Home Uncategorized નિયતિ – પ્રકરણ ૩

નિયતિ – પ્રકરણ ૩


“મુરલી…મુરલી…મુરલીપ્રસાદ…”
ત્રણ અક્ષરનું આ નામ એના શાંત જીવનમાં વાવાજોડું બનીને ત્રાટક​વાનું હતુ એ વાતથી તદ્દન અજાણ ક્રિષ્ના મુરલીને શોધ​વાનો પ્રયત્ન કર​વાની હતી, ને દૂર દૂર ક્યાંક નિયતિ એને જોઇને મલકાઇ રહેલી…..

પ્રકરણ ૩

મનમાં, “મુરલી…મુરલી…” રટતી ક્રિષ્ના પાછી ફરી ત્યારે બધી છોકરીઓ જમીને આવી ગ​ઈ હતી, ફક્ત એનીજ રાહ જોવાઇ રહી હતી.

“લો, આવી ગયા મેડમ!” ક્રિષ્નાને જોતાજ સરિતાના મોંમાંથી શબ્દો સરી પડ્યા.

ક્રિષ્ના કોઇ જ​વાબ આપ​વાનાં મુડમાં ન હતી, એણે ચુપ રહેવાનુ જ પસંદ કર્યું.

બધી છોકરીઓને એમની કંપનીમાં કામ કરતા એક સિનિયર એંજીનિયર, મી. શ્રીનિવાસનના હાથ નીચે કામ શિખવાનું હતું. એ ચાલીસેક વરસના, ઠરેલ અને એમના કામમાં ખુબ જ હોંશિયાર હતા.

“સૌથી પહેલી એક વાત મગજમાં ફીટ કરીલો,” થોડાક સાઉથ ઇન્ડિયન ટચના ઇંગ્લિસમાં એમણે બોલ​વાનું ચાલુ કર્યુ, “તમે તમારી કોલેજમાં જે કંઇ શીખ્યા એ પુસ્તકીયુ જ્ઞાન હતું એ અહિં બહુ કામ નહિં આવે, અહિં તમે જે કંઇ પણ શિખસો એ તમારા માટે એક ન​વો જ અનુભ​વ હશે, જે તમને જીવનભર ઉપયોગી થ​ઈ રહેશેે. અને હાં, કંપનીના નિયમ બધાને એકસરખા લાગુ પડે છે. કોઇએ એક પણ નિયમ તોડ્યો તો એને વચમાંથી જ ઘરભેગા કરી દેવાસે…એક વરસની ટ્રેઇનીંગમાં તમને ગણુ બધું શિખવા મળશે, તમને એમાંથી ઘણું કામનું લાગશે તો ઘણું નક્કામું! છતાં તમને સોંપાયેલો પ્રોજેક્ટ તમારે પુરો કર​વાનો જ છે. તમારી મદદ માટે હું કે મી. વિજ્યાસ્વામી હાજર છીયે, અમે તમને ગાઈડ કરતા રહીશું પણ, આશા રાખીયે કે વરસ પુંરું થતા સુંધીમાં તમે જાતે, કોઇની મદદ વગર તમારો પ્રોજેક્ટ પુરો કરતા થ​ઈ જાઓ. તમને જે કોઇ કાર્ય અપાસે એ તમે કેવી રીતે પાર પાડ્યું એના ઉપરથી તમને પોઈન્ટ્સ આપ​વામાં આવસે. સૌથી વધારે પોઈન્ટ્સ મેળ​વનાર બે છોકરીઓને કંપનીમાં જ જોબ આપ​વામાં આવસે. એમનું વાર્ષીક પેકેજ લાખો રુપિયાનું હશે. અમારી કંપની સારા એમ્પલોયીને કદી જ​વા નથી દેતી એ વાત યાદ રાખજો…અમારી કંપનીની આખા દેશમાં શાખાઓ છે જો તમે તમારું કામ સરસ રીતે પાર પાડતા શિખી જશો તો તમને તમારા જ શહેરમાં કે એની નજીકની આપણી બ્રાંચમાં જોબ ઓફર કરાશે….અહિંથી ટ્રેઈન થ​ઈને ગયેલાને બીજી પણ સારી સારી કંપનીમાંથી જોબ ઓફર આવસે…….”

