Home Story નિયતિ – પ્રકરણ ૩૨

નિયતિ – પ્રકરણ ૩૨

હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ મુરલી એના રૂમમાં ગયેલો. ક્રિષ્ના અને એનો રૂમ હવે પાછો એના એકલાનો રૂમ બની ગયો. બાથરૂમમાં જઈને નહાઈને એ બહાર આવ્યો ત્યારે એને લાગ્યું જાણે, ક્રિષ્નાનું શરીર હજી અહીં જ હતું પલંગ પર પડેલું….સંચાર વગરનું ! એના ચહેરા પર સંપૂર્ણ શાંતિ હતી. જાણે ઊંડી નિદ્રામાં લીન હોય !

“ તું મને છેતરીને ચાલી ગઈ ને ! તારે આઈસ્ક્રીમ નહતો ખાવો, મને બહાર મોકલવા જ જુઠ્ઠું કહેલું ! મારી હાજરીમાં હું તને મરવા ન દેત, યમદૂત સામે મને હારતો તું જોઈ ના શકત ! ” મુરલી સહેજ વાંકો વળ્યો અને ક્રિષ્નાના ચહેરા પર ઝૂકી એના કપાળે એક ચૂમી ભરી. ફરીથી એક ચૂમી ભરી કપાળ ઉપર, પછી બંને આંખો પર, ગાલ પર, હોઠ પર અને પછી તરત ઊભો થઈ ગયો. એના હોઠ તકિયાને ચૂમી રહ્યાં હતાં. ક્રિષ્ના હવે ક્યાં હતી! હમણાં જ તો પોતે એના શરીરને એક નાની પોટલીમાં રાખ સ્વરૂપે ભરીને લાવ્યો હતો…! એની નજર રૂમમાં ચારે બાજુ ફરી વળી. બારીપાસે બે દિવાલ જ્યાં એકબીજાને અડતી હતી, ત્યાં પડતા ખૂણામાં વાસુદેવભાઇ બેઠા હતા, જડવત ! એમની આંખો કોરીધાકોર હતી. એમની આસપાસની દરેક ઘટનાથી એ જાણે અલિપ્ત થઈ ગયા હતા !

મુરલીને સધિયારો આપવા જ પોતે અહીં એના રૂમ સુંધી લાંબા થયાં હતાં પણ અહીં આવીને એમને જ ક્રિષ્નાની યાદો ઘેરી વળી. આ ઓરડામાં એમણે ક્રિષ્નાને હંમેશા હસતી જ જોઈ હતી. દીકરીના સાસરામાં, દીકરીનો રૂમ, દીકરી વગરનો કેવો લાગે? મુરલી હજી બાથરૂમમાં હતો એટલે એ ત્યાં ખૂણામાં જ બેસી પડેલા. આટલા દિવસની ખડાપગે કરેલી ચાકરીનો થાક એમને હાલ આ પળે વર્તાઈ રહ્યો હતો. અત્યાર સુંધી એક આશા હતી ક્રિષ્નાને જીવાડવાની હવે એ આશાય મરી ગઈ.

“ પપ્પા !” મુરલી વાસુદેવભાઇ પાસે જઈને, એમના ખભે હાથ મૂકીને કહી રહ્યો, “ ક્રિષ્ના હજી અહીં જ છે…એનું શરીર મૃત્યુ પામ્યું છે એ નહિ ! આપણી યાદોમાં એ હંમેશા જીવતી રહેશે. તમને આમ દુઃખી જોઇ એને પણ દુઃખ થાય. ”

વાસુદેવભાઇ મુરલી સામે જોઈ રહ્યા. એમના મને કહ્યું કે, આ સમયે આવું આશ્વાશન એમણે મુરલીને આપવું જોઈએ એને બદલે એ આ કહી રહ્યો છે ! એમને તો એમ કે મુરલી કાંતો બહુ રડસે, કાંતો સૂનમૂન થઈ થઈ જશે…. ક્રિષ્ના માટેનો એનો પ્રેમ જોતા એને ખૂબ ઊંડો આઘાત લાગવાની પૂરી શક્યતા હતી એને બદલે એ આમ સ્વસ્થતાથી શી રીતે વર્તી શકે ?

