Home Story નિયતિ – પ્રકરણ ૧૨

નિયતિ – પ્રકરણ ૧૨


વિમાન આકાશમાં ઉપર જ​ઈ થોડું સ્થિર થયુ કે તરત ક્રિષ્નાએ એનો સીટ બેલ્ટ ખોલી નાખ્યો. એરપ્લેનમોડ પર મુકેલો ફોન હાથમાં લ​ઈ ઘરેથી આવેલા મેસેજીસ જોઇ લીધા. આજે તો આખીરાત જાગીને મમ્મી પપ્પા સાથે વાતો કરીશ એમ વિચારતી ક્રિષ્નાએ અત્યારનો સમય ઊંઘ પાછળ ફાળ​વ્યો…..

દોઢેક કલાકની આછી પાતળી ઊંઘ પછી એની આંખો ખુલી ત્યારે એનું વિમાન અમદાવાદ પરથી ઉડી રહ્યું હતું. આકાશમાં અંધારું છવાયેલું હતું પણ, નીચે નાની નાની, ચમકતી ગોળીઓ જેવી લાઇટ દેખાતી હતી જે અમદાવાદના ભરચક એરીયાની ચાડી ખાતી હતી. રોડ પરના થાંભલા પર, દુકાનોમાં, ફ્લેટના હર​એક માળ પર, રોડ પર દોડી જતા વાહનો પર દરેકને અત્યારે ફક્ત એકજ ઓળખ હતી, એના પરના ચાલુ વીજળીના ગોળા !
અમદાવાદ એરપોર્ટ પર પગ મુકતાજ ક્રિષ્નાને ઘરે આવ્યાની લાગણી થ​ઈ આવી. આસપાસની ભીડ સાવ અજાણી હોવા છતા પોતાની લાગી. કદાચ એ બધાની બોલી પોતે સમજી શકતી હતી એટલે !

ક્રિષ્નાએ એના પપ્પાને ના પાડી હતી લેવા આવવાની, એમને હ​વે રાત્રે ટ્રાફીકમાં ગાડી ચલાવતા ફાવતું ન હતુ, ઉંમરની સાથે આંખો નબળી થ​ઈ ગ​ઈ હતી. ક્રિષ્નાએ કહેલું કે, પોતે ઓટૉમાં આવી જશે. એ જેવી એરપોર્ટની બહાર આવી ત્યાંજ એણે પાર્થને જોયો.

ડાર્કબ્રાઉન કલરનું પેંન્ટ અને એકદમ આછા પીળા રંગનું શર્ટ વ્ય​વસ્થીત રીતે પેંન્ટમાં ખોસેલું હતું. ગોલ્ડન ફ્રેમના એકદમ હલકા ચશ્મા એ પહેરતો એમાં એ હતો એના કરતાય વધારે જેંટલમેન લાગતો. પાંચ ફૂટ દસ ઇન્ચ ઊંચો પાર્થ ફિલ્મી હિરો અક્ષયકુમારની કાર્બન કોપી જેવો હતો. ક્રિષ્ના ઘણીવાર એને મજાકમા એને અક્કી કહીને બોલાવતી. એ અત્યારે ક્રિષ્નાને લેવા આવ્યો હતો. બધા ડ્રાઇવર એમના હાથમા એમના મહેમાનના નામનું પાટિયું લ​ઈને ઊભા હતા ત્યાં એ પણ ઊભો હતો.

“ હાય….હીરો ! તું અહીં શું કરે છે ?” ક્રિષ્નાએ એની પાસે જ​ઈને કહ્યું.

“ તને જ લેવા આવેલો. તું અહિં જ ઊભી રહે હું ગાડી લ​ઈ આવું. ” ક્રિષ્નાની હેંન્ડબેગ પોતાના હાથમાં લેતા પાર્થે કહ્યું.

“ ગાડી અહીં પાર્કિંગમાં જ છેને, ચાલ આપણે સાથેજ જ​ઈયે. ” ક્રિષ્નાએ એની બેગ પાછી લેવા હાથ લંબાવી કહ્યું.

“ ઓકે ! ” પાર્થ બેગને એના ખભે ભરાવી, ભીડમાં રસ્તો કરતો આગળ થયો. ક્રિષ્ના એની પાછળ પાછળ ચાલી.

સાત કદમ સાથે ચાલી એટલે તું મારી દોસ્ત બની, મુરલીએ કીધેલું અચાનક એને યાદ આવી ગયુ. પાર્થ એનાથી ત્રણેક ડગલા આગળ ચાલતો હતો ક્રિષ્નાએ થોડી ઝડપ વધારી, એને પાર્થના કદમ સાથે કદમ મિલાવી ચાલ​વું હતું. બહું બધી વાતો કર​વી હતી. પાર્થે એની ગતિ ઔર તેજ કરી અને એ પહેલો ગાડીએ પહોંચી ગયો, એકલો !

