ભરતભાઈ સાથે વાસુદેવભાઇ અને એમનો પરિવાર એમના ઘરે ગયો. દાદરમાં આવેલા ભરતભાઈના ઘરમાં હાલ એ એકલા જ હતા. એમણે વાસુદેવભાઇ એક રૂમ ફાળવી એમાં આજની રાત રોકાવાનું જણાવ્યુ. જશોદાબેન અને ભરતભાઈ બંનેએ સાથે મળીને રાતના વાળું માટે ફટાફટ ખીચડી- કઢી બનાવી લીધું. જમ્યા પછી પરવારીને ક્રિષ્નાને લઈને જશોદાબેન અંદર સુવા ચાલ્યા ગયા. વાસુદેવભાઇ અને ભરતભાઈ વાતો કરવા બહાર ઓશરી જેવી જગાએ બે ખુરશીઓ ગોઠવીને બેઠા.
“ તમારી દીકરી બહુ ચૂપ છે, એને શું થયું છે ?” એ સવાલ ભરતભાઈના હોઠો સુંધી આવીને અટકી ગયો. આટલા વરસો મુંબઈમાં રહ્યા બાદ એમને એક વસ્તુ સમજાઈ હતી તે એ કે કોઈના ખાનગી જીવનમાં બહુ માથું મારવું નહિ ! કદાચ એટલેજ આ મહાનગરમાં લોકો શાંતિથી જીવી શકે છે….જો બધા એકબીજાના જીવનમાં ડોકિયા કરવાનું ચાલુ કરીદે તો એકબીજાની આંખમાં આંખ પરોવી જોવુય ભારે પડે ! દરેક માણસ એના સમય, સંજોગ અને સહનશકિત મુજબ થોડો બહુ અપરાધી હોય જ છે ! કેટલાક એ અપરાધભાવથી અંદર ને અંદર પીડાતા હોયતો કેટલાક નફ્ફટ થઈને એમાં શું ? એવું તો બધા કરે…કહી પોતાની જ વકીલાત કરતા હોય ! જેની સમજમાં કંઇજ ન આવતું હોય એ ભોળો માણસ ખરેખર સુખી હોય. ભરતભાઈ પણ લોકોની આગળ એમની છબી એવીજ ભોળા માણસની રાખતા, જાણે એ કંઈ સમજતા જ ન હોય….
ગુજરાત વિશેે, રાજનીતિ વિશે, નોટબંધીથી લઈને જીએસટી સુધીની ચર્ચા કર્યા બાદ બંને જણાં થાક્યા હતા. ખાલી ચર્ચા કરવાથી કંઈ વળવાનું નથી એમ, એ બંને સમજતા હતા છતાં એકબીજા સાથે મનકી બાત કરી બંનેના મનને શાંતિ મળી.
સવારે ઉઠીને પરવારી, ચા નાસ્તો પતાવ્યા બાદ વાસુદેવભાઈએ રજા માંગી. ફરીથી જરૂર હોય કે કંઈ પણ કામ હોય તો બેફિકર ફોન કરવાનું જણાવી ભરતભાઈએ એમને પોતાનો ફોન નંબર આપેલો.
