પાર્થ કન્યાવિદાયની વિધિ જોઈને મનોમન એના અને ક્રિષ્નાના લગ્ન થતા જોઈ રહ્યો હતો. મુરલી આજે સાંજે ક્રિષ્નાને એના ઘરે બોલાવી એના મનની તમામ વાત કરવાનો હતો. અને દૂર નિયતિ આ બધાને જોઈને જાણે કહી રહી હતી કે, સપના જરૂર જુઓ પણ, એ બધા પૂરા થશે એવી આશા ના રાખો…….
ક્રિષ્નાને અત્યારે ઊંઘવાની જરાય ઈચ્છા ન થઈ. વિમાનનો ધીરો પણ એકધારો ગુંજતો અવાજ એના મગજમાં, એની હર એક નસમાં પેસીને જાણે તાંડવ કરી રહ્યો હતો ! એને માથું દુખતું હોય એમ લાગ્યું. એક અજીબ બેચેની અને સહેજ ઊલટી થશે એમ લાગતા એને નાસ્તો લેવાનું ટાળ્યું. એરહોસ્ટેસ છોકરીએ આવીને એને એની તબિયતના બારામા પૂછ્યું પણ ખરું ! ક્રિષ્નાએ બે હાથે કાન દાબીને એને અવાજથી પરેશાની થાય છે એમ જણાવતાં એને થૂંક ગળતા રહેવાની સલાહ મળી…..
થુંક ગળવાથી એને કાન અને માથાના દુખાવામાં થોડી રાહત જણાઇ. પણ મગજમાં તો તાંડવ ચાલુ જ રહ્યું ! એણે એક નિર્ણય લઈ લેવાનું નક્કી કર્યું. મુરલી કે પાર્થ ?
હાં, એ સાચું છે કે, એ મુરલી માટે કંઇક અચોક્કસ લાગણી અનુભવે છે. એ જ્યારે જ્યારે એની પાસે હોય ત્યારે એનો એના ખુદ ઉપર કાબૂ નથી રહેતો ! એનું દિલ એનું દિમાગ બેય જાણે સુષુપ્તાવસ્થામાં ચાલ્યા જાય છે….અત્યારેય એના વિચારમાત્રથી એનું દિલ જોરથી ધબકવા લાગ્યું, એના હાથ થોડા ધ્રુજવા લાગ્યા….
એણે પાર્થ વિશે વિચારવાનું ચાલુ કર્યું. એ એનો દોસ્ત છે, વરસોથી. કેટલો દેખાવડો, સારા સ્વભાવનો, એનેે હંમેશા મારી મદદ કરી છે ! મારા સિવાય આજદિન સુધી કોઈ બીજી છોકરી સાથે કોઈ સંબંધ પણ નથી રાખ્યો. આજેય મેં એની ગાડી ઠોકી તોયે એક અક્ષરય બોલ્યા વિના એણે ઊલટાની મને બચાવી.
બધી છોકરીઓ એના જીવનસાથીમા શું જોતી હોય ? દેખાવ, એની કમાણી, એનું ઘર કુટુંબ ! એ બધામાં પાર્થ જ બાજી મારી જાય છે, એજ બેસ્ટ ચોઇસ છે. ક્રિષ્નાએ આંખો મીચીને મન શાંત કરવાનો પ્રયાસ કર્યો. એણે લીધેલા નિર્ણયથી એ ખુશ હતી. એ મુરલીને સાફ સાફ કહી દેશે, આઇ એમ નોટ ઇંટરેસ્તેડ ઇન યું !
બેંગલોર એરપોર્ટે પર એ ઉતરીને બહાર નીકળવાનું વિચારતી હતી ત્યારે એની નજર મુરલીને શોધતી હતી. એણે કહેલું કે, એ અહીંજ એની રાહ જોતો હશે, તો એ હોવો તો જોઈએ, ક્રિષ્નાનું મન કહી રહ્યું. આવે કે ના આવે મારે કેટલા ટકા ? દિમાગ કહી રહ્યું. લગભગ પાંચેક મિનિટ થઈ હશે એટલામાં તો બધા લોકો પોતાના રસ્તે પડ્યા. ક્રિષ્નાને ટેક્સી કરવાની હતી. અજાણી જગાએ કોઈ ભરોસો પડે એવો દ્રાઈવર ક્યાં શોધવો ? એ જે જગાએ ઉભી હતી ત્યાં ચા નાસ્તાના સ્ટોલ હતા અને ત્યાં થોડાક માણસો પણ હતા. એ ત્યાંથી ચાલીને બહાર રસ્તા ઉપર જવાનું કરતી હતી કે એની નજર એક યુવક પર પડી.