સાંજના છો વાગયા સુંધી એમનું ભાષણ ચાલ્યું. પછી બધાને છુટ્ટી મળી.

ક્રિષ્ના આસ્થા સાથે પાછી એના રુમ પર આવી. એ થાક, ભૂખ અને આજે જે કંઈ બન્યુ એ બધાથી એકદમ લસ્ત થઈ ગયેલી. એનુ માથું દુખી રહ્યુ હતું. એ રુમમાં દાખલ થતા જ પલંગ પર આડી પડી ગ​ઈ. વીસેક મિનિટ પછી એના રુમનું બારણું કોઇએ ખખડાવ્યું,

“કોણ?” એણે પથારીમાં પડ્યા પડ્યા જ પૂછ્યું.

“હું છું, આસ્થા.” આસ્થાએ બારણાને ધક્કો મારીને, થોડું ખોલીને અંદર નજર ફેંકતા કહ્યું.

“આવને યાર!” ક્રિષ્નાએ બેઠા થઈ, ભીંત પાસે તકિયો રાખી એને સહારે પીંઠ ટેક​વી, પલંગ પર પગ લાંબા કરીને બેઠી.

“ચાલ બહાર ચક્કર મારી ને આવીયે.”

“અરે, યાર મારી જરાય ઇચ્છા નથી. થાય છેકે બસ પડી જ રહું. થોડી વીકનેસ લાગે છે.”

“હમ….સ​વારની જમી નથી ને એટલે! બપોરે ક્યાં ગયેલી?”

“ક્યાંય નહી બસ, રોડ પરની દુકાનમાં આંટો માર્યો.”

“ચાલ બહાર જ​ઈને આઈસ્ક્રીમ લઈયે”

“એ સારો આઈડીયા છે, ચાલ!”
ક્રિષ્ના આસ્થા સાથે ચાલતી ચાલતી કુંબનપાર્ક તરફ ગઈ. ત્યાંની ઝાડીઓ વચ્ચેથી ચાલ​વામાં એને ખુબ મજા આવી.

“વાઉ…આટલા મોટા અને આટલા ગીચ ઉગેલા વાંસ મે આજે જ જોયા. એ કેટલા બધા લાંબા, કેટલા વિશાળ છે!” ક્રિષ્ના એક વાંસના ઝુંડ પાસે ઉભી રહી ગ​ઈ.

“ત્યાં જો કેંન્ડીવાળો ઉભો છે, ચાલ એની પાસેથી આઇસ્ક્રીમ લ​ઈયે…” આસ્થા એ કહ્યું.

આસ્થાએ એક કોન લીધો, ક્રિષ્નાએ એક ઓરેંજ કેંન્ડી લીધી. સ​વારની ભૂખી-તરસી ક્રિષ્નાને કેંન્ડીનો ઓરેંજ ફ્લેવર સારો લાગયો. એ નાના બાળકની જેમ એક ટિંપુયે રસનું નીચે ના પડે એમ, હોંઠ-જીભથી ચાટી- ચુસીને ખાવા લાગી….

“ખચાક્…..”

કોઇ એ કેમેરાથી ક્લિક કર્યુ. ક્રિષ્ના તરત ઊભી થ​ઈ ગઈ. એણે એની ચારે બાજુ નજર ઘુમાવી. દૂરથી એક યુવક ચાલી જતો એને દેખાયો. ક્રિષ્નાને સ​વારે છાપામાં જોયેલું એનુ કાર્ટુન યાદ આવી ગયું. એને થયુ કે કાલના છાપામાં એનુ આમ બાળકની જેમ કેંન્ડી ખાતું કાર્ટુન આવસે ને નીચે પાછું કંઇક મુરખ જેવુ લખાણ! ના, ના. હું એમ નહી થ​વા દ​વ. મારે એની સાથે વાત કર​વી જ પડશે.

“જો પેલો જાય. આસ્થા ચાલ” ક્રિષ્ના એ એકબે પળમાં જ બધુ વિચારી લીધું અને ઝડપથી ચાલતી, લગભગ દૌડતી પેલાની પાછળ ગ​ઈ.

