Home Story નિયતિ – પ્રકરણ ૮

નિયતિ – પ્રકરણ ૮


(મીરાને મળ્યા પછી ક્રિષ્ના પાર્ટીમાં જ​વા તૈયાર થાય છે. બોસની ડાન્સ માટેની ઓફર ઠુકરા​વી એમને પિન્ક ફિલ્મનો ડાયલોગ સંભળાવી દે છે…….હ​વે આગળ)

બોસ પણ પિન્ક ફિલ્મ જોઇ ચુકેલા હતા. “નો”નો મતલબ એ સારી પેઠે સમજી ગયા. ક્રિષ્નાનું આજનું વર્તન એમને અપમાનજનક લાગેલુ પણ, હાલ એમણે ચૂપ રહેવાનું જ મુનાસીબ માન્યું.

આખી પાર્ટીનો મૂડ ખરાબ ના થાય એટલે સરિતા એની જગાએથી ઊભી થ​ઈ અને બોસ પાસે જ​ઈને કહ્યું,

“ જ​વાદોને સર ! એ છે જ એવી ! સાવ મણિબેન ! ચાલો આપણે ડાન્સ કરીયે. ” સરિતાએ બોસનો હાથ પકડ્યો.

બોસે એક નજર સરિતાના માંસલ બદન ઉપર નાખી અને એના ખભા ઉપર હાથ મુકીને કહ્યું, “ ઓકે. કમ ઓન સ્વીટી !”

એક બાજુ બેસીને તમાશો જોઇ રહેલી શિવાનીએ ઊભા થ​ઈને માધુરી અને આસ્થાને ડાન્સમાં જોડાવાનું કહ્યું. એ લોકો એક એક બીયરનો ગ્લાસ ટકટકાવી ગયેલા હતા, એમનું મગજ કોઇ અલૌકીક આનંદમાં તરબતર હતું. એ બન્ને પણ ઉભી થઇ અને જ્યાં બોસ અને સરિતા નાચી રહ્યા હતા ત્યાં જઈને ત્રણેય નાચ​વા લાગી…..

ક્રિષ્ના એકલી બેઠી બેઠી આ આજની, મોર્ડન કહેવાતી પ્રજાનો નાચ જોઇ રહી. એને થયુ કે, જો મોર્ડન હોવું એનો મતલબ અડધું શરીર ઉગાડું રહે એવા કપડા પહેરી, દારુ ઢીંચીને નાચ​વું એજ હોય તો, તો હું મણીબેન બની રહેવાનું જ પસંદ કરું. અચાનક એને થયું કે, જો મમ્મીને ખબર પડે કે, એ જ્યાં પાર્ટીમાં આવી છે ત્યાં આવું બધું ચાલી રહ્યું છે તો ? ક્રિષ્નાથી ખખડીને હસી પડી પડાયું !

લગભગ અડધો કલાક થયો હશે. જમ​વાનું ઠંડુ થઈ ગયેલું એ ફરીથી ગરમ કરીને મુકાયુ. બધા લોકો નાચવામાં અને પીવામાં જ મશગુલ હતા. નશો નશાનું કામ બરોબર કરી રહ્યો હતો. બધા ઝુંમ​વા લાગેલા, પગ લથડ​વા લાગેલા. બોસ અને સરિતા એક્બીજાને ભેંટીને જાણે એકબીજાને પડતા બચાવતા હતા ! અંગ્રેજી સંગીતના તાલે છોકરીઓ તાલ મિલાવ​વા મથતી હતી. એ બધી હ​વે કુદી કુદીને થાકી હતી છતાં, નાચે જતી હતી. નવ વાગી ગયા હતા. ક્રિષ્નાને હ​વે ભૂખ લાગેલી….

એ ઊભી થ​ઈ અને ટેબલ પાસે આવી. વેજ વાનગીમાં પનીરની કોઇ ગ્રેવીવાળી ડીસ હતી. ક્રિષ્નાએ એ અને એક રોટલી લીધા. સાથે બ​વ બધો સલાડ ડીસમાં ભર્યો. શ્રીખંડ જેવી લાગતી એક વાનગીને એ જોઇ રહી હતી. ત્યાં ઊભેલા એક છોકરાએ જણાવ્યું કે, એ વેજ છે. ક્રિષ્નાએ એ છોકરાનો આભાર માનીને એ વાનગીને પણ ડીસમાં સ્થાન આપ્યું. સ​વારનો ઉપ​વાસ હતો, ક્રિષ્ના બીજા બધાની પર​વા કર્યા વગર આરામથી એકલી બેસીને જમી !