સફેદ ટીશર્ટ અને બ્લું જિન્સ પહેરેલો, ઊંચો, પાતળો એ યુવક કોઈને શોધી રહ્યો હતો. અંદરથી બહાર આવતા એક પેસેંજરને ઊભો રાખી એને કંઇક પૂછ્યું પણ ખરું ? ક્રિષ્નાને એને જોઈને મજા પડી રહી હતી. એ, એ યુવકની પાછળ જઈને ચૂપચાપ ઊભી રહી ગઈ.
એ મુરલી હતો. એણે ક્રિષ્નાને જોઈ ન હતી. બધા સાથે ભીડમાં બહાર નીકળેલ ક્રિષ્ના અત્યારે સાડીમાં સજ્જ હતી. મુરલીને એમ કે, ક્રિષ્ના હંમેશા ડ્રેસમાં કે જિન્સ જોવા મળે. એટલે સાડીવાળી છોકરી તરફ એણે નજર જ નહતી નાખી. ક્રિષ્નાને હસવું આવી રહ્યું હતું. થોડીવાર પહેલાં જ એણે એક નિર્ણય લીધો હતો મુરલીને છોડીને પાર્થને હંમેશા માટે અપનાવવાનો અને અત્યારે એજ એનો નિર્ણય ભૂલીને મુરલીની પાછળ ઊભી હસી રહી હતી ! અચાનક કંઇક ભ્રમ થતા એ પાછળ ફર્યો હતો અને આનંદ સાથે આશ્ચર્યમાં ગરકાવ થઈને એ બે પળ થંભી ગયો અને પછી તરત જાણે કંઈ યાદ આવી ગયું હોય એમ ગજવામાંથી ફોન નીકાળી ક્રિષ્નાના ફોટો લેવા લાગ્યો….
“અરે ! આ શું કરે છે ? ”
“ તને ખબરજ નથી તું કેટલી ગજબ લાગી રહી છે ! આજે તને સાડીમાં જોઈશ એવી તો મને કલ્પના જ ન હતી. ” મુરલીએ આટલું બોલતા બોલતા તો બે ચાર ફોટા જુદા જુદા એંગલેથી લઇ લીધા.“ ચાલ એક સેલ્ફી થઈ જાય.” મુરલીએ ક્રિષ્નાની બાજુમાં ઊભા રહી, પોતાનું શરીર ક્રિષ્નાના શરીરની પાછળ રાખી, બંનેના ચહેરા પાસે પાસે આવે એમ એક હાથ લાંબો કરી, એના મોબાઈલ વડે ફોટો લીધો.
અજાણેેજ પણ મુરલી ક્રિષ્નાની નજીક હતો, ખાસો નજીક ! પેલી જાદુઈ અસર જેનાથી ક્રિષ્ના દૂર રહેવા ઈચ્છતી હતી એ ચાલુ થઈ ગઈ…..હવે એને પોતાનો થોડીવાર પહેલાં જ લીધેલો નિર્ણય યાદ આવ્યો. કાશ, એ મુરલીને અહી, એને શોધતો મૂકીને નીકળી ગઈ હોત ! ક્રિષ્નાના મોં પરનું સ્મિત ગાયબ થઈ ગયું.
“ શું થયું ? ” મુરલીએ એને ગંભીર થતી જોઈને પૂછ્યું.
“ કંઈ નહી. હું નીકળું મારે રૂમ પર પહોંચતા અંધારું થઈ જશે. ”
“ તને લેવા તો હું આવ્યો છું. આજે સાંજે તારે મારા ઘરે જમવાનું છે ભૂલી ગઈ ? ” મુરલી ક્રિષ્નાનો હાથ પકડી ચાલવા લાગ્યો.