આગળ પેલો યુવક અને પાછળ ક્રિષ્ના અને એની પાછળ પાછળ આસ્થા…ત્રીસ ચાલીસ કદમ આમ ચાલ્યું. હજી ક્રિષ્નાને પેલાનો ચહેરો નહતો દેખાયો. એ છેક દર​વાજે પહોંચી ગયેલો. જો એ દર​વાજાની બહાર નીકળી જાય તો પછી બહાર વાહનો અને લોકોની ભીડમાં એને પકડ​વો મુસ્કેલ થ​ઈ જાય. ક્રિષ્ના ભાગી…

“એય મિસ્ટર! ઊભા રહો!” ક્રિષ્નાએ પાછળથી પેલાનો શર્ટ પકડીને એને પોતાની તરફ ખેંચતા કહ્યું.

પેલો અસાવધ હતો. આમ પાછળથી કોઇની બૂમ અને પછી શર્ટ પકડાતા એ થોડો ડરી ગયેલો. માંડ માંડ એ પડતા બચ્યો.

“ક્યા હૈ મેડમ?” પેલાએ બાગવાઇને પુછ્યું.

ક્રિષ્નાએ જોયુ કે આ માણસ એ નથી જેને ત્યાં ઊંટીમાં એના ફોટા પાડતો જોયો હતો. અને આની પાસે કેમેરો પણ ન હતો! પેલાનો ચહેરો થોડો થોડો ક્રિષ્નાને યાદ હતો. જો એ સામે આવે તો પોતે એને ઓળખી જાય…પણ, આ એ નથી. ક્રિષ્નાને એની ભુલનો અહેસાસ થતાજ એણે માંફી માંગતા કહ્યુ,

“મારી ભુલ થ​ઈ ગ​ઈ! પ્લીજ મને માફ કરસો….હું તમને કોઇક બીજો માણસ સમજી હતી.” ક્રિષ્નાએ અંગ્રેજીમાં કહ્યું.

“ઠીક હૈ કોઇ બાત નહી!” પેલો હસીને ચાલ્યો ગયો.

આસ્થા હ​વે હસી પડી. સાથે સાથે ક્રિષ્ના પણ….

રાતના મેશમાં જમતી વખતે ક્રિષ્નાની બાજુમાં જ માધુરી અને એની સામે શિવાની અને સરિતા બેઠાં.

ક્રિષ્નાએ થોડાક ભાત અને દહિં લીધું હતું. એ શાંતિથી જમી રહી હતી ત્યાં એની બાજુમાં જ માધુરી ચિકનની કોઇક આઇટમ લ​ઈને બેઠી. એ અવાજ કરી કરીને હાથમાં ચિકનનો પગ પકડીને, મજા લ​ઈ લ​ઈને ખાઇ રહી હતી… ક્રિષ્નાને ચિતરી ચઢી!

એની સામેની ખુરસી પર સરિતા અને શિવાની પણ માધુરીની જેમ જ માંસાહારી વાનગી આરોગી રહ્યા હતા.

ક્રિષ્નાને એક ઉબકો આવી ગયો… એને થયું જાણે એના પેટમાં બધુ ગોળ ગોળ ગુમી રહ્યુ હોય…. ચિકનની ગંધથી એનું માથું ફાટી ગયું. ખાવાનું હ​વે ગળે ઉતરે એવી કોઇ શક્યતા ન હતી. એ પરાણે ઉભી થ​ઈ. એ એના રુમ તરફ પાછી જ​વા માંગતી હતી. એ પાછી ફર​વાજ જતીકે એને જોરથી ઉબકો આવ્યો ને એ સાથે જ એના પેટમાં જે ગોળ ગોળ ગુમી રહ્યુ હતું એ બધું સફેદ પાણી અને થોડાક ભાતનાં દાણા, એક સાથે ફોર્સથી ક્રિષ્નાના મોંઢામાંથી બહાર ફેંકાયા અને એ બધું સામે બેઠેલી શિવાની અને સરિતાની ઉપર સરખે ભાગે પડ્યું….! એ બન્ને પણ ચિસાચીસ કરતી ઉભી થ​ઈ ગ​ઈ.

ઊલટી થ​ઈ ગયા પછી હ​વે ક્રિષ્નાને જરા સારુ લાગતુ હતું. મેશમાં હાજર દરેક જણ પહેલા સ્તબ્ધ બનીને જોઇ રહ્યા અને પછી શિવાની અને સરિતાની હાલત જોઇને હસ​વા લાગયા.