મુરલી રાતે નવ વાગે નવરો પડ્યો. હમણાં હમણાંથી એ બને એટલો સમય પોતાને કામમાં જ ડુબાડી રાખતો હતો જેથી એને ક્રિષ્નાની યાદ ન આવે…..એની આ ચાલ કંઇક અંશે સફળ પણ રહેલી ! બધું કામ પતી ગયું. કહો કાલનું કે પરમદિવસે કરવાનુંય આજે થાય એમ હોય તો કરી લીધું. સવારથી સાંજ સુંધી મન બીજે પરોવેલું રાખ્યું, હવે ? આ કાળમુખી રાત પાછી આવી ગઈ હતી, એના સપનાનો ખજાનો લઈને ! સપના પર આપણો કાબૂ ક્યાં હોય છે….મુરલીને રોજ સપનામાં ક્રિષ્ના દેખાતી. ક્યારેક રડતી, ક્યારેક હસતી ! ક્યારેક ઝઘડતી તો ક્યારેક એકદમ ઉદાસ થઈને મુરલીને યાદ કરતી ! થોડી મિનિટમાં સપનું પૂરું થઈ ચાલ્યું જતું, સાથે બાકીની ઊંઘ પણ લેતું જતું. એ સમય મુરલી માટે ઘણો કપરો બની રહેતો. એને તીવ્ર ઈચ્છા થઈ આવતી કે, ફોન જોડીને ક્રિષ્ના સાથે વાત કરી લે…..પણ, એનું સ્વાભિમાન ઘણો કે અભિમાન એ વચમાં આવી જતું. છેલ્લે જે સિન ભજવાયો એ પછી ક્રિષ્નાએ એને સોરી બોલવું જોઈએ એમ એનું મન કહેતું હતું. બસ, એક નાનકડો શબ્દ “સોરી” કેટલા બધા સબંધોને તૂટતાં બચાવી શકે ? પણ, જ્યારે એની ખાસ જરૂર હોય ત્યારે જ આપણે એ બોલતા નથી….!
મુરલી એના ઘરની પાછળના બગીચામાં આવ્યો અને બે નારિયેળી વચ્ચે બાંધેલા નાયલોનની દોરીના ઝૂલામાં આડો પડી, કાનમાં ઇયર ફોનની ડટ્ટી ખોસીને ગીત સાંભળવા લાગ્યો.
“સાંજ ઢલે….ગગન તલે….હમ કિતને….. એકાકી…”
આ ગીત સાંભળીને મુરલીને લાગ્યું જાણે કોઈએ એની ઉપર જ આ ગીત બનાવ્યું હોય. એણે એ ગીત બંધ કરી બીજું ચલાવ્યું,
“તુજે યાદ ના મેરી આઇ, કિસિસે અબ ક્યાં કહેના….
દિલ રોયા કી અંખ ભર આયી…”
મુરલી થયું કે હમણાં એની આંખો ભરાઈ આવશે. એણે ફરી સ્ટેશન બદલ્યું અને નવું ગીત ચાલુ થયું,
“નીંદ ન આયે મુજે ચેંન ના આયે…..લાખ જતન કરું રોકા ના જાયે,
સપાનોમે તેરા, હઓ… સપનોમે તેરા આના જાના……”
મુરલીની આંખો ઘડીવાર મીચાઈ ગઈ. એણે ઇયરફોન કાનમાંથી નીકાળી દીધો અને એમજ બંધ આંખે પડી રહ્યો.
“ મોહ મોહ કે ધાગે….મોહ મોહ કે, ધાગે…..”
મુરલીને સ્પષ્ટ અવાજે આ ગીત સભળાતું હતું. એણે આંખો ખોલી ફોન ચેક કર્યો. એમાંથી આ ગીત ન હતું વાગતું !
“ યે મોહ મોહ કે ધાગે, તેરી ઉંગલીઓસે જા ઉલજે !
કોઈ ટોહ ટોહ ના…લાગે, કિસ તરહ ગીરહા યે સુલજે !
હે રોમ રોમ એક તારા….આ….આ…આ…….!”
મુરલી ચારે બાજુ નજર દોડાવી, આ અવાજ એ ગીતનો ન હતો. આ અવાજ, આ અવાજ તો ક્રિષ્નાનો હતો. પારિજાતના ઝાડ નીચે જઇ એની નજર અટકી. ત્યાં ક્રિષ્ના ઊભી હતી. પારિજાતની ડાળીને જરા હલાવી એના કોમળ પુષ્પોની એના પર વર્ષા કરતી એ ગાતી હતી. શું મધુર અવાજ હતો એ ! એક એક શબ્દ જાણે મુરલી માટેજ એના ગળામાંથી વહી આવતો હતો અને મુરલીના કાનમાંથી પ્રવેશી એના દિલમાં, દિમાગમાં બધે ફેલાઈને એને અનેરી શાંતિ બક્ષતો હતો. એ ઊભો થયો અને ચાલતો ચાલતો આગળ વધ્યો, ક્રિષ્ના પાસે.