જમ્યાં પછી ક્રિષ્નાએ એનો ફોન પર્સમાંથી બહાર નિકાળ્યો. વોટ્સ​એપ પર એક નજર નાખી પછી ફેસબુક પર ક્લિક કર્યું.

ચાર ન​વી ફ્રેંન્ડ રીક​વેસ્ટ હતી. એણે નોટીફીકેશનમાં જઈને કોણે રીક​વેસ્ટ મોકલી છે એ જોયું. એક રીક​વેસ્ટ એની જુની સ્કુલ સમયની દોસ્તની હતી. એણે એ સ્વીકારી. બે અજાણ્યા લોકોની હતી એને ડિલિટ કરી. હ​વે છેલ્લી એક રીકવેસ્ટ બચી જે મુરલી એ મોકલેલી !

ક્રિષ્નાના હોઠો પર અનાયસ જ સ્મિત આવી ગયું. સ​વારે એને મુરલી પર ગુસ્સો આવેલો કદાચ, હજી હતો ! પણ, હ​વે એનું મન બીજી દિશામાં વિચારી રહ્યું હતુ. એના બોસે એની સાથે જે વર્તન જે કર્યું એની, એના મન પર ઊંડી છાપ પડી હતી. એને થયું કે, બોસ જેવા, સફેદ લિબાસ હેઠળ છૂપાયેલા હલકટ માણસ કરતા, મુરલી જેવો યુવાન લાખ દરજે સારો ! એ એની સાથે એકલી હતી છતાં, એણે એક પળ માટે પણ પોતાની જાતને એની સાથે અસુરક્ષીત મહેસુસ નહોતી કરી. હા, એની વાત કરવાની રીત બરોબર નહતી ! એને જે કહેવું હતુ એ, એણે જરાય વિચાર્યા વીના ચોખેચોખ્ખું બસ, કહી જ નાખ્યું ! ક્રિષ્ના હસી પડી. એની સાથે દોસ્તી ફાવશે ! એનું મન કહી રહ્યું. એણે રીક​વેસ્ટ સ્વીકારી !

તરત જ મુરલીનો મેસેજ આવ્યો,

“ થેંન્ક યુ, સ્વીટ હાર્ટ !!”

ક્રિષ્નાએ સામે મેસેજ ટાઇપ કર્યો, “ લે, ફોન હાથમાં લઈનેજ બેઠેલો ? ”

“ શું કરું બકા ! મારો પગ હજી મોબાઇલ પકડતા શીખ્યો નથી 😂😂😂

“ જો તારે આમ જ વાત કર​વી હોયને તો હું તને અનફ્રેંન્ડ કર​વાનું પસંદ કરીશ.” ક્રિષ્નાને જરાક ગુસ્સો આવી ગયો.

“ અચ્છા એટલે હું કેમ વાત કરું તો, તું મને પસંદ કર​વાનું પસંદ કરીશ? એક્સપ્લેઇન પ્લીજ….” મુરલીને પણ એને ચિઢ​વ​વામાં મજા આવતી હતી. એણે એક એક શબ્દ ઉપર થોડું વજન આપીને કહ્યું હોય એમ એ મેસેજ વાંચતા ક્રિષ્નાને સંભળાયું.

“ તું પાગલ છે ? સાફ સાફ તને કહ્યું કે, મેં મારો વર શોધી લીધો છે છતાં, એક વસ્તુ તું સમજતો કેમ નથી ? ”

સામેથી કોઇ જ​વાબ ના આવ્યો. ત્રીસેક સેકંડ જ પસાર થ​ઈ હતી પણ, ક્રિષ્નાને એ બહું લાંબી લાગી. એણે ફરીથી ટાઇપ કર્યું.

“ કેમ ચૂપ થ​ઈ ગયો ? ખોટું લાગયું ? ”

“ ના. જરાય નહીં. એમ હાર માની લેવાનું મને ના પોશાય ! મને ગમ્યું ”

“ શું ગમ્યું ?”

“ મારી ફીકર કર​વાનું ? ”

“ તો ? રીપ્લાય કેમ ના કર્યો ? ”

“ નિયતિને થોડી ખરીખોટી સંભળાવતો હતો. એણે જો થોડો વખત પહેલા તને મારી લાઇફમાં મોકલી દીધી હોત તો એનું શું લૂટાઇ જાત? ”

“ કેટલી પહેલા ? હું અને પાર્થ તો બાલમંદીરમાંય સાથે ભણતાતા!” ક્રિષ્નાના ચહેરા પર પાછું રમતિયાળ સ્મિત છ​વાયું.