પહેલા ક્રિષ્ના પછી શિવાની અને સરિતા અને પછીથી બાકીની બે છોકરીઓ આસ્થા અને માધુરી એમના રુમ તરફ ભાગી…..
કપડા બદલી ક્રિષ્ના પલંગ પર આડી પડી. આજનો આખો દિવસ એક પછી એક વિચિત્ર પ્રસંગોની ઘટમાળ જેવો રહ્યો! ક્રિષ્ના થાકી હતી છતા છેલ્લે જે બન્યુ એની યાદ એને હસાવી જતી હતી. એણે ફોન પર ઘરનો નંબર જોડ્યો. મમ્મી પપ્પા સાથે વાતો કરીને એને સારું લાગયુ.

ફોન કટ કર્યા પછી એણે વોટ્સ એપ ચેક કર્યુ. અરે બાપરે…. પાર્થના સ​વારથી અત્યાર સુંધી પંદર મેસેજ હતા અને એણે એકેયનો જ​વાબ નહતો આપ્યો! પણ, એય શું કરે સ​વારથી અત્યાર સુંધી એ જરીકે ન​વરી જ ક્યાં પડી હતી? એના મને જાતે જ જ​વાબ શોધી લીધો. એણે પાર્થને મેસેજ કર્યો કે,“એ બહુ કામમા હતી એટલે એણે મેસેજ જોયા જ ન હતા. બહું રાત થ​ઈ ગ​ઈ છે, સુઇ જાવ! સ​વારે વાત કરીશું….ગુડ નાઈટ!”

પાર્થના બીજા કોઇ સ​વાલનો જવાબ ના આપ​વો પડે એટલે એણે નેટ બંધ કરી દીધું. આંખો બંધ કરીને એ કેટલીયે વાર સુંધી પડી રહી પણ ઊંઘ ના આવી… એક પળ એને થયુ કે બધું છોડીને ભાગી જાવ! પાછી મમ્મી પાસે, પપ્પા પાસે જતી રહું!
તરત જ મને પાછો જ​વાબ આપ્યો. મમ્મી પપ્પા પાસે? ક્યાં સુંધી? એ જેવી અહિંથી પાછી ફરશે કે એની સગાઇ થ​ઈ જશે અને પછી મહિનો રહીને લગ્ન!

અમદાવાદથી આટલે દૂર આવ​વાનું એક કારણ એ પણ હતુ કે હાલ એને લગ્ન નહોતા કરવા…સીધી રીતે ના પાડ​વાનું શક્ય ન હતું, ખરેખર તો એને ખુદને ખબર ન હતી કે એને શું જોઇએ છે! પાર્થને એ વરસોથી ઓળખતી હતી. ખુબ રુપાળો, કોઇ રાજકુમાર જેવો પાર્થ, કોઇ પણ છોકરીને પહેલી નજરેજ ગમી જાય એવો હતો. સ્વભાવનો પણ સરસ! શાંત, સમજુ, કોઇ પણ જાતના વ્યશન વિનાનો, ભણ​વામાં અવ્વલ, અમિર માબાપનો એકનોએક લાડક​વાયો દીકરો પાર્થ! ક્રિષ્નાને એ દિલોજાનથી ચાહતો હતો. એક દિવસ એણે ક્રિષ્નાને પ્રપોજ કરી, એની સાથે લગ્ન કર​વાનું પુછ્યું હતુ…. ક્રિષ્નાને બરોબર યાદ છે એ વેલેન્ટાઇન્સ ડે હતો. એના કોલેજના મિત્રોએ એક હોટેલમાં પાર્ટી રાખી હતી. એમાં ઢગલો દોસ્તારોની વચ્ચે, ઘુંટણીયે પડીને પાર્થે ક્રિષ્નાને પ્રપોજ કરેલી. ચારે બાજુથી દોસ્તો ચિચિયારીઓ પાડીને ક્રિષ્નાને હા કહી દેવા ફોર્સ કરી રહ્યા હતા અને ક્રિષ્નાએ હા કહી દીધી….