“તું કેટલું ઝડપભેર ચાલે છે, હું તો થાકી ગઈ! ” ક્રિષ્નાએ હાંફતા હાંફતા કહ્યું, “ લાવ ચાવી આપ. હું ડ્રાઇવ કરીશ.”

“ ના હો, આટલા ટ્રાફીકમા નહીં. ” પાર્થે ડ્રાઇવિંગ સીટ પર બેસતા કહ્યું.

“ તું મને છેલ્લા ત્રણ મહિનાથી મેદાનમાં જ પ્રેક્ટિસ કરાવે છે પછી રોડ પર હું ક્યારે ચલાવીશ.”

“ મેદાનમાં બરોબર ચલાવતા શીખી જાય તો તને રોડ પર આપુને ! હજી ક્લચ બ્રેક પર તારે પ્રેક્ટિસની જરૂર છે બકા ! ” પાર્થે એકદમ હળવાશથી કહ્યું.

ક્રિષ્ના ઘરે પહોંચી ત્યારે એના મમ્મી પપ્પા એની રાહ જોતા બહાર જ હીંચકે બેઠા હતા. દીકરીને જોતાજ બંને ઊભા થઈ ગયા. ક્રિષ્ના બંનેને ભેટી પડી.

“ બાપરે ! કેટલી દુબળી પડી ગઈ છે, ખાવાનું ખાય છે કે નહીં ? તારા ગાલ તો જો કેવા ફિક્કા પડી ગયા છે, ગઈ ત્યારે તો ટામેટા જેવા લાલ હતા. ” જશોદાબેને દીકરીને માથે હાથ ફેરવતા કહ્યું.

“ ચલ હવે અંદર જઈને વાત કરીએ. એ થાકી હશે. એના અને પાર્થ માટે ચા લઈ આવ.” વાસુદેવભઇએ ક્રિષ્નાને અંદર લઇ ગયા.

થોડીક વાતો થતી ગઈ. પછી બધા સાથે જમવા બેઠા.

“ બરોબરની ભૂખ લાગી છે. શું બનાવ્યું ? ” ક્રિષ્ના ટેબલ પર પડેલા બાઉલને ખોલતા બોલી. એમાં પનીરની કોઈ વાનગી હતી. “ કેમ પંજાબી બનાવ્યું છે, અત્યારે સાંજે ? ” નવાઈની વાત હતી, ક્રિષ્નાના પપ્પાને ગેસની તકલીફ થતી હતી એટલે સાંજે મસાલેદાર વાનગી ઓછી જ બનતી.

“ અરે દીકરા, પાર્થકુમારને પણ જમવા બોલાવેલા પછી સાવ સાદું સીધું તો ના જ બનાવાય ને ! લેજો હો પાર્થકુમાર જરાય સંકોચ ના રાખતા. આ ખસતા પરોઠા ખાસ તમારા માટે જ બનાવ્યા. ”

જશોદાબેન એમના લાખેણા કુમારને પ્રેમથી આગ્રહ કરી કરીને જમાડતા ગયા. ક્રિષ્નાને આજે પહેલીવાર એનાજ ઘરમાં એના કરતા કોઈ બીજાને વધારે મહત્વ મળતું હોય એમ લાગ્યું….. ખાનગીમાં એણે પપ્પા આગળ ગુસ્સો પણ બતાવ્યો.

જમ્યાબાદ બધા આરામથી વાતો કરતા બેઠા. ક્રિષ્નાએ એની ઓફીસની વાતો કરી. એણે શક્ય એટલું સારું સારું જ જણાવ્યું. એણે ઘડીયાળમા નજર કરી દસ વાગી ગયા હતા. હજી પાર્થ એના ઘરે જવાનું નામ ન હતો લેતો. એના મનમાં મુરલી વિશે વાત કરવાની ચટપટી થતી હતી પણ, એ બધું પાર્થ આગળ નહતું કહેવું. મમ્મી આગળ પણ નહિ ફક્ત પપ્પા સાથે વાત કરવી હતી. એણે વાસુદેવભાઇને ઉપર ધાબે જવાનો ઈશારો કર્યો. એ ઈશારો જશોદાબેન જોઈ ગયા. એમને થયું કે, ક્રિષ્ના શરમાઈ રહી છે ! પપ્પા સામે પાર્થ સાથે વાત કરતાં અચકાય છે !