ક્રિષ્નાએ એની સામે નજર કરી. એ મીઠું હસી અને કમળ તલાવડીમાં અંદર ઉતરી…. એણે અત્યારે સાડી પહેરી હતી, દક્ષિંભારતિય સ્ત્રીઓ પહેરે છે એવી રીતે, બહુ બધા ઘરેણાંમાં લદાયેલી એ કોઈ રાજકુમારી જેવી લાગતી હતી. મુરલી સામે જોઈ એણે આગળની લાઈન ગાઈ….
“ તું હોગા જરા પાગલ તુને મુજકો હે ચૂના !
કેસે તુને અનકહા , તુને અનકહા સબ સુના !
તું હોગા જરા પાગલ તુને મુજકો હે ચૂના….આ…..આ….
તું દિનસા હૈં, મેં રાત આ….ના જરા, મિલ જાયે શામોકી તરહ….આ……આ…”
મુરલી કોઈ અજીબ સંવેદનને વશ, ના પૂરો જાગૃત ના પૂરો સ્વપ્નીલ એવી અવસ્થામાં બસ, ક્રિષ્ના પાસે પહોંચવા તલાવડીમા ઉતર્યો. નીચેનું પ્લાસ્ટર કરીને બનાવેલું તળિયું ચીકણું થયેલું હતું. મુરલીનો પગ લપસ્યો અને એ સીધો નીચે પટકાયો… પાણીમાં જોરથી ધુબાક્ક…કરીને અવાજ ઉઠ્યો.
“ શું થયું ? કોઈ પડી ગયું ? ”
આ તરફ મુરલીને જમવા માટે બોલાવવા આવેલી રોઝીએ અવાજ સાંભળીને પૂછ્યું. એ ઝડપથી તળાવ પાસે આવી. મુરલી હજી એમનો એમ પડ્યો હતો. રોઝીને થયું કે મુરલીને કંઈ થઈ ગયું. એણે ચીસ પાડી અને બીજા હાજર લોકોને બોલાવ્યા. એ પોતે ધીરે ધીરે કરીને તલાવડીમાં ગઈ અને મુરલીને તપાસ્યો. એ પાણીમાં પડ્યો પડ્યો આકાશ સામે જોઇને હસતો હતો.
“ ઓહ ! ભગવાન ! સર તમે ઠીક છો ? મને થયું કે તમે, ” આગળનું એને અધૂરું છોડ્યું.
“ શું થયું રોઝી ? એજ ને કે હું મરી ગયો ! ” મુરલી જોરથી હસી પડ્યો. “ આ નિયતિ છેને એ મને મરવા નહિ દે. હું જાતે મરવાનો પ્રયત્ન કરીશને તોય બચી જ જઈશ. એણે મને જનમ જ એટલા માટે આપ્યો છે….તડપવા ! પહેલા મમ્મી, પછી પપ્પા, દાદા અને હવે ક્રિષ્ના ! શું લૂંટાઈ જાત એનું જો ક્રિષ્ના મારી થઈ જાય, હે ? ”
એક ગામવાળો છોકરો કંઇક કામથી આવ્યો હતો એ નીકળવા જ જતો હતો કે એને રોઝીની બૂમ સભળાઈ, એ ભાગતો આવ્યો. મુરલીને લવારા કરતો પાણીમાં પડેલો જોઈ એ પણ પાણીમાં ઉતર્યો અને રોઝીની જેમ મુરલીનો બીજો હાથ પકડી એને ઊભો થવામાં મદદ કરી. મુરલી હજી બોલ્યે જતોતો, બંને જણા એની ઘરમાં લઈ ગયા.
“ હું બોઉં ખરાબ માણસ છું. મે આગલા જનમમાં ઘણા પાપ કર્યા હશે એનો બદલો એ લઈ રહી છે, રોઝી ! ક્રિષ્ના મને પ્યાર કરે છે, મેં એની આંખોમાં જોયું છે પણ, આ નિયતિ જ એને રોકે છે…..એની મમ્મી, સાવ બુધ્ધિની લઠ્ઠ ! પાર્થ પણ સાવ મૂરખ છે, સાલાને એટલું ભાન ના પડે કે ક્રિષ્ના એને એનો દોસ્ત માને છે, બસ ! પ્રેમ તો ફક્ત મને કરે છે, મને ! આ મુરલીને…એ ફક્ત મને જ ચાહે છે !”
