ભારત દેશના મહાનગર મુંબઈ માં રહેતી એક વિસ વર્ષીય કન્યા નામે નુપૂર તેની વાત કરવાની છે, જેવું નામ તેવી જ આ નુપૂર, ખુબ સુંદર, આંખો જુવો તો તેને મૃગનયની કહી શકાય. ઉજળો વાન, હસે, તો જાણે ફૂલ ઝરે, બોલે તો મોતી ઝરે, પાતળો દેહ, કાળા ભમ્મર વાળ, તેનું અનુપમ સોંદર્ય જોઈ સૌ કોઈ તેના વખાણ કરે ..
આ નુપૂર તેના મમ્મી પપ્પા, બે બહેનો અને એક ભાઈ ની ખુબ લાડકી. તેની મોટી બહેન કલ્પના. કલ્પના ના લગ્ન છ માસ પહેલા જ થયા.
તેથી મમ્મી ને ઘર કામમાં મદદરૂપ રહેવું પડતું .મધ્યમ કુટુંબ પણ આબરૂદાર કુટુંબ માં જન્મ લેવાથી અને સ્વભાવ માં પણ મળતાવડી હોવાથી તેના પણ માંગા આવવા લાગ્યા. આ કારણોસર બાર ધોરણ સુધી જ અભ્યાસ કરી શકી. આબરૂદાર કુટુંબ તો હતું જ પણ પપ્પા જુનવાણી રિવાજના. તેથી ફિલ્મ, રાસ ગરબા, ગીત સંગીત જેવા શોખ તો થાય જ નહિ. ઘર માં કડક શિસ્ત. દીકરીઓ સાંજ પહેલા ઘરમાં આવી જાય. બહેનપણી પણ નહિ. ધીમે ધીમે નુપુર વીસ વર્ષ માં જ બહુ પુખ્ત થવા લાગી . ઘરનું તમામ કામ તેના માથા પર આવી ગયું.
સવાર સાંજ ની રસોઈ તેના ઉપર .જોતજોતામાં તો એ પાક શાસ્ત્ર માં નિપુણ બની ગઈ. મીઠાઈ, ફરસાણ, અથાણા, ફરફર.. વિગેરે માં તો કાઠું કાઢ્યું. બિલ્ડિંગ ના સૌ કોઈ તેની મદદ લેતા અને નુપુર પણ કરતી.
નુપુર ના ફૈબા નો પુત્ર પરેશ નો ખાસ મિત્ર અમદાવાદ થી આવેલો હતો. છોકરો દેખાવમાં ઉચો, ગોરો અને સંસ્કારી. ધાર્મિક વૃતિ નો પણ ખરો. સત્સંગી પણ ખરો. ભાવેશ ની ઈચ્છા પોતાની બહેન નુપુર ની સગાઇ આ છોકરા સાથે થાય તો સારું. કેતન તેની આંખમાં વસી ગયો. તેને મામા અમુભાઈને વાત કરી. અને નુપુર ને પૂછવાનું કહ્યું. મામી સવિતાબેન બોલ્યા “ એમાં નુપુર ને વળી શું પૂછવાનું ?તું તારે કાલે જ આપણા ઘરે તેમને લઇ ને આવજે .” નુપુર રસોઈ માંથી આ સંવાદ સંભાળતી હતી. તેને મન માં થયું કે હું કઈ ગામડા ની છું ? શા માટે મારી જિંદગી નો મહત્વનો ફેસલો મારે નહિ લેવાનો ? મને છોકરો નહિ ગમે તો ? હું પપ્પા ને ના તો નહિ પાડી શકું. તે થોડી ગંભીર થઇ ગઈ , આજે તે રાતના જમી પણ ન શકી. સુતા સુતા પોતાના ભવિષ્ય નો વિચાર કરવા લાગી.
સવાર પડતા ની સાથે જ નુપૂરે પોતાના ભાઈ ભાવેશ ના મોબાઈલ માંથી ફૈબાના દીકરા પરેશને ફોન કર્યો . પહેલા ઔપચારિક વાતો કરીને સીધી મુદ્દા ની વાત પર આવી અને બોલી , “ભાઈ ! તે મારા માટે ઘરમાં કોઈ છોકરા ની વાત કરી છે ? તો તું પહેલા મારી સાથે તો વાત કર ! તને ખબર છે ને કે પપ્પા કેટલા જુનવાણી છે . મારે ભણેલ છોકરો જોવે છે , તે મને અને મારા અરમાન એમ બંને સમજી શકે .”
પરેશ બોલ્યો , હા! દીદી, સાચી વાત, છોકરો સ્નાતાક છે, અને અમદાવાદમાં એક સોફ્ટ વેર બનાવતી કંપની માં નોકરી કરે છે, કોમ્પ્યુટરમાં માસ્ટર છે. અને મારી થયેલ વાત મુજબ તને પણ ક્લાસ કરાવશે. તું નાહક ની ચિંતા કરે છે. મને પણ તારી ચિંતા હોય ને !