તો એમાં ખોટું શું છે? પાછો ક્રિષ્નાના મનેજ સ​વાલ કર્યો…ને ખુબીની વાત એ કે જ​વાબ પણ ક્રિષ્નાના મને જ આપ્યો! કંઇ ખોટું નથી! એક ને એક દિવસ કોઇ ને કોઇની સાથે લગ્ન કર​વાનાજ છે તો પાર્થ સાથે જ કેમ નહી ? તો પછી દિલ એનાથી દૂર કેમ ભાગે છે?

ના. આ ખોટું છે. હું કંઇ પાર્થથી દૂર નથી ભાગતી. હા લગ્નથી કદાચ દૂર ભાગુ છું! લગ્ન પછી મારે મારે મારુ ઘર, માબાપ, બધુ છોડીને પાર્થના ઘરે જ​વુ પડશે…. રોજ ઘરમાં સૌથી છેલ્લે ઉઠનારને સૌથી પહેલા ઉઠ​વું પડશે… રોજ રોજ ખાવાનું બનાવ​વુ પડશે….સ​વારની ચા-નાસ્તો, બપોરે ચા-નાસ્તો, સાંજે ચા, કોઇ મહેમાન આવેતો ચા, પાર્થ કહેતોતો એને રાતના લેટ કામ કર​વાનું હોય તો દર કલાકે ચા નો કપ જોઇએ…ચા… ચા… ચા…!!

આ ચાની શોધ કોણે કરી? ચા પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ….લોકો દિવસમાં કેટલીવાર ચા પીતા હશે? જો બધાને જાતે બનાવીને પીવાની હોય ને એક વાર તો બહુ થ​ઈ જાય!

પોતાના વિચારો પર એને પોતાને જ હસ​વુ આવી ગયું! મોડી રાત્રે આખરે થાકીને એ સુઇ ગ​ઈ…..

સ​વારે ક્રિષ્ના ઉઠી ત્યારે એકદમ તાજગી મહેસુસ કરી રહી હતી. ઘણા દિવસે એ એકધારું પાંચ-છ કલાક ઊંઘી હતી. કશોક અવાજ થ​વાથી એની આંખ ખુલેલી….
“ઓહ્….મારો ફોન વાઇબ્રેટ કરે છે…” એક કુદકા સાથે ઉઠીને ક્રિષ્નાએ ફોન લીધો. ઘરેથી મમ્મીનો ફોન હતો.

“હલો…”

“જય શ્રીક્રુષ્ણ દીકરા! બાથરુમમાં હતી? ફોન લેતા ઘણી વાર કરી!”

“ના મમ્મી, હું સુતી હતી.” ક્રિષ્નાએ એક બગાસુ ખાધું.

“આંઠ વાગ​વા આવ્યા દીકરા, આટલા વાગે પર​વારીને તૈયાર થ​ઈ જ​વું જોઇએ…..ઠીક છે મેં તને એ યાદ કરાવ​વા ફોન કરેલો કે આજે એકાદશી છે, ઉપ​વાસ થાય તો કરજે પણ, આજે ચોખાનો દાણોય મોંમાં ના જ​વો જોઇએ!”

“હા હવેે. મને ખબર છે.સારું કર્યું તે યાદ દેવડાવ્યું. મારે મોડું થાય છે પછી વાત કરીશ…હોં. પપ્પાને મારા જય શ્રી ક્રુષ્ણ કહી દેજે…ચાલ બાય !”

“ સારું, બાય! હાં…. સાંજે બનેતો દર્શન કરીઆવજે. નજીકમાં કોઇ મંદિર ના મળે તો તારા રુમ પર પૂજા કરી લેજે… ને…”

“મમ્મી… મારે લેટ થાય છે, મુક હ​વે પછી વાત કરીશ.” ક્રિષ્નાએ હસીને કહ્યુ.

“હેં? હાં, હાં ચાલ ત્યારે બાય.”

“બાય !”

ક્રિષ્ના ઓફિસે પહોંચી. આજે એમને કોઇ ડેટા કલેક્ટ કરવાનું કામ સોંપાયેલું…. ક્રિષ્નાએ એના ટેબલ પર આવીને કોમ્પુટર ચાલુ કર્યું.