“ ચાલો આપણે સુવા જઈએ. છોકરાંઓને આપણી હાજરીમાં સંકોચ થાય. ઘણા દિવસે મળ્યા છે તે છો ને વાતો કરતા. જાઓ તમે તમારા રૂમમાં ઉપર જઈને બેસો, અહીં બહુ ગરમી છે. ” જશોદાબેન બોલ્યા.

“અરે પણ એને મારી સાથે વાતો કરવી હોય. ” વાસુદેવભાઇ એ અકળાઈને કહેલું.

“ ઇ બધું સવારે ચાલો આત્યારે ! તમે તો કંઈ સમજતા જ નથી. જલદી ઊભા થઈ જાવ હવે. ” જશોદાબેન જાણે કઈંક બહું સરસ કામ કર્યું હોય એમ મલકાતા વાસુદેવભાઇ ને સાથે લઈને એમના રૂમમાં જતા રહ્યા.

“ હરખપદુડા થઈ ગયા કે હજી કઈ બાકી રહી જાય છે ? સાવ બોડથલ જ રહેવાના તમે ? પેલી છોકરી બિચારી પેલ્લી વાર આમ ઘરથી દૂર, બહાર એકલી રહેતી હોય તો એ ઘરે આવે ત્યારે એને આપણી સાથે કઈ વાત વગત કરવી હોય, શાંતિથી બેસવું હોય પણ ના જાવ ઉપર…..!!” વાસુદેવભઇએ પાર્થ આગળ કાબૂ કરી રાખેલો ગુસ્સો એમના રૂમમાં જતા જ વરસી પડ્યો.

“ હા પણ મને એમ કે એ બંને જણાં એકબીજા સાથે….” વાસુદેવભાઇ પોતાને ઘુરકીને જોઈ રહ્યાછે એ જોઈ જશોદાબેને વાક્ય અધૂરું છોડ્યું.

ક્રિષ્ના કમને ઉપર ગઈ. એનો સૂવાનો રૂમ એમનો એમ હતો જાણે એ ક્યાંય ગઈ જ ન હોય. દરેક ચીજ એની જગાએ વ્યવસ્થિત ગોઠવાયેલ હતી. એની પસંદીદા બાર્બીના ફોટો વાળી ચાદર જોઈને એ મનોમન ખુશ થઈ ગઈ. આટલા પ્રેમાળ માબાપ આપવા બદલ એ ભગવાનનો આભાર માની રહી.

“ નાઇસ રૂમ ! ” પાર્થ વાત શરૂ કરવા બોલ્યો.

“ આ મારી સૌથી વધારે ગમતી ચાદર છે, જ્યારે પણ હું ચાદર ખરીદવા સાથે ગઈ હોવ ત્યારે સુંદર બાર્બીનો ફોટો હોય એવી જ ચાદર ખરીદવા કહું.” ક્રિષ્ના ભાવુક થઇ બોલી રહી હતી. એણે થોડી ચુસ્ત ટીશર્ટ અને જીન્સ પહેરેલું. એની લાલ રંગની ટીશર્ટમાથી એની લાંબી, પાતળી, નાજુક ગરદન ખૂબ સુંદર લાગી રહી હતી. પાર્થની નજર એની ગરદન પરથી સરકતી સરકતી એના સીના આગળ આવીને અટકી હતી. અચાનક ક્રિષ્નાનું એ તરફ ધ્યાન જતા પાર્થે એની નજર હટાવી લીધી. ક્રિષ્ના એ જોઈ સહેજ હસી પડી.

પાર્થને થયું કે એને આમ શરમાવું ના જોઈએ. એના દોસ્તોએ એને ઘણી બધી શિખામણ આપી હતી. છેલ્લા ચાર વરસથી એ ક્રિષ્નાની આસપાસ ચક્કર કાપતો હતો પણ, એને કહેવાની હિંમત ન હતી ચાલતી. આખરે દોસ્તોએ જ બરોબર પાનો ચડાવવો પડેલો, એને ક્રિષ્નાને પ્રપોઝ કરવા માટે ! અને એનું જ પરિણામ હતું કે એ અત્યારે આમ ક્રિષ્નાના રૂમમાં એકલો એય એના માબાપની ઈચ્છાથી ઊભો હતો…

એ ધીરેથી ક્રિષ્નાની નજીક ગયો. એનું અંગેઅંગ કાંપી રહ્યું હતું છતાં કોઈ અજીબ સંવેદનને વશ એ ક્રિષ્નાની લગોલગ જઈને ઊભો રહ્યો હતો. ક્રિષ્ના એના પર્સમાં કંઇ શોધી રહી હતી, પાર્થ તરફ એનું ધ્યાન જ ન હતું. પાર્થે એનો ધ્રૂજતો હાથ લંબાવીને ક્રિષ્નાની પીઠ પર મૂકવા પ્રયાસ કર્યો, એ સમયે એ ઊંધી ફરીને એના કોરનર ટેબલ પર મોબાઇલ ચાર્જ કરવા મૂકી રહી હતી. હવે આજ વખતે ક્રિષ્ના અવળી ફરી હતી, પાર્થનો હાથ પાછળ પીઠને બદલે આગળ છાતી પર મુકાઇ ગયો…