તું એક વાર જોઈ લે, તારી ઈચ્છા ન હોય તો મને કહેજે , હું મામાને ના પડી દઈશ .” આટલા આશ્વાસન બાદ નુપુરની ચિંતા થોડી હળવી થઇ.
બીજે દિવસે પરેશ કેતન ને લઇ ને મામા ને ત્યાં આવ્યો .કેતન તો કદ માં કાઠી દરબાર જેવો ઉંચો, રૂપાળો, ગુલાબી હોઠ, જીણી પણ ભૂરી આંખો, બોલવા માં વજન પડે તેવો ધીર ગંભીર. જોતા જ સહુને ગમી જાય. નુપુર ની મમ્મી એ કેતન અને પરેશને આવકાર્યા. નુપુર ને અંદર જઈને કહેવામાં આવ્યું, કે જો અમને છોકરો સારો લાગે છે, અમે પહેલા બધી વિગત જાણી લેશું, જો વાતચીતમાં સારો લાગે તો જ તને બહાર બોલાવીશું. પાણી અને ચા સાથે તું બહાર આવજે. અને જો દક્ષા ! તું જરા પણ આઘી પાછી ના થતી .તને હું બોલવું ત્યારે જ બહાર આવવાનું છે ત્યાં સુધી બંને બહેનો અંદર જ બેસશો. આટલી કડક સુચના સાંભળી ને તો એવું લાગ્યું કે કેતન નહિ પણ ખીલજી જોવા આવ્યો છે કે શું ? મમ્મી ના ગયા બાદ તેઓ તૈયારી કરવા લાગ્યા .
બહાર ના રૂમમાં અમુભાઈ, કેતન ને તેના અભ્યાસ અંગે , નોકરી અંગે , પૂછ્યું કેતન અને તેની મોટીબહેન અને માં એમ ત્રણ લોકો જ કુટુંબ, માં હતા. તેના પિતાજી તો ઘણા સમય થી ગુજરી ગાય હતા , મોટીબહેન ના લગ્ન તેના ગામની બાજુ માં જ નાના ગામ માં થયા હતા .પોતાના ગામડે થોડા વીઘા જમીન અને વારસાગત મકાન હતું .
માં અત્યારે ગામડે રહેતી હતી અને ખેતીવાડી સંભાળતી હતી. દર શની- રવિ કેતન અમદાવાદ થી ત્યાં જતો .અને માં ની ખબર લેતો .
આમ જોવો તો કુટુંબ બહુ નાનું હતું .પૈસે ટકે સુખી સમ્પન અને ભણેલ ગણેલ પણ ખરો, તેથી તે લોકો નેઆ ઠેકાણું સારું લાગ્યું. તે લોકોને બહાર બેસાડી સવિતાબહેન અંદર ગયા.
થોડીવાર માં નુપુર તૈયાર થઇ અને ચા – નાસ્તા સાથે આવી . ફક્ત એક નજર થી તે કેતેન જોઈ રહી. અને અંદર ચાલી ગઈ . થોડીવારમાં પરેશ અંદર આવ્યો અને નુપુરને કેતન વિષે પૂછ્યું નુપુરે સ્પષ્ટ શબ્દો માં કહ્યું મારે તેમની સાથે વાત કરવી છે હું પછી જ કઈ પણ કહીશ. પરેશ થોડીવાર બાદ ચા નાસ્તા ની ટ્રે લઈને કિચનમાં આવ્યો તેને મામી સવિતાબહેન ને બોલાવી ને કહ્યું કે તમને છોકરો કેવો લાગ્યો ?જો તમે વડીલો હા પાડો તો જ હું તેની વાત આપણી નુપુર સાથે કરાવું ! તમે મામાને અંદર બોલાવી ને આ બાબત ની રજા લઇ લો. સવિતાબેન થોડા ડરતા ડરતા અમુ ભાઈ ને કહેવા લાગ્યા, જુઓ જમાના પ્રમાણે છોકરો ભણેલો છે ,તેથી તે આપણી નુપુર સાથે વાત કરવા માંગે છે .જો તમે હા પાડો તો હું આગળ વધુ, પરેશ મને કહીને ગયો કે તે વાત તો કરશે જ. થોડીવાર વિચર્યા બાદ અમુભાઈ કચવાતા મને હા બોલ્યા, અને નુપુર ની કેતન સાથે ની પહેલી મીટીંગ ગોઠવાઈ ગઈ.
(ક્રમશ)
લેખિકા: અલ્પા પંડ્યા દેસાઈ