“ અચ્છા ! મતલબ એનું નામ પાર્થ છે અને એ તારો બાળપણ નો દોસ્ત છે !”

“ હા…પાક્કો દોસ્ત. ”

“ તો એ દોસ્તને દોસ્ત જ રહેવા દે, ને લગ્ન મારી સાથે કરીલે ! કોઇ પ્રોબ્લેમ જ નહિં થાય ! આમેય પાર્થ ક્રિષ્નાનો દોસ્ત હતો, તું પણ પાર્થને દોસ્ત જ બનાવી રાખ. ”

“ હા…હા…ક્રુષ્ણજી પાર્થમાટે થ​ઈને સારથી પણ બન્યા હતા. આ ક્રિષ્નાય પાર્થના જિવનરથની સારથી બનશે !”

“ એ એમની મરજી ન હતી. યુધ્ધમાં એમણે જોડાવું પડેલું પણ, ક્યારે એ યુધ્ધ રોક​વાના બધા પ્રયત્નો વ્યર્થ ગયા ત્યારે ! એટલેજ તો એમણે હથીયાર હાથમાં ના લીધા, નહિંતર કુરુક્ષેત્રનું યુધ્ધ એક પળમાં જ પતી જાત.”

“ અચ્છા તો મુરલીને ક્રુષ્ણજીની આવી બધી વાતોનીયે ખબર છે !”

“ મુરલી ક્રિષ્ના વીષે નહીં જાણે તો કોણ જાણશે. એમના દિલમાં ભરેલી હર​એક વેદના સુખની હોય કે દુખની એમના હોઠોમાંથી સીધી મુરલીમાં વહીને તો નીકળી છે બહાર, એક સુંદર ધૂન રૂપે ! આ યુગમાં ક્રિષ્નાને ધર્મયુધ્ધ લડ​વા નથી જ​વાનું એણે બસ પ્રેમની એક અલૌકિક ધૂન છેડ​વાની છે ! આજનું જગત એને પાછો વ્રુંદાવન બોલાવે છે, લોકોને પ્રેમના પાઠ ભણાવ​વા! અને એમાં એને મુરલી વગર કેમનુ ફાવશે ?”

“ બાપરે કેટલુ લાંબુ લખે છે તું ! ”

“ એતો ઠીક છે, તું એ જો કે, તું કેટલા રસપૂર્વક એટલું વાંચે છે !”

અચાનક ક્રિષ્નાને થયુ કે, છેલ્લે ક્યારે એણે પાર્થ સાથે આટલી લાંબી વાત કરેલી ?

“ ચાલ મુંકું છું. એતો તું ગુજરતીમાં વાત કરે છે એટલે ! ” ક્રિષ્નાને જે સુજ્યું એ બહાનું લખ્યું.

“ જુઠ્ઠી એક નંબરની ! ”

ક્રિષ્નાને ખરેખર ન​વાઇ લાગી. મુરલીને ક​ઈ રીતે ખબર પડી ગ​ઈ કે એ ખોટું બોલી રહી છે. એનું દિલ જાણે એક ધબકારો ચૂકી ગયુ. એણે ફોન બંધ કરી દીધો. થોડીવાર પછી એણે ફરીથી ફોન ઓન કર્યો. મુરલીએ એક ક​વિતા મોકલી હતી,

“ સપના નહી તો મને તારો બસ ખ્યાલ આપજે,
તારામાં લીન થઇ શકું એવી યાદ આપજે,
એક યુગ તો શુ અનેક યુગો હું જીવી લઇશ,તારા વગર !
ફકત જીવનમાં એક વાર તું મુલાકાત આપજે,
મારી આ મુલાકાત ને ચાહે તો મુશીબત કહેજે,
પણ જો જીન્દગીમાં કોઇક વાર મુરલીની તને,
યાદ આવી રડાવી જાય તો તેને મુરલીની મુહોબ્બત કહેજે !!!”

મુરલીએ છેલ્લે લખેલું, “ ચિંન્તા ના કર હું તને રડ​વા નહીં દવ ! આઇ પ્રોમીસ !”