“ ચૂપ થઈ જાવ સર ! ભગવાનને ખાતર ચૂપ થઈ જાવ. ” રોઝીની આંખો વરસી પડી.
મુરલી ચૂપ થઈ ગયો.પછી થોડીવારે બોલ્યો, “ તું કોણ છે મારી ? કોઈ જ નહિ ને ! તોય તને મારી આટલી ચિંતા થાય છે તો ક્રિષ્નાને જરાય નહીં થતી હોય ! એક ફોન પણ એ ના કરી શકે !” મુરાલીની આંખો ભરાઈ આવી એને બળપૂર્વક એ આંસુઓને આંખોમાં જ રોકી લીધા. એ સીડીઓ ચડીને ઉપર એના રૂમ તરફ જઈ રહ્યો હતો. ત્યાં રોઝીનું એક વાક્ય સાંભળીને એના પગ એક ઘડી માટે રોકાઈ ગયા અને તરત જ બમણી ઝડપે નીચે પાછા આવ્યા.
રોઝીએ કહેલું કે,
“ એનો ફોન આવેલો. તમે અમદાવાદથી પાછા આવ્યા એના બે દિવસ બાદ. ”
“ શું ? શું કહ્યું તે ? ક્રિષ્નાએ ફોન કરેલો ? મારી ક્રિષ્નાએ ? ક્યારે ? ” મુરલીએ રોઝીના ખભા પકડી એને આખી હલાવી નાખી.
રોઝી હવે ચૂપ થઈ ગઈ હતી. એનાથી ભૂલ થઈ હતી એ, એની સમજમાં હવે આવેલું.
“ બોલ, તું ચૂપ કેમ થઈ ગઈ ? શું કહેલું એને ? મારી સાથે વાત કેમ ના કરી ?” મુરલીએ એના ખભા પરથી હાથ હટાવ્યો.
“ મને એમ કે તમારા લોકોનું બ્રેકઅપ થઇ ગયું. તમે બહુ ઉદાસ રહેતા હતા. ત્યારે ફરીથી એ ક્રિષ્ના તમારી લાઇફમાં આવે અને ફરી તમને દુઃખી કરે એવું મારે નહતું થવા દેવું. હું એને બોલી હતી,” રોઝી હવે નાનાબાલકની જેમ રડતાં રડતાં બોલી રહી, “ મેં એને બહુ ધમકાવી અને કહ્યું હતું કે સર તારા વગર વધારે ખુશ છે, હવે તું ફરીથી ક્યારેય અહી ફોન ના કરતી, એ તને ભૂલી ગયા. ” એકસાથે આટલું બધુ એ બોલી ગઈ.
“એક દઈશને કાનની નીચે,” મુરલીએ એનો હાથ ઉઠાવ્યો, રોઝીએ આંખો બંધ કરી દીધી. એને એમ કે આજે થપ્પડ પડવાની, મુરલીએ એનો હાથ હવામાં જ રોકી લીધો. “ એ વખતે હું ક્યાં હતો ? મને કેમ ખબર ના પડી ? એણે શું કહેલું ?”
“ તમારો ફોન ચાર્જ થઈ રહ્યો હતો ઉપર…..તમે નીચે કોઈની સાથે વાત કરતા હતા ત્યારે. મેં ફોન ઉઠાવેલો. ક્રિષ્નાએ મને હલ્લો કહ્યું અને આપને ફોન આપવા કહ્યું હતું. ” મુરલીનો આગળનું જાણવા જીવ જતો હતો અને રોઝી વારે વારે અટકી જતી હતી.
“ પછી ?”
“ પછી મે એને થોડી ખખડાવી અને ફોન મૂકી દેવાનું કહ્યું હતું.” રોઝી ધીરેથી અટકી અટકીને બોલી.