“ શું જોઈ રહ્યા છો, પપ્પા ? ”

“ તને આમ સ્વસ્થ જોઈને નવાઈ લાગે છે !”

“ અનુભવ ! અનુભવ માણસને બધું શીખવી દે છે ! જ્યારે ખબર પડી કે ક્રિષ્નાને કેન્સર છે ત્યારથી જ ખબર હતી મોડોવેલો આ દિવસ આવવાનો જ છે ! ક્રિષ્નાએ મને કહેલું કે, એ મને એકલો મૂકીને નહિ જાય ! મારા માટે એ માબાપ મૂકીને જશે સાથે એક નાનકડી ક્રિષ્ના ! એની માતૃત્વ માટેની જીદનું કારણ તમે ના સમજ્યા ? હું એને ના પાડતો હતો, એની તબિયત જોતા. તોય એણે રસ્તો શોધી લીધો. એનું બાળક રોઝીના પેટમાં ઉછેર્યું ! ” મુરલી ઊભો થયો, દૂર પડેલી લાકડાની ઘોડી લાવીને વાસુદેવભાઇની આગળ દીવાલે ઊભી મૂકી, એક હાથે એમને ઊભા કરતા કહ્યું, “ ચાલો આપણી ક્રિષ્નાની એક નિશાની હજી અવતરવાની બાકી છે, રોઝીની તબિયત પૂછતાં આવીએ.”

મુરલી વાસુદેવભાઇ સાથે નીચે આવ્યો. ત્યાં નીચે જશોદાબેન, વાસુદેવભાઇ, ઘરના નોકર, એમનેે ત્યાં ઑફિસમાં કામ કરતા સાત અપંગ છોકરાઓ, લક્ષ્મીબેન, શિવું, મીરા, શિવાની, સરિતા, માધુરી, આસ્થા બધાની આંખો ભીની હતી. બધાએ મુરલીને આશ્વાસન આપ્યું. બધા રડી રહ્યા હતા એક મુરલી જ અજબ સ્વસ્થ હતો. છેક છેલ્લી ઘડી સુધી એણે જે જે કર્યું હતું એ બધું જ એને ફરી ફરી દેખાઈ રહ્યું હતું. ફરીથી એ જાણે સ્મશાનમાં ખડો છે અને સામે ચિતા પર ક્રિષ્ના છે. પોતે એને હજી અગ્નિદાહ આપવાનો બાકી છે, પોતાને હાથે ક્રિષ્નાને અગ્નિદાહ આપતા એ સહેજ ખચકાયો હતો, પછી સહેજ હસીને એણે એ કામ પણ પાર પાડ્યું હતું….ભડ ભડ કરતી સળગી રહેલી ચિતા એની ક્રિષ્નાને બાળી રહી પણ એની યાદોનું શું? અચાનક એ આગની લપટ ઓછી થતી ગઈ, ધીરે ધીરે એ એક નાનકડો દીવો બની ગઈ અને ક્રિષ્નાના ફોટા આગળ ગોઠવાઈ ગઈ. મુરલી એના મનમાંથી સ્મશાનને હટાવીને પાછો ઘરે આવી ગયો જ્યાં બધા ક્રિષ્નાના ફોટા આગળ દીવો ધરીને એની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

રોઝીનાં પતિએ આવીને મુરલીને કહ્યું કે રોઝીને દુખાવો ચાલું થયો છે પોતે એને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છે. જલદીથી જ એ સારા સમાચાર મોકલાવશે અને એના બે કલાક પછી ખરેખર એક સારા સમાચાર આવ્યા. એણે મુરલીને ફોન કરીને જણાવ્યું કે રોઝીને એક દીકરીને જનમ આપ્યો છે, બંને સ્વસ્થ છે.