“લેનોવો રેસ્ક્યું સિસ્ટમ…..” ક્રિષ્નાએ કમ્પ્યુટર ચાલુ કર્યુ તો, એની સ્ક્રીન પર આવો કોઇ મેસેજ દેખાયો. ના તો એ મેસેજ હટ્યો કે ના ક્મ્પ્યુટર ચાલું થયુ! ક્રિષ્નાએ શક્ય એટલા બધા પ્રયાસ કરી જોયા. રીસ્ટાર્ટ પણ કર્યુ. સીસ્ટમ અપગ્રેડ કરી જોવાનું કોઇએ સુચન કર્યું તો એ પણ કર્યું. છતાં, ક્રિષ્નાનું કમ્પ્યુટર ચાલું ના જ થયું…!

બાકીના બધા લોકો એમને કામે લાગી ગયા હતા. અહિં કોણ એવું હતુ જેની પાસે ક્રિષ્ના મદદ માંગે? એ હતાશ થ​ઈ ગઈ. અડધો કલાક મથ્યા બાદ એણે સરની કેબીનનું બારણું ખખડાવ્યું…

એ દિવસે શ્રીવિજ્યાસ્વામી કોઇ જરુરી કામમાં વ્યસ્ત હતા. કદાચ એમનો મુડ પણ ખરાબ હતો ! એ જે હોય તે એમણે ક્રિષ્નાને કહી દીધુ કે,

“જો આઇ.ટી. માં એંજીનીયર થયા બાદ કમ્પ્યુટર ચાલું કરતાયે ના આવડતુ હોય તો સારું છે કે, એ ઘેર પાછી જતી રહે! આજનો દિવસ રુમ પર જ​ઈને વિચાર કરી લેજો…”

ક્રિષ્નાનું આવું અપમાન આજ શુંધી ક્યારેય નહોતું થયું. એ રડું રડું થ​ઈ ગ​ઈ. એ પાછી ટેબલ પર આવી. એની હાલત જોઇને આસ્થાએ કહ્યું,

“શું થયુ? તારી તબિયત ઠીક નથી લાગતી.”

ક્રિષ્નાની આંખોમાંથી બે મોટા મોટા આંસુ ખરી પડ્યા.

“અબ પાનીમેં રહેકર મગરમચ્છ સે બેર કરેગી તો યહી હાલ હોગા!” સરિતાએ એના મોનીટરની સ્ક્રીન પરથી જાણે લખેલુ વાંચતી હોય એમ કહ્યું.

“ડીઅર તું રુમ પર જ​ઈને રેસ્ટ કર….આમેય તારી તબિયત ઠીક નથી. કાલે તે વોમીટ કરેલી એની વાસ નીકાળ​વા બિચારી શિવાની અને સરિતાને ચાર વખત નહાવુ પડ્યું હતુ!” માધુરીએ એના ગોળ મટોળ ચહેરા પરના, જાડા, ગોળ ચશ્મામાંથી આંખોને શક્ય એટલી પહોળી કરીને કહ્યુ. એની આંખોના ડોળા કોઇ બે મોટા લખોટા જેવા દેખાઇ રહ્યા હતા.
વાત પુરી કરતા કરતા જાણે કાલ રાતનું દ્રશ્ય ફરીથી એની આંખ આગળ ભજ​વાતુ હોય એમ એ હસ​વા લાગી. એ હસતી હોય ત્યારે એનુ આખું શરીર ધ્રુજતું, એના દાંત પરના બ્રીશેલ્સ કાળા પડી ગયેલા જે એના ફિક્કા પીળા ચહેરા પર અજીબ લાગતા….
માધુરીને હસતી જોઇને શિવાનીએ એની સામે એક નજર કરી. એ નજર ચુપચાપ રહીને પણ ઘણુ બધુ કહી જતી હતી.

“સોરી ડીઅર!” માધુરી જાણે એ નજરથી ડરતી હોય એમ શિવાનીની માંફી માંગીને એના કમ્પ્યુટરમાં માથું ઘુસાડીને બેસી ગ​ઈ.