ક્રિષ્ના બે કદમ એની સાથે ઢસડાઈ પછી ઊભી રહી ગઈ. મુરલીએ પાછળ ફરી એની સામે જોયું. ક્રિષ્નાએ એનો હાથ ખેંચી લીધો.
“ તું કંઈ સમજતો નથી કે સમજવા માંગતો નથી ? કેટલીવાર કહું કે, મે મારો જીવનસાથી પસંદ કરી લીધો છે, તું પરાણે મારે ગળે પડીને સાબિત શું કરવા માંગે છે ? ” ક્યારનોય મનમાં ભરી રાખેલો ઉચાટ બહાર આવી ગયો. “ મને મારા હાલ પર છોડી દે પ્લીજ ! ”
“ આજે મારો બર્થડે છે ! વરસોથી હું નહતો મનાવતો, આજે ઈચ્છા થઈ ગઈ કે તારી સાથે સેલિબ્રેટ કરું. ” એ હસ્યો, ઉદાસીભર્યું. “ કંઈ વાંધો નહી ચલ, તને તારા રૂમ પર છોડી દઉં આમેય આપણે એક જ જગાએ જવાનું છે.” એ આગળ ચાલતો થયો.
ક્રિષ્નાને એની આ હરકત સહેજે પસંદ ન હતી. એ પોતેજ નિર્ણય લઈ લેતો અને ક્રિષ્નાને એની વાત માનવા માટે છોડીને ચાલવા લાગતો. હજી એની સાથે જવું કે ના જવું એ પોતે વિચારતી હતી ને એ આગળ ચાલવા લાગ્યો. ક્રિષ્ના એની પાછળ ચાલી.
“ અહીં જ ઊભી રહેજે હું બાઇક લઇ આવું. ” ક્રિષ્નાની હા, ના, સાંભળ્યા વગર જ એ ચાલી ગયો.
ક્રિષ્ના ઊભી રહી. અત્યારે કોઈ અજાણ્યા સાથે ટેકસીમાં જવા કરતાં મુરલી સાથે જવું સારું એને વિચાર્યું , મુરાલીના ચહેરા પરની ઉદાસી એને ના ગમી પણ એને અટકાવવો જરૂરી હતો. મુરલી બાઇક લઇને આવી ગયો. ક્રિષ્ના એની પાછળ ગોઠવાઈ. બંને વચ્ચે થોડું અંતર રહે એમ એ એની નાનકડી બેગ ખોળામાં રાખીને બેઠી.એક હળવા ઝાટકા સાથે મુરલીએ બાઇક આગળ વધારી. ક્રિષ્ના આગળ ધકેલાઈ ગઈ. એનો હાથ અનાયસજ મુરાલીના ખભે મુકાઈ ગયો. આખા શરીરમાં એક ઝણઝણાટી ફેલાઈ ગઈ. મુરલીના શરીરમાંથી આવતી એક અજીબ મહેંક ક્રિષ્નાના મનને શાંત કરી એક નવીન દિશામાં વાળી રહી. એણે ફરીથી વિચારવાનું ચાલુ કર્યું. મુરલી કંઈ ખરાબ છોકરો ન હતો. આજે એના જન્મદિને એને ઉદાસ કર્યા વિના જો શાંતિથી એની સાથે વાત કરી હોય તો ! ગમેતે હોય, આખરે મુરલીએ એની મદદ કરી છે ! એની સાથે આટલું ખરાબ વર્તન કરવું બરોબર નથી જ.
“ પોતાના બર્થડે પર કોઈ આમ ઉદાસ રહેતું હશે ? ” મુરલીની ચુપ્પી તોડવા ક્રિષ્ના બોલી, “ શું બનાવ્યું છે જમવામાં ? તમારું સાઉથનું ખાવાનું ખાઈ ખાઈને હું કંટાળી ગઈ છું ! મને પસંદ પડે એવું કંઈ રાખ્યું હોય તો જ તારે ઘરે લઈ જજે ! ” ક્રિષ્ના મુરલીનો પ્રત્યુતર સાંભળવા થોડીવાર ચૂપ રહી.
