવર્તન અને સંસ્કાર

પરિવર્તન અને સંસ્કાર

0
494
પરણીને આવેલી પૂર્વાને એના સાસુ પૂનમ બેને સંભળાવી દીધું, ‘આપણા ઘરમાં બધી છૂટ છે પણ આ તું ઘરમાં જીન્સ ને ટોપ પહેરે એ નહિ ચાલે !! સાસરે આવીને, વહુ સાડી ન પહેરે તો સમજ્યા કે ઠીક , પણ તું ઘરમાં ડ્રેસ પહેર !!, આવુ બધુય કેમ ચાલે ??  ઘરમાં કાંઈ તો રીતિ નીતિ જેવું હોવું જોઈએ કે નહીં ?? આપણા ઘરના સંસ્કારોનું શું ??”
અને પૂર્વાની આંખોમાં આવેલા ઝળઝળિયાંની સાથે સ્પષ્ટ વંચાતું હતું કે “જો હું કહેતી હતી ને ??” એ તો તરત જ , કપડાં બદલવા જઈ રહી હતી…ત્યારે એને અટકાવતા એના પતિ, એટલે કે પૂનમ બેનના દીકરા પૂરવે કહ્યું, ” મોમ, તમે એવી વાત કેમ કરો છો ? પૂર્વા એ એના શરીરને વ્યવસ્થિત લાગે એવા જ કપડાં પહેર્યા છે. અને એ તો ડ્રેસ પહેરવા ઇચ્છતી હતી પણ મેં જ ખાસ આગ્રહ કરીને વેસ્ટર્ન કપડાં પહેરાવ્યા છે.તમે ક્યારથી આવું માનવા લાગ્યા ? તમે ખુદ સાડીને બદલે ડ્રેસ તો પહેરો છો !! પૂર્વા ! કાંઈ કપડાં નથી બદલવા. ભલે પહેર્યા.”
પૂનમબેન કહે, “અરે પણ દીકરા, લોકો બોલશે કાંઈ ને કાંઈ !! આપણા ખાનદાન ની આબરૂ નું શું ? સમાજમાં આપણાં કુટુંબની વાતો થશે !! આપણને સંસ્કાર વગરના કહેશે !”
ત્યારે, હવે પૂનમબેન ના પતિ, ચંદ્રેશભાઈ બોલ્યા, ” યાદ છે પૂનમ ?? તું જ્યારે સાડી પહેરતી અને તને ઘરમાં, ડ્રેસ પહેરવા નું મન થયું હતું ત્યારે બા બાપુજી જીવતાં ત્યાં સુધી તું એ ન કરી શકી ! આ છોકરાઓ ને પણ, પોતાને ગમતું કરવા, કે પોતાની ઈચ્છા મુજબ જીવવા માટે એ આપણને મૂકીને જુદા રહેવા ચાલ્યા જાય કે પછી તે પણ, આપણા બન્નેની મરવાની રાહ જોવે ??”
પૂનમબેન હવે અચકાઈ ને બોલ્યા, ” હું તો,.. મને તો,.. કોઈ વાંધો જ નથી. આ તો કોઈ કહેશે કે વહુ માં સંસ્કાર નથી કે ઘર ની રીતભાત જ નથી . ચાર લોકો વાતો કરશે !! આ તમારા ભાભી જ કહેશે, ‘અમારે તો વર્ષોથી બે વહુઓ આવી ગઈ પણ, એમ કાંઈ હાઇલા ન જવાઈ !! જમાનો તો જો આઈવો છે !!’