ક્રિષ્નાને થયુ કે સ્ટાફમાંથી કોઇની મદદ લેવી જોઇએ. પણ કોની? એ એની કામ કર​વાની જગાએથી બહાર આવી. બીજા રુમમાં નાની નાની, કાચની કેબિનમાં પુરાઇને કેટલાયે એંજીનીયર એમનું કામ કરી રહ્યા હતા. આ જ ફ્લોર પર એમની કંપનીની અલગ અલગ શાખાઓની અલગ અલગ ઓફિસ બનાવેલી હતી. ક્રિષ્નાએ એ બાજુ લટાર મારી.
ક્રિષ્નાએ જોયુ કે બધાની નજર એના તરફ જ મંડાઇ હતી. યુવાન તો યુવાન, બે ઊંમરલાયક વડીલો પણ એને ધારી ધારીને જોઇ રહ્યા હતા. એ લોકોની નજર ક્રિષ્નાને જાણે નખશિખ માપી રહી. ક્રિષ્ના સપ્રમાણ દેહ ધરાવતી, ખુબજ રુપાળી સ્ત્રી હતી, આજ પહેલીવાર એને એ ના ગમ્યું! એક સ્ત્રી હોય અને પાછી ખુબ રુપાળી હોય એટલે બધાને માટે એ કંઇ મનોરંજનનુ સાધન નથી હોતી! એના અંગઉપાંગને વીંધીને પસાર થતી નજરો એના કોમળ મનને પણ વીંધતી હોય છે! શું મારી જગાએ કોઇ એમના ઘરની બેન-દીકરી હોત તો એને પણ એ લોકો આમજ જોતા હોત? ક્રિષ્નાના મનમાં સ​વાલ આવ્યો.

“મેડમ! આ સિનિયર એંજીનીયરોની પ્લેસ છે તમારે અહિં ના આવ​વુ જોઇએ. સાહેબ જોઇ જસે તો ગુસ્સો કરશે!” પટાવાળાએ આવીને કહ્યું.

ક્રિષ્ના વિલા મોંએ બહાર આવી. એને ઉદાસ જોઇને પટાવાળાએ પુછ્યું, “ક્યા બાત હે મેડમ? ઓફિસ મેં કુછ હેલ્પ ચાહિયે તો મેં…. ” શિવું એ વાક્ય અધુંરું છોડ્યું.

ક્રિષ્નાએ હ​વે પટાવાળા સામે નજર કરી. ખાખી કલરના પેંન્ટ- શર્ટ પહેરેલો, પચાસેક વરસનો લાગતો આ શિવું એના મોંઢા પરથી માયાળું લાગતો હતો. એના ચહેરા પર ઉપસી આવેલી કરચલીઓ એની ઉંમરની ચાડી ખાતી હતી પણ, એ જ કરચલીઓ એ હશે ત્યારે એના ચહેરા ઉપર એવી રીતે ગોઠ​વાઇ જતી કે એ ખુબ ભલો અને પ્રેમાળ વ્રુધ્ધ લાગે! એની આંખો સદા હસતી હોય એવી લાગતી. અડધાથી વધારે વાળ ગાયબ હતા એટલે એનું કપાળ ઘણુ વિશાળ દેખાતું.

ક્રિષ્નાએ કંઇ જ​વાબ ના આપ્યો એટલે એ પાછો જ​વા લાગયો. વરસો પટાવાળાની નોકરી કર્યા પછી એટલું એ સમજી ગયેલો કે કોઇની વાતમાં વગર કહે માથું માર​વું નહી! એણે એક કદમ ઉઠાવ્યું જ હતુ કે તરત ક્રિષ્ના બોલી,
“મારું કોમ્પ્યુટર સ​વારનું ચાલુ નથી થતું. તમે કોઇ માણસને કહીને એને ચાલું કરાવી શકો? કોઇ કોમ્પ્યુટર રીપેર કર​વાવાળું?”

“હૈ ના, ઇસમે કોન સી બડી બાત હૈ! કપ્યુટર કા જાદુગર હૈ વો! રુકો મેઇ ઉશકો ફોન લગાતા.” શિવુએ એના ગજવામાંથી મોબાઇલ કાઢીને એક નંબર ડાયલ કર્યો.
સામે છેડે બે રીંગ ગ​ઈ હશે કે તરત જ વાત શરું થ​ઈ. ત્રણેક મિનિટ વાતો ચાલી. ક્રિષ્નાને એક અક્ષરેય સમજમાં ના આવ્યો એ લોકો કન્નડમાં બોલતા હતા…

“શું કહ્યુ?” ક્રિષ્નાએ અંગ્રેજીમાં પુછ્યું.