“જો તને એમ લાગતું હોય કે તું રિસાઈ જઈશ અને હું તને મનાવીશ તો, એ કદી થવાનું નથી. ” હજી મુરલી ચૂપ જ રહ્યો. આગળ કોઈ વાહન અચાનક ઉભુ રહી જતાં મુરલીને પણ થોભવું પડ્યું.
“ સોરી યાર ! હવે કેટલો ગુસ્સો કરીશ.” ક્રિષ્નાએ એનું મોઢું મુરાલીના કાન પાસે લઈ જઈ ને કહ્યું.
મુરલીએ એનો હાથ ક્રિષ્નાના માથા પાછળ લઈ જઈ એના વાળમાં હાથ ફેરવતા કહ્યું, “ ગુસ્સે નથી પણ, બાઇક ચલાવતા હું વાતો નથી કરતો.”
એના એ સહજ સ્પર્શથી અને એક નાનકડા વાક્યથી ક્રિષ્નાનું મન પાછું પ્રાફુલ્લિત થઈ ગયું. બંને જણા મુરલીને ઘરે પહોંચ્યા ત્યારે રાત થઈ ગઈ હતી. મુરલીના ઘરમાં ક્રિષ્ના પહેલીવાર જતી હતી. નીચે મોટા હોલમાં સુંદર લેધરનો સોફા અને વચ્ચે ટીપોય મૂકેલા હતા. સફેદ દીવાલો પર વુડન કલરથી સજાવટ કરેલી હતી જે સાચેસાચ લાકડા જેવી અસર આપતી હતી. દીવાલ પર કુદરતી દૃશ્યોના મોટા ચિત્રો સુંદર ફ્રેમ્મા જડીને લગાવેલા હતા. દરેક ખૂણે મોટા પિત્તળના કુંડામાં છોડવા રોપેલા હતા. નીચે કિચન અને હોલ સિવાય એક સીડી હતી જે લાકડામાંથી કોતરીને બનાવી હતી. ગોળ ચકરાવો લઈ ઉપર જતી એ સીડી ખૂબ આકર્ષક લાગતી હતી.
“ તું ઉપર જઈને હાથ મો ધોઈ ફ્રેશ થઈ જા, પછી આપણે પાછળ બગીચામા જઈ એ. જમવાનું ત્યાંજ રાખ્યું છે. ” મુરલીએ ક્રિષ્નાને કહ્યું અને સીડી તરફ હાથ કર્ય.
“ રોઝી….રોઝી…..”
“ યસ સર !” એક છોકરીએ જાણે ભાગતા આવીને કહ્યું. બે પગથિયાં ચડેલા ક્રિષ્નાના પગ ત્યાં જ રોકાઈ ગયા અને નીચેથી આવેલા અવાજ તરફ એની નજર ખેંચાઈ.
એ કોઈ અંગ્રેજ છોકરી હતી. ખાસી ઊંચી, પાતળી અને ધોળી ! એના આછા બદામી રંગના વાળ ખભા સુધી કાપેલા હતા જેમાં એણે સફેદ હેરબેન્ડ ભરાવેલો, સફેદ કલરનાં ઘૂંટણ સુધીના ઘેરદાર ફ્રોકમાં એ અંગ્રેજ છોકરી ખૂબ સુંદર લાગતી હતી. એણે જોઈને ક્રિષ્નાને હોલીવુડની હિરોઈન જુલિયા રોબર્ટસ યાદ આવી ગઈ. ક્રિષ્ના પોતાને જોઈ રહી છે એમ લાગતા એ છોકરી એ સુંદર સ્મિત સાથે કહ્યું,
“ ગુદ એવનિંગ મેમ ! ”
એના અંગ્રેજી ઉચ્ચાર થોડા અલગ હતા પણ એનો અવાજ સરસ હતો. અંગ્રેજી ભાષા એના મોઢામાં શોભતી હતી. સહેજ હસીને ક્રિષ્ના ઉપર ગઈ. એની પાછળ જ પેલી રોઝી પણ દોડતી પહોંચી.