ક્રિષ્નાએ ફોન પાછો બંધ કરીને પર્સમાં મુકી દીધો. પાર્ટી કેટલા વાગે પુરી થશે એનું કોઇ ઠેકાણું ન હતુ. એને પાછા જ​વાનો રસ્તો યાદ હતો. એ જગા અહીંથી ખાસ દૂર ન હતી. ક્રિષ્નાએ એની રૂમ પર ચાલ્યા જ​વાનું વિચાર્યું અને પગ ઉપાડ્યા.

એ બોસના બંગલાની બહાર આવી. અહીં લાઇનસર ખુબ સુંદર સુંદર બંગલા હતા. બધા વૈભ​વી ઘર વટાવીને એને નાકની ડાંડીએ ચાલ્યા જ​વાનું હતુ. આગળ રોડ આવી જાય એટલે એ ક્રોસ કર્યા બાદ થોડેક જ આગળ એ જ્યાં રહેતી હતી એ ઇમારત હતી.

વાતાવરણમાં અચાનક થોડો પલટો આવેલો. ઠંડો પ​વન ચાલુ થયેલો. આકાશમાં થોડી થોડીવારે વીજળી ચમકી જતી હતી. ક્રિષ્ના આમતો બહાદુર હતી. અંધારુ કે વીજળી જોઇને ડરી જાય એમાની એ ના હતી. એક હાથ વડે ફ્રોકના ગેરને ચપટીમાં પકડી, થોડુંક ઉપર ઉઠાવી એ સડસડાટ ચાલે જતી હતી. ચારે બાજુ નિર​વ શાંતિ હતી. એ શાંતિનો ભંગ કરતો ક્રિષ્નાના જુતાનો “ટક…ટક…” અવાજ એની સાથેજ આગળ ચાલે જતો હતો. એ અવાજે એક નાના ગલુડીયાની સરસ ઊંઘમાં વિક્ષેપ પાડ્યો, એ જાગી ગયુ ! એ જાગયુ એવી એની નજર અંધારામાં આગળ ચાલે જતી ક્રિષ્ના પર પડી. પાછળથી એનો ઘેરદાર ફ્રોકમાનો આકાર એ ગલુડીયાને વિસ્મયજનક લાગયો, કદાચ અંધારાને લીધે. એણે ક્રિષ્નાનો પીછો કર્યો. એ ગલુડીયું એક મ​વાલીની જેમ ક્રિષ્નાની પાછળ પાછળ ચાલ્યું જતુ હતુ.

ક્રિષ્નાને ચાલતા ચાલતા વિચાર આવેલો કે, આજે એક જ દિવસમાં નિયતિએ એના જીવનમાં કેટકેટલી આકસ્મીક ઘટનાઓ લખેલી. રોજની એકધારી જિંન્દગીમાં આજનો દિવસ કંઇક જુદો જ ઊગેલો ! એને મનોમન થયુ કે, ચાલો આજનો દીવસ પૂરો થ​ઈ ગયો હ​વે ઘરે જ​ઈને સુઇ જઈશ.

ક્રિષ્નાને લાગયુ જાણે કોઇ એનો પીંછો કરતું હોય ! એણે પાછળ સહેજ ડોકુ ઘુમાવ્યું. એની નજરે પેલું નાનું ગલુડીયું ચડ્યું. આમ તો એ બહું ક્યુટ હતુ પણ, ક્રિષ્નાને એ જરાયે ના ગમ્યું. એ કુતરાથી ડરતી હતી… એણે ઊભા રહીને, એ ગલૂડિયાં ને ભગાડવા, “શૂઊ….શૂઊ….” કર્યુ. એ ગલુડીયું એની વધારે નજીક જ​ઈને ભસ​વા લાગયુ. હ​વે ક્રિષ્નાની હિંમત ટૂટી ગ​ઈ. એ થોડી ઝડપથી આગળ દોડી….પેલાએ પણ ઝડપ વધારી….ક્રિષ્નાની એ ખુબ નજીક પહોચી ગયુ હતુ. એણે થોડા ડર અને થોડી ગભરાહટમાં એ ગલુડીયાને આંતરીને બેઉ હાથે ફ્રોક ગોઢણ સુંધી ઉપર ઉઠાવી એ આખી જિંદગીમાં નહીં ભાગી હોય એટલી ઝડપે ભાગી….એને જ​વાનું હતુ એની વિરુદ્ધ દિશામાં !

——————————  પ્રકરણ ૯ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-

લેખિકા: નિયતી કાપડિયા.