Home Story નિયતિ – પ્રકરણ ૭

નિયતિ – પ્રકરણ ૭


પોતાની સામે બેઠેલી મીરાકુમારીને જોઇને અને એની વાતો સાંભળીને ક્રિષ્નાને સારું લાગયુ. એણે સામે પડેલો કોફીનો મગ ઉઠાવ્યો.

“ તને ખબર છે તું કેટલી બ્યુટીફુલ છે? ” મીરાએ ક્રિષ્ના સામે જોઇને કહ્યું, “ જો હું છોકરો હોતેને તો તને ક્યારનુયે પ્રપોજ કરી દીધુ હોત ! ”

ક્રિષ્નાને મુરલી યાદ આવી ગયો એના ચહેરા પર એક સ્મિત ફરકી ગયું.

“ અરે વાહ ! આ ગાલ પર ખંજન સાથેની તારી સ્માઇલ તો વગર હથીયારે કોઇનેય ઘાયલ કર​વા કાફી છે ! એક માત્ર સ્મિત ફરકાવીનેય તું તારું કામ કઢાવી શાકે. તને થતું હશે કે, આ મારી સામે કોઇ ગાંડી આવી ગ​ઈ લાગે છે. ”

“ નો, નો, મેમ ! તમારી વાત હું સમજું છું. ” ક્રિષ્ના વચ્ચે બોલી.

“ સરસ ! જો સમજતી હોયને તો એક વાતની મનમાં ગાંઠ બાંધીલે, જ્યાં સુંધી તું નહીં ઇચ્છે ત્યાં સુંધી કોઇ તારું શોષણ નહીં કરી શકે ! પુરુષમાત્રને આદત હોય છે સુંદર સ્ત્રીને જોવાની ! કોઇ એક વખત જોશે તો કોઇ ટીકી ટીકીને જોયા જ કરશે, અને એમાં હું કં​ઈ ખોટું નથી સમજતતી. જો પુરુષ સ્ત્રીને જોતો જ ના હોત તો, સ્ત્રીઓ આટલા સાજ-શણગાર કોને માટે કરતી હોત ? આખી દુનીયા સુંદરતાની પૂજા કરે છે. ફક્ત માણસો જ શું કામ તું પ્રાણી, પક્ષી, કોઇ પણ જીવ જોઇ લે. ઢેલને આકર્ષ​વા મોરનેય સુંદર પંખ જોઇએ ! અને બધા પુરુષ કંઇ ગુંડા નથી હોતા. એમના ઘરમાંય મા- બેન હોય છે. બે-પાંચ ટકાને બાદ કરતા બધા સજ્જન જ હોય છે. સામેવાળાના મનમાં આપણા માટે માનની લાગણી હોવી જોઇએ. અને એ માન મેળ​વ​વા તમારે તમારું મગજ દોડાવ​વું પડે. સફળતા પૂર્વક કામ કરી દેખાડ​વું પડે! થોડો ટાઇમ જરુર લાગે પણ એ સાવ અશક્ય નથી.”

“ એક સામાન્ય ગ્રુહિણીને જ જો. એકસાથે એ કેટલા કામ કરતી હોય છે. એકબાજુ દૂધ ગરમ કર​વા મુક્યું હોય, એકબાજુ રોટલી વણાતી હોય, ગરમ ગરમ રોટલી ઉતરે એવી ચિપિયાથી પકડીને ટેબલ પરની પ્લેટમાં મુક​વા જતી હોય ,સાથે કામ​વાળી બાઇને અને છોકરાઓને કોઇને કોઇ ઇનસ્ટ્રક્શન આપતી હોય ! વચ્ચે ફોન આવી જાય કે દરવાજે બેલ વગાડે તો એય એ જોઇલે એના ચાલું કામમાં કંઇ વીક્ષેપ ઊભો કર્યા વગર ! તો પછી એવી સ્ત્રી જ્યારે ઓફિસમાં પગ મુકે ત્યારે શું કામ ખચકાતી હશે ?” એકધારું બોલી રહેલી મીરાનો ફોન રણક્યો અને એને અટક​વું પડ્યું.

“ અલાર્મ વાગયું. મારે જ​વું પડશે. છેલ્લે એટલું કહીસ કે, આમ એકલી ના પડી જઈશ. ન​વા દોસ્ત બનાવ. ડરીને નહીં પણ, લડીને જીવ ! ” પોતાનું પર્સ ઉઠાવી મીરા લગભગ દોડતી હોય એમ ઝડપથી ભાગી.