“ દિસ વે મેમ ! ” એ ક્રિષ્નાને એક બેડરૂમમાં લઇ ગઈ અને બાથરૂમ બતાવ્યું. પરવારીને ક્રિષ્ના પાછળ બગીચામાં પહોંચી ત્યારે એક ઉંમરલાયક માજી પારિજાતના ઝાડ નીચે ગોઠવેલા ટેબલ પર વાનગીઓ ગોઠવી રહ્યા હતા. મુરલી ક્યાંય દેખાતો ન હતો. રોઝી ઘરમાં પાછી જતી રહેલી. ક્રિષ્નાને થયું કે આ બેન મુરાલીના મમ્મી હશે. એણે એમની પાસે જઈ બે હાથ જોડી નમસ્તે કહ્યું.
પેલા માજી ખુશ થઈને કંઈ કહી રહ્યા હતા પણ ક્રિષ્નાને એમની ભાષા સમજમાં ન આવી. એ કનનડમા બોલતા હતા.
“ તારા માટે એક નાનકડી ગિફ્ટ !” એના કાન પાછળ આવીને કોઈ બોલ્યું. એ અવાજને ક્રિષ્ના ઓળખી ગઈ. મુરલીએ મોગરા અને પારિજાતના ફૂલોથી બનાવેલી વેણી એના ચોટલામા ખોસી. એની તીવ્ર સુગંધથી ક્રિષ્નાનું નાક ભરાઈ ગયું. એને એ સુગંધ ગમી.
મુરલીએ પેલા બંને જણાને કન્નડમા કંઇ કહ્યું. એ લોકો જતાં રહ્યા.
“ એ લોકો ક્યાં ગયા? આપણી સાથે એ નહિ જમે ?”
“ આજનું સ્પેશીયલ ડિનર ફક્ત તારા માટે. ” ત્યાં મુકેલી નાનકડી ચોકલેટ કેકનો એક નાનો ટુકડો કાપી ક્રિષ્ના તરફ હાથ લંબાવતા મુરલી બોલ્યો. ક્રિષ્નાએ એ ટુકડો હાથ વડે પકડી મોમા મૂક્યો ને બીજો ટુકડો કાપી મુરલી તરફ હાથ લંબાવ્યો. મુરલીએ એ ટુકડો સીધો એના મોમાં જ જવા દીધો. “ હેપ્પી બર્થ દે !” ક્રિષ્નાએ હસીને કહ્યું.
“આજનો આ દિવસ, આ રાત મને હંમેશાં યાદ રહેશે. ” મુરલી એક એક બાઉલ પરથી ઢાંકણ હટાવતા કહ્યું.
રીંગણનું ભરતું, બટેટાની શુકી ભાજી, મસાલા ખીચડી, કઢી અને મેથીના થેપલા……આવું મેનું અહી મળશે એવું તો ક્રિષ્નાએ ધાર્યું જ ન હતું. કેટલાયે દિવસોથી ગુજરાતી ખાવાનું ખાવા તરસતી ક્રિષ્નાને અમદાવાદમાં પણ આવું ખાવા નહતું મળ્યું. એ ખુશ થઈ ગઈ. ચારે બાજુથી આવતી ફૂલોની સરસ સુવાસ વાતાવરણને અનોખી દિવ્યતા બક્ષતી હતી. થોડે દૂર લટકતા બ્લબમાંથી આછો પીળો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ક્રિષ્ના પેટ અને મન ભરીને જમી.
“ જમવાનું ખૂબ સરસ હતું. મે વિચાર્યુ જ નહોતુ કે અહીં આટલું મસ્ત ગુજરાતી જમવા મળશે. ”
“ તું અહીં આવવાની હતી, મને ખબર હતી એટલેજ તારા માટે ખાસ બનાવડાવેલું. ” બે જણા માટેના નાનકડા ટેબલની સામી બાજુએ બેઠેલો મુરલી બોલ્યો.
“ મુરલી તું એક સરસ છોકરો છે. તું જીવનભર મને એક દોસ્ત તરીકે યાદ રહીશ. ” ક્રિષ્ના મનમાં શબ્દો ગોઠવીને ખૂબ સાવચેતીથી બોલી રહી. એણે મુરલીનું દિલ ના દુભાય એ રીતે એનાથી દૂર થવા સમજાવવો હતો.