ત્યારે હસીને ચંદ્રેશ ભાઈ કહે, “એમની એક વહુ, તો બે વખત રિસામણે ગઈ હતી અને સમજાવી ને સમાધાન કરીને હું ને બીજા વડીલ, એ વહુને લઈ આવ્યા છીએ, એ કેમ ભૂલી ગઈ ? ઘરમાં રહેણી કહેણી કે પહેરવેશ એ સંસ્કાર ની પરિભાષા નથી. આ આપણી પૂર્વા , સાસરે આવ્યા પછી, કોઈ દિવસ ઊંચા અવાજે બોલી, કે કોઈ બાબતે એ રિસાઈ કે ખિજાઈ છે ?? કેવી મજાની છોકરી, આખો દિવસ હસતી ને બોલતી, ઘરને એના આવા સ્વભાવથી હર્યું ભર્યું રાખે છે. એને પણ ઘણી વાતો પસંદ નાપસંદ હશે ! એ એણે હસતાં મુખે સ્વીકારી લીધું  એ શું એના સંસ્કાર ન કહેવાય ??
પરિવર્તન તો આવવાનું જ છે. સમય મુજબ, રીતરિવાજો બદલાયા કરશે, એના માટે સમાજ શુ કહેશે ની ચિંતા કરવાની નહિ. બાકી, પૂર્વા આવ્યા પછી, આપણા ઘરની રોનક વધી છે. એવું તો તું જ કહેતી હતી કે નહીં ?? અને અત્યારે એમને એમની રીતે નહિ રહેવા દઈએ તો, પછી અત્યારના વડીલો, કકળાટ કરે છે કે કોઈને જોઈન્ટ ફેમિલીમાં રહેવું જ નથી, હવે ની પેઢી બગડી ગઈ છે. પરંતુ, એ નથી જોતાં કે આપણને ય આપણા ઘરની રૂઢિઓ નહોતી ગમતી. જાણ્યે અજાણ્યે અમુક ફેરફાર આપણે ય ઇચ્છતા જ હતાં. પણ એ વખતે મારામાં આ પૂરવ જેવી હિંમત કે નિખાલસતા નહોતી કે હું મારા માબાપ ને મારી વાત સમજાવી શકું. અને સંસ્કાર ની માપપટ્ટી સમાજના હાથમાં આપવાને બદલે, યોગ્ય વાણી વર્તન અને વ્યવહાર કરીએ એ જ સાચું છે ! કોઈ સમજે કે ન સમજે પણ, કમ સે કમ આપણે તો આ જમાના ને સમજીએ !! આપણે તો આપણા દીકરા દીકરી ની સાથે ચાલીએ, ટેકનોલોજીના યુગમાં બધું “અપ ટુ ડેટ” જોઈએ છે. આપણી જાત ને પણ સમય મુજબ “અપ ડેટ” કરતાં રહીએ. તો જ આ નવા યુગની સાથે કદમ થી કદમ મિલાવી શકીશું.નહિતર પછી, આપણા છોકરાઓ પણ શું આપણી જેમ …??”
પૂનમબેન પતિને પૂરું બોલવા ન દેતાં બોલી ઉઠ્યા, ” એ પૂર્વા, પહેરજે બસ તું તારે !! તારી ઈચ્છા મુજબ રહેજે ! જેવી રીતે તું તારા પિયરમાં રહેતી હોય એવી જ બિનદાસ્ત રીતે રહે !મારે ક્યાં દીકરી છે ? અમે તને લાડ નહિ લડાવીએ, તો કોને લડાવશું ?એય, પૂરવ, લઈ જા, દીકરા, એને ફરવા !! હરો ફરો મજા કરો !! એને ભલે પેન્ટ ટોપ પહેર્યા ! નહિતર,તમે બેય જણા તો ઠીક પણ, આ તારા પપ્પા ય હવે તો મારા મરવાની જ રાહ જોશે !!”
ચંદ્રેશભાઈ એ પત્ની સામે જોયું. પૂનમ બેન બોલ્યા, “અરે, ભૈસાબ મજાક કરું છું !! શું તમે ય તે !! એમ કાંઈ હું મરવાની નથી. જીવવા જેવો જમાનો તો હવે જ આવ્યો છે ! “
પૂરવ કહે, “યસ મોમ, જીવવા જેવો જમાનો તો હવે જ આવ્યો છે, પણ જેને આવડી જાય જીવતાં એને જ !!”
દક્ષા રમેશ “લાગણી”
જૂનાગઢ.