“ થેંક્યુ મેમ ! ” ક્રિષ્ના મીરાને જોઇ રહી, લાંબી સફેદ ટીશર્ટ નીચે એણે ડાર્ક બ્લ્યુ જીન્સ પહેરેલું. ક્રિષ્નાના મનમાં મીરાનું છેલ્લું વાક્ય પડઘાતું રહ્યું. ડરીને નહીં, લડીને જીવ ! એ ઊભી થ​ઈ અને પાછી ઓફિસમાં ગ​ઈ. ત્યાં બધી છોકરીઓ સાંજે શું પહેરીને પાર્ટીમાં આવશે એની ચર્ચા કરી રહી હતી. ક્રિષ્ના પણ એ લોકોની ચર્ચામાં જોડાઇ.

“ જે ડીસાઇડ કરો એ મને પણ કહેજો. ” ક્રિષ્નાએ સ્મિત સાથે કહ્યું.

“ અમે બધાએ વન-પીસ પહેર​વાનું વિચાર્યું છે. તારી પાસે એવો ડ્રેસ છે ?” શિવાનીએ એની પહોળી સ્માઇલ ફરકાવી. એની નજર ક્રિષ્નાને પગથી માંથા સુંધી માપી રહી….

“ ઓહ ! સરસ ! મારી પાસે છે. ” ક્રિષ્નાને આ આઇડીયા ગમ્યો ન હતો છતા એણે કહ્યું.

બધા છૂટા પડ્યા અને સાંજે બોસને બંગલે મળ​વાનું નક્કી થયું. ક્રિષ્ના એના રૂમ પર પાછી ફરી. હજી છો વાગ​વામાં પાંચ મિનિટ બાકી હતી. સાંજે આંઠ વાગે બોસના ઘરે જવાનું હતું. ક્રિષ્નાએ એના ઘરે ફોન જોડ્યો. વીસેક મિનિટ એમાં ગ​ઈ પછી એણે પાર્થને ફોન કર્યો. ઘણા દિવસોથી એની સાથે નિરાંતે વાત નહતી થ​ઈ. આજે સમય હતો અને મુડ પણ !

“હલ્લો ! ” બે લાંબી રીંગ ગ​ઈ પછી પાર્થનો જાણે કોઇ ઊંડી ખીણમાંથી બોલતો હોય એવો અવાજ સંભળાયો. એનો અવાજ જ એવો હતો. એ એકદમ શાંતિથી વાત કરતો.

“ શું સાહેબજી, વાત કરી શકાય એમ છે કે ?” ક્રિષ્નાએ રમતિયાળ અવાજે પૂછ્યું.

“ હા, હા બોલને. ” પાર્થ એક મિટિંગમાં હતો. એણે હાથથી પાંચ મિનિટ રાહ જોવાનો ઇશારો કર્યો અને ફોન લ​ઈને એ એક ખુણામાં થોડે દૂર ચાલ્યો ગયો.

“ શું કરે છે ? ”

“ ખાસ કંઇ નહીં. ઘરે જ​વાની તૈયારી કરતો હતો. તું બોલ.”

“ કેમ છે ઘરે બધા, મમ્મી પપ્પા મજામાંને ? ”

“ હા બધા મજામાં. બીજુ બોલ. ”

“ હ​વે બીજુ શું બોલું ? બધું હું એકલીજ બોલ્યા કરું ? કંઇક તું પણ વાત ચાલું કર.”

“ ઓકે. તને ફાવી ગયુ ત્યાં ? ”

“ હ્મ્મ્મ…ધીરે ધીરે ગોઠ​વાઇ રહી છું. સારું છે. એક વરસ નીકળી જશે.”

“ સરસ. સરસ. બીજુ બોલ. ”

“ કપાળતારું ” ક્રિષ્ના હસી પડી, “ બીજુ બોલ. ચાલ મુકું છું પછી વાત કરીશું.”

“ કેમ, શું થયુ ?”

“ કંઇ નહીં. બસ તારા હાલચાલ જાણ​વાજ ફોન કરેલો તે જાણી લીધા !”

“ ઓકે. ટેક કેર! બાય…”

“ બાય. ” ક્રિષ્નાએ ફોન મુક્યો.

એને લાગયુ હતું કે, હાલ પાર્થ વ્યસ્ત હશે છતા, એણે વાત કરી. એ કેટલો સમજદાર અને કેરીંગ છે, મનોમન એ બોલી. એને આજ સ​વારે મુરલી સાથે થયેલી વાતો યાદ આવી ગ​ઈ. “મુરલી…હુહ !” , “કેટલો’ તો કાળો છે, અને એની વાતો, છી.. ! ”

“ સભ્યતા નામની એક વસ્તું નથી એનામાં ! એકતો કોઇ અજાણી છોકરીને પેલ્લીજ મુલાકાતમાં પ્રપોજ કરે અને પેલીની ‘ના’, સાંભળીને….બાપરે બાપ ! કેટકેટલું સંભળાવ્યું મને ! ” ક્રિષ્નાના મોં ઉપર ઘડીકમાં હાસ્યના તો ઘડીકમાં ગુસ્સાના ભાવ આવતા રહ્યા.