“ હું તારો દોસ્ત છું જ નહીં. જે વાત મેં તને મંદિરે પૂછેલી એની પર હું આજે પણ મક્કમ છું અને તારી હા સિવાય હું કંઈ સાંભળવા માંગતો પણ નથી. ”
“ મુરલી તું સાવ જડ જેવી વાત ના કર ! ક્યાંયે જોયું છે કોઈ છોકરો છોકરી ને જુએ એવો જઈને કહીઁદે, આઇ લવ યુ અને પેલી એની વાત માની જાય. ”
“ એટલે તું શું કહેવા માંગે છે, મારે પહેલાં થોડા દિવસ દોસ્ત બનવું પછી ધીરે ધીરે, લાગ જોઈને એક એક પગલું મૂકતા મૂકતા વરસે બે વરસે મારા પ્રેમનો એકરાર કરવો ? ” મુરલી હસી પડ્યો, “ તું છેને શાહરુખ સલમાનના પિચ્ચરો જોવાનું બંધ કર અને સાઉથની પિચ્ચરો જોવાનું ચાલુ કર !”
“ એટલે ? ”
“ એટલે એમ કે તે બાહુબલી જોયું ? ”
“ હા. બંને ભાગ. ”
“ તો એમાં એક વાત નોટિસ કરી , મહેન્દ્ર બાહુબલિએ છોકરીનું ફક્ત માસ્ક જોયું ને એનો પિંછો કરતો કરતો એના ઘરે પહોંચી ગયો. પહેલીજ મુલાકાતમાં પેલીને પ્રેમનો અહેસાસ કરાવી દીધો ! એનો બાપ અમરેન્દ્ર બાહુબલી, જંગલમાં છોકરી જોઈ, એનો પીંછો કરતો એના મહેલમાં ઘુસી ગયો તે છેલ્લે એને સાથે લઈને ઘેર પાછો ગયો. આને કહેવાય પ્રેમ ! મેં તો હજી એક કિસ જ કરી છે, એય અડધી મદહોષ સ્થિતિમાં !”
“ વાહ ! શું ફિલોસોફી છે ! હવે મને મારી રૂમ પર મૂકી જઈશ ?”
“ પાંચ મિનિટ પછી. મારે તને કંઇક દેખાડવું છે. ચાલ !”
“ ક્યાં જવાનું છે ?” બોલતી ક્રિષ્ના ઊભી થઈ અને મુરલીની પાછળ ગઈ.
મુરલી એને ઉપરના એક રૂમમાં લઈ ગયો અને એક ફોટો તરફ આંગળી ચીંધી. “ મારી મમ્મીનો ફોટો છે !”
હવે ચોંકાવાનો વારો ક્રિષ્નાનો હતો. એ ફોટોમાની સ્ત્રી કેટલીક હદે એના જેવી દેખાતી હતી ! એણે સાડી પહેરેલી હતી. માથામાં મોટો ગોળ ચાલ્લો કરેલો, બહુ બધા સોનાના દાગીના પહેરેલી એ સ્ત્રીનો ચહેરો ઘણી હદે ક્રિષ્નાને મળતો આવતો હતો.
“ મારી મા, હું એને ખુબજ ચાહતો હતો. એ એક પ્રોફેસનલ સિંગર હતી ઘણી બધી ફિલ્મોમાં એણે ગીતો ગાયેલાં. ત્યારે અમે મુંબઈમા રહેતા હતા. મારા પપ્પા એન્જીનીયર હતા. એ વાંસળી વગાડતા. મમ્મી ગીત ગાતી હોય અને પપ્પા વાંસળી વગાડતા હોય એ અમારે રોજનું હતું. મને એ ખૂબ ગમતું. અમારા ત્રણ જણાની દુનિયામાં મ્યુઝિક માટે અલાયદું સ્થાન હતું. એક સ્ટેજ શો માટે એનેે પુના જવાનું હતું. એ દિવસે મને જરાક તાવ જેવું હોવાથી મને ઘરે રાખી એ એકલી ડ્રાઇવર સાથે પુના જવા નીકળેલ. પપ્પાને એ દિવસે એક જરૂરી મીટીંગ હતી, સાંજે મને સાથે લઈને એ પુના મમ્મી પાસે જવાના હતા. એ સાંજે હું તૈયાર થઈને બેઠેલો. અમે લોકો બસ નીકળવાના જ હતા કે એક ફોન આવેલો. મેં જ એ ફોન લીધેલો સામેથી કોઈએ કહયું કે, અમારી ગાડીનો અકસ્માત થયો છે અને એમાંના એક બહેન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે……..!”