“ પાર્થ ? તું ભાનમાં તો છેને ? શું કરી રહ્યો છે તું ?” ક્રિષ્નાએ ગુસ્સાથી પાર્થનો હાથ હટાવી દીધો. એના મોં પર અણગમો સાફ સાફ દેખાઈ આવ્યો. ખબર નહીં કેમ પણ પાર્થનું અડકવું ક્રિષ્નાને પસંદ નહતું આવ્યું.

ક્રિષ્નાનું વર્તન પાર્થ માટે આઘાતજનક હતું. એ વરસોથી ક્રિષ્નાને અડવાના સપના જોતો હતો. સપનામાં તો એને હંમેશા સારો પ્રતિભાવ જ મળેલો તો આજે આમ કેમ ? એને એમ કે ક્રિષ્ના થોડીઘણી શરમાસે, હસી પડશે પણ…

“ તું શું કરી રહી છે ? મેં તારી સાથે કંઈ ગલત તો નથી કર્યું. હા ભૂલથી મારો હાથ કદાચ ગલત જગાએ અડી ગયો તો શું ? આપણે હવે જીવનભર સાથે છીએ તો ક્યાંકથી તો શરૂઆત કરવી પડશેને ! ” પાર્થને નહતું બોલવું છતાં બોલાઈ ગયું.

પાર્થ માટે હવે અહીં ઉભા રહેવું આસાન ન હતું. એને ઘણી વખત લાગતું કે એકલો જ ક્રિષ્નાને ચાહે છે ક્રિષ્ના એને પ્રેમ નથી કરતી છતાં કદાચ સ્ત્રીસહજ શરમ હશે, મર્યાદા હશે એમ વિચારી એ મનને મનાવતો પણ આજે એ ખરેખર દુખી થયો હતો. એ ચાલ્યો ગયો.

ક્રિષ્ના એને જતો જોઈ રહી. એ જો ઈચ્છત તો એને રોકી શકત પણ એ એમ ના કર્યું. કેમ ? એનો જવાબ તો એની પાસે પણ ન હતો ! પાર્થને ખોટું લાગી ગયું હશે.. એ વિચારી રહી. વાંધો નથી એને હું સવારે મનાવી લઈશ. મનોમન વિચારી કરતી એ કપડાં બદલી પલંગ પર આડી પડી. એનો હવે પપ્પા સાથે વાત કરવાનો પણ મૂડ ન હતો. પાર્થ હાજર હતો ત્યારે મોબાઈલ સ્ક્રીન પર એણે મુરલીનો ઇન્કમિંગ કોલ જોયેલો અને એ ભડકી ગયેલી , એક પળ એને થયેલું જાણે પાર્થ એને અને પોતાને એકસાથે મુરલીના ઘરની પાછળના મોટા વાડામાં સાથે ઉભેલા જોઈ રહ્યો હોય! ફોન બંધ કરી, એને ચાર્જિંગમાં મૂકી એ પાછળ ફરી હતી અને એજ વખતે પાર્થનો હાથ એના સીના પર આવેલો…….એને ગુસ્સો આવી ગયેલો પણ કોની પર ? પાર્થ પર ? મુરલી પર ? પોતાના પર ? શા માટે ?

સવાલ પર સવાલ ખડા થતાં હતાં અને જવાબ એકેનો ન હતો ! જવાબ ફક્ત નિયતિ પાસે હતો અને એનો હાલ જવાબ આપવાનો કોઈ ઈરાદો લાગતો ન હતો………
બીજે દિવસે સવારે એ ઉઠી ને નીચે આવી ત્યારે જ એની મમ્મીએ જણાવેલું કે આજે પાર્થના કાકાના છોકરાના લગ્ન છે અને એમને બધાને જવું પડશે. પાર્થ એને લેવા આવવાનો છે એ જટ સાડી પહેરી તૈયાર થઈ જાય. જશોદાબેન અને વાસુદેવભાઇ પાછળથી આવે જ છે. ક્રિષ્નાનું જરાય મન ન હતું બહાર જવાનું છતા પાર્થને ખોટું ના લાગે એટલે એ તૈયાર થઈ ગઈ.

——————————  પ્રકરણ ૧૩ વાંચવા માટે અહિં ક્લીક કરો ———————————————-

લેખિકા: નિયતી કાપડિયા.