“ ચાલો, આપણી ક્રિષ્ના આવી ગઈ ! મને ખબર હતી એ લાંબો વખત આપણાથી દુર રહી જ ના શકે !” મુરલી એ સહેજ હસીને વાસુદેવભાઇ અને જશોદાબેનને કહ્યું.,

વાસુદેવભાઇ અને જશોદાબેન બંનેને લાગતું હતું કે મુરલી સ્વસ્થ હોવાનું નાટક કરી રહ્યો છે ! જ્યારે એ નાટકનો અંત આવશે ત્યારે એ ચોધાર આંસુએ રડસે ! એ વખતે એને સહારો આપવા એ બેઉં માણસ એની આસપાસ જ રહેતા. પણ, મુરલીનું જો એ નાટક હોય તો એ નાટક કરતા કરતા આજે ત્રણ વરસ પૂરાં થશે ! એની સ્વસ્થતામાં જરીકે ફરક નથી આવ્યો. હા, ક્રિષ્નાની આજે ત્રીજી પુણ્યતિથિ છે. એની દીકરી અને એ બંને એ દિવસને યાદ કરીને સવારે મંદિર જઈને ભગવાનને પગે લાવી આવ્યા. હવે, બાકીનો આખો દિવસ ખૂબ મસ્તીમાં વિતવાનો હતો, કેમકે આજે નાનકડી ક્રિષ્નપ્રિયાનો જન્મદિવસ પણ હતો.
ઘરે જશોદાબેન અને વાસુદેવભાઇ બહું જ વ્યસ્ત હતા. એમણે સાંજની પાર્ટી માટે બહુ બધા ફુગ્ગા ફુલાવવાના હતાં. એમની લાડલીનો હુકમ હતો. દીકરી ગુમાવ્યા બાદ એમને દિકરાથી પણ સવાયો જમાઈ મળ્યો હતો અને એમની દીકરીની દીકરીને જોઇને તો એમને જાણે ક્રિષ્નાનું બાળપણ ફરીથી જીવવાનો મોકો મળ્યો હતો. ક્રિષ્ના અને ક્રિષ્નપ્રિયા બંનેમાં તલભાર જેટલોય ફરક ન હતો. એનો દેખાવ, એની બોલવા ચાલવાની રીતભાત, એની મસ્તી, એની નાદાની, એનું ભોળપણ, એની પસંદ નાપસંદ બધું જ ક્રિષ્ના જેવું ! ભગવાનની આ લીલા જોઈને બંને વૃધ્ધ હૈયા હરખાઈ જતાં…..આપોઆપ જ એમનું મસ્તક મુરલીધર ના ચરણોમાં જુકી જતું !

મુરલીના “ લવ મોમેન્ટ્સ” એપ પર આજે ક્રિષ્નાનો મેસેજ આવશે. જેની રાહ મુરલી અને એની દીકરી બંને જોઈ રહ્યા છે. વચ્ચે ક્યારેક એમજ કોઈ સંદેશો આવી જાય છે ક્રિષ્નાનો, એણે એના છેલ્લાં દિવસોમાં આજ તો કામ કરેલું ! બહુ બધા વિડિયો મેસેજ રેકોર્ડ કરીને કોઈ કોઈ ભવિષ્યની તારીખે એ મુરલીને મળે એમ એના એપ પર છોડી દીધા છે….

ક્રિષ્નાને ખબર ન હતી કે એની બાળકી ક્યારે આ દુનિયામાં આવશે ? તો પછી એના જનમદિવસે જ એને એની મમ્મીનો મેસેજ કેવી રીતે મળે ?

એનો જવાબ છુપાયેલો છે ક્રિષ્નાની પસંદગીમાં. એણે જ યુવકને એના જીવનસાથી તરીકે પસંદ કરેલો એની બસ એક જ તો ખાસિયત હતી, જેને પ્રેમ કરે એના માટે કંઈ પણ કરી છૂટે ! અશક્ય કે અસંભવ જેવું કંઈ એની સમજમાં જ ક્યાં આવતું હતું…..એના જ ભેજાની કમાલ હતી કે એની દીકરીને એના દરેક જન્મદિને એની મમ્મીનો વિડિયો મેસેજ મળતો ! જૂના વીડિયોમાંથી એક એક એને જોઈતો ટુકડો કાપીને, એને ગોઠવીને એ નવો વિડિયો તૈયાર કરી લેતો ! આખરે સવાલ એની દીકરીની ખુશીનો હતો ! ક્રિષ્નપ્રિયાની ખુશીનો…….