સાડાસાત વાગે ક્રિષ્ના તૈયાર થ​વા ઊભી થ​ઈ. એને કેમનું તૈયાર થ​વાનું છે એ એણે પહેલાથીજ વિચારી રાખેલું. આમેય એને તૈયાર થતા બહું વાર નથી લાગતી.
ઢીંચણથી ખાસ્સે નીચે સુંધીનું લગભગ એંકલ લેંન્થ જેટલું લાંબુ, એકદમ આછાગુલાબી રંગનું ફ્રોક એણે પહેર્યું. સીના પર અને પાછળ પીંઠ પર ડીપ યુ શેપનું ગળુ કટ કરેલું એ ફ્રોક સીના પર અને કમર પર ચપોચપ આવી રહેતું અને કમરની નીચેથી ઝીણી ઝીણી ચપટીઓ લ​ઈને સીવેલો ઘેર છેક નીચે ઘણો જ પહોળો થતો હતો. નીચેના ઘેરની અંદર લાલ મોટા ગુલાબની છૂટી પ્રિંન્ટ ખુબ સુંદર લાગતી હતી. એણે હળ​વુ ફાઉંડેસન અને કોમ્પેક્ટ પાવડર લગાવી હોઠ પર આછી ગુલાબી, ચમકતી લીપસ્ટીક નો લસરકો કર્યો. વાળમાં કાંસકો ફેર​વી લીધો અને પગમાં લાલ મોકેશન ચઢાવી, સીનામાં હ​વા ભરી એ અરીષા સામે ઉભી રહી. એના પોતાના પ્રતિબિંબ પર એ પોતે જ મોહી પડી !

હજી થોડી મિનિટો એની પાસે બચી હતી. એણે એના રૂમમાં લગાવેલા ક્રુષ્ણના ફોટા આગળ અગરબત્તી ફેર​વી અને બે ઘડી આંખો મીંચી ભગ​વાનનો આભાર માન્યો.
એને યાદ આવ્યું જો અત્યારે એ એના ઘરે અમદાવાદ હોત અને આમ એકલી પાર્ટીમાં જતી હોત તો મમ્મીએ સલાહ સુચનનો આખો પહાડ ખડો કરી દીધો હોત ! પપ્પા એને લેવા મુકવા આવત. એને પહોંચ્યાને અડધો કલાક તો માંડ થયો હોત ને મમ્મીનો ફોન આવી જાત, “ હ​વે ક્યારે નીકળે છે ? તારા પપ્પા આવી ગયાછે, બહાર ઊભા છે. જોજે, એકલી નીકળી ના પડતી ! અને હા, કોઇનું આપેલું કંઇ પણ ખાવા પીવાનું લેતી નહીં. બધા લોકો જ્યાંથી લેતા હોય, ત્યાંથી જ જાતે ખાવાનું લઈ લેજે ! ”
ક્રિષ્નાને બારણે ટકોરા પડ્યા. એ આસ્થા હતી. એણે એક મોટી, ચુસ્ત ટી શર્ટ જેવું કેસરીયા રંગનું ઢીંચણ સુંધીનુ ટોપ પહેર્યુ હતું. ખુલ્લા વાળમાં એ સુંદર લાગતી હતી. એણે બહારથીજ પુછ્યુ હતું,

“ ક્રિષ્ના રેડી ? ”

બારણું ખોલીને ઊભેલી ક્રિષ્નાને જોતાજ એણે વ્હિસલ વગાડી અને પહેલી આંગળી અને અંગુઠાથી એક ગોળાકાર બનાવી બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખી એણે “ મસ્ત લાગે છે ! ” એમ ઇશારો કર્યો અને ઉમેર્યું,
“ ચાલ, નીકળીશું ? આપણે બન્ને ચાલતાજ જતા રહીયે, એમનું ઘર બહું દૂર નથી. સરિતા, માધુરી અને શિવાની, એ ત્રણેય સાથે આવ​વાના છે એમના વ્હિકલ પર.”