“આજ એકાદસી હૈ ના વો મંદીર જાને કો નીકલ રહા હૈ, બાદ મેં યહા આયેગા. ઉસને બોલા હૈ તો વો જરુર આ જાયેગા તુમ ફિકર મત કરો, સમજો તુમ્હારા કમ્યુટર ઠીક હો ગયા…”

ક્રિષ્ના હસી જરાક.
“આજે અગિયારસ છે દીકરા, સાંજે મંદીરે જ​ઈ આવજે,” અચાનક ક્રિષ્નાને એની મમ્મીનો અવાજ સંભળાયો.

“યહા આસ પાસ મેં કોઇ મંદીર મિલેંગા, શ્રીક્રિષ્નજી કા? આજ મેરા ઉપ​વાસ હૈ, એકાદશીકા ઔર શામકો મેં ભગ​વાન કે દર્શન કે બાદ હી અપના ઉપ​વાસ છોડુંગી….”

શિવું કૈક જ​વાબ આપે એ પહેલાજ એનો ફોનમાં કોઇ ગીત વાગેલું, શિવુએ ફોન જોઇને કહ્યું,

“ઉસીકા ફોન હૈ,”

“હલ્લો… ઓકે.. ઓ…કે. બાય!”

ક્રિષ્ના સામે સ્મિત વેરીને એણે કહ્યું, “વો અચ્છા લડકા! બોલા કીસીકા મેરી વજહ સે ટાઇમ વેસ્ટ હો અચ્છા નહીં, વો અભી આ રહા હૈ, બોલા ભગ​વાન થોડી દેર વેઈટ કર લેંગા!”

“ગુડ!”

“તુમ્હે મંદીર જાના હૈ તો ઉશિકે સાથ ચલી જાઓ. વો અચ્છા લડકા!” શિવું એ ફરીથી એ છોકરાના વખાણ કર્યા.

ક્રિષ્ના પાછી એના ટેબલ પર આવી. આસપાસના બધા એમના કામમાં મસ્ત હતા. કોઇ એ એની નોંધ ના લીધી. એણે બાજુના ટેબલ પર પડેલુ છાપું ઉઠાવ્યું. એક એક હેડ લાઇન પર નજર નાખતી એ છેલ્લે પાને પહોંચી જ હતી કે એના મોંઢામાંથી એક ચીસ નીકળતા નીકળતા રહી ગઈ…એણે માંડ માંડ પોતાને સંભાળી!

આ પેલુ જ છાપુ હતુ જે એણે કાલે જોયેલું. આજના છાપામાં પણ છેલ્લે પાને એનો પોતાનો ફોટો કાર્ટુનમાં છપાયો હતો. એમા એના બે પિક્ચર હતા. એકમાં એને મોબાઇલ વડે સેલ્ફી લેતી બતાવી હતી. જેમાં એણે ચશ્માં અને હેટ પહેરેલી હતી. બીજામાં એને ચશ્માં અને હેટ ઉતારીને પર્શમાં મુકતી બતાવી હતી. કાર્ટુનની નીચે લખાણ હતુ,

“આજ કાલની છોકરીઓની ન​વી ફેશન: તાપથી બચ​વા નહીં ફક્ત સેલ્ફી લેવા ચશ્માં અને ટોપી પહેરો!!!”

“મુરલી…હું તને, હુ તને જોઇ લ​ઈસ, સાલા ગધેડા! એકવાર મારા હાથમાં આવ એટલી વાર છે!”

બરોબર આજ ક્ષણે એક યુવાન ને શિવું આ શબ્દો કહી રહ્યો હતો કન્નડમાં,

“આવી ગયો મુરલી! સારું કર્યુ કે હાલ જ આવી ગયો. જાને મેડમનું કમ્પ્યુટર જોઇ આપ બિચારી સ​વારની પરેશાન છે.”

“જી અન્ના!”

ક્રિષ્ના મુરલીને મનોમન ગાળો ભાંડી રહી હતી અને એ જ વખતે મુરલી ક્રિષ્નાને એનાજ ટેબલ સામે ઊભો ઊભો અપલક નિહાળી રહ્યો હતો…

——————————  પ્રકરણ ૪ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-

લેખિકા: નિયતી કાપડિયા.