************* સમાપ્ત ************

આ વાર્તા સમાપ્ત કરતાં આજે મને ખૂબ જ ખુશી મહેસૂસ થઇ રહી છે 😊 ! જ્યારે આ વાર્તાનો વિચાર મારા મનમાં આવ્યો ત્યારે હું ઊંટીના જંગલમાં ઊભી હતી. ચારેબાજુની લીલીછમ ઝાડીઓ મને ગીત ગાવા આમંત્રણ આપી રહી હતી…..ખૂબ જ મન થઈ આવેલું કે એક ગીત લલકારી જ દવ પણ, મારાથી થોડાક જ કદમ દૂર ઊભેલી પબ્લીકને જોતા એ વિચાર મનમાં જ દબાવી દીધો…..! મન ! મન એમ આસાનીથી થોડું જ માની જાય છે. મેં જાતે ના ગાયું તો મને દૂર કોઈ છોકરી, મારી જેમ જ જંગલમાં ફરતી, કુદરતના સૌન્દર્યથી અભિભૂત થઈ ગીત ગાતી દેખાઈ ! મેં ઊગતા સૂરજને મારા કેમેરામાં કેદ કર્યો ત્યારે એની ક્લિકનો અવાજ જાણે પેલી અજાણી યુવતીએ પણ સાંભળ્યો અને એ ચમકી ગઈ હોય એવું મને લાગ્યું. મારા પતિદેવની બૂમ મને સંભળાઈ હતી, જરા સંભાળીને… નિયતી ત્યાં નીચે ભીનું છે, લપસી પડીસ ! અને મને પેલી યુવતી લપસી પડવા જેવી થઈ હોય એમ લાગેલું….એને બચાવવા એક યુવાન દોડી આવતો દેખાયો ! એ અજાણ્યો યુવક અને યુવતી બંને મારા મનમાં યાદ રહી ગયા અને રચાઈ ગઈ આ નવલકથા “ નિયતિ ” !!

વાર્તા શરૂ કરતાં પહેલાં ખૂબ મુંઝવણમાં હતી. આવી સાવ સીધી સાદી અને આટલી બધી લાં….બી વાત કોણ વાંચશે ? સૌને ટુંકી અને સસ્પેન્સ વાર્તા વાંચવી ગમે….! આજે સમય કોની પાસે છે, વાંચવાનો ? છતાં, દિલ કહેતું રહ્યું તું તારે લખે જા ! કર્મ કરવાનું ફક્ત તારા હાથમાં છે, તો એના ફળ વિશે અત્યારથી શું કરવા વિચારવું ! નિયતિએ જે નિયત કર્યું હશે એ થશે…..આ વિચાર ઉપરથી મને મારી વાર્તાનું ટાઇટલ મળ્યું !!
બસ, એકવાર લખવાનું ચાલુ કર્યું તે….આજે બત્રીસ પ્રકરણ પૂરા કર્યા ! દરેક પ્રકરણને અંતે ફેસબુક પર નવા દોસ્ત મળતા ગયા….દોસ્તોનું લીસ્ટ વધતું જ ગયું, એવા દોસ્તો જેને ખરેખર વાંચવામાં રસ હોય ! બધાની કૉમેન્ટ, સુજાવ, સૂચન ખૂબ જ રસથી વાંચ્યા અને જવાબ પણ આપ્યા. આપ સૌ મિત્રોનો આટલો સુંદર પ્રતિભાવ ન મળ્યો હોત તો કદાચ “નિયતિ ” આટલી લાંબી ના લખાઈ હોત…..

બસ, એકવાર લખવાનું ચાલુ કર્યું તે….આજે બત્રીસ પ્રકરણ પૂરા કર્યા ! દરેક પ્રકરણને અંતે ફેસબુક પર નવા દોસ્ત મળતા ગયા….દોસ્તોનું લીસ્ટ વધતું જ ગયું, એવા દોસ્તો જેને ખરેખર વાંચવામાં રસ હોય ! બધાની કૉમેન્ટ, સુજાવ, સૂચન ખૂબ જ રસથી વાંચ્યા અને જવાબ પણ આપ્યા. આપ સૌ મિત્રોનો આટલો સુંદર પ્રતિભાવ ન મળ્યો હોત તો કદાચ “નિયતિ ” આટલી લાંબી આના લખાઈ હોત..