થોડીવાર અટકીને મુરલીએ ફરી વાત શરૂ કરી. “ થોડા દિવસોમાં પપ્પા પણ એટેકથી મૃત્યુ પામ્યા ! રહી ગયો એકલો હું ! આટલી મોટી દુનિયામાં એકલા રહી જવું કેવું હોય એ સમજતા મને વધારે સમય ના લાગ્યો. બધા સગાંવહાલાં, એ નિર્માતા જેમની સાથે મારા પરેન્ટ્સ કામ કરતા હતા એ બધા આવ્યા અને ગયા. થોડાક દિવસો બાદ હું એકલો હતો, અસહાય. મારા દાદા મને લઈને અહી આવી ગયા. એ વખતે હું પંદર વરસની હતો. મારી મમ્મી સિવાય બીજી કોઈ સ્ત્રીને મે ઘરમાં જોઈ ન હતી. એજ મારું સર્વસ્વ હતી. એની ખાલી જગા મારા દિલમાં ખાલી જ રહી. એનો અવાજ મારા કાનોમા ગુંજતો રહેતો. હું એટલાથી સંતોષ માનીને ખુશ હતો.
પછી એક દિવસ મને અચાનક એવો જ અવાજ સંભળાયો, મને થયું કે એ મારો વહેમ હશે ! પછી મેં તને જોઈ અને હું ફરીથી ઈશ્વર પર ભરોસો કરતો થઈ ગયો ! એક વખતે મને થયું કે મારા પર હવે કદાચ નિયતિને તરસ આવી ગઈ અને એટલેજ તને અહી મોકલી ! તને એવોજ ચહેરો આપ્યો છે ભગવાન જેને હું પ્રેમના પ્રતીક તરીકે આખી જિંદગી જોતો આવેલો. ”
મુરલી એક બાજુ દીવાલને અઢેલીને બારી પાસે ઉભેલી
ક્રિષ્ના પાસે પહોંચ્યો. “ એ દિવસે હું વરસો બાદ ફરીથી મંદિરે જવાનો હતો. ભગવાન પાસે તને માંગવા ! ઊંટમાં તું ઘણીવાર દેખાયેલી મે તારા ફોટા લીધેલા પણ પછી તને ક્યાં શોધવી ? ભગવાનનો જ આશરો હતો, ને ભગવાને મારી વાત સાંભળી! તે સામેથી મને બોલાવેલો. તારું કમ્પ્યુટર રીપર કરવા. મને વિશ્વાસ થઈ ગયો કે તું મારા માટેજ આ દુનિયામાં આવી છે. મને એમ કે તું પણ મારા જેવું જ વિચારતી હોઈશ એટલે મેં ભગવાનની સાક્ષીએ તારા સવાલનો જવાબ આપતા મારા દિલની વાત પણ કહી દીધી. તે જ પૂછેલુંને કે, મે તારા ફોટા કેમ લીધા હતા ? તે દિવસે તું રાત્રે મારા ઘરે આવી, મારા જ બગીચામાં ત્યારે મને મારી જાતને રોકાવાનું યોગ્ય ના લાગ્યું, મને થયું કે નિયતિએ તને મારી સામે આવી રીતે કોઈ બહુ જરૂરી કાર્યને અંજામ આપવા જ લાવી મૂકી છે. મને ખરેખર ખબર ન હતી કે એ એક સપનું હતું કે હકીકત પણ, એ જે હોય એને મેં હકીકતમાં બદલવાનો સંકલ્પ કરી લીધો હતો. મે તને, તારા હોઠને સ્પર્શીને તારા દિલની ગહેરાઈમા ડોકિયું કરેલું અને સાચું કહું ત્યારથી લઈને આજ સુધી મે તને મારી પત્નીના રૂપે જ જોઈ છે ! ”