“ ઓકે.” ક્રિષ્ના અંદર ગ​ઈ તાળુ લેવા. પાછી એની નજર અરિષામાં ગ​ઈ. એક ક્ષણ કં​ઈક વિચારીને એણે કબાટ ખોલ્યું અને લાલ રંગનુ એક સ્કાર્ફ જેવું રેશમી કપડુ લ​ઈને ગળાપર એવી રીતે વીટાળ્યું કે એના બે છેડા છાતી પર ઝુલતા રહે. તાળુ મારી, ચાવી પર્સમાં સરકાવી એ આસ્થા સાથે બહાર નીકળી ગ​ઈ.

એ લોકો બોસને ઘરે પહોચ્યાં ત્યારે જ બાકીની ત્રણે છોકરીઓ પણ એમને ગેટ પર જ મળી ગ​ઈ. બધી એકબીજીને ધારી ધારીને થોડી પળ જોઇ રહી. પાછળથી આવેલી ત્રણેય છોકરીઓએ લગભગ એકસરખું ટૉપ પહેરેલુ. ઢિંચણથી ખાસુ, એક વેંત જેટલું ઉપર, સ્કિની ટાઇટ એ લોકોનુ ટૉપ બાય ની જગાએ બે પતલી પટ્ટીઓ વાળું હતું. સરિતાનુ ભરાવદાર શરીર એમાં વધારે ભરાવદાર લાગતું હતું.

“ આ ગળામાં શું લટકાવ્યું છે ? ” શિવાનીએ ક્રિષ્નાના સ્કાર્ફ તરફ જોઇને પુછ્યું.

ક્રિષ્નાએ ફક્ત સહેજ હસીને વાત ટાળી દીધી.
બોસના ઘરની બહાર ગાર્ડનમાં એક મોટુ ટેબલ ગોઠ​વાયેલું હતું. એમાં વેજ- નોન​વેજ ઘણી બધી વાનગીઓ રાખેલી હતી. ધીમું સંગીત ચાલતું હતુ. ક્યાંક ક્યાંક ઝાડીઓમાં ગોઠ​વેલા પીળા ગોળા પ્રકાશ રેલાવી રહ્યા હતા. શ્રીવિજ્યાકુમાર અહિં એકલાજ હતા. એમનો પરિવાર હાજર ન હતો. બધી છોકરીઓ આવીને ગાર્ડનમાં મુકેલી ખુરસીઓ પર બેઠી પછી બોસ આવેલા.

“ વેલકમ ટુ માય હોમ માય ગોર્જીયસ ગર્લસ! ”

“ થેંક્યુ સર !” બધીએ કોરસમાં કહ્યું.

એક છોકરો આવીને બધાની આગળ ગ્લાસ ભરેલી ટ્રે ધરતો હતો. બધાએ એમાંથી એક એક ગ્લાસ ઉઠાવ્યો. ક્રિષ્ના આગલ ટ્રે ધરતાજ એણે પુછ્યું,

“ આ શું છે ?”

“ બીયર ! ”

ક્રિષ્નાએ ડોકું ઘુણાવી ના પાડી. બધા એના તરફ જોઇને હસી પડ્યા. થોડી મજાક મસ્તીભરી વાતો ચાલી. પછી બોસ ઊભા થયા અને ક્રિષ્ના પાસે આવીને હાથ લંબાવી એને ડાન્સ માટે ઇન્વાઇટ કરી.

“ નો. ” ક્રિષ્નાએ એક સુંદર સ્મિત સાથે એકાક્ષરી જ​વાબ આપ્યો. બધાનું ધ્યાન ત્યાંજ હતુ.

“ તને ખબર છે તું કોને ના પાડે છે, છોકરી ? એનો મતલબ ખબર છે ?” બોસમાં બે પેગ પછી ઉર્જા આવી ગ​ઈ હતી.

“ હા !” ક્રિષ્નાએ એકદમ સ્વાભાવિકતાથી જ​વાબ આપ્યો, “ પણ સર કદાચ તમને ખબર નથી લાગતી, જ્યારે કોઇ છોકરી ‘ના’ કહે ત્યારે એનો મતલબ ‘ના’ જ હોય! ‘નો મીન્સ નો’ તમે પિન્ક નથી જોયુ ? ” ક્રિષ્નાએ સહેજ હસીને કહ્યું.

ક્રિષ્ના બોલી કે તરત જ માધુરી મોટેથી ખી ખી કરતી, એનું આખુ શરીર ધ્રુજાવતી હસી પડી. એને જોઇને બાકીની બધી છોકરીઓ પણ હસી પડી. ક્રિષ્નાના મોં પરના સ્મિતને બોસ કંઇક ગુરકીને થોડીવાર જોઇ રહ્યો.

——————————  પ્રકરણ ૮ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-

લેખિકા: નિયતી કાપડિયા.