“ પણ એજો ખરેખર તમને લવ કરતી હોય તો ફરીથી ફોન ના કરે ! હું તો ગમે તે કહું, એને મારી વાત માનાવાની શી જરૂર. ”
“પતિ ગયું. હવે મારા હાથનો માર ન ખાવો હોય ને હાલ જ જતી રે અહીંથી. કાલ સવાર સુંધી તારું મો ના દેખાડતી.” મુરલી પોતાના ગુસ્સાને કાબૂમાં લેતો બોલ્યો.
“ યસ સર !” જાણે કોઈ મોટી આફતમાંથી બચી ગઈ હોય એમ એ દોડીને ભાગી ગઈ.
મુરલી માથે હાથ દઈને સોફામાં બેઠો. એના દિલમાં થોડી ટાઢક વળી હતી. ક્રિષ્નાએ ફોન કરેલો એ જાણી એના દિલનો ડંખ નીકળી ગયો. એને હવે પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો. શું કામ આટલા મહિનાઓ સુધી એણે સામેથી ફોન ના કર્યો ? પ્રેમમાં વળી અભિમાન કે સ્વાભિમાન કેવું ! એણે એનો મોબાઈલ લીધો અને ક્રિષ્નાને રિંગ કરી.
“ પ્લીઝ ચેક ધ નંબર યું હેવ ડાયલ ! ”
મુરલીએ ફરીથી ફોન લગાડ્યો ફરી એજ જવાબ. મુરલીએ ફેસબૂક પર જઈને કોલ કર્યો. એ ઑફલાઈન હતી. છેલ્લાં કેટલાંય મહિનાથી ઓનલાઈન થઈ જ નહતી, મુરલી એ જાણતો હતો. છેલ્લા ઉપાય તરીકે એણે પાર્થને ફોન લગાડ્યો. એનું દિલ જોર જોરથી ધડકી રહ્યુ. એનેે પોતાના ધબકારા સાફ સંભળાતા હતા. ક્રિષ્નાએ પાર્થ સાથે લગ્ન કરી લીધા હશે…?
અડધી મિનિટ સુધી રિંગ ગઈ. મુરલી કંટાળીને ફોન કટ કરવાનો હતો કે સામે છેડેથી અવાજ આવ્યો, “ હલ્લો….”
“ હલ્લો ! ”
થોડીવાર બંને બાજુ શાંતિ છવાઈ. અજીબ સંબંધ હતો બંને વચ્ચે, બંને એકબીજાની પ્રેમિકાને દિલોજાનથી ચાહતા હતા. પરિસ્થિતિ જો આટલી વિપરીત ના હોત તો મુરલી ક્યારેય પાર્થની મદદ ના લેત !
“ હલ્લો…” ફરીથી બંને સાથે બોલ્યા.
“ હું મુરલી !” આખરે મુરલી વાત શરુ કરી.
“ હમમ…તારો નંબર સેવ કરેલો છે. બોલ, કેમ યાદ કર્યો ?
ક્રિષ્નાએ જ કહ્યું હશે ફોન કરવાનું હેને ? હું એને બરાબર ઓળખું છું, એનો બાળપણનો દોસ્ત જો છું. કેવું છે એને તબિયત તો ઠીક છેને ?” પાર્થ એના સ્વભાવ મુજબ હળવાશથી બોલ્યો.
“ ક્રિષ્નાની તબિયતને શું થયું ?” પાર્થ જે કંઈ બોલ્યો એ મુરલીની સમજમાં જ ન આવ્યું.
“ એની પ્રેગ્નનસીને છ કે સાત મહિના થયા હસે ને એટલે પૂછ્યું !”
“ શું? ક્રિષ્ના અને પ્રેગ્નનસી ? ” મુરલીનું માથું ભમી ગયું. પાર્થની એકેવાત એના પલ્લે ન પડી…,“ હાલ એ ક્યાં છે ?”
“ મને શું ખબર ? એતો તારી પાસે આવી હતી !” હવે ચોંકવાનો વારો પાર્થનો હતો. “ એ ત્યાં, તારી પાસે નથી ?”
—————————— પ્રકરણ ૨૪ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-
Comments are closed.